સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-2

  September 14, 2020

મુમુક્ષુતા કેળવવા સાંખ્ય દૃઢ કરવાની આવશ્યકતા કેમ ?
ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો જ્યારે એકસાથે વિચાર કરીએ ત્યારે જીવનની વાસ્તવિકતાનો યથાર્થ ખ્યાલ આવે છે. સ્થિતિ-પરિસ્થિતિમાંથી આવતા આરોહ-અવરોહનું કોઈ જુદી દૃષ્ટિએ અવલોકન કરી શકાય છે.
વર્તમાન સમયે આપણી જીવનશૈલી અને વિચારધારા :
વિચાર અને બુદ્ધિની અણમોલ ભેટ ભગવાને મનુષ્યને આપી છે પણ શા માટે ? તો જ્ઞાન પામી, સમજણ કેળવી મોક્ષભાગી થવા માટે. વળી, એ જ રીતે મહારાજ આપણને કારણ સત્સંગમાં ખેંચી લાવ્યા મૂર્તિના સુખ માટે, તેના અનુભવી કરવા માટે. પરંતુ વાસ્તવિકતાએ આજે કંઈક જુદું જ જોવા મળે છે. કારણ સત્સંગના યોગમાં આવી, અલૌકિક કારણ સ્વરૂપ મહારાજની મૂર્તિ તરફ આગળ વધવાને બદલે માયિક કાર્યમાં બમણા ઝનૂનથી દોટ મૂકીએ છીએ. તેને મેળવવાનો જ એકમાત્ર અભિનિવેશ થઈ જાય છે.
આજે દરેક વ્યક્તિને સારામાં સારું, નવામાં નવું, વધુ ને વધુ શ્રેષ્ઠતમ સરળતાથી મળી જાય એવી જ ઇચ્છા સતત રહેતી હોય છે. એટલે જ પૈસા કમાવવા, બંગલા બાંધવા, હરવું-ફરવું, ખાવું-પીવું, મોજ-મજા કરવી, જોવું-જાણવું, બૅંક બૅલેન્સ વધારવું, સુપાત્ર સંતાનો મળે, સંસાધનોની રેલમછેલ થાય એમાં જ સુખ માની તે માટે રાત્રિ-દિવસ પ્રયત્ન કરીએ છીએ તેથી આપણી આશા-તૃષ્ણાઓ મટતી જ નથી.
એક કરોડપતિ શેઠ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને મળવા માટે આવ્યા. તેમણે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી આગળ પ્રાર્થના સ્વરૂપે પ્રસ્તાવ મૂક્યો કે, “સ્વામી, હિંમતનગરમાં એક સિરામિકની ધોમ નફો કરતી તૈયાર ફૅક્ટરી મળે છે. માલિકને અત્યારે વેચવાની ગરજ છે તેથી સાવ મફતના ભાવમાં મળે છે. વળી બધું જ તૈયાર છે. તો આપની આજ્ઞા લેવા આવ્યો છું કે ખરીદી લઉં ?”
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ તેમને કહ્યું, “ભાઈ, તમારા ઘેર શું ખોટ છે ? રોટલા નથી મળતા ? ગાડી નથી ? આવક નથી ? ઘરના બે છેડા ભેગા નથી થતા ?” ત્યારે હરિભક્તે કહ્યું, “સ્વામી, એ તો બધી મહારાજની દયા છે. કરોડોની આવક છે પણ આ તો તૈયાર મળે છે તો લઈ લઉં !”
આપણે આપણા જીવનમાં પાછા વળી ડોકિયું કરીએ તો આપણા જીવનમાં પણ આવી અનેક આશા-તૃષ્ણાનાં તોરણો કાયમ બંધાતાં જ રહેતાં હોય છે. પરંતુ જે છે એમાં સંતોષ માની ભૌતિકતાથી પાછા વળવાનું છે. તેમ છતાં શાના માટે રાત્રિ-દિવસના આપણા યત્ન થાય છે તેને આંતરચક્ષુએ ચકાસીએ તો આપણા વાસ્તવિક જીવનનો ખ્યાલ આવે.
હરિભક્તને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ તરત જ ટોક્યા કે, “ભાઈ, તમને મહારાજ કારણ સત્સંગમાં શું માયાનો વસ્તાર વધારવા માટે લાવ્યા છે કે મહારાજનો મહિમા વધારવા માટે ? જે છે તેમાંથી પણ ભગવાન ભજવા માટેનો સમય નથી નીકળતો તો શા માટે હજુ વધારે લાંબું ચીતરવું જોઈએ ? ઉપરથી જે છે તેને પણ ટૂંકાવીને ખરેખર જે કરવાનું છે તેના માટે સમય કાઢો.” તરત જ એ હરિભક્તે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની માફી માગી અને પ્રાર્થના કરી કે, “દયાળુ, રાજી રહેજો, આશા-તૃષ્ણાની આંધળી દોટમાં મારો માર્ગ ફંટાઈ ગયો હતો. આપે દયા કરી પાછો વાળ્યો. માટે હવે મારે એ સિરામિકની ફૅક્ટરી નથી ખરીદવી.”
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની એક ટકોરથી તેઓ તો પાછા વળી ગયા. પરંતુ આપણા માટે પણ એ જ ટકોર છે તો આપણે પણ પાછા વળીએ. આપણને પ્રભુના માર્ગમાં સ્થિર થવા દેતા નથી એવા આશા-તૃષ્ણાના અભરખાને તોડીએ. કારણ કે સાઇકલવાળાને સ્કૂટર, સ્કૂટરવાળાને જૂની ગાડી, જૂની ગાડીવાળાને નવી ૨-૪ લાખની ગાડી લાવવાની ઇચ્છા થાય. પછી શું આટલે અટકી જશે ? ના. આશા-તૃષ્ણાઓનો અંત જ નથી. એ જ રીતે વિષયભોગ પણ જેટલા વધુ ભોગવીએ તેટલી તેની તૃપ્તિ થવાને બદલે વધતા જ જાય છે, વિષયમય આપણું જીવન બનાવી દે છે. જે અત્યારે વર્તમાન સમયે આપણી જીવનશૈલીમાં જોવા, ખાવા, પીવામાં, પહેરવામાં અનેક જગ્યાએ પ્રતિબિંબિત થાય છે. વિચારો પણ તે માટેના જ થાય છે. પરિણામે આપણા આધ્યાત્મિક જીવનનો સટ્ટો રમાઈ જાય છે. આધ્યાત્મિકતાનું નૂર ચાલ્યું જાય છે અને જીવનનો રસ્તો ફંટાઈ જાય છે. તો શું આ માયિક સુખ પાછળની મથામણ સાચી છે ?

માયિક એવા ભૌતિકસુખથી પાછા વળી અલૌકિક સુખ તરફ ગતિશીલ બનવા સાંખ્યજ્ઞાન અત્યંત આવશ્યક છે.