સાત્ત્વિકતા-1

  December 28, 2017

જગતના જીવ અને સત્સંગીમાત્ર બહારથી જુદા પડે છે. એક બાબતથી તે છે સાત્ત્વિક્તા. તે સાત્ત્વિક્તા એટલે શું ? તેનું મહત્ત્વ શું છે ? તે જાણીએ

ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ એ દેહના ભાવો નિરંતર દેહને વિષે પ્રવર્તે છે. જીવ અજ્ઞાને કરીને પોતાને દેહરૂપ માનતો હોવાથી રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણ ત્રણેય ગુણના પાશ તેને લાગેલા છે. રજ, તમ અને સત્ત્વ આ ત્રણેય ગુણે કરીને આપણું શારીરિક અને માનસિક બંધારણ બંધાતું હોય છે. આ ત્રણેય ગુણો આપણું માનસિક સમતુલન કેળવવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.

રજોગુણ એટલે સારું સારું ખાવું-પીવું, પહેરવું-ઓઢવું વગેરે ઇચ્છાઓ તેમજ વિષય ભોગવવાની ઇચ્છા તે પણ રજોગુણ કહેવાય. તમોગુણ એટલે તામસી પ્રકૃતિ-ક્રોધ. આ ઉપરાંત આળસ, પ્રમાદ, નિદ્રા (ઊંઘ) વગેરે તમોગુણ કહેવાય. સત્ત્વગુણ એટલે સારા ગુણ. કંઈક સારું કરવાની ઇચ્છા થાય તે સત્ત્વગુણ. જેમ કે, માળા ફેરવવાની, ધ્યાન કરવાની, મંદિર જવાની ઇચ્છા થાય તેને સત્ત્વગુણ કહેવાય.

સત્ત્વગુણ પણ માયિક છે, કારણ કે જ્યારે સત્ત્વગુણમાં હોય ત્યારે ધ્યાન-ભજન કરવાનું મન થાય પણ જ્યારે સત્ત્વગુણ ઊતરી જાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. આ ત્રણેય ગુણ માયાના જ છે. જેમાં રજોગુણ અને તમોગુણ હાનિકારક છે, જ્યારે સત્ત્વગુણ આંતરિક શાંતિ અને ઇન્દ્રિયો, અંતઃકરણના સંયમ માટે ઉપકારક છે. પણ સત્ત્વગુણનું જો માન આવે તો તે રજોગુણ અને તમોગુણ કરતાં વધુ નુકસાન કરે છે. કારણ કે તેમાંથી દેહાભિમાન વધુ ને વધુ દૃઢ થતું જાય અને ક્યાંક છકી જવાનાં ભયસ્થાન રહેલાં છે. રજોગુણ અને તમોગુણ તો દેખીતા ચોર છે, પરંતુ સત્ત્વગુણ તો શાહુકાર ચોર છે. એટલે જ જીવનપ્રાણ બાપાશ્રીએ શુદ્ધ સત્ત્વગુણમાં રહીને સર્વે ક્રિયા કરવાનું શીખવતાં કહ્યું છે કે, “કોઈકને શિખામણ દેવી તે પણ શુદ્ધ સત્ત્વગુણમાં રહીને કહેવું. રજ-તમાદિક ગુણ આવે ને પ્રકૃતિને વશ થઈને કહે તો પોતાનું સુકૃત કરેલું હોય તે બળી જાય. માટે દયા રાખવી.”  

- બાપાશ્રીની વાતો : ભાગ-૧, વાર્તા-૩૮

શુદ્ધ સત્ત્વગુણ એટલે કે હંમેશાં મૂર્તિ રૂપે વર્તવું. તો જ આપણી સર્વે ક્રિયાના કર્તા શ્રીજીમહારાજ થાય. વળી, કોઈને શિખામણ કે બે શબ્દો કહેવા ત્યારે મહારાજના ભાવે અર્થાત્‌ દિવ્યભાવે કહેવા જેથી તે શુદ્ધ સત્ત્વગુણમાં રહ્યા કહેવાય.

જેના જીવનમાં સર્વે ક્રિયામાં એકમાત્ર શ્રીજીમહારાજના રાજીપા સામે જ દૃષ્ટિ હોય, સાત્ત્વિકતા હોય, કોઈ પ્રકારનો આડંબર કે ભપકો ન હોય તેને જ ભક્ત કહેવાય. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી કહે છે કે, “ભગવાનના ભક્તએ પંચભૂતથી બનેલા નાશવંત પદાર્થ કે વ્યક્તિમાં ક્યાંય આસક્તિ ન રાખવી.” કારણ કે એમાંથી જ રજ અને તમના ભાવો પ્રગટે છે. રજોગુણી કોઈ પદાર્થ ગમ્યા તો તેને મેળવવાના પ્રયત્ન થશે અને જો નહિ મળે તો ક્રોધ - ગુસ્સો, અકળામણ અને અથડામણ થશે.

આજની આ ભૌતિકવાદની દુનિયામાં દિન-પ્રતિદિન રજોગુણી વસ્તુ, પદાર્થ ને વાતાવરણ વધતાં જાય છે. જેને જોતાં જ મનની વૃત્તિઓ અને વિચારો બદલાઈ જાય છે. પરંતુ આપણો સાત્ત્વિકતા એટલે કે સાદગી પ્રત્યેનો અભિગમ અને વિચારસરણી જુદાં હોય છે. “In real life, simplicity is not poorness but it is a symbol of richness.” અર્થાત્‌ “વાસ્તવિક જીવનમાં સાત્ત્વિકતા (સાદગાઈ) એ ગરીબાઈ નથી પરંતુ તે (આંતરિક) સમૃદ્ધિનું પ્રતીક છે.”

સત્ત્વગુણ અને સાદગી એક જ સિક્કાની બે બાજુ છે. જેટલું જીવન સાદું હોય તેટલો જ સત્ત્વગુણ વર્તે. સાત્ત્વિક જીવનનું સૌથી મોટું ફળ ઉચ્ચ વિચારો, ઉચ્ચ ધ્યેય અને ઉચ્ચ વર્તન છે જેનો સૌમાં સહેજે સહેજે પ્રભાવ પડતો હોય છે. આથી કહ્યું છે,  “Simple living and high thinking.” અર્થાત્‌ “સાદી રહેણીકરણી રાખો અને ઉચ્ચ વિચારો કરો.” માટે કારણ સત્સંગના સભ્ય તરીકે મૂર્તિસુખના માર્ગે આગળ વધવા માટે આ ગુણ જીવનમાં વણાઈ જવો જોઈએ.

રસોઈના બધા મસાલામાં લવણ (મીઠું) મુખ્ય કહેવાય. તેમ આપણા જીવનમાં આધ્યાત્મિક અને વ્યવહારિક બંને માર્ગે લવણરૂપી સાત્ત્વિકતા ખૂબ જરૂરી અને ફરજિયાત છે. ભારતીય પ્રણાલિકા સત્ત્વપ્રધાન હતી પરંતુ વર્તમાનકાળે તેમાં રાજસ અને તામસના ગુણો સવિશેષ ભળતાં ગયાં છે, તેથી સાત્ત્વિકતા નામશેષ થઈ રહી છે. તેનું મુખ્ય કારણ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ અને આધુનિકીકરણ છે.

અવરભાવમાં આપણી સંસ્કૃતિ અને સત્સંગને જીવંત રાખવા માટે સાત્ત્વિક્તાનું બહુ મૂલ્ય છે તે ગુણને આપણું આભૂષણ બનાવીએ.