સંયમ - 1

  March 12, 2018

સફળતા, નિષ્ફળતા અને પતન આ દરેક વ્યક્તિના જીવનમાં સતત આવતાં પરિણામો છે. તેમાંથી દરેક વ્યક્તિ સફળતાને જ ઇચ્છે છે તેમ છતાં ક્યાંક નિષ્ફળતા પણ મળે છે. મળેલી નિષ્ફળતામાંથી રસ્તો કાઢી હિંમત અને શ્રદ્ધા સહિત પ્રયત્ન કરે તો સફળતાની સિદ્ધિ સુધી પહોંચી શકાય છે પરંતુ જેનું પતન થાય તે ફરી કદી ઊભું થઈ શકતું નથી. તો પ્રશ્ન થાય કે જીવનમાં મળતી સફળતા અને થતા પતનનું કારણ શું ?

તો, સફળતાનું રહસ્ય છે સંયમ અને પતનનું મહાદ્વાર છે અસંયમ. સંયમ એટલે ઇન્દ્રિયો-અંતઃકરણ પર અંકુશ. સંયમ એટલે મનમાં ઉદ્‌ભવતી વિકૃતિઓ અને વિષયના વેગવાન ઘોડા ઉપર વિજય.

સંયમ એટલે મનની ઇચ્છાઓ, અભરખાઓ, લાગણીઓનું સ્વયં નિયંત્રણ.

સંયમ એટલે ભૌતિક આકર્ષણો, સંસાધનોના ઉપભોગમાં પોતાની જાત ઉપર કાબૂ રાખવો.

જ્યારે,

અસંયમ એટલે ઇન્દ્રિયો-અંતઃકરણની બહેકાયેલી, ફાટેલી વૃત્તિ.

અસંયમ એટલે આત્માની નિર્બળ અવસ્થા, પરતંત્ર અવસ્થા.

અસંયમ એટલે મનમાં ઉદ્‌ભવતા વિચારના વેગવાન ઘોડાની ગુલામી અવસ્થા.

અસંયમ એટલે લાચારી, નિર્માલ્યતા, વિવેકહીનતા.

સંયમ સફળતાના શિખરે સુખ અને શાશ્વત શાંતિનો આનંદ આપે છે. જ્યારે અસંયમ દુઃખ, ઉદ્વેગ, અશાંતિ, વ્યથા અને બરબાદીના કૂવામાં ધકેલી દે છે. સંયમના સુખનો અને અસંયમની આધિ, વ્યાધિ અને ઉપાધિનો દરેક વ્યક્તિને ખ્યાલ હોવા છતાં આધુનિક ટેક્‌નૉલોજીની સાથે હરણફાળ ભરવાની ઝંખનાની તીવ્ર આગમાં સંયમ સ્વાહા થઈ જાય છે.

માનવી ટેક્‌નૉલોજીના માધ્યમથી ચંદ્ર પર પહોંચ્યો, પામટોપ જેવા હાથમાં રમતાં કમ્પ્યૂટર બનાવ્યાં, ઘેર બેઠા દુનિયા આખીને જોઈ-જાણી શકે, ગમે તેટલે દૂર વાયર કનેક્શન વિના વાત કરી શકે, અવકાશમાં પણ ફરી શકે છે. મશીન અને બીજી વ્યક્તિ દ્વારા જે કરવા ચાહે તે કરાવી શકે છે. પરંતુ પોતાના સ્વજીવનમાં સંયમની કેડી કંડારી શકતો નથી.

માનવી એ બુદ્ધિશાળી પ્રાણી છે. પશુ અને મનુષ્યના જીવનમાં મોટો તફાવત બુદ્ધિનો છે પરંતુ એ બુદ્ધિતત્ત્વ પર સંયમનું અનુશાસન હોય તો જ તે ભેદ રહે છે; નહિ તો સંયમ વિનાનું જીવન પશુ જેવું બની જાય છે. ઘોડાની લગામ, હાથીનો અંકુશ, બળદની નાથમોરડી અને ગાડીની બ્રેક તેનું નિયંત્રણ કરે છે, કાબૂમાં રાખે છે તેવી રીતે મનના વિચાર અને બુદ્ધિ પરનું અનુશાસન માનવીને નિયંત્રણમાં રાખે છે.

શ્રીજીમહારાજે જીવનમાં નિયમરૂપી સંયમની મહત્તા દર્શાવતાં શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૮, તરંગ-૧૮માં કહ્યું છે કે, “પાણી વિનાનું ખેતર બગડે તેમ નિયમ વિનાનું કોઈ કાર્ય સિદ્ધ ન થાય. વાડ કર્યા વિના તથા ખબર રાખ્યા વિના જે ખેતી કરે તેને કાંઈ હાથમાં ન આવે. હરાયા પશુ ખાઈ જાય.” કહેતા કે જીવનમાં નિયમરૂપી વાડ ન હોય તો વિષયી, વ્યસની અને અસંયમી બની થતા વ્યક્તિ, વસ્તુના ઉપભોગ ક્યાંય સફળતા ન મળવા દે.

સ્વતંત્રતા એ જન્મસિદ્ધ અધિકાર છે એવું માનનાર આજની બાળ, યુવા પેઢીને સંયમના સુખરૂપ બંધન પરતંત્રરૂપ લાગે છે. વળી, સંયમ કેળવવા માટે મહારાજ અને મોટાપુરુષોએ કરેલા નિયમ અને શાસ્ત્રોમાં લખેલા વિધિનિષેધ ખોટી જડતા લાગે છે. આ પેઢીને તો મનમાં જ્યારે જે વિચાર આવે, જે ઇચ્છા જાગે એમ ધાર્યું જ કરી સ્વતંત્રપણે વર્તવું ગમે છે. તેમાંય આધુનિક ઉપકરણો જેવાં કે ટી.વી., મોબાઇલ અને ઇન્ટરનેટનો સ્વછંદીપણે ઉપયોગ કરવાનું ગમે છે. તેમાં કોઈની રોકટોક કે સંયમનો બોધ ગમતો નથી.

જેમ પૂર્વે ડાયનાસોર સમગ્ર જીવસૃષ્ટિને ભરખી જતા હતા તેવી રીતે આજે ટી.વી., મોબાઇલ અને ઇન્ટરનેટના અસંયમી ઉપભોગરૂપી ડાયનાસોર જીવનને ભરખી જાય છે.

 ટી.વી. એક રાક્ષસી પેટી :

આજે આબાલવૃદ્ધ સૌ પોતાના જીવનનો કીમતી સમય ટી.વી. સામે બેસીને વેડફી નાખે છે તેમ છતાં સરવાળે તેનાથી થતા ફાયદા કરતાં નુકસાન અનંતગણું થાય છે.

ટી.વી. એક સંસ્કારી પરિવારને તથા સમાજને તથા તેની સંસ્કૃતિને નષ્ટ કરનાર રાક્ષસ છે.

ટી.વી. એટલે પરિવારમાં કુસંપ, ઝઘડા, બીભત્સતા, વ્યસનો, કુસંસ્કાર વગેરેનો પ્રવેશ દ્વાર છે. અને મંદિર, મહારાજ, સંતો અને સભાથી દૂર ને દૂર લઈ જાય છે.

“In reality the world of T.V. is just a show, nothing is real. But the man considers it as real life and ruins his life by trying to imitate it.” અર્થાત્‌ “હકીકતમાં ટી.વી.ની દુનિયા દેખાવની છે, કાંઈ સાચું નથી પરંતુ માણસ તેને સાચી માને છે અને તેનું અનુકરણ કરી તેનું જીવન બરબાદ કરે છે.”

ટી.વી.માં આવતાં હિંસા, મારામારી, ખૂન, દારૂ, ડ્રગ્સ, અન્ય વ્યસનોની તથા બીભત્સ દૃશ્યોની તથા તેમાં આવતાં પાત્રોની બાળકોના મગજ ઉપર વિકૃત અસર પાડે છે. આજે ટી.વી.માં આવતી મૂવી અને સિરિયલમાં બાળકો તથા બહુધા લોકો સારી પ્રેરણાદાયી વસ્તુ તેમાં જોવાને બદલે બીભત્સતા અને હિંસકતા પ્રેરે તેવાં જ દૃશ્યો જુએ છે. અને તેનું અનુકરણ પોતાના જીવનમાં કરે છે.

અમદાવાદના વાડજ વિસ્તારમાં બનેલી એક સત્ય ઘટના છે. દસમા ધોરણમાં ભણતા ચાર વિદ્યાર્થીઓએ પોતાના ફ્લૅટમાં રહેતા એક નાના ૪-૫ વર્ષના બાળકનું અપહરણ કર્યું. ફ્લૅટના ધાબે લઈ જઈ તેને બાંધી દીધો. તેનાં માતાપિતા પાસે ખોટી માંગણીઓ કરી. અને તે પૂરી ન થતાં ધાક-ધમકીઓ આપી. તેમ છતાં બાળકનાં માબાપ ન માનતાં ચારેય વિદ્યાર્થીઓએ ભેગા મળી આપેલી ધમકી પ્રમાણે બાળકને મારી નાખ્યો.

પોલીસ કેસ થયો અને ઘટના જેલની સજા સુધી આગળ પહોંચી ગઈ. આ વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તમે આવું ક્યાંથી શીખ્યા ? કોણે શિખવાડ્યું ? ત્યારે તેમનો જવાબ હતો - ટી.વી.માંથી. બાળકોનું માનસ આવી ઘાતક વૃત્તિઓથી ઘેરાતાં તેની યાદશક્તિ, વિચારશક્તિ, કલ્પનાશક્તિ(IQ) ઘટી જાય છે, લાગણીશૂન્ય બની જાય છે. વળી, તેના અભ્યાસમાં માઠી અસર પડે છે.

યુવાનો અને વડીલોમાં વધતી જતી વિષયવાસના, કામુકતાનું મૂળ કારણ પણ ટી.વી. છે. આજે ઘર-પરિવારોમાં વડીલો-યુવાનો-બાળકો વચ્ચે સર્જાઈ રહેલી વિસંવાદિતાનું મુખ્ય કારણ પણ ટી.વી. જ છે. એક જ રૂમમાં, એક જ ટી.વી.માં દાદા-દાદી, માતાપિતા, ભાઈ-બહેન, દિયર-ભોજાઈ સાથે બેસી બીભત્સ અને અશ્લીલ દૃશ્યો જુએ તેમાં અરસપરસ એકબીજાની મર્યાદાની તો વાત જ ક્યાં રહી ? સંયમના પાઠ શીખવવાને બદલે સમૂહમાં ભેગા મળી કુસંસ્કાર અને અસંયમરૂપી ઝેર પરસ્પર પાઈએ છીએ. પરિણામે એકબીજા પ્રત્યેનો આદરભાવ નષ્ટ થાય છે અને વાણી-વર્તનની પરસ્પર મર્યાદા તૂટે છે. આગળ જતાં ઘર પણ તૂટે છે.

આજે સમાજમાં વધતા જતા બળાત્કારોનું મુખ્ય કારણ પણ ટી.વી. જ છે. આજની બાળ-યુવા પેઢી મંદિર, સત્સંગ સભાઓ અને સંતોની નજીક નથી આવી શકતી તેનું કારણ પણ ટી.વી. છે. આ ઉપરાંત ટી.વી.થી આંખોને નુકસાન થાય, સ્વભાવ બગડે, ચીડિયાપણું થાય.

ટી.વી.ના અસંયમની વિપરીત અસરો આપણે જોઈ. તો શું હવે ઘરમાં ટી.વી. છે તો તેને ફોડીને ફેંકી દેવું ? ના. એવું કરવાથી આપણું માનસ નહિ બદલાઈ જાય પરંતુ આપણી ટી.વી. જોવાની વૃત્તિ ઉપર સંયમ કેળવીએ. એવાં બીભત્સ ખરાબ દૃશ્યો, મૂવી, સિરિયલ, જાહેરાત કે સમાચારથી દૂર રહીએ. ટી.વી.નો ઉપયોગ મોટાપુરુષની કથાવાર્તા સાંભળવા તથા સત્સંગના પ્રોગ્રામ જોવામાં કરીએ.

વડીલો ટી.વી. નહિ જુએ તો જ બાળકોને અટકાવી શકશે. બાળકોને ટી.વી. જોતાં અટકાવવા મારઝૂડ કે ધાક-ધમકી ન આપીએ. તેમને ટી.વી.નાં નુકસાન સમજાવીએ, સંતોના જોગમાં રાખીએ, સભામાં મોકલીએ અને તેમના માટે સમય કાઢી પ્રેમ-હૂંફ આપીએ.

જીવનને સંપૂર્ણતઃ અસંયમી બનાવનાર તત્ત્વ એટલે ટી.વી. ઉપરોક્ત નિબંધ દ્વારા ટી.વીના સંગથી થતા ગેરફાયદા જાણ્યા તો તેનો સંગ છોડવા કટિબદ્ધ બનીએ.