સુખ-દુઃખનું મૂળ - દૃષ્ટિકોણ-૨
September 12, 2016
અરસપરસના વ્યવહારો-અનુભવોથી દૃષ્ટિકોણ બંધાતો હોય છે. તે ગતાંકે જોયું દૃષ્ટિકોણ બંધાવાના અન્ય કારણોની અલ્પઝાંખી કરીએ.
(3) અસફળતા : દરેક વ્યક્તિનું જીવન સફળતા અને અસફળતાની વચ્ચે ઝોલા ખાતું પસાર થતું હોય છે. જેમાં અસફળતાનું બહુધા કારણ નકારાત્મક દૃષ્ટિકોણ હોય એવું ક્યાંક જણાતું હોય છે. કારણ, નકારાત્મક દૃષ્ટિકોણથી શરૂ થયેલા કાર્યમાં તે કાર્યને ઉત્કૃષ્ટ, સારામાં સારું બનાવવા કોઈ પ્રયત્ન થતો હોતો નથી. કોઈ વ્યક્તિ સાથેના સંબંધ કેળવવામાં કે કાર્યમાં આગળ વધવામાં ખોટો ભય સતાવતો હોય છે, વ્યક્તિ સંબંધ માટેનાં કે કાર્ય માટેના નકારાત્મક પરિણામનાં કાલ્પનિક ચિત્રો, દૃશ્યો, વિચારો વારંવાર માનસપટ પર વિઝ્યુલાઇઝ થતાં હોય છે જે સમગ્ર વાતાવરણને નકારાત્મક બનાવી દે છે તેથી સફળતા મળતી નથી. જ્યારે એ જ સંજોગ-પરિસ્થિતિ માટે માત્ર હકારાત્મક દૃષ્ટિકોણ કેળવાય ત્યારે સફળતા હાથવેંત જ છેટી રહે છે. હકારાત્મક દૃષ્ટિકોણ જ કાર્યને સફળતા તરફ આગળ દોરી જાય છે.
એક શૂઝ (પગરખાં) બનાવનાર કંપનીના મેનેજરે પોતાની કંપનીના સેલ્સમેનને કહ્યું કે, “તમે આફ્રિકાના એક શહેરની મુલાકાત લઈ તપાસ કરો કે આપણી કંપનીનાં પગરખાંનું ત્યાં વેચાણ કેવું થશે ?” સેલ્સમેન ત્યાં ગયા. જોયું તો ત્યાંના કોઈ લોકો પગરખાં પહેરતાં જ નહોતાં. તેઓ પરત આવ્યા અને રિપોર્ટ આપતાં કહ્યું, “મેનેજર સાહેબ ત્યાં કોઈ પગરખાં પહેરતું જ નથી તેથી ત્યાં આપણું વેચાણ શક્ય નથી.”
મેનેજરે બીજા સેલ્સમેનને ત્યાં મોકલ્યા. તેમણે પણ જઈને જોયું તો કોઈના પગમાં પગરખાં નહોતા. તેમણે આવી મેનેજર સાહેબને રિપોર્ટ આપતાં કહ્યું, “સર, આપણે તે દેશમાં ધારી સફળતા મેળવી શકીશું. કારણ ત્યાં કોઈને પગરખાં પહેરવાની ખબર જ નથી તેથી ત્યાં કોઈ શૂઝ બનાવનારી કંપની જ નથી. આપણે ત્યાંના લોકોને પગરખાં પહેરવા વિષે સમજ આપી પગરખાંનું ધાર્યું વેચાણ કરીશું તો બિનહરિફ બની આપણે ધોમ વેચાણ કરી શકીશું.”
એક જ કંપનીના બે સેલ્સમેન; એક જ દેશ-શહેર છતાં બંનેના જવાબ અલગ-ફેરમાત્ર દૃષ્ટિકોણમાં.
(4) માનસિક રોગ : નકારાત્મક દૃષ્ટિકોણને કારણે વારંવાર નકારાત્મક વિચારોનું જ પુનરાવર્તન થતું હોય છે. જેને કારણે વ્યક્તિ માનસિક રીતે તણાવગ્રસ્ત રહે છે, માનસિક બેચેની રહે છે. આક્રોશ, અકળામણ અને ચીડિયો સ્વભાવ થઈ જાય. માનસમાં રહેલી નકારાત્મકતાની વિપરીત અસરો વ્યક્તિના મગજ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય પર પડે છે. તેના ચેતાતંતુઓ નબળા પડે છે અને ડિપ્રેશન જેવા અનેક માનસિક રોગો થાય છે.
(5) ઉદ્વેગ-અથડામણ : અનેક દ્વિધાઓ, વિપરીત સંજોગો અને નકારાત્મકતાથી કંટાળી ગયેલ વ્યક્તિને જીવવું જ એક ત્રાસરૂપ લાગતું હોય છે. જો પોતાની સત્તા હોય તો ધાર્યું કરાવવા પ્રયત્ન કરે અને ન થાય તો અકળામણ અને અથડામણ થાય. જો ક્યાંક પોતાની સત્તા ન હોય, ધાર્યું ન થાય તો અંદર અંદર ઉદ્વેગ રહ્યા કરે, દુઃખી રહ્યા કરે અને વધારે ને વધારે નકારાત્મકતામાં ધકેલાય છે.
દૃષ્ટિકોણ કેળવવાની બાબતમાં, બાલ્યાવસ્થામાં ઘર-પરિવાર, શાળા, મિત્રો તરફથી જે દૃષ્ટિકોણ કેળવવાની દિશા મળી હોય તે જીવનના છેલ્લા શ્વાસ સુધી રહે છે. માટે બાલ્યાવસ્થાથી જ હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવો તે માત્ર સહેલો જ નહિ, યોગ્ય પણ છે. પરંતુ કદાપિ જાણે-અજાણે આપણો દૃષ્ટિકોણ નકારાત્મક વલણ અપનાવવા તરફ જ ઝૂકી રહ્યો હોય તો શું એમાંથી કદી બહાર ન આવી શકીએ ? શું એ જ દૃષ્ટિકોણમાં સપડાયેલા રહેવું પડશે ? ના, એવું નથી. નકારાત્મક દૃષ્ટિકોણમાંથી હકારાત્મક દૃષ્ટિકોણ જરૂર કેળવી શકીએ.
આપણા રોજબરોજના જીવનમાં કોઈકના બે શબ્દ સાંભળીને માઠું લાગતું હોય છે, દુઃખી દુઃખી થઈ જતા હોઈએ છીએ. તેને ભૂલી જવાને બદલે તેનું જ મનન થતું હોય છે, તેનાં જ દૃશ્યો વારંવાર મનમાં સ્ફુરતાં હોય છે જેનાથી નકારાત્મક દૃષ્ટિકોણ વધુ ને વધુ દૃઢ થતો જાય છે. એવા સમયમાં તાતી જરૂરિયાત છે – આપણો દૃષ્ટિકોણ બદલવાની, હકારાત્મકતા કેળવવાની. આવા સમયમાં દૃષ્ટિકોણને હકારાત્મક કરવા કેવા વિચાર કરવા તેની રીત શીખવતાં શ્રીજીમહારાજે અમદાવાદના 5મા વચનામૃતમાં શિખવાડ્યું છે કે, “ભગવાન અથવા સાધુ તે પોતાને કોઈક રીતે વઢ્યા હોય ને તિરસ્કાર કર્યો હોય તો તેનો મનમાંથી ત્યાગ કરવો ને પોતાની ભૂલ જાણવી ને ભગવાનનો ને સંતનો ગુણ ગ્રહણ કરવો એવી રીતે સર્વે સવળું વિચારવું પણ અવળું તો કોઈ દિવસ વિચારવું જ નહીં.”
હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવા આપણા જીવનમાં કેટલાંક પગલાં લેવાં જરૂરી છે :
પહેલું, ગુણગ્રાહક દૃષ્ટિ કેળવવી. આપણે હંમેશાં દરેક વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, ઘટનામાંથી હકારાત્મકતા શોધવા બાજનજર કેળવવી. સમૂહજીવનમાં લોકો સાથે વ્યવહાર કરવો અને ગુણગ્રાહક દૃષ્ટિ રાખવી એ સોનું શોધવા માટે ખાણમાં ખોદકામ કરવા જેવું અઘરું છે. કારણ, 1 ગ્રામ સોનું મેળવવા માટે સેંકડો ટન માટી ખસેડવી પડે છે. ન મળે ત્યાં સુધી શ્રદ્ધા રાખવી પડે છે. એવી રીતે આપણી આસપાસ રહેલ વ્યક્તિઓમાં હકારાત્મકતા તો રહેલી જ છે પરંતુ તેને શોધવાની છે. મનનરૂપી ખોદકામ કરી અવગુણરૂપી માટીને ખસેડી ગુણરૂપી સોનાને લઈ લેવું છે. તેના માટે અન્યની માત્ર ત્રુટિ જોવાની ટેવને છોડી સૌમાંથી ગુણ લઈએ તો આપણે પણ હકારાત્મક બની જવાય.
બીજું, નકારાત્મક વાણી-વિચાર-વર્તનવાળા સંગથી છેટે જ રહેવું. જ્યાં એક કરતાં વધું વ્યક્તિઓ સાથે રહેવાનું થાય ત્યાં બધા જ ઉત્કૃષ્ટ પાત્રો હોય તેવું ન બને. ઘઉંની જોડે કાંકરા પણ આવે તેમ હકારાત્મક વિચારસરણી ધરાવતા લોકોની વચ્ચે નકારાત્મક દષ્ટિકોણ ધરાવતા લોકો પણ હોય જ. જેમણે અન્યની ટીકા કરવાની જ કારકિર્દી બનાવી હોય તેઓ દરેક વ્યક્તિ કે સંજોગોમાંથી ક્ષતિ, ત્રુટિ શોધી કાઢવામાં ખૂબ બાહોશ હોય, ઘર-પરિવારમાં અરસપરસ ઝઘડા કરાવવામાં પાવરધા હોય. આવા લોકો આંબાની મીઠાશ કરતાં ગોટલીના કદને વધુ મહત્ત્વ આપતા હોય છે અર્થાત્ વ્યક્તિના અનેક સદ્ગુણોને બદલે તેના ક્ષુલ્લક દોષોને વધુ પ્રકાશિત કરવા હોય. એવાના સંગને ઓળખી તેમનાથી દૂર જ રહેવું; નહિ તો નકારાત્મકતાનો પ્રભાવ આપણને પણ નેગેટિવ કરી દે તે નિશંક વાત છે.
ત્રીજું, કોઈ પણ કાર્યની શરૂઆત સકારાત્મક વિચારથી કરવી. કાર્ય પરત્વેની અણઆવડત જોઈ નકારાત્મક વિચારો ન કરવા પરંતુ ‘થશે જ. ન કેમ થાય ? કશું જ અશક્ય નથી, સફળતાની સારામાં સારી તકો છે’ એવા હકારાત્મક વિચારો કરી કાર્યને પૂર્ણ કરવાના સતત પ્રયત્નમાં રહેવું. શ્રીજીમહારાજે ગઢડા મધ્યના 33મા વચનામૃતમાં હકારાત્મક દૃષ્ટિકોણથી બધું જ થઈ શકે છે તેવી હિંમત આપતાં કહ્યું છે કે, “મનુષ્યદેહે કરીને ન થાય એવું શું છે ? જે નિત્યે અભ્યાસ રાખીને કરે તે થાય છે, જેમ કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથ્થરો હોય છે તેને વિષે નિત્યે પાણીને સિંચવું તેણે કરીને નરમ દોરડી છે તે પણ કાપા પાડે છે.” કોઈ પણ કાર્ય કરવું કઠિન નથી પરંતુ તે કાર્ય કરવા માટે હકારાત્મક વિચાર કરવા એ અઘરું પડે છે. હકારાત્મક દૃષ્ટિકોણ સાથે સતત કાર્ય કરવાથી આપણો ઉત્સાહ પણ વધી જાય છે.
ચોથું, મહારાજને કર્તા કરી આત્મવિશ્વાસ રાખવો. સૌના કર્તા એકમાત્ર મહારાજ છે અને જ્યાં મહારાજ કાર્ય કરે ત્યાં કશું જ અશક્ય ન હોય. આપણા જીવનના દરેક કાર્યમાં મહારાજના કર્તાપણાના વિશ્વાસ સાથે ‘મહારાજ મારી ભેળા જ છે, કાર્ય મહારાજને જ કરવાનું છે ને સારામાં સારું કરશે જ’ એવો અચળ વિશ્વાસ રાખવો. વળી, માત્ર બોલીને બેસી ન રહેવું; સતત હકારાત્મક વિચાર સાથે તેને સફળ કરવાના સતત પ્રયત્નમાં રહેવું... તો મહારાજ ભેગા ભળે અને આપણો આત્મવિશ્વાસ વધુ સુદૃઢ થાય અને દૃષ્ટિકોણ હકારાત્મક બનતો જાય.
પાંચમું, બીજાની દૃષ્ટિથી જોતાં શીખવું. સંકુચિત અને સ્વકેન્દ્રિત માનસથી માત્ર પોતાના કૂંડાળામાં આવતું હોય તેટલું જ જોઈ શકાય એવું ન હોવું જોઈએ. આકસ્મિક સંજોગ-પરિસ્થિતિમાં કોઈને વિષે નેગેટિવ અભિપ્રાય બંધાય તે પહેલાં તેના સ્થાને બેસી જોવું જોઈએ. દરેક પરિસ્થિતિમાં આપણે જ સાચા હોઈએ એવું પણ ન બને. ક્યાંક એમની દૃષ્ટિએ પણ સાચા જ હોય. બીજાની દૃષ્ટિએ એ પણ સાચા જ હોય. બીજાની દૃષ્ટિએ જોવાથી વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. પ્રશ્નો ઓછા સર્જાય છે. સામેવાળાને સંતોષ થાય અને વાતાવરણ આત્મીયસભર રહે. માટે સ્વાર્થી ન બનતાં અન્યની દૃષ્ટિએ જોતાં શીખવું.
છઠ્ઠું, આપણી જરૂરિયાતો – સગવડો મર્યાદિત રાખવી. દેખાદેખી ને હરિફાઈના યુગમાં માનવીને રાતોરાત પૈસાવાળા થવાની ઘેલછા રહેતી હોય છે. ‘મારા ભાઈ પાસે બે ગાડી ને મારી પાસે એક પણ નહીં ?!’, ‘મારા ભાઈનો પચાસ હજાર પગાર અને મારો પચીસ હજાર જ ?!’ પરિણામે અન્યને સમોવડિયા થવા કે તેથી આગળ વધવાના પ્રયત્ન થાય. ખરેખર જે વસ્તુ કે સગવડ વિના સરળતાથી જીવન પસાર થતું હોય તેને મેળવવાની તલપ જાગતી હોય છે અને પછી વધુ પડતી જરૂરિયાતો પૂરી ન થતાં, શક્ય ન બનતાં પોતાને અન્યથી ન્યૂન માને, લઘુતાગ્રંથિમાં જતું રહેવાય માટે આપણી જરૂરિયાતો-સગવડોને મર્યાદિત રાખવી, સંતોષી થવું તો જે પરિસ્થિતિ છે તેમાં હરાકાત્મક બનાય ને સુખી થવાય.
હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાથી તમામ ક્ષેત્રે ફાયદાકારક પરિણામ મેળવી શકાય છે. હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાથી સમૂહજીવનમાં આવતી આર્થિક, વ્યવહારિક સંકડામણમાં હળવા રહી શકાય, અરસપરસ આત્મીયતાનું સર્જન થાય, પારસ્પરિક ઊભા થતાં પ્રશ્નોના સુલેહ સરળતાથી સાધી શકાય અને સુખ-શાંતિભર્યું વાતાવરણ ઊભું કરી શકાય.
સ્વજીવન પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાથી નકારાત્મક વિચારધારામાં વ્યર્થ સમય બગડતો અટકે; આંતરિક શક્તિઓ વિકસે; રચનાત્મક, સર્જનાત્મક અનેક નવા વિચારોનો પ્રાદુર્ભાવ થાય; સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને રોગમુક્ત થવાય.
રાજકોટના એક ભાઈ પોતે ડૉક્ટર હતા, પરંતુ તેમને પોતાને જ કેન્સરનો જીવલેણ રોગ લાગુ પડ્યો હતો. જ્યારે તેમના રોગનું નિદાન થયું ત્યારે તેઓ ખૂબ ટેન્શનમાં આવી ગયા કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. દિવસ આખો એક જ મનન કર્યા કરતા, “મને કેન્સર છે; હવે હું વધારે સમય જીવીશ નહીં.” સન 1986ના એ દિવસોમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સૌપ્રથમ રાજકોટ ખાતે પધાર્યા. આ ડૉક્ટરની બાજુમાં આપણા સત્સંગી હરિભક્તને ઘેર સભા હતી. સત્સંગી હરિભક્તે તેમને દર્શન કરવા બોલાવ્યા. સભા પતી પછી તેઓ પ.પૂ. સ્વામીશ્રી પાસે આવી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. પ.પૂ. સ્વામીશ્રીએ તેમને સાંત્વના આપીને કહ્યું, “દયાળુ, આપ ગભરાશો નહિ, તમને ભગવાન પર અને અમારી પર વિશ્વાસ છે ? તો અમે એક ઉપાય બતાવીએ તે પ્રમાણે કરજો તો જરૂર મહારાજ ભેળા ભળશે જ. રોજ એક સ્વામિનારાયણ મહામંત્રની માળા કરજો અને બીજી મને નખમાંય રોગ નથી. હું તો સાજો સમો છું એવી માળા કરજો.” પ.પૂ. સ્વામીશ્રીએ બતાવેલા ઉપાય મુજબ માળા કરતાં આ ડૉક્ટરનું બ્લડ કેન્સર 3 મહિનામાં મટી ગયું. ત્યારબાદ તેઓ સાજા થઈ 1987માં વાસણા મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ લાભ લેવા આવેલા. મરણપથારીએ સૂતેલા ડૉક્ટર હકારાત્મક દૃષ્ટિકોણ કેળવીને 20 વર્ષ વધુ જીવ્યા અને 82 વર્ષે ધામમાં ગયા.
તે જ રીતે, ધંધાકીય ક્ષેત્રે વિપરતી સંજોગોમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકાય; ધંધામાં ઉત્પાદક્તા, કાર્યક્ષમતા વધે અને કર્મચારી, માલિક, ગ્રાહકો વચ્ચેના સંબંધોનો વિકાસ થાય.
આમ, સ્વજીવનની ઉન્નતિ કેળવવા માટે નકારાત્મક દૃષ્ટિકોણને તિલાંજલિ આપી હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાના પ્રયત્નમાં રહીએ અને સફળતાનાં શ્રેષ્ઠ શિખરો સર કરી શકીએ એ જ અભ્યર્થના...
જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ એ ન્યાયે જો આપણે હકારાત્મક દૃષ્ટિ કેળવીશું. તો સદાય સુખિયા સહજમાં થઈ જઈશું...
બસ આ લેખમાળાઓમાં બતાવેલા સુખ-દુ:ખના મૂળ સમાન પાસાઓને જીવનમાં દૃઢ કરી સદાય આનંદમાં... સદાય દિવ્યાનંદમાં રાચતાં રહીએ... અને સહુને રાચતાં કરીએ... એ જ આ લેખાકૃતિના વાંચનની ફલશ્રુતિ બની રહેશે...