સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-10
November 9, 2020
સાંખ્ય દૃઢ કરવાના ઉપાય
મુમુક્ષુ જ મૂર્તિના સુખને પામવા માટેનું શુદ્ધ પાત્ર છે. મુમુક્ષુમાં જેટલી મુમુક્ષુતાનું પ્રગટીકરણ થાય એટલી જ એની પાત્રતા કહેવાય છે. મુમુક્ષુતા પ્રગટાવવા સાંખ્ય વિચાર એ પાયાનો ફરજિયાત વિચાર છે. અતિ મહત્ત્વના આ સાંખ્ય વિચારને આપણા જીવનમાં દૃઢ કરવાના ઉપાય કરીએ.
મહારાજની મોટપ સમક્ષ માયિક સુખની તુચ્છતાનો વિચાર કરવો :
“એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં.”
સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે, જેને મહારાજના સ્વરૂપનું યથાર્થ મહાત્મ્ય સમજાય તેને આ લોકના કોઈ સુખની ઇચ્છા ન રહે કે ક્યાંય લોભાય પણ નહીં. મહારાજના સુખની આગળ બધું તુચ્છ જ લાગે.
મહારાજનું મહાત્મ્ય સમજાય કે મહારાજ કેવા મોટા અને તેની સમક્ષ પંચવિષયનું સુખ કેવું છે ? આવું સમજાય તેને કેવું વર્તે તે દર્શાવતાં શ્રીજીમહારાજે સારંગપુરના ૧લા વચનામૃતમાં કહ્યું છે કે, “ભગવાનનો મહિમા એમ વિચારે જે હું આત્મા છું, અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે... અનંતકોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ એ સર્વેના સ્વામી જે શ્રી પુરુષોત્તમ તે મુને પ્રત્યક્ષ મળ્યા છે... ભગવાનનું જે એક નિમિષમાત્રનું દર્શન તે ઉપર અનંતકોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાખી દેઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ તો અનંતકોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ ભેળાં કરીએ તોપણ તેના કોટિમા ભાગની બરોબર પણ થાય નહીં... એવા જે ભગવાન તે મુને પ્રગટ મળ્યા છે તેને મૂકીને નરકના કુંડ જેવાં જે વિષયનાં સુખ તેને હું શું
ઇચ્છું ? અને વિષયસુખ તો કેવળ દુ:ખરૂપ જ છે... જેણે એવી રીતે સમજીને વિષયસુખનો ત્યાગ કર્યો તેને પછી વિષયમાં પ્રીતિ થાય જ નહીં.”
લાડુદાનજી ભુજની ‘લખપત પિંગળ પાઠશાળા’માં ૧૦ વર્ષ અભ્યાસ કરી શીઘ્ર કવિ તથા શતાવધ્યાની બન્યા હતા. કવિરાજ પોતાની કવિત્વશક્તિથી ભુજ, કાઠિયાવાડ, જૂનાગઢ, જામનગરનાં રજવાડાંને રાજી કરી અઢળક ધન, સંપત્તિ, દાગીના, જર-ઝવેરાતો મેળવતા ભાવનગર પહોંચ્યા. ભાવનગરના વજેસિંહ બાપુએ તેમની કવિત્વશક્તિથી રાજી થઈ એક એક અંગના સોનાનાં રત્નજડિત આભૂષણો બનાવડાવ્યાં હતાં.
દાગીના ઘડવા આવેલ સોની સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા. તેથી કપાળમાં તિલક-ચાંદલો જોઈ લાડુદાનજીએ તે અંગે પૂછપરછ કરી. વજેસિંહ બાપુએ પણ તેમને સ્વામિનારાયણ સંપ્રદાય એ ‘કળિયુગનું તૂત છે કે સાચી વાત છે’ તેની પરીક્ષા કરવા જવાની ભલામણ કરી.
યુવાનીના જોશમાં માન-સન્માન અને સત્તાના આવેશમાં લાડુદાનજી મહારાજની પરીક્ષા કરવા ગઢપુર આવ્યા. એ વખતે એમની પાસે ૧૦,૦૦૦ રૂપિયા રોકડા, એક લાખ કરતાં વધારે જામશાહી તથા દીવાનશાહી કોરીઓ, ૧૦૧ સોનામહોરો, હીરા-મોતી ને સોનાના દાગીના, ભારે ભારે વસ્ત્રો, મુગટ, શાલ-દુશાલા, સિગરામ અને બેલગાડીના ૨૫ કરતાં વધારે ઘોડા, ઊંટ ને બળદો હતાં. તેમની સેવામાં ૫૦ કરતાં વધારે હથિયારધારી અંગરક્ષકો હતા. આટઆટલી સમૃદ્ધિની છોળો અને પંચવિષયનાં સુખોથી ઘેરાયેલા કવિરાજ લાડુદાનજી શ્રીજીમહારાજની પરીક્ષા કરવા ગઢપુર આવ્યા. પરંતુ મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા જતાં ઓગળી ગઈ અને પોતે દૂધમાં સાકર ઓગળી જાય તેમ શ્રીહરિની મોટપ જાણી આજીવન તેમની પાસે રહી ગયા.
શ્રીજીમહારાજે તેમને જીવુબા-લાડુબાને સંસારમાં પડવા સમજાવવા મોકલ્યા. જીવુબા-લાડુબા તો મોટાં મુક્ત હતાં. તેમને તો સંસાર અસાર જ હતો. સાંખ્ય દૃઢ જ હતું. પણ લાડુદાનજીને મહારાજના મહાત્મ્યની જેમ છે તેમ વાત કરી. તેમને શ્રીજીમહારાજની મોટપ સમજાતાં સંતદીક્ષા લઈ જીવન સમર્પિત કરી દીધું. એટલું જ નહિ, પૂર્વાશ્રમનાં સગાંસંબંધી તથા સગપણ કરેલી કન્યાઓ પાછા લેવા આવ્યાં તોપણ ન ગયા. મહારાજની મોટપની આગળ તેમને વિષયસુખ તુચ્છ થઈ ગયાં.
જોકે આ બધી એમની અવરભાવની લીલા જ હતી. બાકી એ પણ મહારાજના અનાદિ મહામુક્ત જ હતા.
શ્રીજીમહારાજે ભગવાનના સુખને અતિ અધિક જાણે તેને જ બુદ્ધિવાન કહેતાં પંચાળાના ૧લા વચનામૃતમાં કહ્યું છે કે, “પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે ને તે કરતાં રાજાનું સુખ અધિક છે ને તેથી દેવતાનું સુખ અધિક છે ને તેથી ઇન્દ્રનું અધિક છે... ને તેથી વૈકુંઠલોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે ને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે, એવી રીતે ભગવાનના સુખને અતિશે જાણીને બીજા જે જે પંચવિષયનાં સુખ તેને વિષે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે.” એમ વાત કરી મહારાજ ભલામણ કરે છે કે, “આ અમારા વિચારને અતિ દૃઢપણે કરીને હૈયામાં સૌ રાખજ્યો.” કહેતાં અમારી મોટપ જાણ્યા પછી પંચવિષયના સુખને તુચ્છ જાણજ્યો.