સત્સંગીના આર્થિક વ્યવહાર -2
June 28, 2017
‘A man is a bundle of desire’
અર્થાત્ ‘માણસ ઇચ્છાઓનું પોટલું છે.’ આ ઇચ્છાને પૂરી કરવા રાત્રિ-દિવસ મથ્યા કરે છે. પણ ભગવાનના ભક્તને અંતરે એકમાત્ર રાજીપાની જ ઇચ્છા હોય. આમ રાજીપામાં રહી વ્યવહારો કેવી રીતે કરવા તે આવો આ લેખમાળા દ્વારા સમજીએ…
જરૂરિયાતોમાં કાપ મૂકવો : જેમ ઊંઘ અને આહાર વધાર્યાં વધે અને ઘટાડ્યાં ઘટે તેવી જ રીતે જરૂરિયાતો વધારી વધે અને ઘટાડી ઘટે છે. તેથી ખરેખર જેની જરૂર ન હોય તેવા ખર્ચમાં કાપ મૂકવો. જેમ કે, ટી.વી.માં ચૅનલ કનેક્શન-ડિશ કનેક્શન વગેરે જેવા જેના વગર ચાલે તેમ હોય તેવા ખર્ચા ન કરતાં તે રકમ બચાવવી. ચાર જોડ કપડાંથી ચાલતું હોય તોપણ કપડાંથી કબાટ ઊભરાતું હોય. એવા સંજોગોમાં દર વર્ષે નવાં કપડાં ખરીદવાનો આગ્રહ ન રાખવો. જરૂરી હોય તેવી ખરીદીમાં પણ બ્રાન્ડેડ કપડાં અને ચંપલ જ ખરીદવાનો આગ્રહ ન રાખતાં સાદા ખરીદવાનો આગ્રહ રાખવો. દર વર્ષે સોનાના દાગીના ન લેવા. કારણ તે મોટેભાગે બૅંકના લૉકરમાં જ પડ્યા હોય અને વર્ષમાં એક-બે દિવસ જ પહેરાતા હોય છે તો તેના બદલે જરૂરી હોય તેટલા જ લેવા. આ ઉપરાંત ફર્નિચર કે નવા બાંધકામ વગર ચાલે એવું હોય તો થોડું ‘ચલવી લેવાની ભાવના’ શીખવી જોઈએ.
‘Don’t waste your money on unnecessary things, rather spend it on things that are really repuired.”
અર્થાત્ ‘બિનજરૂરી વસ્તુઓ માટે તમારા પૈસા ન બગાડશો. તેના કરતાં ખરેખર જરૂર હોય તેમાં તે વાપરો.’
ખરીદીમાં પ્લાનિંગ (આયોજન) કરવું : કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ કાર્ય પ્લાનિંગથી કરવામાં આવે તો તેમાં જરૂર સફળતા મળે અને ફાયદો થાય છે. કરિયાણું, શાકભાજી, ફ્રૂટ, સ્ટેશનરી વગેરેની ખરીદી માટે જો અગાઉથી પ્લાનિંગ કરવામાં આવે તો જરૂર ખર્ચમાં કાપ મૂકી શકાય. તેના માટે એક સોસાયટી કે એક જ કુટુંબના અથવા બે-ચાર પરિવાર ભેગા થઈને હોલસેલ માર્કેટમાંથી ખરીદી કરે તો નિર્ધારિત ખર્ચ કરતાં ઓછા ખર્ચમાં વધુ વસ્તુ મેળવી શકાય છે. એ જ રીતે પ્લાનિંગ કરી એકસાથે બધી વસ્તુની ખરીદી કરીએ તો વારંવાર બજારમાં જવું ન પડે અને તેટલો પેટ્રોલનો ખર્ચ ઓછો કરી શકાય.
રોજિંદા ખર્ચમાં કાપ મૂકવો : રોજિંદા ખર્ચમાં કાપ મૂકવા કરકસરનું અંગ અને આપસૂઝની દૃષ્ટિ કેળવવાં. ફ્રૂટ-શાકભાજી મોટી મોટી દુકાનોમાંથી કે મૉલમાંથી સ્ટિકરવાળું ખરીદવાને બદલે સામાન્ય લારીમાંથી ખરીદવું જોઈએ. તેલ, ઘી, મસાલા વગેરે પ્રમાણસર વાપરવાં. રસોઈમાં વધારે પડતું તેલ ન વાપરવું. તે શરીરને પણ નુકસાન કરે છે. ઘરમાં ત્રણ ત્રણ સમાચારપત્રો આવતાં હોય તો બંધ કરાવી ગમે તે એક જ મગાવવું અથવા ઇન્ટરનેટ પર વાંચી લેવું. અને જરૂર જ ન હોય તો એક પણ શા માટે મગાવવું ? કારણ, તેનાથી ઉપરથી બહારવૃત્તિ વધે અને સમય બગડે.
ઘરેથી મંદિરે દર્શન કરવા તરત જ વ્હિકલ લઈ સેલ મારીએ પરંતુ એટલું ચાલીશું તો સ્વાસ્થ્ય સારું રહે તથા મહારાજ અને મોટાપુરુષ રાજી થાય. શાક, દૂધ કે બે રૂપિયાની પેન લાવવાની હોય તોય વ્હિકલ લઈને જઈએ; બે રૂપિયાની પેન માટે ૨૦ રૂપિયાનું પેટ્રોલ વપરાઈ જાય માટે એટલું ચાલવું. આ ઉપરાંત જવા-આવવામાં જરૂર હોય ત્યારે બસ, રિક્ષા જેવાં જાહેર સાધનોનો ઉપયોગ કરવો.
મોબાઇલનાં કાર્ડ વાપરવામાં તથા તેની સુવિધાઓ વાપરવામાં સંયમ રાખવો. આ ઉપરાંત પાણી, ઇલેક્ટ્રિસિટીના ઉપયોગમાં કરકસર કરવી. આવા રોજિંદા ખર્ચમાં બચેલ રકમનો ઉપયોગ બીજી જીવનજરૂરી વસ્તુઓમાં કરી શકાય. ‘Don’t buy more than what you really need.’ અર્થાત્ ‘તમારે ખરેખર જેટલી જરૂર હોય તેના કરતાં વધારે ખરીદી ન કરવી.’
સ્વાવલંબી બનવું : શ્રીજીમહારાજે સ્વહસ્તે શિક્ષાપત્રીના ૧૪૨મા શ્લોકમાં આજ્ઞા કરી છે કે,
“ગાય, બળદ, ભેંસ, ઘોડા આદિક જે પશુ, તેમની તૃણ-જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવાં અને જો સંભાવના ન થાય તો ન રાખવાં.”
અને અત્યારે વર્તમાન સ્થિતિ મુજબ આપણને નોકર-ચાકરના પગાર પોસાય અને તેમને સંતોષ આપી શકીએ તેટલા જ રાખવા. પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શને એક મોટા વેપારી આવ્યા હતા. પાર્ટી ખૂબ મોટી હતી. તેઓ વાત કરે કે, થોડાં વર્ષો પહેલાં તેમને કરોડોનો ધીકતો ધંધો હતો. ચારેબાજુ નામના તેથી બધા લાખોના ડૉનેશન લેવા આવે. પાર્ટી મોટી જોઈ ડૉનેશન પણ મોટું માગે. તે વખતે તેઓ આપતા પરંતુ અત્યારે મંદીના કારણે પરિસ્થિતિ વણસી છે. ઘરમાં વાપરવા પૈસા નથી પણ પહેલેથી ‘મોટાઈ’નું ડગળું પેસી ગયું તેથી પરિસ્થિતિ પલટાઈ તોપણ ૫-૭ નોકરો રાખવા પડે છે અને ન રાખીએ તો બધે ચર્ચા થાય. વેંત ન હોય તો દેવું કરીને પણ ડૉનેશન આપવું પડે છે અને પ્લેનમાં મુસાફરી કરવી પડે છે. પરંતુ આવા સંજોગોમાં આબરૂ અને આળસ બંને છોડી સ્વાવલંબી બનવું. પોતાના ઘરનું, ફાઇલિંગનું તથા ઑફિસનું કામ જાતે કરવું. પશ્ચિમી દેશોમાં તો ડ્રાઇવર, નોકર-ચાકર, રસોઇયા એવી પ્રથા જ નથી. ખૂબ જ વ્યસ્ત સમયની વચ્ચે પણ બધું કામ જાતે જ કરે છે. તો આપણે પણ નોકર-ચાકરના ખર્ચા બચાવીએ અને ન આવ્યા હોય તો બોલાવવા જવામાં સમય ન બગાડતાં ‘જાતમહેનત જિંદાબાદ’ આ ઉક્તિને વળગી રહી પરાવલંબી ન બનતાં સ્વાવલંબી બનીએ.
ઘરનાં કે ઑફિસનાં નાનાં-મોટાં કામ જાતે જ કરવાની ટેવ પાડીએ અને પડાવીએ તો સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને કોઈના આધારે જીવવું નહિ પડે અને ખર્ચા પણ ઘટશે.
ભગવાનના ભક્તને ખર્ચમાં કેવો વિવેક રાખવો ? તે અંગેની આગામી બીજી ભલામણો આવતા લેખમાં નિહાળીશું