સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-14
December 7, 2020
માયિક સુખના પરિણામ અને પરિમાણનો વિચાર :
વસ્તુ, પદાર્થ, વ્યક્તિ કે કોઈ પણ સ્થિતિ-પરિસ્થિતિને જોતાં કે અનુભવતાં તેના પરિણામનો અથવા પરિમાણનો વિચાર આવતો હોય છે. પરિણામ એટલે તેના થકી પ્રાપ્ત થતા સારા કે નરસા ફળનો વિચાર. જ્યારે પરિમાણ એટલે તેના મૂલ્યનો વિચાર. આ બે વિચાર કરવાથી સાંખ્યજ્ઞાનની દૃઢતા થાય છે.
સંસારમાં જે કાંઈ સુખ જેવું જણાય છે તે બધું નાશવંત જ છે. તેમ છતાં દરેક વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધીનો સતત પ્રયત્ન તેને મેળવવા માટે જ કરે છે. પરંતુ તેનાથી મળતા પરિણામનો વિચાર સ્થિર બેસી કર્યો નથી. તેથી તેની પાછળ આંધળી દોટ ચાલુ જ રહે છે. કોઈ ધંધા-વ્યવસાયમાં નવો પ્રયોગ કર્યો અને તેમાં નુકસાની મળી તો બીજી વખત તેવો પ્રયત્ન ન કરીએ. કારણ, તેનાથી નુકસાન થાય છે તેની ખબર છે. ભૂલથી ઇલેક્ટ્રિક પ્લગમાં આંગળી જતી રહી અને જોરદાર શૉટ લાગે તો બીજી વાર આંગળી નાખવાનો વિચાર સુધ્ધાંય આવતો નથી. કારણ, તેના પરિણામની ખબર છે.
વિષયાસક્ત થઈ વિષય ભોગવ્યા પછી, વાસનામાં દિન-પ્રતિદિન વધારો થાય છે. સ્વાદની આસક્તિથી મોટા રોગ ને ઘરમાં ક્લેશ થાય છે. અનીતિ ને અધર્મ આચરીને કરેલાં કાર્યોથી નર્યુ દુ:ખ જ આવે છે. માયિક સુખ માટેના અનેક ઉપાયના ફળ સ્વરૂપે દુ:ખ, ક્લેશ અને જન્મમરણની ભવાબ્ધિ સિવાય કોઈ પરિણામ મળતું જ નથી.
રાજા ચિત્રકેતુ પાસે સત્તા-સંપત્તિ-રાણી બધું જ હતું પરંતુ પુત્ર ન હતો. એક કરોડ સ્ત્રીઓ હોવા છતાં પુત્ર ન હતો તેનું સતત દુ:ખ રહેતું. સમયાંતરે કુંવરનો જન્મ થયો. ચિત્રકેતુ રાજાને આનંદનો પાર ન રહ્યો. રાજા કુંવરને અને તે રાણીને હેતથી રાખે. બીજી રાણીઓને તે પ્રત્યે ઈર્ષ્યા થતાં ભેગાં મળી ઝેર પાઈ કુંવરને મારી નાખ્યો. કુંવરનું મૃત્યુ થતાં રાજા કલ્પાંત કરવા લાગ્યા. છેવટે સત્ય હકીકતની ખબર પડતાં તેઓએ બધી રાણીઓનો ત્યાગ કરી દીધો.
તેથી જ શ્રીજીમહારાજે વરતાલના ૧૬મા વચનામૃતમાં કહ્યું છે કે, “ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિષે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારુ મૂકે ?” કરોડ સ્ત્રીઓ, પુત્ર, દ્રવ્ય, સંપત્તિ આ માયિક સુખનું પરિણામ શું ? માત્ર દુ:ખ. આ પરિણામનો વિચાર કરતા ચિત્રકેતુ રાજાને સાંખ્ય દૃઢ થઈ ગયું ને સંસાર ત્યજી ભગવાન ભજવા નીકળી ગયા. માટે આપણે પણ સંસારના માયિક સુખના પરિણામનો વિચાર કરી પાછા વળીએ.
શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૨૪મા વચનામૃતમાં સાંખ્ય નિષ્ઠાવાળા કેવી રીતે સંસારનું પરિમાણ કાઢે છે તે સમજાવ્યું છે કે, “સાંખ્ય નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યનાં સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેનાં જે સુખ તેને સમજી રાખે તથા ચૌદ લોકની માંહીલી કોરે જે જે સુખ છે તે સર્વેને પ્રમાણ કરી રાખે જે આ સુખ તે આટલું જ છે અને આ સુખની કેડ્યે જે દુ:ખ રહ્યું છે તેનું પણ પ્રમાણ કરી રાખે પછી દુ:ખ સોતાં એવાં જે સુખ તે થકી વૈરાગ્ય પામીને પરમેશ્વરને વિષે જ દૃઢ પ્રીતિ રાખે.”
એક વખત બાજંદ રાજાની સવારી ચાલી જતી હતી. તેર તુંબાનું તેમનું લશ્કર હતું. એટલે કે સવારી જ્યારે જતી હોય ત્યારે ઘોડા અને ઊંટના ચાલવાથી જે રજ ઊડે તેનાથી તેર તુંબડા ભરાઈ જાય તેટલી લાંબી સવારી હતી. બાજંદ રાજાનો ચારેકોર જયજયકાર થઈ રહ્યો હતો. સવારી વાજાં ને રણશિંગાંના અવાજ સાથે આગળ વધી રહી હતી.
આગળ જતાં રસ્તો થોડો સાંકડો હતો. સવારી એકાએક ઊભી રહી ગઈ. બાજંદ રાજાએ પૂછ્યું કે, “સવારી ક્યોં રુક ગઈ ?” ત્યારે સિપાઈએ કહ્યું, “રાજન્, આગે ઊંટ મર ગયા હૈ.” રાજા પોતાના સિગરામમાંથી દીવાનજીની સાથે નીચે ઊતર્યા અને ચાલતાં ચાલતાં ઊંટની જોડે પહોંચ્યા.
બાજંદ રાજાએ પૂછ્યું કે, “યે ઊંટ કા નાક હૈ, કાન હૈ, મુંહ હૈ, પાંવ હૈ, ઇસકા તો સબ કુછ હૈ તો મર ક્યા ગયા હૈ ?” ત્યારે કહ્યું, “રાજન્, ઊંટ કે શરીર મેં સે પવન ચલ ગયા હૈ.” રાજાએ પૂછ્યું, “કિસ કિસ કા ઐસા હોતા હૈ ? મેરે હાથી કા, ઊંટ કા ભી ઐસા હોગા ?” ત્યારે દીવાનજીએ કહ્યું, “રાજન્, જિસકા જન્મ હોતા હૈ ઉન સબકા ઐસા હોતા હૈ. આપકે હાથી, ઘોડા હી નહિ, મગર મેરા ભી ઐસા હોગા, આપકે કુંવર, રાની કા ભી ઐસા હોગા.” “તો ક્યા મેરા ભી ઐસા હોગા ?” “હા રાજન્, સબકા ઐસા હોતા હૈ.”
બાજંદ રાજાએ કહ્યું, “તો દીવાનજી ! સાથ મેં કોન સા સુખ આતા હૈ ? મેરા મહલ, દાસ-દાસી, બગીચા ક્યા સાથ મેં આયેગા ?” “કુછ નહીં. એક ભગવાન કી ભક્તિ સાથ મેં આયેગી.” આટલું સાંભળતાં બાજંદ રાજાએ સંસારનાં સુખનું પરિમાણ કાઢી નાખ્યું કે, ‘આ બધાં સુખમાંથી કાંઈ સાથે નથી આવવાનું. વળી ભગવાનની ભક્તિ તુલ્ય કોઈ સુખ નથી. માટે મારે સંસારમાં નથી રહેવું.’ એ જ ક્ષણે તેમણે સંસારનો ત્યાગ કરી દીધો.
સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ તેથી જ ગાયું છે,
“ઊઠી ન શકે ઊંટિયો, બહુ બોલાવ્યો બાજંદ જી;
તેને દેખીને ત્રાસ ઊપન્યો, લીધી ફકીરી છોડ્યા ફંદ જી.”
શ્રીજીમહારાજે પણ માયિક સુખ અને ભગવાનના સુખનું પરિમાણ દર્શાવતાં પંચાળાના ૧લા વચનામૃતમાં કહ્યું છે કે, “જેમ કોડી કરતાં પૈસામાં વધુ માલ છે ને તેથી રૂપૈયામાં વધુ માલ છે ને તેથી સોનામહોરમાં વધુ માલ છે... ને તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે. માટે જે બુદ્ધિવાળો હોય ને જેની દૃષ્ટિ પૂગે તેને આ વિચાર હ્દયમાં ઠરે છે. ”
કોડી કરતાં પૈસા ને તે કરતાં રૂપિયા, તે કરતાં સોનામહોર, તે કરતાં ચિંતામણિનું અધિકાધિક મૂલ્ય છે. તેથી તેમાં માલ મનાય છે. તેમ માયિક સુખ કરતાં ભગવાનનું સુખ અધિકાધિક મનાય તો બીજું કાંઈ પામવાની ઇચ્છા ન રહે.