સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-16
December 21, 2020
નછૂટકે જવું પડે ત્યાં જ જવું :
જગતના જીવની રીત લૌકિક અને બહારવૃત્તિ વધારવાની હોય. નાટક-સિનેમા, સરકસ, જાહેર બગીચાઓ, પાર્ટી-ક્લબમાં તથા ગરબા જોવા જાય કે એવા વાતાવરણમાં જઈને બેસે ત્યાંથી પછી ખરાબ કચરો અંદર પેસે અને વૃત્તિઓ બહેકી જાય. ભગવાનમાં પાટો ન ગોઠે. ઉપરથી ઇન્દ્રિયો-અંત:કરણ અશુદ્ધ થઈ જાય. ન કરવાના વિચારો અને ક્રિયા કરાવે. ‘શિક્ષાપત્રી સાર’માં તેને દારૂ તુલ્ય ગણી નિષેધ કરતાં લખ્યું છે કે, “ટી.વી., સિનેમા, સિરિયલો, નાટક, સટ્ટા, જુગાર, ચોપાટ, લૉટરી, સરકસ તથા હાલના ઇન્ટરનેટ આદિક આધુનિક ઉપકરણોના ઉપયોગ દ્વારા બીભત્સ કંઈ પણ જોવું, જાણવું વગેરે મનને નશો કરનાર છે.”
જેમ આ બધું નુકસાનકર્તા છે એવી રીતે ફરવાલાયક સ્થળોએ પ્રવાસ કરવા જવું એ પણ એટલું જ નુકસાનકર્તા છે. જ્યાં માત્ર વિષય-વાસનાનું પોષણ અને બહારવૃત્તિ જ થતી હોય છે. તીર્થોમાં જાત્રા કરવા જવામાં પણ ઘણાં નુકસાન રહેલાં છે. તીર્થમાં દર્શન પાંચ-દસ મિનિટ કરવાનાં થાય; બાકીનો સમય હરવા-ફરવામાં, જોવા-જાણવામાં વીતી જાય. એમાંય જો કોઈનું ઓછું-વત્તું વર્તન જોઈએ તો અભાવ-અવગુણ આવે માટે તીર્થોની જાત્રા કરવાનું ટાળવું.
આજના લગ્નપ્રસંગો એટલે રજોગુણ અને બહારવૃત્તિનો સરવાળો. મોટા સંતો કહેતા કે, “એક વાર લગ્નમાં જાય તો તેનો છ મહિનાનો કરેલો સત્સંગ સાફ થઈ જાય.” માટે જેને સ્થિતિના માર્ગે આગળ વધવું હોય એવા મુમુક્ષુએ લગ્નપ્રસંગે જવાનું ટાળવું. સંબંધો સાચવવા પડે એવા હોય તો આગળ-પાછળ જઈ આવવું.
વાર-તહેવારે ભરાતા મેળાઓ, આનંદ મેળાઓમાં પણ જવાનું ટાળવું. ધંધા-વ્યવસાયને લગતા ભરાતા મેળામાં પણ જરૂર હોય તો જ જવું ને એટલું જ જાણવું.
દ્રવ્યની લાલચમાં પણ દેશ-પરદેશમાં જ્યાં ત્યાં ન જવું. કારણ, ત્યાં મોટાપુરુષનો-સંતોનો જોગ-સમાગમ ન હોય તો જીવન ભ્રષ્ટ થઈ જાય. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૫ની ૧૬૮મી વાતમાં તેથી જ કહ્યું છે કે, “મુંબઈ જાય તો સત્સંગ થોડો ઘાસે ને તેથી મુસંબી (મોઝંબિક) જાય તો વધુ ઘાસે ને તેથી કાપકુરાન (કેપ ટાઉન) જાય તો સાબદો ઘાસી જાય. માટે ઘેર બેઠાં રોટલા મળે તો વધુ સારું. આઘું જાવું નહિ ને શહેર, પાટણ સેવવા નહિ ને સુખ તો સત્સંગમાં જ છે.”
ગુરુદેવ પ.પૂ. બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી કોઈ વિદેશ જવાનું કહે તો તરત જ “સત્સંગ થાય તેમ હોય, સભામાં, મંદિરમાં જવાય તેવું હોય તો જ જાવ નહિ તો અહીં શું ખોટું છે ?” માટે જ્યાં સત્સંગ સાફ થઈ જાય ત્યાં ન જવું.
જીવનપ્રાણ બાપાશ્રીએ પણ ભાગ-૧ની ૩૫મી વાતમાં કહ્યું છે કે, “જે ભગવાનના ભક્ત હોય તે તો મંદિર વિના બીજે ઘેર જાવું ઘટતું હોય ત્યાં પણ જાય નહિ કેમ કે તેને તો મંદિર વિના બીજું ગમે જ નહીં. તેમ મહાપ્રભુજી વિના બીજું ગમવું ન જોઈએ.”
આંતરમુખી જીવનવાળાને મંદિર સિવાય બીજે ક્યાંય જવું ગમે જ નહીં. શિવલાલભાઈએ તેમના જીવનમાં ઘરથી મંદિર અને ઘરની પેઢી સિવાયનો બીજો કોઈ રસ્તો જોયો જ નહોતો.