શિસ્ત-3

  March 19, 2019

સ્વજીવનમાં સ્વયંશિસ્તનું મહત્ત્વ છે તેટલું જ સમૂહજીવનમાં સ્વયંશિસ્તનું પણ મહત્ત્વ છે.

શિસ્ત સ્વયંશિસ્તને આભારી છે.

કોઈ પણ વ્યક્તિ સમાજ, સંસ્થા કે દેશ દ્વારા લાદવામાં આવેલી શિસ્ત-અનુશાસનમાં ત્યારે જ રહી શકે જ્યારે એ સ્વયંશિસ્તનું પાલન કરતો હોય.

સ્વયંશિસ્ત એટલે પોતાની જાત પર પોતાનું નિયંત્રણ.

સ્વયંશિસ્ત એટલે પોતે નક્કી કરેલા સિદ્ધાંતો, આદર્શો પ્રમાણે જીવન જીવવું.

સ્વયંશિસ્ત એટલે

‘Stop competing with others and start competing with thyself.’ અર્થાત્ ‘બીજા સાથે સરખામણી બંધ કરી પોતાની સાથે સરખાવવાનું શરૂ કરીએ.’

એક વાત સમજવા જેવી છે કે કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી સ્વયં અનુશાસિત નથી ત્યાં સુધી તેમની ઉપર બીજા દ્વારા નિયમો લાદવામાં આવે છે. તેથી જ કહ્યું છે, अगर हम खुद को अनुशासित नहीं करेंगे तो हमारा ये काम दुनिया करेंगी ।

 સ્વયંશિસ્તનું જ્વલંત ઉદાહરણ એટલે ભારત દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી. તેઓ જ્યારે યરવડા જેલમાં હતા ત્યારે એમને કોઈએ વાંચવા માટે સમાચારપત્ર આપ્યું હતું. એ જેલમાં સમાચારપત્ર ન વંચાય એવો નિયમ હતો. ગાંધીજીએ બીજા દિવસે પેલા ભાઈને સમાચારપત્ર પાછું આપતાં કહ્યું, “તમારા આ છાપાએ તો મારી આખી રાતની ઊંઘ બગાડી. છાપું વાંચવાની લાલચ થયા કરે અને જેલની શિસ્ત તોડવા મન ના પાડે. એમાં આખી રાત ખૂણામાં ભરાઈ રહેવું પડ્યું.”

ગાંધીજી એવું સમજતા કે, “વ્યક્તિ પોતે જ પોતાનો સૌથી મોટો રક્ષક છે. બીજા તો કોણ પોતાની રક્ષા કરે ? જો આપણું આપણા પર પૂરેપૂરું નિયંત્રણ હોય તો આપણી ક્ષમતા બહારની સફળતા પામી શકાય છે.”

આપણા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ શિસ્તપાલનના અતિ આગ્રહી છે. તેઓ જ્યારે સદ્. મુનિસ્વામીનો સમાગમ કરવા પાટડી પધારતા ત્યારે સભામાં લાભ લેતાં બે-ત્રણ તો ક્યારેક ચાર કલાક પણ થઈ જાય. ગુરુવર્ય પ.પૂ. બાપજીને લઘુશંકા જવું હોય તોપણ ચાલુ સભાએ ઊભા ન થતા અને સદ્. મુનિબાપાને મનોમન પ્રાર્થના કરતા. ત્યારે સ્વામી પ્રાર્થના સાંભળી સભાને વિરામ આપતા પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી સભાની શિસ્ત ન તોડે. આવી વિપરીત પરિસ્થિતિમાં પણ કેવી શિસ્ત !

ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વયં તો શિસ્તમાં રહેવાનો આગ્રહ જણાવે પરંતુ પોતાના નિકટના સમાજ માટે પણ શિસ્તપાલનનો એટલો જ આગ્રહ દર્શાવે છે. એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી ગુરુવારની જ્ઞાનસભામાં લાભ આપતા હતા. ત્યારે એક હરિભક્ત લઘુ કરવા સભામાંથી ઊભા થયા. તેમને ચાલતા જોઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂછ્યું,

“ભગત, ક્યાં ઊપડ્યા ?”

“બાપજી, લઘુ કરીને આવું છું.”

એ હરિભક્ત સભામાં આવ્યા પછી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું,

“મુક્તો, આવી રીતે ચાલુ સભામાંથી પરવાનગી લીધા વગર ઊભા થઈ જવું, સભામાં ઝોકાં ખાવાં, બગાસાં આવવાં તે સભાની શિસ્ત નથી. મહારાજનું હળહળતું અપમાન કર્યું કહેવાય. માટે સભાની શિસ્ત જાળવવી, તો મહારાજ રાજી થાય.”

શ્રીજીમહારાજે પણ સ્વહસ્ત લિખિત ગ્રંથરાજ ‘શિક્ષાપત્રી’માં શિસ્ત અંગે કેટલીક આજ્ઞાઓ કરી છે. અહીં તેમાંની કેટલીક આજ્ઞાઓ જોઈએ :

વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિ વૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ છ જણા આવે ત્યારે સન્મુખ ઊઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું.                        - શિક્ષાપત્રી : શ્લોક-૬૯

અને ગુરુ, દેવ અને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું.                                           - શિક્ષાપત્રી : શ્લોક-૭૦

શિસ્તપાલનનું મહત્ત્વ સમજ્યા પછી પણ આપણને શિસ્તમાં રહેવું કદાચિત્ કઠિન લાગે પરંતુ એક વિચારધારા આપણા જીવનમાં વણાઈ જશે કે,

'Discipline is rarely enjoyable but almost always profitable.'

‘શિસ્તપાલન એ ક્યારેક જ મનોરંજનયુક્ત હોય છે પરંતુ હંમેશાં નફાકારક હોય છે.’ આ વિચારધારાને જીવનમાં આત્મસાત્ કરવામાં આવે તો શિસ્તમાં વર્તવું નહિ પડે; આપમેળે જ શિસ્તમાં વર્તાશે.

આપણે સૌ સમૂહજીવનમાં રહીએ છીએ ત્યારે,

‘When mass is more, discipline is more needed.’ અર્થાત્ ‘જ્યાં સમૂહ મોટો ત્યાં શિસ્તપાલનની જરૂરિયાત વિશેષ હોય.’ આપણે જાહેર જીવનમાં ૧૦ બાબતોને આત્મસાત્ કરી દઈએ તો શિસ્ત આત્મસાત્ કરી કહેવાશે :

Top 10 public place manners :

1. Behave with courtesy. (દરેકની સાથે વિવેકપૂર્ણ વર્તાવ.)

2. Communicate in the right way. (સાચી અને યોગ્ય દિશામાં હેતુસભર વાતચીત કરવી.)

3. One should not point at any particular person or thing. (ચોક્કસ કોઈ એક વસ્તુ કે વ્યક્તિને લક્ષ્ય બનાવીને જાહેરમાં વાત ન કરવી.)

4. Make use of waste basket when necessary. (જરૂરિયાત સમયે કચરાપેટીનો ઉપયોગ કરવો.)

5. Understand the importance of moving in a line. (લાઇનમાં આવવા-જવાનું મહત્ત્વ સમજવું.)

6. Respect other's stuff. (અન્યની મિલકત, દ્રવ્ય સામે ખોટી દૃષ્ટિ ન કરવી, તેને ખલેલ પહોંચે તેવું ન કરવું.)

7. Use proper etiquettes. (સભ્યતાપૂર્ણ વ્યવહાર કરવો.) Sorry, Thank you, Excuse me જેવા શબ્દો વાપરવા.

8. Should not disturb others. (આપણા થકી અન્યને ખલેલ ન પહોંચાડવી.)

9. Follow rules and regulations of a particular field. (જે સ્થાનમાં ગયા હોઈએ તે સ્થાનના તમામ નીતિ-નિયમોનું પાલન કરવું.)

10. Sit or stand properly and quietly. (શાંતિથી અને યોગ્ય રીતે શોભે તેમ જાહેર સ્થળોએ બેસવું તથા ઊભા રહેવું.)

આ દસ બાબતોને જીવનમાં લક્ષ્યાર્થ કરવા પ્રયત્નશીલ બની શિસ્તપાલનના આગ્રહી બનીએ અને ઘર-પરિવારમાં પણ નાનપણથી બાળ પેઢી, યુવા પેઢીને જો અનુશાસનપ્રિય બનાવવામાં આવે તો યુવાનો દ્વારા થતી ગેરપ્રવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિમાં ૯૫% જેટલો ઘટાડો થઈ શકે અને એક આદર્શ સમાજ અને શ્રેષ્ઠ દેશનું નિર્માણ થાય.

મહારાજ, બાપા, ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં પ્રાર્થીએ કે, અમે સૌ અમારો નિત્યક્રમ, દૈનિક ક્રિયાઓ અનુશાસનથી ભરી દઈએ કે જેમની અભિવ્યક્તિમાં આપમેળે જ સુંદરતા પ્રાપ્ત થાય. જે નિહાળી આપ અંતરના આશિષ વરસાવો.