શિસ્ત-2
March 12, 2019
શિસ્ત દરેક વ્યક્તિને ગમે છે છતાં બહુધાને શિસ્તમાં વર્તવું ગમતું નથી. કેવી વિચારધારા, કેવું વાતાવરણ અવરોધક બને છે તેની સમજૂતી.
શિસ્તમાં રહેવું, શિસ્તને જ અનુસરવું તેવી જાણકારી હોવા છતાં અને શિસ્તના ઉલ્લંઘનથી આવતાં દુઃખોની અનુભૂતિ કર્યા પછી પણ મનુષ્યને શિસ્તમાં રહેવું કઠિન નહિ પણ અશક્ય લાગે છે. તેનું કારણ મનસ્વી સ્વભાવ. મનના ગુલામ થઈ મન ફાવે તેવી રીતે વર્તવાના ઢાળને કારણે માનવીને શિસ્તપાલન એ હાથકડી પહેરાવીને જેલમાં પૂર્યા જેટલું કઠિન લાગે છે. માનવી બધા પર અનુશાસન કરી શકે છે પણ પોતાના મન પર નહીં. જે જે બાબતમાં પોતાનું ગમતું, ઇચ્છા દેખો દઈ જાય છે ત્યાં શિસ્તભંગ થતો હોય છે.
સામાન્યતઃ વ્યક્તિમાત્રનો સ્વભાવ જ એવો છે કે, પરિણામની પરવા કર્યા વગર ઇચ્છા અનુસાર કાર્ય કરવું, સફળતાનો શૉર્ટકટ રસ્તો શોધ્યા કરવો; ચાહે તે શિસ્તબદ્ધ હોય કે ન હોય. શિસ્તવિહીન રસ્તે જનારને ટૂંકા સમય માટે મળતી સફળતા ભવિષ્યમાં બહુ મોટી નિષ્ફળતામાં જ પરિણમે છે. માટે, જીવનમાં દરેક કાર્ય મનસ્વીપણે નહિ પણ અનુશાસનબદ્ધ હોવું ફરજિયાત છે.
સત્સંગમાં આવનાર દરેક સત્સંગીના જીવનમાં મંદિરમાં આવ્યા પછી કેવી શિસ્ત જાળવવી ? તો, સત્સંગ સભાઓમાં લાઇનમાં જ બેસવું, દર્શનમાં શાંતિ જાળવવી, મંદિરને સ્વચ્છ રાખવું, મંદિરના કેમ્પસમાં આવ્યા પછી મોબાઇલ ફોન સ્વીચ ઑફ કરી દેવો વગેરે જેવી શિસ્તનું પાલન કરવું. આવી ક્યારેક જાણકારી હોવા છતાં પણ મનસ્વી સ્વભાવને વશ થઈ સભા, દર્શનની શિસ્ત ભંગ કરવામાં આપણે શરમ-સંકોચ અનુભવતા નથી. સભામાં લાઇનમાં બેસવાને બદલે જગ્યા છોડી આપણા મળતાવડા માનસમાં નક્કી થયેલ સ્થળે કે પંખા નીચે જ બેસવું, ટોળે વળી વાતો કરવી – આ બધું મનસ્વી સ્વભાવનું પ્રતીક છે.
આવી ઘણીબધી બાબતોમાં મનનું ગમતું કરી શિસ્તને ઠેબું લગાવવામાં સહેજ પણ ખચકાટ અનુભવાતો નથી. કારણ કે મનગમતું કરવાની દુનિયાને આપણે આકાશમાં ઊડતા સ્વતંત્ર પંખીની દુનિયા સમાન ગણીએ છીએ અને શિસ્તપાલનની પાંજરામાં રહેલા પંખીની દુનિયા બરાબર ગણતરી કરીએ છીએ. ગાંધીજી કહે છે કે, “स्वतंत्रता ढूँढिए और उसके लिए अपनी इच्छाओं के कैदी बन जाइए, उससे काफी गुना अच्छा तो ये है कि अनुशासन को ढूँढिए और अपनी स्वतंत्रता पाइए ।”
બેમાંથી એક બાબતને જીવનમાં આવકાર આપવો જ રહ્યો – શિસ્તથી પડતું કષ્ટ અથવા તો પસ્તાવો અને દુઃખોની હારમાળા.
શિસ્તભંગ થવામાં બીજું એક પરિબળ ભાગ ભજવતું હોય તો ‘lack of conveniency.’ અર્થાત્ ‘સાનુકૂળતાનો પ્રતિબંધ.’ દરેક મનુષ્ય સાનુકૂળતામાં જ જીવન જીવવા ટેવાયેલો છે અને જ્યાં શિસ્તપાલન સાનુકૂળતાને સહેજ ખલેલ પહોંચાડે ત્યારે મનુષ્ય શિસ્તપાલનને હંમેશને માટે પાછળ ધકેલી દે છે.
એક સામાન્ય છતાં મહત્ત્વપૂર્ણ બાબત જોઈએ કે જ્યારે ઘરની બહાર ગાડી લઈને મંદિરના કે અન્ય સામાજિક, વ્યવહારિક કામકાજ અર્થે ગયા હોઈએ તે સ્થળે ગાડી પાર્ક કરવા માટે અલગ પાર્કિંગ વિભાગ હોય. પરંતુ પાર્કિંગ દૂર હોય તોપણ તે જ સ્થળે ગાડી પાર્ક કરવી તે શિસ્ત છે. પાર્કિંગ વિભાગ સ્થળથી દૂર હોય તો તેને પ્રતિકૂળતા સમજી સ્થળથી નજીક ગમે ત્યાં વાહન પાર્ક કરવાથી સહજમાં અશિસ્ત ઊભી થઈ જતી હોય છે. માટે સાનુકૂળતાભરી જિંદગી પસંદ કરતાં ક્યાંક અશિસ્તના ભોગી ન બનીએ તેનો નિરંતર ખ્યાલ રાખવો. નહિતર અશિસ્તભર્યું જીવન આપણી પાસેથી હંમેશને માટે સાનુકૂળતાઓ છીનવી લે તેવું પણ બને.
શિસ્ત અર્થાત્ અનુશાસન અને અનુશાસનનો અર્થ છે શાસનની પાછળ ચાલવું. અર્થની દૃષ્ટિએ જોઈએ તો જેવું શાસન હશે તેવું જ અનુશાસન હશે. શાસકની ગંભીરતાના અભાવે તેને અનુસરતો સમાજ શિસ્તબદ્ધ નથી રહેતો. જો પરિવારમાં મુખ્ય વ્યક્તિ શિસ્તપાલનનો આગ્રહી નહિ હોય તો પરિવારમાં અવ્યવસ્થા સર્જાય. જો રાજનેતા કાયદા-કાનૂનનું પાલન નહિ કરે તો જનતા પાસે તેના પાલનની અપેક્ષા રાખવી વ્યર્થ છે.
આપણા પર અધિકાધિક કરુણા વહી છે કે આપણને મળેલા બે દિવ્ય સત્પુરુષો શિસ્તના અતિ આગ્રહી છે. તેથી તેઓ પોતાના સંત-હરિભક્ત સમાજને પણ શિસ્તપાલનના આગ્રહી બનાવે છે.
એક વખત પ.પૂ. સ્વામીશ્રી એક સેન્ટરમાં વિચરણ અર્થે પધાર્યા. ત્યાં પધરામણી દરમ્યાન દરેક ઘરે પ.પૂ. સ્વામીશ્રી બહાર લાઇનમાં જ સ્લીપર ઉતારી ઘરમાં પ્રવેશ કરે, જોડેના સંતો-હરિભક્તો પણ પ.પૂ. સ્વામીશ્રીની આ રીતને અનુસરતા હતા. પધરામણી દરમ્યાન ઉતાવળે ઠાકોરજી લેનાર પૂ. સંત સ્લીપર સરખા ન મૂકતાં ઘરમાં પ્રવેશી ગયા. ૫.પૂ. સ્વામીશ્રીને આવી અશિસ્ત કેમ રુચે !? તેથી પાછળ સંતના સ્લીપર પોતાના સ્લીપરની બાજુમાં વ્યવસ્થિત મૂકી અને ઘરમાં પ્રવેશ કર્યો. ૫.પૂ. સ્વામીશ્રી અન્ય માટે આટલી નાની બાબતમાં પણ શિસ્તનો આગ્રહ જણાવતા હોય તો અવરભાવના સ્વજીવનમાં તો કેટલા શિસ્તના આગ્રહી હશે !!
પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડવામાં ફિક્સ જ રોટલી ગ્રહણ કરે. વિચરણ સિવાય સ્વામિનારાયણ ધામ પર બિરાજતા હોય ત્યારે જમાડવાનો સમય બહુધા નક્કી જ હોય. એટલું જ નહિ, પણ દિવસ દરમ્યાન દરરોજના ક્રમાનુસાર જ જળ ધરાવે.
દરરોજ સવારે ૭:૧૫ વાગ્યે, પ્રાતઃ સભા પૂરી થયા બાદ, બપોરે ઠાકોરજી જમાડ્યા બાદ, બપોરે પોઢતા પહેલાં, સાંજે ઊઠ્યા બાદ, સંધ્યા આરતી બાદ, ઠાકોરજી જમાડ્યા બાદ, ચેષ્ટા બાદ અને રાત્રે પોઢતા પહેલાં આટલા સમયે જ જળ ધરાવવાનું. જેઓના જીવનમાં એક જળ ધરાવવાની સામાન્ય બાબત પણ શિસ્તબદ્ધ હોય તો તેઓનું સમગ્ર જીવન કેટલું બધું શિસ્તબદ્ધ હશે !! તેમની સરખામણીમાં આપણા જીવનમાં શિસ્તનું કેટલું મહત્ત્વ સમજીએ છીએ તે વિચારીએ.
કોઈ પણ ક્ષેત્રમાં વડીલ કે ઉપરી લીડરના સ્થાને છે. તેઓ શિસ્તને અનુસરતા જ હોય પરંતુ તેમના શિસ્તના આગ્રહની નીચેના વર્ગમાં જેટલી સ્વીકૃતિ થાય એટલો જ શિસ્તસભર સમાજ તૈયાર થાય.
નેપોલિયન બોનાપાર્ટ હજારો સિપાહીઓના અગ્ર સ્થાને હતા. દરેકને તેમની લીડરશીપનો જીવસત્તાએ સ્વીકાર હતો. તેઓ સિપાહીઓને આગેકૂચ કરવાનું કહે તો આગળ દરિયો હોય કે પર્વત પણ જીવના જોખમે આગેકૂચ જ થાય. એટલી જ લીડરની સ્વીકૃતિ અત્યારે Indian Army (ભારતીય સેનાદળ)માં જોવા મળે છે. લીડર દ્વારા આપવામાં આવતી સૂચનાનું અક્ષરશઃ પાલન કરે. તેઓને સૂચના મળી હોય કે ૪૦ કિ.મી.ની સ્પીડમાં જ ગાડી ચલાવવી તો ગમે તેટલો ભીડભાડ વગરનો રસ્તો હોય તોપણ ૪૧ની સ્પીડે ગાડી ન જ ચાલે. વળી, ડ્યૂટી પૂરી થતાં ઘરે પહોંચી ગયા બાદ પણ પોતાના લીડરના એક ફોને બધું જ છોડી એકથી બે મિનિટમાં જ યુનિફૉર્મ પહેરી ડ્યૂટી પર પહોંચી જાય. Indian Armyની આવી શિસ્તના પરિણામે જ સમગ્ર ભારત દેશ શાંતિનો શ્વાસ લઈ શકે છે.
આપણને પ્રેક્ટિકલ જીવનમાં ગેરશિસ્તમાં જ આનંદ આવતો હોય તેવું લાગે છે. તેની પાછળ ખટકો, સ્વીકૃતિ, જાણપણું વગેરે ઘણાં પરિબળો ભાગ ભજવે છે.