સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-4

  September 28, 2020

સુખ અને દુ:ખની સ્પષ્ટતા :
 મનોકલ્પિત માનીનતાએ આપણે અઢળક દ્રવ્ય-સંપત્તિ, સત્તા, ગાડી, બંગલા, સ્ત્રી-પુત્ર-પરિવારની પ્રાપ્તિને સુખ માનીએ છીએ. પરંતુ તે દેહને સંલગ્ન સુખ છે, દેહનાં સુખ છે. સર્વે દુ:ખનું કારણ છે. તો પછી સાચું સુખ કયું ? પરંતુ આપણે દેહના તે અજ્ઞાનના કારણે સુખ માનીએ છીએ છતાં મળતું નથી.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ તેથી જ સંસારના આ સુખને આભાસ તરીકે વર્ણવતાં પ્રકરણ-૩ની ૪૭મી વાતમાં કહ્યું છે કે, “સંસારમાં સુખ જેવું જણાય છે પણ તેમાં તો દુ:ખ છે.” અર્થાત્ સંસારમાં સુખ જેવો આભાસ થાય છે. વાસ્તવિકતાએ સુખ નથી; દુ:ખ જ છે તેવું સમજાવ્યું છે. સાચું સુખ કયું છે ? અને ખોટું આભાસી સુખ અને દુ:ખ કયું છે ? તેની જ્યાં સુધી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી અજ્ઞાન અવસ્થાને કારણે જીવન વ્યર્થ પસાર થઈ જાય છે અને ખોટા અને નાશવંત સુખને વાસ્તે હાયવોય થાય છે.
એક વખત પૂ. સંતો ઑસ્ટ્રેલિયા વિચરણમાં પધાર્યા હતા. ત્યારે સુજલભાઈના દીકરા કુંજે ઠાકોરજીની આરતી પછી સંતોને અતિ આનંદ સાથે કહ્યું, “સ્વામી, મેં બહુ મોટો પ્લૉટ ખરીદી તેમાં મોટું હાઉસ, સ્વિમિંગ પુલ, ગાર્ડન બધું બનાવ્યું છે, મર્સીડીસ ગાડી પણ ખરીદી છે, ચાલો તમને બતાવું.” સંતોને નાના કુંજની વાત સાંભળતાં આશ્ચર્ય થયું. કુંજ સંતોને પોતાના રૂમમાં લઈ ગયો. કમ્પ્યૂટર ઓપન કરી (ખોલી) બધું બતાવવા માંડ્યો કે, “સ્વામી, જો મેં આ પ્લૉટ પર્ચેઝ કર્યો છે (ખરીદ્યો છે).” હાઉસ બતાવ્યું. નીચે લખ્યું હતું : ‘લૅન્ડ લૉર્ડ કુંજ પટેલ’. આ બધું વર્ણન કરતાં કુંજ ખુશ થતો હતો. પરંતુ વાસ્તવિકતાએ શું તેનો  આનંદ  સાચો  હતો ? કમ્પ્યૂટરની ગેમમાં ખરીદેલા હાઉસમાં રહેવા મળશે ? સ્વિમિંગ પુલમાં નાહવા મળશે ? છતાં નાના કુંજને ગેમના ગાડી-બંગલા અને વાસ્તવિક ગાડી-બંગલાની સ્પષ્ટતા નહોતી તેથી તેને ખોટામાં પણ સાચો આનંદ આવતો હતો.
એવી જ રીતે બાળકો રમકડાંની ઑડી કે B.M.W. ગાડી લાવે તો તેને જોઈને ખુશ ખુશ થઈ જાય છે. અને તૂટી જાય તો રડવા માંડે છે, દુ:ખી થઈ જાય છે પરંતુ શું એ રમકડાંની ગાડી લાવી આપનાર વાલી પણ તેની સાથે રડે છે ? ના, ઉપરથી તે બાળકને સમજાવે છે કે, “અરે ગાંડા, એ રમકડાંની ગાડી હતી. તૂટી ગઈ તો નવી આવશે. રડે છે શું કામ ?”
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી આ દૃષ્ટાંતનો સિદ્ધાંત સમજાવે છે કે, “બાળકની રમકડાંની ગાડી તૂટી જાય તો વાલી નથી રડતા કે નથી દુ:ખી થઈ જતા. કારણ, તેમને ખબર છે કે આ ખોટી ગાડી છે પરંતુ એ જ વાલી નવી ઑડી કે B.M.W. ગાડી લાવ્યા અને અકસ્માતમાં તૂટી જાય તો પોતે રડવા માંડે છે. દુ:ખી દુ:ખી થઈ જાય છે. તો આ પણ શાના માટે ? શું આ ગાડી પણ સાચી છે ? ના, નાશવંત છે. આ ગાડી પણ માટીનો જ એક ભાગ છે.”
ગાડી હોય કે સાત માળની હવેલી હોય. દેહની આંખે જે કાંઈ દેખાય છે તે બધો ધૂળનો જ આકાર છે.
એટલે જ સાંખ્ય દૃષ્ટિએ કહેવાયું છે કે,
“માટી કા ભેદ નિરાલા, કિસકો સમજ નહિ આયા.”
અર્થાત્ સંસારમાં વસ્તુ-પદાર્થ કે વ્યક્તિ જે કાંઈ બધું દેખાય છે તે માટીમાંથી જ બનેલું છે. એટલે તેનો નાશ થતાં માટીમાં ભળી જાય છે.
“માટી પર ચઢ માટી એક દિન, માટી કે ઘર આઈ,
માટી કી શાદી માટી સે, માટીને કરવાઈ;
એક દિન માટી સે માટી કી, ગોદ મેં માટી આઈ.”
એટલે કે વરરાજા જ્યારે લગ્ન કરવા ઘોડા પર બેસીને નીકળે છે તે ઘોડો, કન્યા, ગોર મહારાજ માટીનાં જ છે. તથા સ્ત્રી-પુરુષ થકી સ્ત્રીની ગોદમાં જે બાળકનો જન્મ થાય છે તે પણ માટી જ છે. એટલે જ નિ:સંતાન દંપતી કહે છે કે “અમારા ઘરમાં શેર માટીની ખોટ છે.” માટે અવરભાવનું જે કાંઈ છે તેને માટીનું સમજીએ. અંતે તો તે બધું દુ:ખરૂપ જ છે. તેવી સમજણની સ્પષ્ટતા કરવાથી જ આત્માના સુખને પામવાની લાલચ જાગે, તેનું યથાર્થ મૂલ્ય સમજાય. આત્માને ભોગવવાનું મૂર્તિનું સુખ જ શાશ્વત અને સાચું છે. તેની સ્પષ્ટતા નથી થતી તેથી જ તેના માટે કોઈ પ્રયત્ન થતો નથી.
દરિયાકિનારે ઊભા રહી દૂર દૂર સુધી જોઈએ તો ક્ષિતિજ સીમાએ દરિયો અને આકાશ એક થઈ ગયેલાં દેખાય છે. પરંતુ વાસ્તવિકતાએ જુદાં જ છે. એક હોવાનો આભાસ થાય છે. આભાસ થવો અને વાસ્તવિકતા હોવી; તેના તફાવતની તુલના જ ન કરી શકાય.
સંસારનું સુખ છાશની ગોળી જેવું છે, જ્યારે મૂર્તિનું સુખ ઘીની વાટકી જેવું છે. છાશ અને ઘીની તુલના શક્ય જ નથી. તેમ દેહના સુખ અને આત્માના સુખની તુલના કરી જ ન શકાય અને જેને ખરેખર આત્માને ભોગવવાનું મૂર્તિનું જ સુખ સાચું છે, એવું નક્કી થઈ જાય તેને અવરભાવનાં સુખ-દુ:ખની પરવા રહેતી નથી.
ગઢપુરના એભલખાચરનો પરિવાર ગર્ભશ્રીમંત હતો. દાદાખાચર ગામધણી હતા. ગઢપુર ગઢમાં સુખ-સમૃદ્ધિની છોળો ઊડતી હતી. પરંતુ તેજોદ્વેષીઓ દાદાખાચર શ્રીજીમહારાજને પોતાના ઘરે રાખતા હતા તેથી અનેક ઉપાધિઓ કરતા. પરિણામે દાદાખાચરને અનેક કષ્ટો વેઠવા પડતાં. અપમાન સહન કરવા પડતાં. આર્થિક પરિસ્થિતિ પણ સંજોગો કારણે કથળતી જતી હતી. ચારેય બાજુ ઉદ્વેગ ને અશાંતિભર્યુ વાતાવરણ સર્જાઈ જતું હતું.
એક દિવસ શ્રીજીમહારાજે દાદાખાચરને બોલાવ્યા અને કહ્યું, “દાદા, અમને વિચાર આવે છે કે અમે તારા ઘરે રહીએ છીએ એટલે જ આ બધી ઉપાધિઓ આવે છે. તારે અનેક કષ્ટો અને દુ:ખ સહન કરવાં પડે છે. તને ક્યાંય સુખ-શાંતિ મળતાં નથી માટે જો અમે ક્યાંક બીજે જતા રહીએ તો તું સુખી થઈ જાય.”
દાદાખાચરને સુખ અને દુ:ખની ખરેખર સ્પષ્ટતા હતી ને સમજણ હતી. તેથી કહ્યું, “મહારાજ, સાચા સુખનું મૂળ તો આપ જ છો. આપની મૂર્તિમાં જ બધાં સુખ રહ્યાં છે અને અત્યારે મારી પાસે જે કાંઈ અવરભાવનાં સુખ છે તે પણ આપને લઈને જ છે. મને આપના તુલ્ય બીજા કોઈ સુખનું મૂલ્ય નથી. બાકી સંસાર તો દુ:ખથી જ ભરેલો છે. સગાંસંબંધી સ્વાર્થનાં છે. વ્યવહારમાં તો દુ:ખનાં જ પોટલાં છે માટે મારે આપનાથી અધિક સુખ કોઈ નથી.”

આપણે પણ દાદાખાચરની જેમ સાચું સુખ મૂર્તિમાં છે એવું બોલીએ છીએ પરંતુ ખરેખર તેની સ્પષ્ટતા રહેતી નથી એટલે આપણને મૂર્તિ મળવા છતાં એનું સુખ પામી શકતા નથી માટે આપણી સમજણમાં સુખ અને દુ:ખની યથાર્થ સ્પષ્ટતા કરી સાચા સુખ માટેના પ્રયત્ન કરીએ.