સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-8
October 26, 2020
સાંખ્યની દૃઢતા ન હોય તેને કેવું વર્તે ? અને દૃઢતા થાય તેને કેવું વર્તે ?
સાંખ્યની આંખે જોતાં સંસાર માંહીથી સળગતો જાય. સાંખ્ય જેટલું વિશેષ દૃઢ થતું જાય એટલો સંસારનો અભાવ વર્તે, અવરભાવમાત્ર અસાર થતો જાય. માત્ર એક દિવસ સાંખ્યનો વિચાર કરવાથી તેનું પર્યાપ્ત ફળ પમાતું નથી. એ વિચારની સતત પ્રૅક્ટિસ કરવી પડે. દેહને ટકાવવા જેમ આપણે રોજ જમવું પડે છે તેમ કરેલા સાંખ્યને ટકાવવા રોજ તે વિચારની પ્રૅક્ટિસ કરવી જ પડે. નહિ તો તેમાં વિઘ્ન આવી જાય.
રાજા ગોપીચંદને માતાની એક ટકોરે સંસાર અસાર થઈ ગયો. તેઓ સંસારમાં કોઈ સાર નથી એવા સાંખ્યના વિચારે રાજપાટ ત્યાગી વનમાં પ્રભુભક્તિ કરવા નીકળ્યા હતા. એ જ અરસામાં રાજા ભર્તુહરિ પણ પત્ની પિંગલાની ગેરવર્તણૂકથી દાઝતાં તેમનો સંસાર સળગી ગયો. તેઓ પણ સંસારમાં કોઈ સાચાં સગાં નથી તેવું સાંખ્ય દૃઢ થતાં બધું ત્યાગી વનમાં પ્રભુભજન કરવા નીકળ્યા હતા. એક વાર સાંખ્ય વિચારે બધું ત્યાગી દીધું હતું પરંતુ તે વિચારનો સતત પ્રૅક્ટિસે યથાર્થ દૃઢાવ થયો નહોતો તો ધર્મશાળામાં એક સાદડી માટે બંને ઝઘડી પડ્યા હતા.
સાંખ્ય વિચારની સાતત્યતા એ સતત જાગૃતતા પ્રગટાવે છે માટે તે નિરંતર કરવાનો આગ્રહ દર્શાવતાં જીવનપ્રાણ બાપાશ્રીએ ભાગ-૨ની ૯૦મી વાતમાં કહ્યું છે કે, “સાંખ્ય વિચાર લાખ વાર કરવો. એમ કરતાં કરતાં મૂર્તિ સાક્ષાત્કાર થઈ જાય.” એટલે કે સાંખ્ય વિચારની આપણા રોજબરોજના જીવનમાં પ્રૅક્ટિસ કરવાથી જ તેની વિશેષ દૃઢતા થાય છે.
સાંખ્યની યથાર્થ દૃઢતાવાળા સાંખ્યનિષ્ઠ પુરુષને કેવું વર્તે ? તો,
તેને ભૌતિક સુખની કોઈ સ્પૃહા નહિ કે દેહના દુ:ખનું દર્દ નહીં.
તેને પંચવિષયમાં ક્યાંય પ્રીતિ નહિ કે વિષયસુખની આશ નહીં.
તેને મૃત્યુનો ભય નહિ કે સ્થિતિ-પરિસ્થિતિમાં વિચલિતતા નહીં.
તેને વિપત્તિનો વિષાદ નહિ કે સાનુકૂળતાની માંગણી નહીં.
તેને માનની કોઈ અપેક્ષા નહિ કે અવહેલનાની ઉપેક્ષા નહીં.
તેને દેહની કોઈ પરવા નહિ કે દેહના દોષની પજવણી નહીં.
તેને કાંઈ મળે તેનો આનંદ નહિ કે જાય તેનું દુ:ખ પણ નહીં.
તેને સારા-નરસાનો ભેદ નહિ કે રૂપ-કુરૂપનો ખ્યાલ નહીં.
તેને ઊપસવાનો ખ્યાલ નહિ કે મોટા થવાના અભરખા નહીં.
તેને કોઈ વસ્તુ-પદાર્થનું બંધન નહિ કે વ્યક્તિમાં આસક્તિ નહીં.
તેને છે એકમાત્ર સમજણ સોતો ત્યાગ અને મૂર્તિના સુખમાં રાગ.
સાંખ્યનિષ્ઠ આવા સ્થિતપ્રજ્ઞ પુરુષો જ મુમુક્ષુતારૂપી મોતીને પામી શકે છે. આવી સાંખ્ય સમજણની દૃઢતા માટે ત્યાગી-ગૃહી એવો કોઈ આશ્રમનો ભેદ નથી.
એક વખત જીવનપ્રાણ બાપાશ્રી વૃષપુરમાં પધાર્યા હતા. એ વખતે મૂળીના પુરાણી ત્યાગવલ્લભદાસજી પણ બાપાશ્રીનાં દર્શન-સમાગમનો લાભ લેવા માટે આવ્યા હતા. એ વખતે રામપરાના દેવરાજભાઈ બાપાશ્રીનાં દર્શને આવ્યા હતા. તેમના મુખારવિંદ પર આનંદ છલકાતો હતો તેથી બાપાશ્રીએ દેવરાજભાઈને કહ્યું કે, “તમે આજે બહુ આનંદમાં છો તેનું કારણ આ ત્યાગવલ્લભદાસજીને કહો.”
ત્યારે તેઓ બોલ્યા જે, “શ્રીજીમહારાજે અને તમે મારા પર બહુ દયા કરીને મારા માથેથી અર્ધી વેઠ ઉતારી જે, બે દીકરા અને એક મારાં માતુશ્રી તેમને મહારાજ અને તમે ધામમાં લઈ ગયા. હવે એક ઘરનું મનુષ્ય ને બે દીકરા એટલી વેઠ રહી છે તેનું જેમ મહારાજની અને તમારી મરજી હોય તેમ કરો, પણ અત્યારે તો અર્ધો ભાર ઊતર્યો તેનો આનંદ છે. ભુજ જઈને ત્રણ રસોઈઓ દઈને આપનાં દર્શને આવ્યો છું.” દેવરાજભાઈને બાપાશ્રીના સમાગમે કરીને સાંખ્યની દૃઢતા હતી તો પરિવારના ત્રણ ત્રણ સભ્યો એકસાથે ધામમાં ગયા છતાં તેનું અંતરમાં દુ:ખ નહોતું પરંતુ મૂર્તિના સુખમાં ગયા તેનો આનંદ હતો.
બાપાશ્રીએ ત્યાગવલ્લભદાસજી સ્વામીને કહ્યું, “તમારા ચેલા (શિષ્ય સંત) ધામમાં જાય તો કેમ થાય ?” ત્યારે ત્યાગવલ્લભદાસજી સ્વામીએ કહ્યું, “બાપા, આવું તો મારાથી ન રહેવાય. હું તો પોકે ને પોકે રોઉં.” તેમણે સંસારનો ત્યાગ કર્યો હતો પરંતુ સત્સંગનો વ્યવહાર, સાધુ, ચેલા, મંદિર આ બધું પણ કાર્ય છે, નાશવંત છે એવા સાંખ્યજ્ઞાનની યથાર્થ દૃઢતા થઈ નહોતી તેથી આવો જવાબ આપ્યો.
અવરભાવનાં પદાર્થ કે વ્યક્તિના બંધનથી નિર્વાસનિક થવા માટે સાંખ્ય વિચાર અતિ મહત્ત્વનો છે. આજે સંસારમાં ઘેર ઘેર જોઈએ તો સાંખ્ય સમજણની દૃઢતાને અભાવે અને વાસનાની તીવ્રતાને કારણે રડારોળ થતી હોય છે. કેટલાક તો તેની પાછળ પાગલ થઈ જાય, મડદાને પકડીને હૈયાફાટ રુદન કરે ને છેવટે આત્મહત્યા કરી નાખે છે.
ધોળકાના કાશીનાથ પંડિતને પોતાની સ્ત્રી અને પુત્ર પુંડરિકમાં આસક્તિ હતી. સ્ત્રી-પુત્ર બંનેને તેલના ટાંકામાં મૃત્યુ પામેલાં જોઈ ઘણું જ્ઞાન હતું પરંતુ સાંખ્ય વિચાર નહોતો તો તેમની પાછળ પોતે પણ આત્મહત્યા કરી લીધી.
સદ્. અક્ષરાનંદ સ્વામીએ સાંખ્યના અજ્ઞાન વિષે ૧૧૪૮મી વાતમાં પ્રસંગ આલેખ્યો છે કે, “એક જણની સ્ત્રી મરી ગઈ. પછી તેનો સાડલો લઈને ગામમાં ફરે જે જુઓ, આ મારી ઘરવાળીનો સાડલો, એમ ઘરે ઘરે દેખાડતો ફરે અને ગાંડો થઈ ગયો. માટે કોઈ સાથે રાંડતું નથી. માટે કાં તો પહેલાં મરે બાઈ ને કાં તો મરે ભાઈ. તે પ્રથમથી જ નિર્ધાર કરી રાખવો જે બેમાંથી એક રાંડશું.” અર્થાત્ એવો સાંખ્ય વિચાર કરવો કે કોઈ કાયમ રહેવાનું નથી. સ્ત્રી, પુત્ર પરિવાર બધું નાશવંત જ છે. તો તેનું દુ:ખ ન થાય.