સંયમ - 3
March 28, 2018
ઇન્દ્રિયો-અંતઃકરણ પર સંયમ :
લાખને અંકુશમાં રાખવા સહેલા છે પરંતુ એક ઉપર સંયમ કેળવવો અઘરો છે. અને એ છે પોતાનાં ઇન્દ્રિય-અંતઃકરણ ઉપર. કારણ કે અનાદિકાળથી પાંચ ઇન્દ્રિયો અને ચાર અંતઃકરણ દ્વારા કોઈ પણ પ્રકારનો સંયમ કેળવાયો નથી. તેથી ઇન્દ્રિયો-અંતઃકરણ દ્વારા આત્મા પર અનેક અશુદ્ધિઓરૂપી વાસનાના થર જામી ગયા છે જે આધ્યાત્મિક માર્ગે આત્માને આગળ વધવા દેતા નથી તેથી તેના આહાર પર સંયમ રાખવાનો બોધ આપતાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૧૮મા વચનામૃતમાં કહ્યું છે કે, “પંચઇન્દ્રિયોના આહાર છે તેને અતિશે શુદ્ધપણે કરીને રાખજ્યો. એ વચન અમારું જરૂરાજરૂર માનજ્યો. અને આ વાત તો સર્વેને સમજાય એવી સુગમ છે માટે સર્વેના સમજ્યામાં તુરત આવી જશે તે સારુ સત્સંગમાં અતિશે પ્રવર્તાવજ્યો. તેમાં અમારો ઘણો રાજીપો છે.”
અહીં શ્રીજીમહારાજે પંચઇન્દ્રિયોના આહાર અતિશે શુદ્ધ રાખજો કહેતાં અતિશે સંયમમાં રાખજો અર્થાત્ તેને ચોજાળા ન મૂકી દેશો એમ કહ્યું છે. અસંયમી આહારને કારણે જ જીવાત્માની જન્મમરણની ભવાબ્ધિ ટળતી નથી. માટે નિયમે કરીને, સમજણે કરીને તેના આહારમાં સંયમ કેળવવો. તો જ મહારાજનો રાજીપો થાય.
નેત્ર, શ્રોત્ર, ત્વક્, રસના અને ઘ્રાણ - આ પાંચ ઇન્દ્રિયો તથા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર - ચાર અંતઃકરણ ઉપર સંયમ કેળવવા શ્રીજીમહારાજે ત્યાગી-ગૃહી માટે પંચવર્તમાનની વાડ્ય બાંધી. પાંચ ઇન્દ્રિયોમાં પણ વિશેષ સંયમ નેત્ર અને રસના કહેતાં દૃષ્ટિ અને રસાસ્વાદ પર કેળવવો જરૂરી છે.
દૃષ્ટિ સંયમ :
નેત્ર એ અંતઃકરણનું પ્રવેશદ્વાર છે અને સંયમ તેનો દ્વારપાળ છે. એટલે કે ઇન્દ્રિયો-અંતઃકરણમાં જે કાંઈ પ્રવેશે છે તે કૅમેરાના લૅન્સની જેમ આંખ દ્વારા જ પ્રવેશે છે પરંતુ જો સંયમરૂપી દ્વારપાળ હોય તો યોગ્ય-અયોગ્યનો ભેદ રહે છે. સારું ગ્રાહ્ય બને છે જ્યારે નરસું માંહી પેસતું જ નથી. પરંતુ આપણા જીવનમાં ક્યાંક સંયમરૂપી દ્વારપાળને રજા આપી દીધી હોય તેવું લાગે છે. તેથી નેત્રની ચંચળતા અતિશે હોય છે. જે જોવાનું ને ન જોવાનું બેય જુએ. જેમાં ખરેખર જ્યાં દૃષ્ટિ નથી કરવાની ત્યાં વિશેષ કરીને દૃષ્ટિ આકર્ષાય છે. નેત્રે કરીને બીભત્સ ચિત્રો, મૂવી, નાટકો, મૅગેઝિનો જોવાથી તેટલી અંતરમાં વિકારવાન વૃત્તિ વધતી જાય. કુદૃષ્ટિ થાય પછી વિચારમાં આવે ને એવું વર્તન કરવા માટે પ્રેરે. માટે આપણી વૃત્તિઓને બહેકાવે એવું આંખે કરીને ન જોવું. આપણે ભગવાનના ભક્ત છીએ તેનું નિરંતર જાણપણું રાખવું. જોગીદાસ ખુમાણને એક વખત પારકી સ્ત્રી પર નજર પડી ગઈ. ત્યારે તેમણે પોતાના જ હાથે પોતાની આંખમાં મીઠું ભર્યું અને કહ્યું, “હું જોગીઓનો દાસ કહેવાઉં અને અરરર આ મેં શું કર્યું ?” એવી તેમના અંતરમાં અરેરાટી થઈ ગઈ. તો આપણે પણ જોગીઓના નહિ સ્વામિનારાયણ ભગવાનના દાસ એવા અનાદિમુક્ત છીએ ત્યારે આપણી દૃષ્ટિને પણ હંમેશાં સંયમમાં રાખીએ.
આહાર સંયમ :
શ્રીજીમહારાજે શિક્ષાપત્રી શ્લોક ૧૮૯માં કહ્યું છે કે, “સર્વે ઇન્દ્રિયો જીતવી તેમાં વિશેષ કરીને રસના ઇન્દ્રિયને જીતવી. બધી જ ઇન્દ્રિયોના સંયમનો મુખ્ય આધાર આહાર સંયમ પર રહેલો છે. પરંતુ આજના ફાસ્ટ યુગમાં ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનો ઉપભોગ ખૂબ અસંયમી બની રહ્યો છે. આજની લારીઓ, ગલ્લાઓ, હૉટેલો, ઢાબા, મેકડોનલ્સ બધાં તેનાં જંક્શનો છે. આજની બાળ-યુવા પેઢી હોય કે વડીલ હોય પરંતુ તેની વૃત્તિ મોટે ભાગે જંક ફૂડ તરફ આકર્ષાયેલી રહે છે.
તીખી, તમતમતી, મસાલેદાર, ચટાકેદાર, આથેલી, મેંદાની સ્પાઇસી આઇટમો જ્યારે જુએ ત્યારે કોઈ પણ વ્યક્તિ તેના ઉપભોગનો કાબૂ ગુમાવી શારીરિક ભૂખ કરતાં પણ વધુ પ્રમાણમાં જંક ફૂડ લે છે. જેને પચાવવા ખૂબ પ્રમાણમાં વ્યાયામ કરવો પડે છે. એક બર્ગરમાં ૧,૮૦૦થી ૨,૦૦૦ કૅલેરી હોય છે જેને પચાવવા માટે ૧૦થી ૧૫ કલાક સુધી દોડવું પડે છે. તેની સામે આધુનિક સંસાધનોમાં મહેનતનું કોઈ કામ નથી. જેના પરિણામે બાળકોથી માંડી વડીલો સુધીના બધા સ્થૂળતાનો ભોગ બને છે. અતિશે જાડાપણું, ડાયાબિટીસ, હાઈ બી.પી., કૅન્સર જેવા ગંભીર રોગો શરીરમાં ઘેરો ઘાલે છે અને જીવન પાયમાલ કરી નાખે છે. માટે આવા જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ તથા કૉલ્ડ્રિંક્સ પર સંયમ કેળવવો. બજારું ખાણી-પીણીનો તો સદંતર ત્યાગ કરવો. પરંતુ ઘરે પણ રોગોથી બચવા આવા આહાર પર સંયમ કેળવીએ.
આ ઉપરાંત આપણા રોજિંદા આહારમાં પણ સંયમ રાખવો. મોટા સંતો કહેતા કે, “શરીરના ચાર ભાગમાંથી બે ભાગ અનાજથી, એક ભાગ પાણીથી ભરવો અને એક ભાગ વાયુભક્ષણ માટે ખાલી રાખવો. આવી રીતે સંયમથી જમાડનારનું સ્વાસ્થ્ય સારું રહે છે.” વધુ પડતા ઉપવાસ કરવા તે કરતાં નિયમિત રીતે સંયમમાં જમાડવું એ સંયમ કેળવવાનો સાચો ઉપાય છે. કારણ એક ઉપવાસ કરીએ અને બીજા દિવસે ચાર ટાઇમ જમાડી ઉપવાસનું સાટું વાળી દઈએ તે કરતાં નિયમિત પણ સંયમી આહાર કરવો.
આ ઉપરાંત આજના ઘોર કળિકાળમાં ઇન્દ્રિયો-અંતઃકરણ પર સંયમ કેળવવા સ્પર્શમાં પણ સંયમ રાખવો. સજાતિ કે વિજાતિ પાત્રોના સ્પર્શમાં વિવેક રાખવો. વૃત્તિઓ ડહોળાવાનું મોટું માધ્યમ સ્પર્શ છે. માટે સંયમમાં રહીને સ્પર્શ કરવો. સ્પર્શ મહારાજની મૂર્તિ અને મોટાપુરુષનો કરવો જે આપણું જીવન દિવ્ય બનાવે. આપણે જ્યારે રાજીપાના માર્ગે આગળ ચાલી આપણું જીવન દિવ્ય બનાવવું છે ત્યારે આ સંયમના ગુણને આપણા જીવનમાં આત્મસાત્ કરીએ એ જ અભ્યર્થના.