શ્રીજીમહારાજનું કર્તાપણું
March 6, 2017
ઈ.સ. 2006ની સાલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને હૃદયની બાયપાસ સર્જરી માટે ક્રિષ્ના હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવ્યા હતા. એમના માટે તો આ પ્રથમ વખત જ આટલી મોટી સર્જરી તથા આટલા લાંબા સમયનું દવાખાનું હતું...
આમ તો એમને દવાખાના પ્રત્યે ઘણી અરુચિ... સામાન્ય માંદગી હોય – તાવ-તરીયો, શરદી-સળેખમ કે શરીરે કાંઈક નાનોમોટો દુઃખાવો કે શરીરે કાંઈ કસર હોય તો દવા લેવાની નહિ, ડૉક્ટરને બતાવવાનું – બોલાવવાના નહિ, બસ સહી લે. તેની જરાય જાણ કોઈને થવા ન દે. આ તો બાયપાસ સર્જરી હતી. એટલે ફરજિયાત હૉસ્પિટલમાં દાખલ થવું પડે. તેમાં પણ પ.પૂ. સ્વામીશ્રીની કેટલીય વિનંતી ને પ્રાર્થના બાદ તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા હતા.
ક્રિષ્ના હૉસ્પિટલના કુશળ સર્જન ને નામાંકિત ડૉ. રાજેશભાઈ દેસાઈને બાયપાસની સેવા મળી હતી. ઑપરેશન ખૂબ કુશળતાપૂર્વક ને સારું કર્યું હતું. ઑપરેશનના ત્રીજા દિવસે ડૉ. રાજેશભાઈ દેસાઈ રૂટિન ચેકઅપ માટે આવ્યા હતા. તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને સ્નેહથી પૂછ્યું, “કેવું છે ? સારું છે ને ? કાંઈ તકલીફ ?” સાથેના પૂ. સંતોએ કહ્યું, “ડૉ. સાહેબ, છાતીમાં થોડો દુઃખાવો રહ્યા કરે છે. બાકી બધું બરાબર છે.” આ સાંભળી ડૉ. રાજેશભાઈ પોતાની આવડત તથા અનુભવને આધારે કૉન્ફિડન્સથી બોલ્યા, “બાપજી, તમે બધું મારા પર છોડી દો. તદ્દન સારું થઈ જશે. તમે કાંઈ જ ચિંતા કરશો નહીં.”
ડૉક્ટર કુશળ સર્જન હતા તેમજ આવડત તથા સર્જરી માટે કાબેલ હતા તે વાત નિઃશંક હતી. પણ તે આજે એમના મુખે ગુરુવર્ય પ.પૂ. બાપજી જેવા દિવ્ય પુરુષ કે જેના પળ પળમાં મહારાજનું મુખ્યપણું-કર્તાપણું રહેતું હોય ત્યારે તેમની સમક્ષ પોતાની કાબેલિયત-કુશળતા વ્યક્ત કરતા તો ગુરુવર્ય પ.પૂ. બાપજી મીઠી ટકોર કરવાનું ભૂલ્યે ? ન ભૂલે.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ હળવેથી કહ્યું, “ડૉ. સાહેબ, આપણાથી કાંઈ થાય નહીં. ભગવાન ધારે ને એમ જ થાય. કોઈ પણ કાર્યમાં ભગવાનને કર્તા કરી દેવા. માટે તમારેય ભગવાન ઉપર છોડવાનું ને માત્ર નિમિત્ત બનવું.” આ વાત હૃદયના સર્જન ડૉ. રાજેશભાઈના હૃદયમાં ખૂંપી ગઈ હતી. તેઓ નતમસ્તક થયા.
ગુરુવર્ય પ.પૂ. બાપજીને પળે પળે શ્રીજીમહારાજનું મુખ્યપણું-કર્તાપણું સહજ છે અને એવું સહજપણું એમની પાસે આવનારને થાય તે માટે તત્પર હોય છે. આજે ડૉ. રાજેશભાઈને પોતાની આવડત કરતાં મહારાજને કર્તા કરીને કાર્ય કરવાની શીખ મળી. કામના બોજ તળે હળવા રહેવાની કેવી અમૂલ્ય દવા બતાવી દીધી...!!!
ક્રિષ્ના હાર્ટ હૉસ્પિટલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરવા પૂ. સંતો અને હરિભક્તોનાં ટોળે ટોળાં આવતાં હતાં. એટલે સ્વાભાવિક જ હૉસ્પિટલનું વાતાવરણ મંદિર જેવું થઈ ગયું હતું. જંગમ તીર્થના સહવાસે હૉસ્પિટલ પણ જાણે તીર્થ બની ગઈ હતી. હૉસ્પિટલના તમામ ડૉક્ટરોને પણ અનુભવાતું કે નક્કી કોઈ આ મોટાપુરુષ છે એટલે રોજ સવાર-સાંજ ડૉક્ટરો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરવા – ખબર પૂછવા આવે.
એક દિવસ જે ડૉક્ટર ગુરુવર્ય પ.પૂ. બાપજીની સારવાર માટે આવતા હતા તેઓ આ હૉસ્પિટલના માલિક શ્રી ડૉ. અનિમેષભાઈ ચોક્સીને ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન આશીર્વાદ માટે લઈને આવ્યા હતા.
એક ડૉક્ટરે પરિચય આપતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને કહ્યું, “બાપજી, આ ડૉ. અનિમેષભાઈ ચોક્સી છે અને તેઓ આ હૉસ્પિટલના માલિક છે.” વધુ તેઓ કાંઈ બોલે તે પહેલાં જ ગુરુવર્ય પ.પૂ. બાપજી સહસા જ બોલ્યા, “આપણા સૌના માલિક શ્રીજીમહારાજ છે... પછી આપણી માલિકીનું શું હોય ? આપણે કદી માલિક ન થવું. ધણી ન થવું.” પછી ડૉ. અનિમેષભાઈ તરફ કૃપાદૃષ્ટિ વેરતા બોલ્યા, “અનિમેષભાઈ, આપણે એવું જ માનવું ને સમજવું કે આ હૉસ્પટિલના માલિક ને ધણી ભગવાન છે ને હૉસ્પિટલ પણ ભગવાનની છે. મને તો માત્ર ચલાવવા આપી છે. માટે માલિક એમને કરી દેવા તો ઘણી નિરાંત વર્તે...”
શ્રીજીમહારાજનું મુખ્યપણું, કર્તાપણું ગુરુવર્ય પ.પૂ. બાપજીને માત્ર બોલવા પૂરતું ન હતું. એમને તો ઇદમ્ છે... સહજ છે... એટલે આટલા શબ્દો એવા અસરકારક નીવડ્યા કે ડૉ. અનિમેષભાઈના અંતરની આરપાર ઊતરી ગયા. તેમણે વિનમ્રપણે ગુરુવર્ય પ.પૂ. બાપજીની વાતને સ્વીકારી લીધી...
કોઈ પણ જાણતી કે અજાણતી વ્યક્તિને શ્રીજીમહારાજને મુખ્ય રાખવા, કર્તા કરવાની વાતો અનુભવી સત્પુરુષ સિવાય કોણ કરી શકે... કોણ કહી શકે ???