સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-3
September 21, 2020
સુખ માટે મથામણ કરવા છતાં સુખનો નહિ, દુ:ખનો જ અનુભવ કેમ ?
અમદાવાદ જેવા મોટા શહેરના મુખ્ય ચાર રસ્તા પર પાંચ મિનિટ ઊભા રહીને જોઈએ તો અસંખ્ય લોકો આમથી તેમ ને તેમથી આમ દોટ મૂકીને દોડી રહ્યા હોય છે. આંખના પલકારામાં તો કેટલાય અદૃશ્ય થઈ જાય છે. પણ તેઓ શા માટે મથામણ કરી રહ્યા છે ? તો, સુખ મેળવવા માટે. તો શું સંસારમાં બધાને સાંજ પડે શાશ્વત સુખ મળી જાય છે ? ના. આખો દિવસ, ઘણાં વર્ષો અને પૂરી જિંદગી સુખ માટે જ મથામણ કરવા છતાં સુખના આભાસની પાછળ પણ દુ:ખના જ અનુભવ થાય છે જે દરેક સંસારી અનુભવે છે. તેનું કારણ સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૧ની ૨૫મી વાતમાં કહ્યું છે કે, “જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુ:ખ વિનાનું હોય નહિ માટે એ વાત પણ એક જાણી રાખવી.”
ગુલાબનું ફૂલ બધાને સુખરૂપ લાગે. પણ જ્યારે તેને તોડવાનો પ્રયત્ન કરીએ ત્યારે તેના કાંટા વાગ્યા વગર રહેતા નથી. તેમ સંસારનું સુખ બધાને ગમે છે પરંતુ જ્યારે તેને પામવા પ્રયત્ન કરે ત્યારે દુ:ખ આવ્યા વગર રહેતું નથી.
સંસાર આખો લંઘીના જેવા સ્વાર્થથી ભરેલો છે. લંઘી જનારના દુ:ખ માટે નહિ પણ પોતાના સ્વાર્થ ખાતર કૂટે છે તેમ સ્વાર્થથી ભરેલા આ સંસારમાં સૌ પોતાના સ્વાર્થ અને વિષયવાસના માટે થઈ રાત્રિ-દિવસ મથ્યા કરે છે છતાં પરિણામ શું ?
પતિ-પત્ની અને તેમના બે દીકરા એમ ચાર સભ્યોનો એક પરિવાર અમદાવાદની એક સોસાયટીમાં રહેતો હતો. ૧૦-૧૨ વર્ષના બે દીકરાની મા હોવા છતાં આ સ્ત્રીને કોઈ પરપુરુષ સાથે અવળા સંબંધો બંધાયા. સંબંધો ખૂબ આગળ વધતાં આ સ્ત્રી અને પરપુરુષે ભેગા થઈ પતિને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. એક રાત્રિએ ઘરમાં બેય બાળકો સૂતાં હતાં. પતિ ખાટલામાં સૂતા હતા. બારીમાંથી ગાળિયો પતિના ગળામાં નાખીને ખેંચ્યો. થોડી જ ક્ષણોમાં પોતાની નજર સમક્ષ પતિનું પ્રાણપંખેરું ઊડી ગયું. સવારે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે તેવું જાહેર કરી ખોટી રોકકળ ને ઢોંગ કરવા માંડ્યા.
જે પત્ની માટે થઈ માતાપિતા અને વતન છોડી શહેરમાં રહેવા આવ્યા હતા. રાત્રિ-દિવસ મજૂરી કરતા હતા. પત્નીને સુખ આપવા માટે થઈ જાત ઘસી નાખી હતી, લોહીનાં પાણી કર્યાં હતાં છતાં આટઆટલી મથામણને અંતે શું સુખ ? મૃત્યુને ભેટયા. નર્યું દુ:ખ જ દુ:ખ.
તેથી જ કવિ નારાયણદાસજીએ કહ્યું છે કે,
“ત્રિવિધ તાપે તપી રહ્યો, સઘળો આ સંસાર જી;
કાયા માયાને કારણે, વેઠે વેદના અપાર જી.”
સંસારમાં આવી રીતે જ્યાં જ્યાં સુખને પામવાનો પ્રયત્ન થાય ત્યાં દુ:ખનો જ વરસાદ વરસતો હોય છે. સંસારમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેણે જીવનમાં ક્યાંય ઠોકર ન ખાધી હોય. કોઈ પ્રકારની સમસ્યા કે દુ:ખ ન વેઠવાં પડ્યાં હોય.
એક ગરીબ ભાઈએ જીવનમાં ઘણીબધી ઠોકરો ખાધી હતી. અપાર દુ:ખ સહ્યાં હતાં. તેથી દીકરાના જન્મની સાથે જ તેમને સુખની આશાનું કિરણ ફૂટ્યું હોય એવું લાગ્યું. પિતાએ સંકલ્પ કર્યો કે મારે ગમે તેમ કરી દીકરાને ખૂબ ભણાવી-ગણાવી સુખી કરવો છે જેથી ઘડપણમાં મારી આશાની લાકડી બની રહે.
પિતાએ પેટે પાટા બાંધી દીકરાને ખૂબ ભણાવી-ગણાવી MBBS ડૉક્ટર બનાવ્યો. એક દિવસ સવારના સમયમાં પિતા પ્રાત: પૂજા કરતા હતા. દીકરો બાજુમાં ઊભો ઊભો ભીના વાળ ઓળતો હતો. જે વાળના પાણીનાં ટીપાં પૂજામાં બિરાજમાન કરેલ મહારાજની મૂર્તિ ઉપર પડતાં હતાં. પિતાએ ચાલુ પૂજાએ દુ:ખ સાથે કહ્યું, “બેટા, થોડો દૂર જઈને માથું ઓળ; મહારાજની મૂર્તિ પર પાણીનાં ટીપાં પડે છે.”
ભણતરના અહંકારમાં પિતાની સલાહ ન ગમી તેથી તેણે મૂર્તિ સાથે પૂજા લઈ દૂર ખૂણામાં ફેંકી દીધી. પિતાનું હૃદય મહારાજના થયેલા આવા અપરાધથી દ્રવી ઊઠ્યું અને કકળતા હૈયે બોલ્યા, “બેટા, આ તું શું કરે છે ? ભણતરના અહંકારમાં ભગવાનનો દ્રોહ ! મેં તને કેટલાં દુ:ખો વેઠી પેટે પાટા બાંધી ડૉક્ટર બનાવ્યો છે તેની ખબર છે ?” પિતાશ્રી આગળ બોલે તે પહેલાં દીકરો જોરથી તાડુક્યો કે, “એમાં તમે શું મોટી ધાડ મારી ? તમારી ફરજ બજાવી છે, કર્તવ્ય અદા કર્યું છે. ન કરવું હોય તો જન્મ શા માટે આપ્યો ? બાપ શા માટે થયા ?” એટલું બોલી દીકરો બહાર નીકળી ગયો.
આવી આ એક પરિવારની નહિ, ઘર ઘરની હોળી છે. સંસારની વાસ્તવિકતામાં સુખનું સ્વપ્નું જોવા છતાં નર્યું દુ:ખ જ મળતું હોય છે. એટલે જ શ્રીજીમહારાજે શ્રીહરિચરિત્રામૃતસાગર પૂર-૬, તરંગ-૫૪માં કહ્યું છે કે, “દેહ અને દેહના સંબંધી કેટલું દુ:ખ દે છે, તોપણ સંસારી લોકો સુખ માની તેના ગુલામ થઈને રહે છે. સંસારમાં સાર નથી પણ તેમાં વિચાર વિના સાર દેખાય છે.”
સંસારનું આવું ચિત્ર જોઈને જ સદ્. મુક્તાનંદ સ્વામીએ ગાયું છે કે,
“રે મૂરખ લોક મરે ભટકી, જૂઠા સંગે હાં રે શિર પટકી;
એથી મારી મનવૃત્તિ અટકી, રે શ્યામ તમે સાચું નાણું.”
સંસારમાં જેમ જેમ વધુ ઊંડા ઊતરતા જવાય તેમ તેમ સુખના નહિ પરંતુ વધુ ને વધુ દુ:ખના અનુભવો જ થાય છે. કારણ, સંસારનું સુખ જ ખોટું છે. તેમાં સુખ સંભવે જ નહીં. એ જ રીતે, સત્તા-સંપત્તિ અને યશ-કીર્તિમાં પણ છેવટે સુખનો લેશ અનુભવ નથી થતો.
સિકંદર બાદશાહ વિશ્વવિજયી બની સત્તા અને યશ-કીર્તિ મેળવવાને જ સાચું સુખ માનતા હતા. એક દિવસ વિશ્વવિજય કરવાની યાત્રાએ નીકળતા પહેલાં તેઓ પોતાના ગુરુ એરિસ્ટોટલને પગે લાગવા માટે ગયા. ગુરુએ ‘ક્યાં જઈ રહ્યા છો ?’ એમ પૂછતાં સિકંદરે તેમનો સંકલ્પ જણાવ્યો. ત્યારે ગુરુએ પૂછ્યું, “વિશ્વવિજયની યાત્રાએ શું સિદ્ધ કરવા જાય છે ?” ત્યારે તેમણે કહ્યું, “ગુરુ, હું સમગ્ર વિશ્વ પર વિજય મેળવી મેસીડોનિયામાં આવી સુખે આરામ કરીશ.”
ત્યારે ગુરુભાઈ ડાયોજિનસે કહ્યું, “ભાઈ, તો અત્યારે જ આરામ કરી લે ને !” પણ તેઓ ન માન્યા અને યાત્રાએ જવા નીકળ્યા. તેઓ એક પછી એક દેશ પર વિજય મેળવતાં મેળવતાં ભારત સુધી આવ્યા. આ અરસામાં તેમને અસાધ્ય રોગ થયો. તેઓ આગળ લડવા જઈ શકે તેમ ન હોવાથી પાછા વળતા બેબીલોનમાં તેમના જીવનનો અંત આવ્યો. વિજય પામેલા દેશ કે તેની સમૃદ્ધિનું સુખ પામવાનો પ્રયત્ન કરવા જતાં મૃત્યુરૂપી દુ:ખને ભેટી પડ્યા.
સદ્. મુક્તાનંદ સ્વામીએ તેથી જ ગાયું છે કે,
“રે તમ વિના સુખ સંપત કહાવે, તે તો સર્વે મહાદુ:ખ ઉપજાવે;
અંતે એમાં કામ કોઈ ના’વે, રે શ્યામ તમે સાચું નાણું.”