શ્રીજીમહારાજે અંગ્રેજ અધિકારીને વ્યસન છોડાવ્યું

  August 5, 2019

શ્રીજીમહારાજે અંગ્રેજ અધિકારીને વ્યસન છોડાવ્યું :
 
ભારત દેશ પર અંગ્રેજોનું રાજય હતું ત્યારની આ વાત છે. ભારત દેશનું સંપૂર્ણ સંચાલન અંગ્રેજ અધિકારીઓ દ્વારા થતું હતું. એ સમય દરમિયાન આ ભારત ભૂમિ પર સ્વયં સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. સ્વામિનારાયણ ભગવાન  વિચરણ કરતા કરતા સૌરાષ્ટ્રની ગઢપુર ભૂમિને પોતાનું ઘર માનીને રહેલા. તેમનાં ઐશ્વર્ય-પ્રતાપથી જેમ લોખંડ લોહ ચુંબક તરફ આકર્ષાય તેમ અનેક મુમુક્ષુજનો સ્વામિનારાયણ ભગવાન તરફ આકર્ષાવા લાગ્યા. ઘણા અંગ્રેજ અધિકારીઓએ પણ, સ્વામિનારાયણ ભગવાનનો પ્રૌઢ પ્રતાપ જાણેલો અને પોતાનાં વ્યસનો છોડી સત્સંગી થયેલા તો કોઈએ મોટી મોટી સેવાઓ કરવાની તક ઝડપેલી. તો ચાલો, આપણે એવા જ પ્રસંગો જાણીએ. 
(૧) સર જેમ્સ વિલિયમ્સ :- 
અંગ્રેજ સરકારના અમલદાર સર જેમ્સ વિલિયમ્સ હતા. તેઓને ભગવાન સ્વામિનારાયણનું અૈશ્વર્ય અને પ્રૌઢ પ્રતાપ જાણ્યા પછી સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન અને આશીર્વાદની અંતરમાં ઇચ્છા રહેતી.
 
એવા સમયમાં સર વિલિયમ્સને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન સિગરામમાં બેસીને વડોદરાથી વડતાલ જવા નીકળ્યા છે, અને પોતાના મહેલ આગળથી જ પસાર થવાના છે. તેથી વિલિયમ્સે બે સિપાઈઓને હુકમ કર્યો કે, "જાવ, સ્વામિનારાયણ ભગવાન નીકળે ત્યારે તેમને મહેલમાં પધરામણી કરવા લઈ આવો." સિપાઈઓ તો સાહેબનો હુકમ થતાં જ રસ્તામાં વચ્ચે ઊભા રહ્યા. સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય સવારી આવી રહી છે. સ્વામિનારાયણ ભગવાન સૌને દર્શનદાન આપતા નજીક આવી પહોંચ્યા. સિપાઈઓએ સ્વામિનારાયણ ભગવાનને રોક્યા અને મહેલમાં પધારવા માટે ખૂબ ભાવથી કાકલૂદી કરી. પરંતુ, મહાપ્રભુએ ખબર નહિ કેમ પણ આજે મહેલમાં પધરામણી કરવાની રુચિ ન બતાવી અને એથી જ રાજાધિરાજ સિગરામનો હંસ બનાવી ઊડ્યા. સિપાઈઓ તો આંખો પહોળી કરી મહારાજને જોતા જ રહ્યા. આ બાજુ સિપાઈઓ મહારાજને સાથે લીધા વિના સર વિલિયમ્સ પાસે પાછા આવ્યા.
અને બીજી બાજુ, સર વિલિયમ્સનાં પત્ની અને તેમનાં દીકરી ત્રીજા માળે ઊભા રહીને આ બધું દૃશ્ય જોતાં હતાં. મહાપ્રભુને હંસ પર બેસીને પોતાની નજીક આવતાં જોઈ તેઓ  આશ્ચર્ય પામ્યાં. મહાપ્રભુએ તો નજીક આવી આ મા-દીકરીના ગળામાં ગુલાબનો હાર પહેરાવી દીધો. બંને મા-દીકરી તો રાજીનાં રેડ થઈ ગયાં. આ બાજુ સિપાઈઓએ સર વિલિયમ્સને બનેલી બધી હકીકત  જણાવી. ત્યાં તો બંને મા-દીકરી હરખાતાં હરખાતાં  ઝડપથી નીચે આવ્યાં અને કહ્યું, " અમને તો સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન થઈ ગયાં. અને જુઓ એમણે અમને બંનેને આ ગુલાબનો હાર પણ પહેરાવ્યો." ત્યાં તો ઉતાવળે સર વિલિયમ્સે પૂછ્યું, "ક્યાં છે સ્વામિનારાયણ ભગવાન ? મારે એમનાં દર્શન કરવાં છે. એ નીચે ન આવ્યા ?" ત્યારે તેમનાં પત્નીએ કહ્યું, "સ્વામિનારાયણ ભગવાને અમને કહ્યું કે, સર વિલિયમ્સે અત્યારે ખૂબ શરાબ પીધો છે તેથી દર્શન નહિ આપીએ."
આ સાંભળી સર વિલિયમ્સ તો અત્યંત દિલગીર થઈ ગયા. તેમણે તાત્કાલિક સ્વામિનારાયણ ભગવાનના અનન્ય આશ્રિત નાથભક્તને બોલાવીને કહ્યું, "મને સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરવાની ખૂબ ઇચ્છા હતી અને વળી, મારે એક મુશ્કેલી પણ છે. મારો એકનો એક દીકરો તેના મિત્રો સાથે જાત્રા કરવા ગયો છે. છ મહિના થઈ ગયા હજુ પાછો આવ્યો નથી. અને તે ક્યાં હશે તેના કોઈ સમાચાર પણ નથી. મને એની ખૂબ ચિંતા છે." એમ બધી વાત વિગતે કરી.
ત્યારે નાથભક્ત કહે,  "ચિંતા ન કરો, સ્વામિનારાયણ ભગવાન તો અતિ દયાળુ છે . જો તમારો સાચો ભાવ હશે તો દર્શન દેશે જ."  અને ખરેખર બન્યું પણ એવું જ. એ જ રાત્રે કરુણાળુ પ્રભુ સ્વામિનારાયણે સર વિલિયમ્સને દર્શન આપ્યાં ને કહ્યું કે, "અમે તમારી બધી જ મુશ્કેલી જાણીએ છીએ. તમારો દીકરો લખનૌની જેલમાં છે. ત્યાંના રાજાએ તેને જેલમાં પૂર્યો છે. પણ, અમે રાજાને કહીને જેલમાંથી છોડાવીશું અને તમારો દીકરો પાછો આવી જશે. પરંતુ એક શરત છે... જો તમે દારૂ-માંસાહાર છોડી દો તો." સર વિલિયમ્સના આનંદનો તો પાર જ ન રહ્યો અને ત્યારે જ તેમણે પ્રતિજ્ઞા લીધી કે, "આજથી દારૂ-માંસાહારનો સદાયને માટે ત્યાગ." મહાપ્રભુ તો સર વિલિયમ્સ પર રાજી થઈ ગયા અને ખૂબ આશીર્વાદ મેળવ્યા અને કંઠી બાંધી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈ ગયા... કેટલી કૃપા કહેવાય આ અંગ્રેજ અધિકારી પર...!
 
આમ મહાપ્રભુ જીવો ઉપર કરુણાતો વરસાવે જ પરંતુ તે માટે તેમની રુચિ તેને કાયમ વ્યસનમુક્ત કરવાની રહેતી, સ્વામિનારાયણ ભગવાનનો વ્યસન મુક્ત કરવાનો આગ્રહ હંમેશા રહેતો. જીવાત્માને શરણે થઈ પ્રથમ વ્યસન છોડાવી તેને પોતાના અવિચળ સુખની પ્રાપ્તિ કરાવવાનો જ ઈશક રહેતો. સર વિલિયમ્સને દારૂ-માંસાહાર છોડાવી તેમના પુત્રને પણ જેલમાંથી મુક્ત કર્યો. આમ મહાપ્રભુએ બંને પર કૃપા વરસાવી.