સત્સંગીના આર્થિક વ્યવહાર -4

  July 12, 2017

 “મારા આશ્રિત આ લોકમાં અન્ન, વસ્ત્રે દુઃખી નહિ થાય રે.” આવા દિવ્ય આશીર્વાદ આપણને સૌને આપણા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તરફથી મળી ગયા છે પણ આપણી વધુ ને વધુ ઇચ્છાઓ, જરૂરિયાતો અને ભૌતિક સુખ મેળવવાની ઘેલછા આપણને કરજ કરવા તરફ પ્રેરે છે તો આવો આ લેખ દ્વારા પ.પૂ. સ્વામીશ્રી કરજ અંગે શું ભલામણ કરે છે તે નિહાળીએ.

    કરજ ન કરવું કે ન રહેવા દેવું :

ઋતુ બદલાતાં આપણે આપણા જીવનમાં ફેરફાર કરીએ છીએ. જીવનમાં સો દિવસ કોઈના સરખા જતા નથી તેથી આપણા જીવનમાં ઋતુની જેમ સ્થિતિ-પરિસ્થિતિ બદલાતાં જીવનશૈલીમાં પણ ફેરફાર કરવા જોઈએ. દરેક સ્થિતિ-પરિસ્થિતિમાં હકારાત્મક અને નકારાત્મક એમ બંને પાસાંનો વિચાર કરવો જોઈએ. નહિ તો માટીના ઢેફા અને પાંદડા જેવી સ્થિતિ થાય.

માટીના ઢેફા અને પાંદડા વચ્ચે ગાઢ મિત્રતા થઈ.

 એક દિવસ માટીના ઢેફાએ પાંદડાને કહ્યું કે, “ચોમાસાનો સમય નજીક છે તો પવન ફૂંકાય તો હું તારા પર બેસી જઈશ તેથી તું બચી જઈશ.”

પાંદડાએ પણ માટીના ઢેફા પ્રત્યે લાગણી દર્શાવતાં કહ્યું કે, “વરસાદ આવે ત્યારે હું તારા પર બેસી જઈશ તેથી તું બચી જઈશ.”

 આ બંનેનો વાર્તાલાપ ઝાડ નીચે સૂતેલા મુસાફરે સાંભળ્યો. તેણે કહ્યું, “ભાઈ, પવન અને વરસાદ બેઉ સાથે આવશે તો શું કરશો ?”

 પાંદડું અને માટીનું ઢેફું વિચારવા લાગ્યા કે, “આપણે એક પરિસ્થિતિનો જ વિચાર કર્યો. હકારાત્મક અને નકારાત્મક બેય પાસાં વિચારીએ તો જ જીવનમાં સુખી થવાય અને પસ્તાવાનો વારો ન આવે.” માટે આપણા જીવનમાં પણ સ્થિતિ-પરિસ્થિતિ માટે વિચારીને પગલાં લેવાં જોઈએ.

કરજથી બચવા શું કરવું ?

૧. પોતાને મોટા માની ન લેવા :

દરેક વ્યક્તિને મોટા થવાના જ અભરખા રહેતા હોય છે. ચાહે પછી સંસારનો વ્યવહાર હોય, ધંધો-વ્યવસાય હોય, મંદિર હોય કે સામાજિક સ્ટેટસ હોય. ‘જાનમાં કોઈ જાણે નહિ ને વરની ફઈ હું.’ એમ ભલે કોઈ એવી મોટપના ગુણ, સત્તા કે સ્થિતિ ન હોય તોપણ ‘હું કંઈક છું’, ‘મારે મારા સ્ટેટસ પ્રમાણે રહેવું પડે’ એવું અજ્ઞાન માનસમાં પેસી જાય છે. તેથી વેંત ન હોય તોપણ પારકા પૈસા લાવીને પોતાની મોટપ બતાવવાનો પ્રયત્ન થાય.

આજથી ૧૨-૧૩ વર્ષ પહેલાં ઘાટલોડિયા વિસ્તારના એક ભાઈ પ.પૂ. સ્વામીશ્રીના જોગ-સમાગમમાં આવ્યા. તેમની માસિક આવક ૩૦,૦૦૦ રૂપિયાની હતી. ૩ સભ્યના પરિવાર માટે તેમણે લોન ઉપર મોટો બંગલો કર્યો. દર મહિને ૨૦,૦૦૦ રૂપિયાનો હપ્તો ભરે અને ૧૦,૦૦૦ રૂપિયામાંથી માંડ માંડ ઘરનું પૂરું કરે. સમય વીતતાં દીકરી મોટી થઈ અને લગ્ન લીધાં.

પ.પૂ. સ્વામીશ્રીને વાત કરી ત્યારે તેમણે કહ્યું, “હજુ મકાનના હપ્તા માંડ પૂરા થયા છે માટે મોટો તોફો ન કરતા.”

 ત્યારે તેમણે કહ્યું, “સ્વામી, સમાજમાં અમારે અમારા સ્ટેટસ પ્રમાણે રહેવું પડે.”

વેંત ન હોવા છતાં મોટો તોફો આદર્યો. ૧૫૦ રૂપિયાની ૧ એવી ૧૫૦૦ કંકોત્રી અને ૪૦૦ રૂપિયાની ૧ એવી ૨૦૦૦ ડિશો જમણવારમાં કરી. મંડપનો તથા અન્ય ખર્ચ મળી ૩%ના વ્યાજે પૈસા લાવી ૨૫,૦૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો. દીકરી તો લગ્ન કરી સાસરે ચાલી ગઈ. આ ભાઈને દર મહિને ૭૫,૦૦૦ રૂપિયા વ્યાજ ભરવાનું થયું.

છ મહિના પછી તેઓ પ.પૂ. સ્વામીશ્રીને મળવા આવ્યા અને કહ્યું, “સ્વામી, હું રજા લેવા આવ્યો છું. મેં અને મારા ઘરનાંએ એક એક કિડની ૪-૪ લાખમાં વેચી દેવાનું નક્કી કર્યું છે તો એટલું તો દેવું ઓછું થાય. પ.પૂ. સ્વામીશ્રીએ સમજાવીને તેમને ઘેર મોકલ્યા. થોડા દિવસ પછી તેમનો પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે, “સ્વામી, અમારે આ દુનિયામાં હવે કાંઈ જીવવા જેવું કે કોઈને મોઢું દેખાડવા જેવું રહ્યું નથી માટે અમે બંને માણસોએ ઝેર પી આત્મહત્યા કરવાનું નક્કી કર્યું છે.” વેંત વગરનો ખર્ચ કરી છેવટે જીવન ખુવાર કરવાનો વારો આવ્યો.

તેથી જ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીના ૧૪૫મા શ્લોકમાં આજ્ઞા કરી છે કે,

 “પોતાની ઊપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો પણ તે ઉપરાંત ન કરવો, અને જે ઊપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે તેમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું.”

 

અર્થાત્‌ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત તરીકે આપણા જીવનમાં કદી વ્યાજનું મીટર ન ચડવા દેવું. ઇલેક્ટ્રિસિટીના મીટર કરતાં પણ વ્યાજનું મીટર ખૂબ સ્પીડમાં દોડે છે. માટે માથે વ્યાજ રહે એવું કદી ન થવા દેવું, આવક અનુસાર જ ખર્ચ કરવો. ભલા થઈને વ્યાજના ચક્કરમાં ન પડવું... વ્યાજ ભરવાવાળા જેવો બીજો કોઈ દુઃખી નહીં. જેના માથે ૧ રૂપિયાનું પણ કરજ ન હોય તે સુખીમાં સુખી કહેવાય. જેટલા મળે એટલા વ્યાજે રૂપિયા લઈ લેવા નહીં. વ્યાજનું ચક્કર ૨૪ x ૩૬૫નું હોય છે. અર્થાત્‌ આવક આઠ કલાકની ને વ્યાજ ૨૪ કલાકનું; માટે સજ્જન માણસને બૅંકનું વ્યાજ પણ ઘણું મોટું લાગે. મહેરબાની કરીને ૨.૫%, ૩%, ૫%, ૧૦% એવા વ્યાજે પૈસા ભૂલ્યે ન લેવા - ન કોઈને આપવા નહિતર જરૂર દુઃખ આવશે... આવશે ને આવશે જ !!

 

આ સિવાય કરજથી મુક્ત થવા બીજુ શું કરવું જોઈએ ? તે અંગેની વધુ છણાવટ આગામી લેખમાં જોઈશું.