સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-11

  November 16, 2020

નાશવંતપણાનો વિચાર :
સાંખ્ય-નાશવંતપણાના વિચારને દૃઢ કરાવતાં શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૩૮મા વચનામૃતમાં કહ્યું છે કે, “માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકારમાત્ર તે સર્વે મિથ્યા છે કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે.” અર્થાત્ સૃષ્ટિમાં જે કોઈ સજીવ કે નિર્જીવ વસ્તુનું સર્જન થાય છે તેનો નાશ આજે નહિ તો કાલે થાય જ છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ અમર રહેતી જ નથી.
ભૂકંપ, સુનામી, પૂર જેવી કુદરતી હોનારતોમાં મહાકાય બિલ્ડિંગોથી માંડી બધું જ જમીનદોસ્ત થઈ જાય છે અને ધૂળ ભેગું ધૂળ થઈ જાય છે. દેહની આંખે જે કાંઈ દેખાય છે તે બધું ધૂળમાંથી જ ઉત્પન્ન થાય છે અને અંતે જાતાં સર્વે નાશ પામી ધૂળમાં જ મળી જાય છે. માટે જે કાંઈ પદાર્થ કે વ્યક્તિ જોવાની, પામવાની કે ભોગવવાની ઇચ્છા થાય, તેની લાલચ જાગે તો તેના પ્રત્યે નાશવંતપણાનો વિચાર કરવો.
સંસારમાં જે કાંઈ છે તે બધું જ નાશવંત છે તેથી જ મોટા સંતોએ સંસારને રંગમંચ, યાત્રા, ધર્મશાળા અને સ્વપ્નનાં રૂપક આપ્યાં છે.
સંસાર એટલે રંગમંચ. રંગમંચ ઉપર જે કાંઈ નાટક ભજવાય છે તેમાં કશું જ સાચું નથી અને કાયમ રહેતું નથી. નાટકનાં પાત્રો રોજ નવાં બને છે અને નાટક પૂરું થતાં બધાં જ પાત્રો નાશ પામી જાય છે. તેમ જીવનરૂપી સંસારમાં કોઈકનું નાટક ૫૦, ૬૦, ૭૦ કે ૧૦૦ વર્ષનું છે જે અંતે નાશ પામે છે.
સંસાર એટલે યાત્રા. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની બસ કે રેલવેની યાત્રા હોય તો રસ્તામાં કેટલાય મુસાફર ચડે છે ને ઊતરે છે. સતત મુસાફરો બદલાતા રહે છે. એવી રીતે સંસારની યાત્રામાં રોજ નવા જન્મે છે અને ઘણા મૃત્યુ પામે છે પણ કોઈ અવિનાશી નથી.
સંસાર એટલે ધર્મશાળા. મુસાફરીમાં વિરામ કરવા માટે ધર્મશાળા હોય છે. ધર્મશાળામાં રોજ નવા મુસાફર આવે છે ને સમય થતાં ચાલ્યા જાય છે તેમ સંસાર ધર્મશાળા છે તેમાં રોજ નવા જન્મે છે અને આયુષ્ય પૂરી થતાં મૃત્યુ પામે છે. કોઈ કાયમી રહેતું નથી.
સંસાર એટલે સ્વપ્ન. સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન આવે ત્યારે સ્વપ્નમાં મનોકલ્પિત સૃષ્ટિ રચાય છે. પંચવિષયો ભોગવાય છે. પરંતુ સ્વપ્ન તૂટતાં સ્વપ્નની સૃષ્ટિનો નાશ થઈ જાય છે. સ્વપ્નમાં મેળવેલી સત્તા, સંપત્તિ કે કાંઈ પણ સ્વપ્ન પૂરું થતાં રહેતું નથી તેમ જીવન પણ એક લાંબું સ્વપ્ન છે. તે પૂરું થતાં કાંઈ સાથે નથી આવતું; બધું નાશ પામી જાય છે.
આ દુનિયામાં મોટા મોટા અબજોપતિ, બુદ્ધિશાળી, સત્તાધારી વ્યક્તિઓ જીવનપર્યંત તેને પામવા અથાક પ્રયત્ન કરે છે પરંતુ અંતે કાંઈ સાથે આવતું નથી. દેહ પણ નાશવંત છે. તે પણ સાથે આવતો નથી. અંતે બધું નાશ પામી જાય છે.
ગુરુદેવ પ.પૂ. બાપજી નાશવંતપણાનો વિચાર રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીની વાત દ્વારા દૃઢ કરાવતાં કહે છે કે, “ધીરુભાઈએ શૂન્યમાંથી સર્જન કર્યું હતું. છસો અબજના આસામી હતા. રાત્રિ-દિવસ કે ઊંઘ-થાક પણ તેના માટે જોયાં નથી પરંતુ તેઓ જ્યારે આ દુનિયા છોડી ભગવાનના ઘરે ગયા તો શું તેમની સાથે ગયું ? કશું જ નહીં. દેહ પડતાં અંતે તેમના માટે બધું નાશ થઈ ગયું તેમ આપણી સાથે પણ કાંઈ આવવાનું નથી. અંતે બધું નાશ થઈ જવાનું છે. માટે પાછા વળવું ને ભગવાન ભજવા તો ગમે તેટલું આવે કે જાય તોય તેનું દુ:ખ ન થાય.”
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ તેથી જ પ્રકરણ-૩ની ૨૪મી વાતમાં કહ્યું છે કે, “સર્વે ક્રિયામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું તો દુ:ખ ન થાય.”
શ્રીજીમહારાજે પણ ગઢડા મધ્યના ૨૪મા વચનામૃતમાં કહ્યું છે કે, “ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિષે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે વિના જે જે લોક છે ને તે લોકને વિષે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે.” આ લોકનું બધું જ નાશવંત છે તેમ દેખાતો દેહ પણ નાશવંત જ છે. દેખાતા દેહના ભાવ, ગુણ, બુદ્ધિ, આવડત પણ નાશવંત જ છે. આત્મા એક દેહ મૂકી બીજા દેહમાં જાય છે ત્યારે કશું જોડે નથી જતું માટે દેહને વિષે પણ નાશવંતપણાનો વિચાર કરવો... તો અહમ્-મમત્વથી રહિત થઈ શકાય.
આવી રીતે નાશંવતપણાના વિચારથી સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ.