સમયપાલન - 1
November 19, 2017
વિશ્વની તમામ શક્તિઓનો સંગ્રહ શક્ય છે. પણ એક એવી શક્તિ જેનો સંગ્રહ શક્ય નથી તે છે ‘સમય’ આ સમયનું આપણા જીવનમાં શું અને કેટલું મહત્વ છે તે સમજીએ…
જો હંમેશાં તેજી સે ચલતા હી રહતા હૈ । કભી રુકને કા નામ નહિ લેતા । ફિર ભી વો હમારે જીવન કા અતિ મહત્ત્વપૂર્ણ હિસ્સા હૈ, વો કૌન હૈ ? વો હૈ વક્ત (સમય) !!
અદ્યતન ટેક્નૉલોજીના ભૌતિકવાદમાં હરણફાળ ભરી રહેલા આજના આ યુગમાં માનવીએ વિજ્ઞાનની અવનવી શોધથી અશક્ય કાર્યોને શક્ય બનાવ્યાં છે. જળ, વાયુ, પ્રકાશ, વીજળી જેવાં નૈસર્ગિક પરિબળોને તેની અગાધ શક્તિ સામે બાથ ભીડીને રોક્યા છે. માનવીએ તેનો સંગ્રહ કર્યો છે. ગતિમાન પદાર્થોને રોક્યા છે પરંતુ અદ્યાપિ કોઈ વ્યક્તિ સમયને રોકી શકી હોય તેવું બન્યું નથી.
તેથી સમયનું મૂલ્ય દર્શાવતાં કહેવાયું છે કે,
Time is free, but it’s priceless.
You can’t own it, but you can use it.
You can’t keep it, but you can spend it.
Once you have lost it, you can never get it back.
અર્થાત્
સમય અમૂલ્ય છે, છતાંય મફત છે.
તમે તેને વાપરી શકો છો પણ તેના માલિક નથી થઈ શકતા.
તમે તેને ખર્ચી શકો છો પણ પકડી નથી શકતા.
તેને એક વાર તમે ગુમાવશો તો ફરી ક્યારેય તે પાછો નથી આવતો.
Lost time is never found again.
અર્થાત્ ગુમાવેલો સમય ક્યારેય પાછો મેળવી શકાતો નથી. આપણા જીવનમાં જે સમય એક વખત આવે છે તેને ફરી ક્યારેય પાછો મેળવી શકાતો નથી એ જ તેનું સૌથી મોટું મૂલ્ય છે. માટે તેનું મૂલ્ય સમજી ખરેખર જે સમયે જે કરવાનું છે તે કરવું જ પડે. તો જ આપણા જીવનમાં પ્રગતિના પંથે, સફળતાના માર્ગે આગળ વધી શકાય.
સમા સમે (દરિયામાં ભરતી આવ્યે ૧૨ મિનિટ સુધી પાણી કાંઠે સ્થિર રહે છે તે સમય) સાવધાન રહેવું પડે, નહિ તો તણાઈ જવાય. એમ જીવનમાં સમય પરત્વે નિરંતર સાવધાન રહેવું પડે. ભૂતકાળમાં લોકો કાંડે ઘડિયાળ નહોતા બાંધતા છતાં તેમને સમયની છત હતી જ્યારે આજે આપણે કાંડે ઘડિયાળ બાંધીએ છીએ છતાં સમય ઘોડાવેગે ચાલ્યો જાય છે. કારણ કે મળેલા સમયનું યોગ્ય મૂલ્ય નથી સમજાયું; નહિ તો એ સમયમાં મારે શું કરવાનું છે તે નક્કી થાય અને તે પ્રમાણેનું આયોજન પણ થાય જ.
Time is gold but punctuality is platinum અર્થાત્ સમય તો કીમતી છે જ પરંતુ સમયપાલન કરવું એ તો તેના કરતાં પણ વધારે કીમતી છે. સમય તો પાણીના વહેણની જેમ સતત વહેતો જ રહે છે પરંતુ નક્કી કરેલા સમયમાં યોગ્ય રીતે યોગ્ય પદ્ધતિથી ધારેલાં તમામ કાર્ય પૂરાં થાય તો તેને સમયપાલન કહેવાય. દુનિયામાં કામ તો બધા જ કરે છે પરંતુ સમયાનુસાર જે કાર્ય થાય છે તેનું મહત્વ હોય છે. Punctuality is secret of success and soul of human life અર્થાત્ સમયપાલન એ સફળતાનું રહસ્ય અને મનુષ્યજીવનનો આત્મા છે. જે વ્યક્તિને જીવનમાં સમયપાલનનું મહત્ત્વ સમજાયું હોય અને તેને અનુસરી પૂર્વાપર આયોજન કરી આગળ વધે તેને સફળતા સહજમાં મળતી હોય છે. તેઓ ધારેલા સમયે સુનિશ્ચિત પરિણામ મેળવી શકતા હોય છે. તેઓ સમય અનુસાર ચાલતા હોવાથી સમાજમાં, સત્સંગમાં તેમની એક આગવી છાપ ઊભી થાય છે અને સૌના માનસમાં આદરણીય સ્થાન મેળવે છે.
સમયપાલનની આદર્શ પ્રેરણા મળે તેવા એક આપણા ઘરના જ સભ્ય ખુમાનસિંહભાઈ વર્તમાન સમયે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સંત આશ્રમમાં એક્સચેન્જ પર ૨૦૦૨થી નિઃસ્વાર્થભાવે અવિરતપણે સેવા બજાવી રહ્યા છે. તેમના જીવનમાં રહેલ સમયપાલનનો ગુણ આપણા સૌ માટે પ્રેરણાદાયી છે. ખુમાનસિંહભાઈનો એક્સચેન્જ ઉપર સેવા બજાવવાનો સમય સવારે ૧૦:૦૦થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધીનો છે. સવારે ૯:૫૫ મિનિટે તેઓ સંત આશ્રમના પાર્કિંગમાં પોતાનું વ્હીકલ પાર્ક કરતા હોય અને બરાબર ૧૦:૦૦ વાગે તેઓ એક્સચેન્જ ઉપર સેવામાં હાજર હોય જ. તેમના આ સમયપાલનના ગુણ ઉપર પ.પૂ. સ્વામીશ્રીએ રાજીપો દર્શાવતાં જણાવેલું કે, “ખુમાનસિંહ એટલે Most Punctual. ગમે તેવી ઠંડી-ગરમી હોય કે વરસાદ હોય પરંતુ તેમના આવવાના સમયમાં કદી ફેરફાર થયો નથી. તેમને આવતા જોઈએ એટલે ઘડિયાળમાં જોયા વગર ખ્યાલ આવી જાય કે ૧૦:૦૦ વાગ્યા હશે.”
જ્યારે આપણા જીવનમાં કંઈક આથી વિપરીત પરિસ્થિતિ સર્જાતી હોય. ૧૦:૦૦ વાગ્યાનો સમય હોય તો આપણે ૧૦:૦૦ વાગે ઘરેથી નીકળવાનો સમય માનતા હોઈએ છીએ. ગમે તેવા સંજોગ-પરિસ્થિતિ આવે, ગમે તેટલી રોક-ટોક થાય તોપણ ગુરુવર્ય પ.પૂ. બાપજી કાયમ કહેતા હોય છે કે, “બાપુની ચાલ બદલાય જ નહીં.” એવી સ્થિતિ આપણી હોય છે. બસ, ટ્રેન કે પછી પ્લેનને જવું હોય તો ભલે જાય, પણ આપણી વિચારધારામાં કે આપણી ગતિમાં ફેરફાર કરતા હોતા નથી. જે આપણા જીવનની એક બહુ મોટી કસર કહેવાય.
શ્રીજીમહારાજ પણ સમયપાલનનો અતિશે આગ્રહ દર્શાવતા. પોતાના સંતો-હરિભક્તોના જીવનમાં ઊઠવાનો, સભાનો, સેવાનો, ધ્યાન-ધારણા કે ભજન-ભક્તિ કરાવવાનો સમય સુનિશ્ચિત રાખતા. તેમાં સહેજ પણ સમયનો ફેરફાર ન કરવા દેતા. આપણા જીવનમાં પ્રાતઃકાળે ઊઠવાથી માંડીને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીના ક્રમમાં સમયનું પાલન થવું જોઈએ તેવો આગ્રહ દર્શાવતાં શ્રીજીમહારાજે શિક્ષાપત્રીના ૪૯મા શ્લોકમાં પોતાના આશ્રિતમાત્રને આજ્ઞા કરી છે કે, “અમારા સત્સંગી તેમણે નિત્યે સૂર્ય ઊગ્યા પહેલાં જ જાગવું.”
શ્રીજીમહારાજ અવરભાવમાં મનુષ્યને મનુષ્ય જેવા દેખાતા હતા ત્યારે મંગળા આરતી પહેલાં પરવારી રોજ દર્શન કરવાનો તેમનો નિયમ હતો. એટલું જ નહિ, પોતાના સંતો-હરિભક્તોને પણ મંગળાનાં દર્શનનો આગ્રહ રખાવતા. એમાં જો કોઈ ભૂલ કરે તો શ્રીજીમહારાજ તેમને શિક્ષા કરતા. પ્રસાદીના બે શબ્દ આપતા. આ તેમનો સમયપાલનનો અતિશે આગ્રહ જણાય છે. વર્તમાન સમયે શ્રીહરિની આ રુચિનાં, ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીના જીવનમાં સંપૂર્ણતઃ દર્શન થાય છે. ગમે તેટલા વિચરણમાંથી થાક્યાપાક્યા રાત્રે ૨-૩ વાગ્યે પધાર્યા હોય, અવરભાવની તબિયત નાદુરસ્ત હોય, કેટકેટલાય વિપરીત સંજોગો હોય છતાંય તેઓ કદી મંગળાનાં દર્શન ચૂકે નહીં. એટલું જ નહિ પણ પોતાના સંતો, પાર્ષદો, સાધકો અને હરિભક્ત સમાજ પાસે તેનો વિશેષાવિશેષ આગ્રહ રખાવે છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે Always before time. ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં સમયપાલન માટે અતિશે આગ્રહ જોવા મળે. ગમે તેવા મોટા સમૈયા-ઉત્સવ હોય, સભા કે જ્ઞાનશિબિરો હોય પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી કાયમ નિશ્ચિત કરેલા સમય કરતાં પહેલાં તે સ્થળે અચૂક પહોંચી ગયા હોય. સંતો-હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરે કે, “બાપા, અડધો કલાક વહેલા જઈને આપનો સમય બગડે એના કરતાં થોડા મોડા જઈએ તો ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “રસ્તામાં ટ્રાફિક હોય કે બીજી કોઈ અડચણ આવે તો આપણે મોડા પહોંચીએ. હરિભક્તો આપણી રાહ જોઈને બેસી રહે એ કેવું લાગે ? માટે આપણે શું કરવા મોડું કરવું ? સમય કરતાં વહેલું જ પહોંચવું... તો મહારાજ રાજી થાય.”
ગુરુવર્ય પ.પૂ. બાપજી ગોધર, માલપુર કે અન્ય દૂરનાં સેન્ટરોમાં સમૈયામાં પધારતા હોય એ વખતે સવારે મંગળા આરતી પછી ૬:૧૫ વાગે નીકળી જાય. જો કોઈ સાથે જનારા હરિભક્તોને સ્હેજ આવવામાં મોડું થાય ને ૬:૧૬ મિનિટે આવે તો ગુરુવર્ય પ.પૂ. બાપજીની ગાડી નીકળી જ ગઈ હોય. ગુરુવર્ય પ.પૂ. બાપજી સમયપાલનની ચુસ્તતા બાબતે કદી ઢીલી નીતિ અપનાવતા નથી.
પ.પૂ. સ્વામીશ્રી પણ અવરભાવમાં આખી સંસ્થાનો વહીવટ સંભાળવાનો, સૌ સંતો-હરિભક્તોને આધ્યાત્મિક રીતે બળિયા રાખવાના, સૌને રાજી રાખવાના છતાં સમયપાલનનો અતિશે આગ્રહ દર્શાવે. ગમે તેવી સેવા-પ્રવૃત્તિમાં વ્યસ્ત હોવા છતાં સમયપાલનના અતિશે આગ્રહના દર્શન થાય. AVP કે AYP Camp હોય તો હરિભક્તો તો હજુ સમયે આવ્યા હોય કે ન આવ્યા હોય પરંતુ પ.પૂ. સ્વામીશ્રી તો પધારી જ ગયા હોય. એટલું જ નહિ, સમયપાલન કરવા માટે તેઓ કેટલીક વાર પોતાનો આરામ, જમાડવાનું કે અન્ય સેવાને જતી કરી દે પણ સમય પ્રમાણે વર્તવાનો અને સૌને વર્તાવવાનો અતિશે આગ્રહ જણાવે છે. ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી સ્વયં પરભાવનું જ દિવ્ય સ્વરૂપ હોવા છતાં પોતાના વર્તન દ્વારા આપણને સમયપાલનનો ગુણ દૃઢ કરવાની પ્રેરણા આપે છે.
સમયનું મહત્ત્વ સમજી સમયપાલન માટે કટિબધ્ધ બનીએ તેવી પ્રાર્થના.