સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-18

  January 4, 2021

સાંખ્યજ્ઞાનની મહત્તા જાણ્યા બાદ મુમુક્ષુની વિચારધારા કેવી હોય તે માટે  આવો, મુમુક્ષુ બનવા પાછા વળીએ...

મોટા સંતો કહેતા કે ખોટાને ખોટું કરવું. એટલે કે દુ:ખથી ભરેલા આ નાશવંત સંસારનાં સુખો નાશવંત અને ખોટાં છે એને જ્ઞાન અને સમજણે કરીને ખોટાં કરવાં.
સંત-સમાગમથી અને સંસારના રોજબરોજના અનુભવ પરથી હવે મને એવું જ્ઞાન તો થાય છે કે, સંસાર આખો મિથ્યા છે. મારો દેહ પણ નાશવંત છે. તેમ દેહના સંબંધી તથા દેહનાં સુખો બધું નાશવંત છે. દેહના સંબંધીના ભરણપોષણ માટે કાળી મજૂરી કરું છું. દેહના મૃત્યુ સમયે જે કાંઈ દ્રવ્ય-સંપત્તિ છે તે કાંઈ સાથે નથી આવવાનાં તેમ છતાં તેને મેળવવા રાત્રિ-દિવસ ઝંખ્યા કરું છું. ગમે તેટલું કરવા છતાં તેમાં મને ક્યાંય સુખનો અનુભવ તો થતો નથી પરંતુ કાયમ દુ:ખનો જ વરસાદ વરસે છે. તેમ છતાં તે માટે જ દોટ મૂકું છું તેથી મને લાગે છે કે મારી સમજણરૂપી ચક્ષુ પાછળ જતી રહી છે. તેથી જ ગાડી, બંગલા, દીકરા-દીકરી, ધંધા-વ્યવસાય અને માન-મોટપ મેળવવા માટે રાત-દિવસ દોડધામ કર્યા કરું છું. કદી તેમાંથી પાછું વળી સાચું સમજવાનો વિચાર સુધ્ધાંય નથી આવતો. જાણેલા જ્ઞાનનો મારા માટે જ ઉપયોગ કરી શકતો નથી એ મારી કંગાલિયતતા છે.
દુ:ખ અને વિષાદના દરિયામાં ડુબાડી દે એવા અનુભવ થવા છતાં મારી સાંખ્યરૂપી આંખો ખૂલતી નથી. બધેથી અનાસક્ત થવાને બદલે વધુ ને વધુ તેની વચ્ચે ખૂંપતો જાઉં છું. કેવી રીતે આ સંસારના કીચડમાંથી બહાર નીકળીશ ? કેવી રીતે બચાશે ? માટે આ સંસારનાં ખોટાં સુખને મારે ખોટાં કરવાં છે ને સાચાં તરફ મીટ માંડવી છે.
એટલું જ નહિ, પ્રકૃતિનું કાર્ય જે કેવળ ભ્રમણા છે, સ્વપ્ન જેવું ખોટું છે તેને સાચું માની તેમાં મોહ પામી જાઉં છું. એના વિષે જોવા-જાણવામાં, હરવા-ફરવામાં બહારવૃત્તિ કરી નાખું છું. વિષયવાસનાને વધારતો જાઉં છું. એટલે જ હું મહારાજના સુખથી વધુ ને વધુ દૂર થતો જાઉં છું.

દેહની આંખે જે કાંઈ અવરભાવ દેખાય છે તે બધું ધૂળ સમાન છે, માટી જ છે. અવરભાવનાં તમામ વ્યક્તિ, પદાર્થ, ભોગ-વિલાસ આ બધું એક દિવસ નાશ પામે છે. વિષયનાં સુખ પણ ક્ષણિક છે તેમ છતાં માટીમાં જ પ્રીતિ કર્યા કરું છું. આવા સંસાર અને તેના સુખમાં અજ્ઞાને કરી ક્યાં સુધી જીવન વ્યર્થ વિતાવીશ ? ક્યાં સુધી સંસારનાં પાણી વલોવી ભગવાનના સુખરૂપી માખણની આશા
રાખીશ ? કાલે સવારે આયુષ્યની દોરી તૂટી જશે તો કરવાનું કશું નહિ થયું હોય. ઘણું મોડું થઈ ગયું છે, હવે મારે મોડું થવા દેવું નથી. નાશવંત માટીમાં પ્રીતિ કરવી નથી. અવિનાશી પુરુષોત્તમનારાયણમાં પ્રીતિ કરી અલૌકિક સુખનો આનંદ પામવો છે.

મૂર્તિ સિવાય બધેથી બાંધણાં તોડવાં છે. સમજણે કરીને મારે મારા જીવનમાં હવે આટલું તો દૃઢ કરવું જ છે :
૧. સંસાર અને સંસારનાં સુખ ખોટાં છે, માટી જ છે. તેને ખોટાં માની તેમાંથી પાછા વળવું છે, પ્રીતિ તોડવી છે.
૨. દિવસ દરમ્યાન બધું સળગાવી નાશવંતપણાનો વિચાર કરીશ.
૩. બહારવૃત્તિ થાય તેવી ક્રિયા-પ્રવૃત્તિ નહિ કરું કે એવાં સ્થળોએ ફરવા પણ નહિ જઉં. વૃત્તિઓનો સંયમ રાખીશ.

હે મહારાજ, હે બાપા, હે બાપજી, હે સ્વામીશ્રી ! દયાળુ, આ જગત આખું નાશવંત છે. તેમાંથી પ્રીતિ તૂટે, બધું અસાર સમજાય અને એક આપના સ્વરૂપમાં જ પ્રીતિ થાય તેવી દયા કરો…