સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-17
December 28, 2020
નછૂટકે અર્થ-ઉપાર્જન કરવું પડે તેટલું જ કરવું :
દ્રવ્ય છે તે પાંચેય વિષયનું કારણ છે. જેમ જેમ વધુ દ્રવ્ય મળે તેમ તેમ પાંચેય વિષય માટે વધુ પ્રયત્ન થાય. દ્રવ્ય વધે તેમ હરવા-ફરવાનું, આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવાનું વધી જાય. તેમાંથી જોવા-જાણવાની ઇચ્છાઓ વધે, જે તે સાંભળવાનું મન થાય. રજોગુણી આહાર બને. જ્યાં ત્યાં જીભને સ્વાદિષ્ટ લાગે તેવું જમવાનું મન થાય. જે તે પ્રકારનાં અત્તર-સ્પ્રે છાંટવાનું મન થાય. જ્યાં ત્યાં ફરવાનું મન થાય. ત્યાં સ્પર્શનો પણ વિવેક ન રહે. જેમ દ્રવ્ય વધે તેમ વિષયભોગનો અસંયમ પણ વધતો જાય.
દ્રવ્ય સુખનું મૂળ નહિ પરંતુ દુ:ખનું ઉદ્ભવસ્થાન છે. જેની પાસે દ્રવ્ય હોય તે બધા જ સુખી હોતા નથી. દ્રવ્ય તો પાપી-અધર્મીના ઘરમાં પણ હોય. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૩ની ૯૦મી વાતમાં કહ્યું છે કે, “આગ્રામાં કરોડ રૂપિયાનું કબ્રસ્તાન છે ને મુંબઈમાં મચ્છીમારના ઘરમાં કરોડો રૂપિયા છે. માટે ઝાઝું દ્રવ્ય થાય એ વાત કાંઈ મોટાની ગણતીમાં નથી ને એમાં માલ ન માનવો.”
અર્થ-ઉપાર્જનનો માર્ગ તો પાણીના રેલા જેવો છે. ગમે તેમ કરી અર્થ-ઉપાર્જન કરી શકાય. પણ જ્ઞાનમાર્ગ કહેતાં ભગવાનની ભજન-ભક્તિ કરવી અને મોક્ષ માર્ગે ચાલવું અઘરું છે. વધુમાં વધુ દ્રવ્ય મેળવવાની ઇચ્છા, રાતોરાત કરોડપતિ થઈ જવાના અભરખા બહુધા વ્યક્તિના માનસમાં રમ્યા કરતા હોય છે. પછી તે માટે થઈ ક્યારેક અનીતિનો આશરો લેવાય, ખોટું બોલાય, ખોટું કરાય. એક સત્સંગીને છાજે એવું પણ વર્તન ન રહે.
ઘરમાં જેટલું દ્રવ્ય વધે એટલી પ્રવૃત્તિ વધે પછી ભગવાનમાં જોડાવાનો સમય પણ ન રહે.
શિવલાલ શેઠે ગઢપુરની બજારમાં સોનું લીધું ને દીધું તેના દોઢસો રૂપિયા સંતોની રસોઈના લખાવ્યા. તોપણ સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ ઠપકાનાં વચનો કહ્યાં કે, “લાખ મણ ઢૂંઢાનો વેપાર કર્યે શું વળે ? તારી અડધો કલાકની કથા ગઈ તેની ખબર પડતી નથી ?” મોટાપુરુષનો આ આગ્રહ અર્થ-ઉપાર્જન કરતાં ભજન-ભક્તિ માટેના વિશેષ પ્રયત્ન કરવાનો દર્શાવે છે.
જીવનપ્રાણ બાપાશ્રીએ પણ ભાગ-૧ની ૧૦૮મી વાતમાં કહ્યું છે કે, “ગૃહસ્થ હોય તેમણે તો શ્રીજીમહારાજ સુખેથી સાંભરે ને કથા, વાર્તા, ધ્યાન, ભજન, માળા, માનસીપૂજા વગેરે નિયમ બરાબર સચવાય અને પોતાના જીવાત્માનું પરલોકસંબંધી સુખ થવાનું સાધન સુખેથી થાય; એવી રીતે દેહનિર્વાહ જેટલો જ વ્યવહાર કરવો પણ વ્યવહારરૂપ થઈ જવાય એવો વેગે સહિત વ્યવહાર ન કરવો. શ્રીજીમહારાજની ને મોટાની આજ્ઞા પ્રમાણે કરવો.” બાપાશ્રી સ્વયં સિદ્ધ હતા છતાં પોતાનો આર્થિક વ્યવહાર દૂબળો રાખ્યો હતો. માટે આપણે પણ દેહનિર્વાહ માટે જરૂરી હોય તેટલું જ અર્થ-ઉપાર્જન કરીએ તો પાછા વળાય અને આંતરમુખી જીવન કરવા તરફ પ્રયાણ કરી શકાય.
નછૂટકે બોલવું પડે તો જ બોલવું :
વાણીનો સંયમ આંતરમુખી થવા માટે અગત્યનો ભાગ ભજવે છે. દિવસ દરમ્યાન આપણે જેના પણ વિષે વાત કરીએ છીએ તે બહુધા આ નાશવંત સંસાર અને તેના વ્યવહારની જ થતી હોય છે. તેનાથી તેની વધુ ને વધુ પુષ્ટિ થાય છે. અવરભાવની બિનજરૂરી વાતોમાં સમય પસાર થઈ જાય તેના કારણે મહારાજમાં જોડાવાનું મન પણ ન થાય. એટલે જ જીવનપ્રાણ બાપાશ્રીએ વાણીનો સંયમ શીખવતાં કહ્યું છે કે, “વ્યવહારિક શબ્દ મરચા-મીઠાને ઠેકાણે વાપરવા અને ભગવાનસંબંધી શબ્દો પકવાનને ઠેકાણે વાપરવા.” માટે અવરભાવમાત્રને ખોટો કરવા જેટલું બને તેટલું ઓછું બોલવાની ટેવ પાડવી.
નછૂટકે પહેરવું ઘટે તેવું જ પહેરવું.
પોશાક એ આંતરજીવનનું પ્રતિબિંબ છે. જેટલો પોશાકમાં રજોગુણ વિશેષ હોય તેટલી અંદરની મલિનતા વધતી જાય. વસ્ત્ર એ નાશવંત શરીર ઢાંકવા માટે છે. તેમ છતાં વસ્ત્રોની સાદગીથી આપણાં વિચાર-વર્તનમાં સાત્ત્વિકતા આવે છે. રજોગુણી વસ્ત્રો પહેરવાથી જે નાશવંત શરીરને વિષે અભાવ કરવાનો છે, ભૂલવાનું છે તેમાં પ્રીતિ અને હેત થાય. એટલું જ નહિ, આપણાં અતિશે રજોગુણી વસ્ત્રોથી અન્ય કોઈ વ્યક્તિના માનસમાં પણ વાસના ઉત્પન્ન થાય તો તેનું પાપ આપણને લાગે. માટે પાપરૂપ નાશવંત દેહમાંથી પ્રીતિ ટાળવા, દેહભાવ ટાળવા વસ્ત્ર યોગ્ય અને સાદાં જ ધારણ કરવાં.
નછૂટકે સાંભળવું પડે તેટલું જ સાંભળવું.
નેત્ર પછી કચરો પ્રવેશવાનું બીજું દ્વાર શ્રોત્ર છે. જે શ્રોત્રથી (કાનથી) આપણે ભગવાનનાં કથા-કીર્તન સાંભળવાનાં છે તેનાથી જગતની-સંસાર-વ્યવહારની વાતો સાંભળવાથી આપણી વૃત્તિઓ ચોજાળી થઈ જાય. ન જાણ્યું હોય, ન જોયું હોય તેને પામવાના, મેળવવાના અભરખા જાગે. બીજાના અભાવ-અવગુણની વાત સાંભળવાથી અન્યના દેહભાવની વધુ ને વધુ પુષ્ટિ થાય. આપણું અંતર ડહોળી નાખે. માટે કોઈના અભાવ-અવગુણ-અમહિમાની કે ઢીલી વાત ન સાંભળવી.
નછૂટકે જમવું પડે તેટલું જ જમવું અને સૂવું પડે તેટલું જ સૂવું.
આહાર અને નિદ્રા આ બે ઇન્દ્રિયો-અંત:કરણ પર સંયમ કેળવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. એમાંય રસના ઇન્દ્રિય જો એક મોકળી મુકાઈ જાય તો સર્વે ઇન્દ્રિયોને ચોજાળી કરી દે. જીવનની શુદ્ધતા અને પવિત્રતા આહારના સંયમ ઉપર આધારિત છે. ઊંઘ અને આહાર વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે છે. જે નાશવંત દેહનો એક દિવસ ત્યાગ જ કરવાનો છે તેનાં નાશવંત ઇન્દ્રિયો-અંત:કરણ આત્માને વિશુદ્ધ બનાવે. તે કરતાં તેના પર સંયમ કેળવવા ઊંઘ-આહાર જરૂર પૂરતો જ લેવો. આથી જ મોટા સંતો કહેતા : દોઢ શેર (૭૫૦ ગ્રામ) જમવું અને બે પહોર (૬ કલાક) પોઢવું.