સમયપાલન - 2
November 28, 2017
‘Punctuality is a secret of success’ અર્થાત્ ‘સમયપાલન એ સફળતાનું રહસ્ય છે’ સમયપાલનનું મહત્ત્વ જાણ્યા બાદ પણ આપણામાની કઈ ક્ષતિ-ત્રુટિઓ સમયપાલન માટે પડકારરૂપ બની રહે છે તે અત્રે જોઈએ...
સમયપાલનનું મહત્ત્વ, તેનાથી થતા ફાયદા, સમયપાલન ન કરવાથી વેઠવું પડતું ઘણુંબધું નુકસાન - આ બધું જાણતા હોવા છતાં આપણા જીવનમાં સમયપાલન યથાર્થ રીતે નથી કરી શકતા. સંકલ્પ કરવા છતાં પણ નથી કરી શકતા... તો તેનાં કેટલાંક કારણો અને કુટેવો આપણા સ્વજીવનમાં ચકાસીએ અને તેને ટાળવાનો દૃઢ સંકલ્પ કરીએ.
૧. કાર્યોની ડાયરીમાં યાદી બનાવવાને બદલે મનમાં યાદ રાખવાની કુટેવ : આપણને એક આવી કુટેવ પડી ગઈ હોય છે કે કોઈ પણ કાર્ય કરવાનું યાદ આવે ત્યારે ‘મને યાદ જ છે’, ‘સમયે કરી નાખીશ’ એવું વિચારી તેને નોંધતા નથી અને પછી સમય આવ્યે તે ભૂલી જઈએ છીએ. તેથી ક્યારેક ખૂબ અગત્યનાં કામ રહી જાય અથવા તો મોડાં પૂરાં કરતાં હોઈએ છીએ. તો વળી ક્યારેક કરવાનાં કાર્યોની યાદી ન બનાવી હોવાથી અગત્યનાં કામ ભૂલી જવાય છે અને નવાં કાર્યો કરવા, તેનો વિચાર કરવામાં સમય વ્યતીત થતો હોય છે. તેના કારણે આપણે ઘણુંબધું સહન કરવું પડતું હોય છે. માટે અગત્યના કરવાના કામની સૌપ્રથમ નોંધ લખવાની ટેવ પાડીએ.
૨. વર્ક ઑફ પ્રાયોરિટીનો અભાવ : આપણે ડાયરીમાં નોંધેલાં કે યાદ આવે તેટલાં બધાં કાર્યો એકસાથે કરવા માંડતાં હોઈએ છીએ. પરિણામે એકેય કાર્ય સમયસર યોગ્ય રીતે પૂરું થતું નથી કે તેમાં સફળતા મળતી નથી. માટે સૌપ્રથમ કરવાના કાર્યની યાદી બનાવવી, તેમાં કયા કાર્યની કેટલી અગત્યતા છે તે ચકાસવું અને નક્કી કરવું કે કયું કાર્ય પહેલાં શરૂ કરવું છે. ત્યારબાદ નક્કી કરેલા કાર્યને સફળ બનાવવા તેનું યોગ્ય વિભાગીકરણ કરી કાર્ય શરૂ કરવું.
૩. કાર્ય માટેના વાસ્તવિક સમય કરતાં ટૂંકા સમયનું આયોજન : કરવાના કાર્યની અગત્યતા નક્કી કરી કેટલીક વાર આપણે તેના સમયગાળા વિષે વિચાર્યા વિના કાર્ય શરૂ કરી દેતા હોઈએ છીએ. વાસ્તવિક સમયનો વિચાર કર્યા વગર ટૂંકા સમયમાં તે પૂરું થઈ જશે તેવું નક્કી કરી લેતા હોઈએ છીએ. પરંતુ ખરેખર જ્યારે તે કાર્ય કરવાનું થાય તો ઘણો સમય માંગી લેતું હોય છે. માટે કાર્યના વાસ્તવિક સમયનો વિચાર કરી તેનું આયોજન કરી કાર્ય શરૂ કરવું જોઈએ.
૪. હાથમાં લીધેલું કાર્ય અધૂરું છોડી ઢીલી નીતિ અપનાવવી : કાર્યનો વાસ્તવિક સમયગાળો નક્કી કર્યા પછી આપણે કાર્યની શરૂઆત તો પૂરા ઉત્સાહથી કરીએ છીએ પરંતુ થોડા જ સમયમાં આપણો વેગ ઊતરી જાય છે અને દૂધના ઊભરાની જેમ પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં જ બેસી જઈએ છીએ. શરૂ કરેલું કાર્ય ત્યાં ને ત્યાં જ અધૂરી સ્થિતિમાં રહે છે. એમાં પણ પછી ‘ચાલશે’, ‘પછી કરીશું’, ‘હજુ તો ઘણો સમય છે’, ‘છેલ્લા દિવસે તો પૂરું થઈ જશે’, ‘શું ઉતાવળ છે ? શાંતિથી થાય છે’ એવી ઢીલી નીતિ અને વિચારસરણીને આધીન થઈ જતા હોઈએ છીએ, જેથી આપણું કાર્ય સમયસર પૂરું થતું નથી.
Know the true value of time; snatch & enjoy every moment of it. No idleness, no laziness and no procrastination. Never put off till tomorrow what you can do today અર્થાત્ સમયનું મૂલ્ય સમજો અને તક મળતાં ઝડપી લો અને એક એક ક્ષણનો આનંદ માણો. બેસી ના રહો, આળસુ ના બનો, લાસરિયાપણું ન રાખો અને જે આજે કરવાનું કામ છે તેને કાલ પર ન છોડો.
૫. અન્ય સાથે ટોળ-ટપ્પા તથા વાતોમાં અને મનોરંજનના સાધનમાં સમય બગાડવો : માનવસહજ સ્વભાવની ખાસિયત મુજબ બે વ્યક્તિ ભેગી થાય તો વાત કર્યા વિના રહી જ ન શકે. કેટલીક વાર આપણે ઘણું અગત્યનું કાર્ય કરતાં કરતાં બહાર ગયા હોઈએ અને જો કોઈ આડોશી-પાડોશી, મિત્ર કે સગાં-સંબંધી મળી જાય તો તેમની સાથે વાતો કરવામાં, ટોળ-ટપ્પાં કરવામાં કેટલોય સમય વેડફાઈ જતો હોય છે. એ વખતે આપણે શું કરતા હતા તે પણ ભૂલી જઈએ છીએ અને વ્યર્થ વાતો અને પારકી પંચાતમાં આપણો કીમતી સમય ખર્ચી નાખીએ છીએ. આ ઉપરાંત ટી.વી., મોબાઇલ, ઇન્ટરનેટ જેવાં મનોરંજનનાં કે ઇલેક્ટ્રૉનિક્સ સાધનોનો બિનજરૂરી વ્યર્થ ઉપયોગ કરવામાં આપણો અતિ મહત્ત્વનો સમય વપરાઈ જતો હોય છે. જે સમયમાં આપણા જીવનની પ્રગતિ માટેનાં અતિ મહત્ત્વનાં કાર્યો કરવાનાં હોય તેવો કીમતી સમય માત્ર મનોરંજનનાં સાધનોમાં વપરાઈ જતો હોય તો પછી નક્કી કરેલા સમયે આપણું કાર્ય કેવી રીતે પૂરું થાય ?
૬. જિજ્ઞાસાવૃત્તિ : દરેક વ્યક્તિને નવું નવું જોવા-જાણવાની જિજ્ઞાસાવૃત્તિ સતત રહેતી હોય છે. પછી તે જાણવું પોતાના માટે જરૂરી અને ફાયદાકારક છે કે નહિ તે મહત્ત્વનું નથી રહેતું. જે કંઈ નવું જોવા-જાણવા મળે તેમાં પોતાનો મહત્તમ સમય વાપરી નાખવાથી ખરેખર જે કરવાનું હોય તેના માટે સમય જ ન રહે તો પછી તે કાર્ય સમયે પૂરું કેવી રીતે થાય ? માટે આપણે જે ક્ષેત્રમાં જ્યાં જેટલું લાભકારક હોય તેટલી જ જિજ્ઞાસાવૃત્તિ રાખવી એ આપણા હિતમાં છે.
આ ઉપરાંત આપણે જાહેર સૂચનાઓ કે નિયમને ન અનુસરતાં સમયપાલન કરી શકતા નથી. સ્કૂલ-કૉલેજમાં, મંદિરમાં, સભા-મિટિંગ કે અન્ય પ્રોગ્રામમાં, સમાજમાં, બસ-ટ્રેન-પ્લેન જેવી મુસાફરીમાં પણ આપણી ગાફલાઈ તથા સમયની કિંમત ન સમજવાથી સમયપાલન કરી શકતા નથી. માટે આપણા જીવનમાં રહેલી સમયપાલનની કસરને દૂર કરી મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા કટિબદ્ધ થઈએ.
સમયપાલનનો ગુણ દૃઢ કરવા આપણા જીવનમાં આટલું અવશ્ય કરીએ :
૧. સૌપ્રથમ રોજ રાત્રે બેસી વિચાર કરવો કે મારા આખા દિવસનો સમય ક્યાં વપરાયો ?
૨. દિવસ દરમ્યાનના સમયમાં કરેલાં કાર્યોનું વિભાગીકરણ કરીને વિચારવું કે મેં દિવસ દરમ્યાન જે કાર્યો કર્યાં તેમાં ખરેખર જરૂરી - કરવાનાં કાર્યો કેટલાં કર્યાં ?, કરીએ તોપણ ચાલે અને ન કરીએ તોપણ ચાલે તેવાં કાર્યો કેટલાં કર્યાં ? અને ન કરવાનાં કાર્યો કેટલાં કર્યાં ? આવું વિચારવાથી ખરેખર કરવાનાં કાર્ય માટે આપણે યોગ્ય સમય ફાળવીને સમયપાલક બની શકીએ.
૩. આગલા દિવસે રાત્રે બીજે દિવસે કરવાનાં કાર્યો અને તેનું પૂર્વઆયોજન તથા તૈયારી કરવી; જેમ કે બીજા દિવસે સવારે નોકરીના ઇન્ટરવ્યૂ માટે જવાનું હોય તો આગલી રાત્રે જ ટેબલ ઉપર ઇન્ટરવ્યૂ માટેનાં તમામ પેપર્સ, ઘડિયાળ, પેન, પર્સ, ગાડીની ચાવી તથા અન્ય જરૂરી નાનામાં નાની તમામ વસ્તુ તૈયાર કરી દો જેથી સવારમાં દોડભાગ ન થાય અને ટેન્શન વગર તેમજ સમયે આપણે પહોંચી શકીએ.
આ ઉપરાંત બીજા દિવસે સવારમાં, બપોરે અને સાંજે કયાં કામ કરીએ તો ચાલે તેમ છે તે પણ નક્કી કરવું જેથી બીજા દિવસે સવારથી આયોજન અનુસાર કાર્ય થાય. નહિ તો કયું કાર્ય ક્યારે કરવું તે વિચારવામાં સમય જતો રહે અથવા સમયે કોઈ કાર્ય યાદ પણ ન આવે.
૪. દિવસ દરમ્યાન કંઈ પણ કાર્ય કે વાત યાદ આવે તો તેને તરત જ નોંધી લેવી. તેના માટે વિચારવામાં આગળ ન વધતાં જે કાર્ય ચાલુ છે તે પહેલાં પૂરું કરવાની ટેવ પાડીએ. વિદેશમાં તો કારકુનના ટેબલ પર પણ પ્લાનર હોય છે અને તેમાં તે કાર્ય નોંધે છે. માટે આપણે આવી ટેવ પાડીએ.
૫. સમયપાલનનો ગુણ દૃઢ કરવા રીવર્સ પ્લાનિંગ કરતાં શીખવું.
દા.ત. વાસણા દર પૂનમે સમૈયામાં લાભ લેવા આવવાનું હોય તો કેવી રીતે પ્લાનિંગ કરવું ? તો...
પહેલાં પૂનમના દિવસે સભાના સમયે પહોંચવું છે કે આરતીના સમયે ? તે નક્કી કરવું. જો સભાના સમયે પહોંચવું હોય તો... સભા ૧૦:૦૦ વાગે શરૂ થાય છે તો, ૯:૪૫ વાગે વાસણા મંદિરે પહોંચવું પડે તો ઠાકોરજીનાં દર્શન કરી સભામાં પહોંચાય. તેના માટે ઘરેથી મંદિરનો રસ્તો ૩૦ મિનિટનો હોય તો ૯:૧૫ વાગે ઘરેથી નીકળવું પડે. ૯:૧૫ વાગે ઘરેથી નીકળતાં પહેલાં ૮:૪૫ વાગે અલ્પાહાર કરી અન્ય તૈયારી કરવી પડે. મંદિરે પહોંચવાના સમયથી સવારે ઊઠવા સુધીના સમયનું રીવર્સ પ્લાનિંગ વિચારીએ તો ક્યારેય મોડા ન પડાય.
સમયપાલનના ગુણથી સમાજમાં, સત્સંગમાં આદર્શ વ્યક્તિ તરીકેની ગણના થાય. સૌના ભરોસાપાત્ર અને વિશ્વાસુ બની શકાય, તન-મન તંદુરસ્ત રહે, કોઈની શેહ-શરમ ન ભરવી પડે અને સૌના આદરને પાત્ર બની શકાય. માટે સમયપાલનનો ગુણ આપણા જીવનમાં દૃઢ કરવા દૃઢનિશ્ચયી થઈએ... એ જ અભ્યર્થના...
જય શ્રી સ્વામિનારાયણ