સંતાનો માટે જાગ્રત બનો - 2
April 28, 2014
બાળકને ભણતરની સાથે ગણતર, કેળવણી ને ઘડતરની જરૂર છે ત્યારે વાલી તરીકે બાળકો પ્રત્યે કેવી ફરજો નિભાવવી પડશે તે જાણીએ અને શીખીએ આ લેખમાળા દ્વારા.
બાળક વધુમાં વધુ સમય ઘરમાં કહેતાં માતાપિતાના સાંનિધ્યમાં પસાર કરે છે. શાળામાં તો 4 કલાક કે વધુમાં વધુ 5 કલાક પસાર કરે, પણ મોટાભાગનો સમય તો માતાપિતા પાસે રહે છે. તેથી માતાપિતાની પવિત્ર ફરજ છે કે બાળકને સાચા અર્થમાં કેળવણી આપવી, યોગ્ય રીતે જતન કરવું. કેમ કે, જેમ રૂપિયા, સોના-ચાંદીનું જેટલું જતન કરીએ છીએ તેથીય વિશેષ આ અમૂલ્ય મૂડીને સાચવવા જેવી છે. તો જ તેનાં મીઠાં ફળો આપણને તથા સમાજને યોગ્ય સમયે મળશે.
ઈ.સ. 1995માં, એસ.એમ.વી.એસ.ની ઊગતી વામન સંસ્થાએ નાનકડી સંખ્યાના 15 જેટલા સંતો દ્વારા, 13 દિવસનો ભવ્ય બાપાશ્રી મહોત્સવ ઊજવેલો. 125 એકર જમીનમાં 500 જેટલા સ્ટેચ્યૂ તથા 5 એકરમાં માટીનાં પૂતળાં બનાવવાનાં હતાં જે માટે ઓરિસ્સા-કર્ણાટકથી કારીગરો આવ્યા હતા.
તેથી તેના પૂર્વે સરવે કરવાના હેતુથી પ.પૂ. સ્વામીશ્રી તથા કેટલાક સંતવૃંદે ગુજરાત યુનિવર્સિટીના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં સ્ટેચ્યૂ બનાવનારી વિશિષ્ટ પ્રજા કે જેમના 50-100 વર્કશોપ હતા તે પૈકી કેટલાકની મુલાકાત લીધી.
તે દરમ્યાન એક વિશિષ્ટ કલાકારનો ભેટો થયો. એ આર્ટિસ્ટ તેના વર્કશોપમાં લઈ ગયો. પછી તેણે એકસરખા બે સ્ટચ્યૂ બતાવ્યા. એકસરખી ઊંચાઈ, એકસરખો દેખાવ તથા એક જ ડાઈ (બીબું)માંથી બનાવેલ અને એકસરખા કલરવાળા 2 સ્ટેચ્યૂ પૈકી એકની કિંમત 250 રૂપિયા હતી ને બીજાની કિંમત 2500 રૂપિયા હતી. આમ, આ બે સ્ટેચ્યૂ વચ્ચે ખૂબ મોટો તફાવત કેમ ?
કારીગરે ઉત્તર કર્યો : બંને પૂતળાં માટે માટી, ડાઈ, પદ્ધતિ વગેરે સરખું છે પણ માટી ઢેફાંના રૂપમાં મળે છે. તેને અમે ઝીણી કરીએ છીએ. પલાળીને પછી અડધો કલાક ગૂંદીને બીબામાં ભરીએ છીએ. તેથી એક દિવસમાં 10 સ્ટેચ્યૂ 250 રૂપિયાવાળા તૈયાર થાય. જ્યારે બીજા પ્રકારના સ્ટેચ્યૂ માટે ખૂબ મહેનત પડે છે. ઝીણો ભૂકો કર્યા પછી તેને ચારણીથી ચાળી ફરી પાછું કપડાંથી ગાળીએ. પછી તે માટીને પાણી નાંખી હાથથી-પગથી ઝાઝો સમય ગૂંદીએ છીએ; એ કેળવેલી માટી બને છે. અને એની મૂર્તિ 2500 રૂપિયાની કિંમતે પડે છે. તમારા દેખતાં જ 250 રૂપિયાનાં સ્ટેચ્યૂ પછડાય તો તે માટીનો ભૂકો થઈ જશે. માટે બંનેમાં એવો મોટો ફેર છે.
250 રૂપિયાના સ્ટેચ્યૂ તેમજ 2500 રૂપિયાના સ્ટેચ્યૂ વચ્ચેનો તફાવત માત્ર રુપિયાનો છે એવું નથી પણ 250 રુપિયાવાળું સ્ટેચ્યૂ ઘડતર વિનાનું તેમજ કેળવાયા વિનાનું છે. જ્યારે 2500વાળું સ્ટેચ્યૂ કેળવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યું છે. એના ઘડતરમાં કારીગરે પોતાની મહેનત અને જીવનનો મહામૂલો સમય કાઢ્યાં છે. એના માટે એની એક પદ્ધતિ અપનાવી છે જ્યારે 250 રૂપિયાનું સ્ટેચ્યૂ સામાન્ય રીતે બનાવેલું છે. માટે આ બંને સ્ટેચ્યૂ જુદી જુદી કિંમતનાં છે. આમ, અણઘડ તેમજ કેળવાયેલ બંને વચ્ચેનો તફાવત એ એની કિંમત વચ્ચેની સર્વશ્રેષ્ઠતાને રજૂ કરે છે.
સૌ માતાપિતાની ઝંખના તો હોય જ કે મારો બાળક શૂરવીર, હિંમતવાન, સદાચારી, સરદાર જેવો બને. પણ તે આકાંક્ષા પૂરી કરવા માટે બાળકને કેળવવો પડે. આજની શાળામાં ગોખણિયું જ્ઞાન અપાય છે. ભણતર અપાય છે, ગણતર નહીં. બાળકને ભણતરની સાથે ગણતરની, કેળવણીની ને ઘડતરની જરૂર છે; એ આપો.
વાલીની ફરજો :
(1) બાળકને તમારો પ્રેમ આપો :
બાળકને બીજું કાંઈ જ નહિ આપો તો ચાલશે, પરંતુ તેને નિ:સ્વાર્થ પ્રેમ આપો. નાનીસરખી ચોકલેટથી બાળક ક્ષણિક ખુશ તો થઈ જશે. પરંતુ નિ:સ્વાર્થ પ્રેમના મહાસાગરથી બાળકને ભીંજવી દો; તે રાજી રાજી થઈ જશે અને સમગ્ર દુનિયાનું સુખ મળ્યાનો તેને સંતોષ થશે. કેટલાક સંવાદો આપણે ક્યાંક સાંભળીએ છીએ; જેવા કે....
“બેસ છાનોમાનો; આવ્યો ત્યારથી જંપ જ નથી.”
“નાના મોઢે મોટી વાતો કરે છે ?”
“જા, ભણવા બેસી જા.”
“એક તો થાક્યાપાક્યા આવ્યા છીએ અને તારો કકળાટ શરૂ થયો.” વગેરે.
આવા સંવાદો જો થતા હોય તો બાળકના કુમળા હૃદયમાં ઘા ઉત્પન્ન કરે તેવું બને. માટે તેની આગળ તો તેના જેવા નિર્દોષ થઈને રહો. અને જો તેને પ્રેમ નહિ આપીએ તો તે બીજે બધે... ટીવીમાં, મિત્રોમાં, વિજાતિ પાત્રમાં, વ્યસનમાં પ્રેમ શોધશે જે અઘટિત છે.
ક્યારેક આઘાતજનક સમાચારો સાંભળવા મળતા હોય છે; જેવા કે...
“મારો દીકરો ઘરમાંથી ભાગી ગયો.”
“મારી દીકરીને ઠપકો આપ્યો તો તે નાસી ગઈ.” વગેરે.
સ્કૂલો, કોલેજોમાં શિક્ષકો દ્વારા પ્રેમ ન મળે; ઘરમાં માતાપિતા દ્વારા પ્રેમ ન મળે તો તે ક્યાં જાય ?
એક ભાઈને વર્ષો પછી પણ પારણું ન બંધાયું. છેવટે તે શ્રીમંત દંપતીએ બાળકને દત્તક લેવાનો પ્રયત્ન કર્યો. એક શાંત-ગંભીર બાળકને પસંદ કર્યો. તેને કહ્યું, “તું અમારી સાથે આવીશ ?”“જરૂર આવીશ.”“અમે આજથી તારાં માતાપિતા બની રહ્યાં છીએ. તું અમારે ઘેર ચાલ.” ત્યારે બાળકે કહ્યું, “તમે મને શું આપશો ?”“અરે, તને રમકડાં લાવી આપીશું.” “બીજું ?”“સરસ કપડાં લાવી આપીશું.” “બીજું ?”“સારી શાળામાં મૂકીશું. દફતર-પુસ્તકો લાવી આપીશું.” “પછી ?”“તને પ્રવાસમાં ફરવા લઈ જઈશું.”“પછી ?” આમ છેલ્લે કહ્યું કે, “તારે શું જોઈએ છે ? તે વારેઘડીએ બીજું બીજું કર્યા કરે છે ?” ત્યારે બાળક બોલ્યો, “મારે તો તમારો પ્રેમ જોઈએ છે. તમે મને પ્રેમ આપશો ને ?”
બસ, બાળકને ભરપૂર પ્રેમની જરૂર છે.
(2) બાળકોને સમય આપો :
સ્કૂલો અને કોલેજો બાળકની બુદ્ધિનો, તેના શિક્ષણનો, તેના કલા-કૌશલ્યનો વિકાસ કરી શકે છે. પરંતુ એના જીવનમાં સંસ્કારોનો ઉદય અને વિકાસ કરવાની જવાબદારી વાલી તરીકે એનાં માબાપની છે.
બાળકની પ્રગતિનો આધાર, ભવિષ્યનો આધાર તેના વાલી પર છે. બાળક બગડે એટલે વાંક આપણે શિક્ષકોનો, વાતાવરણનો, મિત્રોનો, ટી.વી.નો કાઢીએ છીએ. શું આ સત્ય છે ? ના... પહેલો વાંક તેનાં માબાપનો છે. સૌથી વધુ દુ:ખની વાત આજે એ છે કે માબાપ બાળકોના ઘડતર માટે સમય નથી ફાળવી શકતા. પૈસાની લત લાગતાં તે સંતાનોને પણ ગૌણ કરી દે છે. સવારથી સાંજ સુધી પૈસા માટે આમથી તેમ દોડ્યા જ કરે છે. બાળક કયા ધોરણમાં ભણે છે ? શું કરે છે ? તેને શાની જરૂર છે ? અરે, તેનાં સુખ-દુ:ખની વાતો પૂછવાનો પણ સમય આજનાં માબાપને હોતો નથી.
એવાં બેજવાબદાર માબાપે પોતાને જ એક પ્રશ્ન પૂછવો જરુરી જણાય છે કે, “પૈસા કમાઈએ છીએ તે કોના માટે ?” “સંપત્તિ ભેગી કરીએ છીએ પણ કોના માટે ?” “બંગલા બનાવીએ છીએ; કોના માટે ?” જવાબ એક જ હશે કે, “સંતાનો માટે.” પરંતુ આપના ભેગા કરેલા પૈસા, ભેગી કરેલી સંપત્તિ, બનાવેલા બંગલા ક્યારે સચવાશે ? જો આપે આપની સંતતિનું જતન કર્યું હશે તો.
બાળકોને સંસ્કારરૂપી સંપત્તિ નહિ આપો તો તે તમારી ભેગી કરેલી ભૌતિક સંપત્તિનો નાશ કરતાં વાર નહિ લગાડે. ભૌતિક સંપત્તિ ઓછી ભેગી થશે તો ચાલશે. એ સંપત્તિ તો બાળકો મોટા થઈને પણ વધારી શકશે. પરંતુ બાળપણમાં સંસ્કારો આપવા પાછળ દુર્લક્ષ્ય આપી મોટા થયેલા દીકરાઓમાં એ ઉંમરે સંસ્કાર આપી શકીશું ખરા ? ગુજરાતીમાં કહેવત છે કે, ‘જે થાય ટાણે તે ન થાય નાણે.’ તેમ સંસ્કારો એ બાળપણથી આપવાની વસ્તુ છે. માટે વાલી તરીકે પ્રથમ તો આપણાં બાળકોના સંસ્કારના સિંચન માટે સમય કાઢવો એ આપણી પવિત્ર ફરજ બને છે. આપણે બાળકોમાં સંસ્કાર આપવારૂપી સેવા માટે સમય નહિ કાઢ્યો હોય તો એ જ બાળકો મોટાં થઈ આપણાં માન-મર્યાદા, પૂજ્યભાવ, વચનસ્વીકૃતિરુપ સેવા તથા દૈહિક સેવા માટેનું પણ મૂલ્ય નહિ સમજે. બાળકોનું આજ અને ભવિષ્ય વિચારવાની તેમજ પોતાનું આજ અને ભવિષ્ય વિચારવાની વિવેકતા કેળવી સંતાનોના ઘડતર માટે જાગ્રત બનવું જરૂરી છે.
એક વખત પ.પૂ. સ્વામીશ્રી મુંબઈ વિચરણમાં પધાર્યા હતા. ત્યાં એક હરિભક્ત પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન માટે આવ્યા. તેઓ પહેલાં અમદાવાદમાં રહેતા હતા. ઘણાં વર્ષો બાદ પ.પૂ. સ્વામીશ્રીએ એમને જોયા એટલે સહજતાથી તેમના બાળક વિષે પૂછ્યું, “મુનિયો ક્યાં છે ?” હરિભક્તે કહ્યું, “સ્વામી, ઘેર જ છે.” “એમ, બહુ સારું. મુનિયો કેવડો થયો ?”પ.પૂ. સ્વામીશ્રીએ સહજતાથી પૂછ્યું. ત્યારે પેલા હરિભક્તે બે હાથ પહોળા કરીને બાળકનું માપ પ.પૂ. સ્વામીશ્રીને બતાવીને ક્હયું કે, “સ્વામી, અત્યારે તો મુનિયો આવડો થયો છે.” હાથ પહોળા કરીને ઉત્તર આપ્યો એટલે પ.પૂ. સ્વામીશ્રીએ આશ્ચર્યથી પૂછ્યું, “આમ પહોળા હાથ કરીને કેમ બતાવ્યો ?” ત્યારે પેલા હરિભક્તે કહ્યું, “સ્વામી, મેં મારા મુનિયાને ઊભો જોયો જ નથી. આડો (સૂતેલો) જ જોયો છે. હું સવારે વહેલો નોકરીએ જાઉં ત્યારે સૂતેલો હોય છે. અને રાત્રે મોડો આવું ત્યારે પણ સૂતેલો હોય છે. એટલે આડો બતાવું છું.” આ સાંભળી પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “દયાળુ, તમે તમારા બાળકને સૂતેલો જ જોયો છે તો તમે એની જોડે કોઈ દિવસ બેઠા તો નહિ જ હોય ? એ કયા ધોરણમાં ભણે છે ? એ પણ તમને ખબર નહિ જ હોય, નહીં ?” પેલા હરિભક્ત મૌન રહ્યા. પ.પૂ. સ્વામીશ્રીએ તેમને ટકોર કરતાં કહ્યું, “તમે દિવસ દરમ્યાન બધાને મળવા માટે સમય કાઢતા હશો તો થોડો સમય તમારા દીકરાને મળવા પણ કાઢો. એ પણ મળવા જેવો તો છે જ.”