સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-5
October 5, 2020
સુખપ્રાપ્તિનું લક્ષ્ય બાંધવા સાંખ્ય ફરજિયાત :
લૌક્કિ સુખ અને દુઃખના અનુભવો જીવનની હરેક ક્ષણે સંસારમાં દરેકને થતા હોય છે. ચોમાસાનાં વાદળની વચ્ચે સૂર્ય જેમ અલપ-ઝલપ દેખાય છે તેમ જીવનમાં લૌકિક સુખ-દુઃખની અલપ-ઝલપ આવતી રહે છે. તેમ છતાં એ સુખ-દુઃખની પરિસ્થિતિ કાયમી રહેતી નથી. છેવટે તેના પરિણામ સ્વરૂપે દુઃખ જ અનુભવાતું હોય છે.
આત્માને અનુભવાતું પરમાત્માનું સુખ એ જ શાશ્વત અને આનંદરૂપ સુખ છે. સુખ-દુઃખની સ્પષ્ટતા થયા પછી સાચા સુખને પામવાનું લક્ષ્ય બંધાવું એ તેનો હાર્દ છે. કારણ, લક્ષ્ય નક્કી કર્યા વિના કોઈ વાત સિદ્ધ થાતી નથી. લક્ષ્ય સિદ્ધ કરવા બે સ્ટેપ લેવાં જોઈએ : (૧) લક્ષ્યને નક્કી કરવું, (૨) લક્ષ્ય સિવાયનું બધું ભૂલી જવું.
શ્રીજીમહારાજની મૂર્તિના સુખને પામવું એ જ આપણા સૌનું અંતિમ લક્ષ્ય છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા મૂર્તિ સિવાય બધું મિથ્યા સમજવાની વાત શ્રીજીમહારાજ શ્રીહરિચરિત્રામૃતસાગર પૂર-૫, તરંગ-૬માં સમજાવે છે કે, “તન, ધન, પુત્ર-પરિવાર બધું મિથ્યા જાણીને, દેહભાવ ટાળીને સત્સંગની મમતા રાખી જે હરિભક્ત વર્તે છે તેને અક્ષરધામની મોજ મળે છે. તેની ગમે તે જાતિ હોય, તેનો મોક્ષ નિશ્ચે છે.” અર્થાત્ મોક્ષ કહેતાં નિશ્ચે મૂર્તિનું સુખ મળે છે પણ એ શરતે કે અવરભાવમાત્રને સાંખ્ય વિચારે કરીને મિથ્યા સમજવો પડે.
બોટાદના શિવલાલ શેઠ દિવસનું ત્રણ ત્રણ કલાક ધ્યાન કરતા. મૂર્તિના સુખમાં ઊંડા ઊતરી જતા. તેમના પિતાશ્રી ભગા દોશીએ દીકરાની આવી ઊંચી સ્થિતિ જોઈ એક દિવસ પૂછ્યું કે, “શિવા, તું દિવસનું ત્રણ ત્રણ કલાક ભગવાનનું ધ્યાન કરે છે, ભગવાનના સુખમાં ઊંડો ઊતરી જાય છે તો મને પણ એવું ધ્યાન કરતાં શિખવાડ ને ! બોલ, તું કેવી રીતે ધ્યાન કરે છે ?”
શિવલાલભાઈ પિતાશ્રીનું અંગ જાણતા હોવાથી મંદ મંદ હસ્યા. પછી કહ્યું, “પિતાશ્રી, હું કેવી રીતે ધ્યાન કરું છું તે તમને કહું તો, સૌથી પહેલાં હું આખા બોટાદ શહેરને સળગાવી દઉં છું, ત્યારપછી આપણી આખી પેઢીને સળગાવી દઉં છું. ત્યારપછી આપણા ઘરને, સગાંસંબંધીને અને તમને પણ સળગાવી દઉં છું. પછી છેલ્લે મારા દેહને પણ સળગાવી દઉં છું. પછી તે રાખના ઢગલા ઉપર આસન વાળી ધ્યાન કરું છું અને એમ ધારું છું કે, હું દેહથી નોખો આત્મા છું અને એ આત્માને ભગવાને પોતાના સુખમાં રાખ્યો છે એવો સાંખ્ય વિચાર કરી ધ્યાન કરું છું તો મને ત્રણ નહિ, છ કલાકેય ઊઠવાનું મન થતું નથી. માટે જો તમારે ધ્યાન કરવું હોય તો પેઢી, આખું જગત,, બધું જ સાંખ્ય વિચારે સળગાવવું પડે તો એવું ધ્યાન થાય.”
અવરભાવમાત્ર મૂર્તિસુખના લક્ષ્યને પામવા માટે વિઘ્નરૂપ જ છે. પણ તે શિવલાલભાઈ જેવા મુમુક્ષુ થાય તેને ન નડે. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-પની ૮૩મી વાતમાં કહ્યું છે કે, “આપણને ભગવાન ભજવામાં વિઘ્ન કરનારની વિક્તિ જે, એક તો લોક, બીજા સગાં, બાયડી, છોકરા, માબાપ, રૂપિયા ને દેહ એ સર્વે છે. તે જો બળિયો મુમુક્ષુ હોય તો ન ગણે.”
શિવલાલભાઈએ પહેલાં સાંખ્ય દૃઢ કર્યું તો જ મૂર્તિસુખના લક્ષ્યને પામી શક્યા. જ્યાં સુધી અવરભાવમાં જોડાયેલા હોઈએ ત્યાં સુધી પરભાવમાં પ્રીતિ ન થાય. કોઈ સ્ત્રી કે પુરુષને વિજાતિ પાત્ર સાથે અયોગ્ય સંબંધ હોય તો તેને જેની સાથે લગ્ન થયાં હોય તેની જોડેથી છૂટાછેડા લે તો જ બીજાની સાથે લગ્ન કરી શકે એવો હિંદુ ધર્મનો કાયદો છે. બેયની સાથે લગ્ન કરવાં શક્ય જ નથી. તેમ અવરભાવ અને પરભાવ બેયમાં એકસાથે પ્રીતિ શક્ય જ નથી.
મૂળજી શર્મા એટલે કે સદ્. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે ગઢપુર શ્રીજીમહારાજ પાસે સાધુ થવા આવ્યા ત્યારે શ્રીજીમહારાજે પહેલો જ પ્રશ્ન પૂછ્યો હતો કે, “મૂળજી, બધું સળગાવીને આવ્યા છો કે પછી એમ જ આવ્યા છો ? જો બાકી હોય તો બધું સળગાવીને આવો.” અર્થાત્ મહારાજના સુખને પામવા સાંખ્ય એ પાયો છે.