સંપ એજ સુખ
April 20, 2012
અત્યારના અત્યંત ઝડપી અને વૈજ્ઞાનિક યુગમાં ‘સંપ’ અને ‘સુખ’ શબ્દોએ જાણે દેશવટો લીધો છે. સંપ શબ્દ એટલો વિશાળ અને ગૂઢ છે કે તેને સમજવો એ ઘણી અઘરી વાત છે. સંપ એટલે સુમેળ. તેથી જ સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કાંઈ અનુચિત વાત નથી. કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે. જ્યાં સંપ છે, જ્યાં સુમેળ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ સદા સુખ છે.
આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે ? પણ સર્વે અંગો વચ્ચે સુમેળ છે, સહકાર છે અને સંપ છે. તેથી જ શરીર સુખમાં જ રહે છે. પણ એમનામાં જ્યારે પણ કુસંપની કે અસહકારની તિરાડ પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે. મિલમાં સાળ ખાતાના મશીનમાં ત્રણ થી ચાર હજાર તાર હોય છે. પણ એમાં જ્યાં સુધી તમામ તાર સંપથી રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે, જ્યારે પણ તેમાંથી એક તાર તૂટે એટલે કુસંપની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય છે. એવી જ રીતે કોઈ પદાર્થ નરમ છે કે કઠણ એ નક્કી કરવા માટે એ પદાર્થના અણુઓનો સંપ હોવો જરૂરી છે. પદાર્થના અણુઓ વચ્ચે વધુ સંપ હશે તો એ એકબીજાની ખૂબ જ નજીક હશે. દા.ત., ‘ધાતુ’ આવા પદાર્થો સહેલાઈથી તોડી, ફોડી કે હલાવી શકાતા નથી. જ્યારે જે પદાર્થમાં અણુઓ વચ્ચે સહકાર કે સંપ નહી હોય એ એકબીજાથી દૂર રહેશે તેવા પદાર્થોને જલદી તોડી કે હલાવી શકાય છે. માટે આપણે સુખ મેળવવા માટે જીવનમાં સંપની શક્તિને પારખી સંઘ શબ્દ લક્ષ્યાર્થ બનાવી જીવનમાં ઉતારવો જોઈએ. પરંતુ દુઃખની વાત એ છે કે ઘરમાં બે–ત્રણ માણસ સાથે રહેતા હોય તોય એકબીજા મોઢું ચડાવીને ફરતા હોય માટે કહ્યું છે, માનવ સંબંધોમાં આવું વિશેષ જોવા મળે છે. પણ બિચારા પશુ – પક્ષી ભણ્યા નથી છતાં તેમનામાં કેટલો સંપ જોવા મળે છે; જ્યારે આજના સુધરેલા માનવી ભણેલા હોય છતાં ઘરમાં સંપની ભાવના ન કેળવી શક્તા હોય તે કેવી હાસ્યાસ્પદ બાબત લાગે છે ! આપણે આપણા ઘરમાં જ સૌપ્રથમ સંપ અને એક્તા કેળવશું તો આપણે કુટુંબ, ગામ, સમાજ અને દેશમાં સંપની વાતો કરી શકીશું. આપણએ સમજીએ છીએ કે નાનું સરખું એક સહજમાં સહજ કાર્ય પણ સંપ વગર થઈ શક્તું નથી અને સંપ હોય તો મોટામાં મોટું કઠીન કાર્ય પણ અઘરું કે અશક્ય રહેતું નથી. એટલે જ કહેવત છે ને કે. “United we stand and divided we tall” સંપ ત્યાં જંપ અને કુસંગ ત્યાં કળી. તથા “ઝાઝી કીડી સાપને તાણે” તથા બે હાથે જ તાળી પડે. વિગેરે જેવી સંપ રાખવાનું સૂચવતી ઘણી કહેવતો આપણે સાંભળેલી છે. છતાં આપણે ભેગા મળી આત્મીયતા નથી કેળવી શક્તા.
ટીટોડીનું દૃષ્ટાંત છે કે સમુદ્ર જેવા સમુદ્રે પણ પક્ષીઓની એક્તા અને એમના સંપની સામે ઝૂકી જવું પડ્યું ને ટીટોડીના બચ્ચાં પાછાં આપી દેવા પડ્યા. બીજા વિશ્વયુધ્ધમાં જાપાનના ઉદ્યોગ સ્થંભસમા નાગાસાકી અને હીરોશિમાં નામના નગરો નાશ પામ્યાં પણ ત્યાંની પ્રજાએ, ત્યાંના ઉદ્યોગકારોએ. સંપના બળને વધુ મજબૂત બનાવ્યું અને સંપના બળે એવો નજીવા સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાના દેશને પહોંચાડી દીધો. આમ, સંપથી જ ગમે તેવા ઉન્નતિના શિખરો સર કરી શકાય છે.
જીવનમાં રૂપિયાથી કે ધનથી સુખી જીવન નથી થવાતું પરંતુ સંપથી સુખી જીવન જીવી શકાય છે. એક ભાઈ ગરીબ હતા તે ઝૂંપડામાં રહે, મજૂરી કરે, છાશને રોટલો માંડ મળે પણ રાત્રે સૂવે ત્યારે ઘરના બધા સભ્યો ભેગા મળી ભગવાનને પ્રાર્થના કરતા કરતા સૂવે. ને સવારે ઉઠે ત્યારે ભગવાનને સંભારે. જ્યારે એક ડોક્ટર હતા. દીકરો એન્જીનીંયર, દીકરી ડોક્ટર, દીકરાની વહુ પણ ડોક્ટર પણ ઘરમાં કોઈનામાં સંપનો છાંટો નથી. બે જણને ઊભા રહ્યે ન બને તરત જ ઝઘડવાનું શરૂ થઈ જાય તો ભગવાન તો કેવી રીતે ભજી શકે ? એટલા માટે જ કરોડપતિ ન હોય, પરંતુ રોડપતિ હોયને એકબીજા પ્રત્યે પ્રેમ હોય, આત્મીયતા હોય તો મહારાજ અને મોટા રાજી થાય. નહિ તો મંદિરમાં આવીને ગમે તેટલી ભજનભક્તિ અને કીર્તનો બોલીએ, માળા ફેરવીએ, અને ગમે તેટલો મોટો કંકુનો ચાંદલો કરીએ પણ કુસંપની નાની સરખી તિરાડ ગમે તેવા મોટા ચાંદલાને ઝાંખો પાડી દે છે.
એક લુહાર વીસ-પચ્ચીસ કુહાડીના હાર લઈને ચાલતો હતો તે જોઈને બાળવૃક્ષો રોવા લાગ્યા ને અંદરો અંદર વાત કરતા કહે, “એક કઠિયારો એક કુહાડીથી કેટલાય ઝાડ કાપી નાખે છે. તો આની પાસે તો વીસ થી પચ્ચીસ કુહાડી છે. તો આપણા કેટલાયનો નાશ કરી નાખશે.” ત્યારે એક વૃદ્ધ વૃક્ષે કહ્યું કે, “આપણામાંથી કોઈ હાથ બનશે તો જ એ કુહાડો આપણો નાશ કરી શક્શે પણ એકલી કુહાડી કંઈ જ નહી કરી શકે.” આમ, ‘ઘર ફૂટે ઘર જાય’ આમ, આપણે ઘરમાં સદાય સંપનું વાતાવરણ રાખવાનો પ્રયત્ન કરવો અને મંદિરમાં પણ સૌની સાથે સંપીને રહેવું જોઈએ, પરસ્પર એકબીજા સાથે વધુ ને વધુ આત્મીયતા કેળવીને મહારાજ અને મોટાપુરુષનો વધુ ને વધુ રાજીપો લેવો જોઈએ. શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં સંપ જોઈને બહુ રાજી થતાં અને તે જોઈને દાદાના દરબારમાં સદાને માટે નિવાસ કરીને રહ્યા... તો શું મહાપ્રભુને આપણા ઘરમાં સદાને માટે નિવાસ કરાવવો છે ? શું આપણા ઘરમાં ઘરના સભ્યો વચ્ચે સંપ નહીં હોય તો શું શ્રીજીમહારાજ આપણા ઘેર નિવાસ કરીને રહેશે ? ના હરગીઝ નહિ શ્રીજીમહારાજને સદા માટે નિવાસ કરાવવો હોય તો ફરજિયાત છે ઘરના તમામ સભ્યો વચ્ચે સંપ, આત્મીયતા હોવી જરૂરી છે.
શ્રીજીમહારાજ જ્યારે વડતાલ પધારે ત્યારે કાયમ વાસણ સુથારના ત્યાં કાયમી ઉતારો કરીને રહેતા. કારણ એક જ હતું કે, તેમના ઘરમાં ચાલીસ મનુષ્યો હતાં, છતાં સર્વે એક રસોડે જમતા અને સંપીને રહેતા. જરા અટકીએ અને વિચારીએ શું મારા ઘરમાં સૌ સભ્યો વચ્ચે સંપ છે ? સૌ એકબીજા સાથે હળીમળીને રહી શકે છે ખરા ? શું મહાપ્રભુ અખંડ નિવાસ કરીને રહી શકે એવું વાતાવરણ મારા ઘરનું છે ? હવે, મહાપ્રભુને અખંડ નિવાસ કરીને રાખવા હોય તો મારે શું કરવું જોઈશે ? તો બસ, સંપીને રહેવું જ છે. મારા ઘરમાં આત્મીયતાનું સર્જન કરવું જ છે. આ વાતનો દૃઢ સંકલ્પ કરીએ અને તે પ્રમાણે વર્તવાની શરૂઆત કરીએ.
બે ભાઈઓ પોતાના પરિવાર સાથે સંપથી એક ઘરમાં સાથે રહે છે. એક દિવસ નાનાભાઈના મિત્રએ તેને વાત કરી કે, “ભાઈ, આ જમાનામાં બે ભાઈઓ ભેગા ના રહેવાય. આ સાંભળી નાનો ભાઈ તેના મિત્રને કહે છે, “ભાઈ, જીવનમાં સંપથી સાથે રહેવામાં જેવું સુખ છે, તેવું ક્યાંય નથી. અમારા સૌના મન એક છે. એટલે અમે સાથે રહી સુખેથી જીવન જીવીએ છીએ.” આમ સંપનો ફાયદો સમજાવતા નાનાભાઈ મિત્રને કહે, “સંપ હશે ત્યાં જ પ્રગતિ છે. સંપ ગયો તે દિવસે પડતીની શરૂઆત થાય. સંપ હોય તો આખી દુનિયાને પહોંચી વળાય માટે સંપીને રહેવામાં જ સુખ છે. એટલે જ કહ્યું છે,”
“જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ,
જો સર્વ ઈચ્છો સુખ સંપ સેવો, સુખપ્રદાતા નથી સંપ જેવો...”
સોની સાથે આત્મીયતા કરવી છે એના એકભાગરૂપે સૌની સાથે સંપીને રહેવું છે. આ માટે બે સૂત્રને જીવનમાં લક્ષ્યાર્થ કરીએ. અને ‘સંપ એ જ સુખ’
સ = સમૂહમાં ઘરસભા, ભોજન અને પ્રાર્થના કરો.
હ = હશે હશેની ભાવના રાખો (ક્ષમા આપો – ક્ષમા માંગો)
ન = નમો અને સૌનું ખમો
શી = શીખો અને શિખવાડો વિનય અને વિવેક
લ = લખતપતિ થવાના અભરખા છોડો
તા = તામસી પ્રકૃત્તિ – ક્રોધ છોડો
અને, સંપ એ જ સુખ એટલે,
સં = સંતાનો માટે જાગૃત બનો
પ = પહેલાનું ભૂલી જાવ
એ = એકબીજાને સમજો
જ = જવાબદારીને નિભાવો
સુ = સુખ દુઃખમાં ભાગીદાર થાવ
ખ = ખરા કર્તા મહારાજને જ સમજો.
સંપ નથી કેળવી શકાતાં એનું કારણ છે સ્વાર્થ. જ્યારે સ્વાર્થથી વાત આવે ત્યારે સર્વે આદર્શો ભૂલાતા વાર નથી લાગતી અને એમ હોવાના કારણ સંપ ટકી શકતો નથી. કોઈનામાં ભલે ગમે તેટલા દોષ હોય, અવગુણ હોય પણ તેના ગુણને ગ્રહણ કરવાનું રાખીએ તો સંપ રહે અને મજબૂત બને માટે નેગેટિવ સાઇડને ન જોતાં આપણે પોઝીટિવ સાઇડ જોતાં શીખવું જોઈએ. અને ત્યારે જ સંપ ટકી શકે. નહિતર માત્ર વાતો કરશું કે વિચારો કરીશું પણ ઉચ્ચ ભાવના જીવનમાં ઉતારીશું નહિ ત્યાં સુધી સુખને અને આપણે મેળાપ થવાનો નથી. સુખએ કોઈ મિલકતલક્ષી, દ્રવ્યલક્ષી કે વસ્તુલક્ષી ખ્યાલ નથી, સંપ એ જ એક માત્ર સુખનું પ્રતીક છે.
અંતમાં ભગવાન સ્વામિનારાયણ, જીવનપ્રાણ બાપાશ્રી, ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્યચરણોમાં એ જ પ્રાર્થના કે, “હે દયાળુ, આપનાં સંકલ્પ છે આ ફેરે દિવ્ય આત્મીયતાનું સર્જન કરવું છે. તો હે દયાળુ અમારા પરિવારમાં દિવ્ય આત્મીયતાનું સર્જન કરી ને અમે આપના સંકલ્પમાં જલદી જલદી ભેગા ભળી શકીએ એવી અમારી ઉપર દયા કરો, કરોને કરો...”