સુખ-દુઃખનું મૂળ - ઈર્ષ્યા-૧

  June 28, 2016

જીવ-પ્રાણીમાત્રમાં અનેક પ્રકારની લાગણીઓ જોવા મળે છે. જેમાં ઈર્ષ્યા એ દરેકમાં સર્વસામાન્ય છે. પશુ-પક્ષી હોય કે પછી મનુષ્ય, દરેકમાં વત્તા-ઓછા પ્રમાણમાં ઈર્ષ્યા દેખો દેતી જ હોય છે. પશુ-પક્ષી તેને વર્તન દ્વારા વ્યક્ત કરે છે, જ્યારે મનુષ્ય વાણી અને વર્તન દ્વારા વ્યક્ત કરે છે, મનુષ્યના જીવનમાં પ્રેમ, દયા, કરુણા, સહાનુભૂતિ, સેવા, સમર્પણ જેવી અનેક અમૃત સમાન લાગણીઓની વચ્ચે ઈર્ષ્યારૂપ ઝેરનું ટીપું પણ રહેલું છે જે અદેખાઈ, દ્વેષ, અણગમો, નફરત કે નિરાશા રૂપે બહાર દેખાતું હોય છે. સાંસારિક જીવનમાં આવતાં દુઃખનું મૂળ ઘણી વાર અંદર જલતી ઈર્ષ્યાની આગ બની જતું હોય છે. ઈર્ષ્યા બહુધા તો દુઃખરૂપ જ હોય છે પરંતુ જો તેને સવળી રીતે લેવામાં આવે તો સુખરૂપ બને છે.

સામાન્ય રીતે જોઈએ તો મનુષ્યજીવનમાં શૈશવકાળથી જ આ ઈર્ષ્યા અંદર પડેલી હોય છે. ઘરમાં બે બાળકો હોય અને દાદા-દાદી જો એક બાળકને ખોળામાં બેસાડે તો તરત જ બીજું બાળક તેને ખોળામાંથી ધક્કો મારી ઉઠાડીને પોતે બેસી જાય છે. અથવા તો પોતે ન બેસે અને બીજાને પણ ન બેસવા દે – આ એક પ્રકારની ઈર્ષ્યાવૃત્તિ જ છે. ઘણી વાર બાળકોમાં કોઈ રમતમાં કે ભણવામાં આગળ નીકળી જાય તથા ઘરમાં ફ્રૂટ કે અન્ય કોઈ જમવાની, પહેરવાની કે વાપરવાની વસ્તુમાં જો સરખી વહેંચણી ન થાય તો બાળકો રડારોળ કરી મૂકે અથવા ઝઘડો કરે; આ પણ તેમનામાં રહેલી ઈર્ષ્યાનું જ પ્રતિબિંબ છે. વ્યક્તિ જેમ જેમ પુખ્ત થતી જાય તેમ તેમ તેનામાં રહેલી આ ઈર્ષ્યાવૃત્તિ પણ પુખ્ત થતી જાય છે એટલે કે દિવસે દિવસે ઈર્ષ્યા વધતી જતી હોય છે.

સામાજિક જીવનનું અનુશીલન કરતી ત્રણ પ્રકારની વ્યક્તિઓ સમાજમાં જોવા મળતી હોય છે : જેમાં એક પ્રકારની વ્યક્તિ એવી હોય છે કે બીજાને દુઃખી થતા જુએ, કોઈને કોર્ટ-કચેરીના ધક્કા ખાતા જુએ, કોઈને છેતરતા જુએ, કંઈ નુકસાન થતું જુએ, વારંવાર બીમાર પડતા જુએ તો આનંદ થાય એટલે કે અન્યના દુઃખમાં પોતે સુખી થતા હોય.

બીજા પ્રકારની વ્યક્તિ પોતાનાં સગાંસંબંધી, મિત્ર-અડોશી-પડોશીમાં કોઈ આર્થિક, સામાજિક, વ્યવહારિક કે શારીરિક મૂંઝવણ આવે કે તકલીફ ઊભી થાય તો પોતે દુઃખ અનુભવે, સાંત્વના આપે, સહાનુભૂતિ દર્શાવે, લાગણી દર્શાવે પરંતુ સાનુકૂળતા મુજબ મદદ કરે અને ક્યારેક ન પણ કરે.

જ્યારે ત્રીજા પ્રકારની વ્યક્તિ એવી હોય છે કે જે પોતાને કોઈ લેવા-દેવા ન હોય એવી ત્રાહિત વ્યક્તિ હોય કે પછી પોતાના કુટુંબીજનો કે નજીકના વર્તુળની વ્યક્તિ હોય પરંતુ દરેકના આકસ્મિક સંજોગોમાં દુઃખમાં ભાગીદાર થાય. જે રીત ભગવાનના ભક્ત તરીકે આપણી હોવી જોઈએ. જેના અનુસંધાનમાં બાપાશ્રી વાતોમાં જણાવે છે, “આપણો કોઈ દ્રોહી હોય અને એણે આપણું ગમે તેટલું ભૂંડું કર્યું હોય પણ જ્યારે એને આપણા જોગું કામ પડે ત્યારે આપણે સાચા દિલથી તેને થાય તેટલી મદદ કરવી.

ઉપરોક્ત જણાવ્યામાં પ્રથમ પ્રકારની વ્યક્તિ એ દેખીતી ઈર્ષ્યાનું પ્રતિબિંબ છે એટલે કે જે વ્યક્તિ પ્રત્યે દ્વેષભાવ હોય, દુશ્મનાવટ હોય, નફરત હોય તેનું સારું થાય તે ન ગમે. આવી ઈર્ષ્યાનું રૂપ શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૭૧મા વચનામૃતમાં દર્શાવ્યું છે કે, “પછી માતરેધાંધલે પૂછ્યું જે, ઈર્ષ્યાનું શું રૂપ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેની ઉપર જેને ઈર્ષ્યા હોય તેને રૂડું થાય ત્યારે તેથી ખમાય નહિ ને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય એ ઈર્ષ્યાનું લક્ષણ છે.” આવી વ્યક્તિ ક્યારેય કોઈનું સારું જોઈ ન શકતી હોય તો તેનું સારું તો ઇચ્છી જ કેવી રીતે શકે ?

બીજી અને ત્રીજી વ્યક્તિ કોઈનું દુઃખ જોઈ ખુશ થતી નથી; ઉપરથી મદદ કરે છે. પરંતુ જો સામેવાળી વ્યક્તિને પોતા કરતાં વધુ સુખી થતી જુએ તો તરત જ અંદર બળતરા થાય છે. કોઈ પ્રકારની દુશ્મનાવટ ન હોય, કોઈ પ્રકારનો ઝઘડો-ટંટો ન થયો હોય છતાંય તેનું સુખ ન જોઈ શકાય. એટલું જ નહિ, બે-ચાર-પાંચ જણની વચ્ચે તેનાં પેટ ભરીને વખાણ કરે, તેના કાર્યની યશગાથા ગાય, પોતે જ તેનું સન્માન કરે, સમયે નાની-મોટી મદદ કરતા હોય છતાંય અંદરથી તેના પ્રત્યે ઊંડી ઊંડી બળતરા રહ્યા કરતી હોય તો તે એક પ્રકારની છૂપી ઈર્ષ્યા જ છે. એટલે કે ભલે બહારથી સારો દેખાવ કરતા હોય છતાંય અંદર ઈર્ષ્યાનો ભારેલો અગ્નિ તો નિરંતર સળગતો જ હોય છે.

આજે આવી છૂપી ઈર્ષ્યા મોટાં મોટાં રાષ્ટ્રોમાં, રાજકારણમાં, સમાજમાં અને આધ્યાત્મિક માર્ગમાં પણ જોવા મળતી હોય છે. આવી છૂપી ઈર્ષ્યા માનવતાનો નાશ કરતી હોય છે. પરિણામે આજે માનવીની ગિરદીથી ભરેલા આ સંસારમાં માનવતાસભર માનવી શોધ્યા જડતા નથી. આપણા સ્વજીવનનું સૂક્ષ્મ અવલોકન કરીએ તો આપણા રોજબરોજના જીવનમાં આપણા બોલવામાં, જોવામાં, બેસવામાં, વર્તવામાં, ક્રિયા-પ્રક્રિયામાં ઈર્ષ્યા છતી થતી હોય છે. ભલે કદાચ આપણને ઉપરથી તેનો સ્વીકાર થાય કે ન થાય પરંતુ અંદરની ઈર્ષ્યા બહાર છતી થયા વગર ક્યારેય નથી રહેતી. જે આપણને દેખાતી નથી, પરંતુ બીજા અનુભવતા હોય છે. કારણ કે અંદર રહેલી ઈર્ષ્યા આપમેળે સામેની વ્યક્તિ પ્રત્યેનો આપણો વ્યવહાર બદલી નાખે છે અને વર્તન જ ઈર્ષ્યાની ચાડી ખાઈ જાય છે.

બહુધા ઈર્ષ્યાવૃત્તિના તારણ રૂપે તેનું લક્ષણ કહી શકાય કે,

(૧) બીજાનું સુખ જોઈને આપણે પોતે દુઃખી થઈ જઈએ.

(૨) બીજાનું દુઃખ જોઈને આપણે ખુશ થઈ જઈએ.

વ્યવહારિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય, પરંતુ ઈર્ષ્યા તો બધે જ જોવા મળતી હોય છે. જેમાં બહુધા પોતાના સમોવડિયા, સહસાથી, પિતરાઈ કે નજીકના વર્તુળમાં આવતી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ઈર્ષ્યા વધુ થતી હોય છે. જેમાં વધુ પડતી ઈર્ષ્યા પોતાના કુટુંબીજનોમાં જ આવતી હોય છે. એ ઈર્ષ્યાવૃત્તિને કારણે તેની પાછળ કાર્યવાહી પણ બદલાઈ જતી હોય છે. પછી કેમ કરી તેનું ભૂંડું થાય તેવા જ પ્રયત્નો થતા હોય છે.

કોઈ મોટેરા વડીલ કે સત્તાથી મોટા હોય અને તેવી વ્યક્તિ જો વઢે, બે શબ્દ કડવા કહે અને આપણે અંદરથી જો ખુશ થતા હોઈએ અથવા તો તેમને આપણા કરતાં વધારે બે શબ્દો સાંભળવા પડે તો સારું - આવું જો રહેતું હોય તો તે પણ ઈર્ષ્યા જ છે. જો કોઈ આપણાથી આગળ વધી જાય કે તેની દ્રવ્ય-સંપત્તિ વધી જાય તો તેના પ્રત્યે ઈર્ષ્યાવૃત્તિ જન્મતી હોય છે, સારા સંબંધો બગડી જતા હોય છે.

બે ભાઈઓ હતા. જેમાં નાનો ભાઈ મોટા ભાઈ કરતાં વધારે પૈસાદાર થઈ ગયો. નાનો ભાઈ પોતા કરતાં આગળ નીકળી ગયો તે મોટા ભાઈથી ખમાયું નહીં. અંદર જલન થવા માંડી કે, ‘અરર... હું મોટો અને એ નાનો છે તોય મારા કરતાં આગળ નીકળી ગયો ? બીજા કોઈ હોય તો ઠીક પણ મારો ભાઈ મારા કરતાં આગળ ન નીકળવો જોઈએ.’ અંદર ઈર્ષ્યાનો જ્વાળાગ્નિ ભભૂકી ઊઠ્યો. પોતાની પાસે જે દ્રવ્ય-સંપત્તિ હતાં તેમાં સુખી હોવા છતાં નાના ભાઈની દ્રવ્ય-સંપત્તિ જોઈ દુ-ખી થઈ ગયો. બસ, હવે અંદર એક જ વિચાર રમ્યા કરતો હતો કે, કેમ કરું તો મારો ભાઈ પાછળ પડી જાય. તેથી તેમણે વિચાર કર્યો કે, “હું તપ કરી ભગવાનને પ્રસન્ન કરી અઢળક ધન-સંપત્તિ માંગી લઉં અને તેનાથી આગળ નીકળી જઉં.”

મોટા ભાઈએ એક પગે ઊભા રહી કઠોર તપશ્ચર્યા ચાલુ કરી. થોડા સમયમાં ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું, “હે ભક્ત ! હું તારા તપથી પ્રસન્ન થયો છું માટે માંગ, તું માંગે તે આપું,” વિચાર કરે છે કે, “એટલું માંગી લઉં કે મારો ભાઈ ક્યારેય મારી જોડે પહોંચે જ નહીં.” તેથી અંતર્યામી ભગવાને તે માંગે તે પહેલાં કહ્યું, “ભક્ત, તું જે માંગે તે આપીશ. પરંતુ શરત કે તું જે માંગે તે કરતાં તારા ભાઈને ડબલ મળશે.”

ભગવાનના આટલા શબ્દો સાંભળતાં જ ભક્તના પેટમાં ઊનું તેલ રેડાયું. ભગવાનને કહેવા માંડ્યું કે, “અરે ભગવાન ! એક પગે ઊભા રહીને આકરું તપ કર્યું મેં, ભૂખ્યો ને તરસ્યો ઊભો રહ્યો હું, અને મારા કરતાં મારા ભાઈને ડબલ ? આ કેવો ન્યાય ?” ભગવાને કહ્યું, “તને મંજૂર હોય તો ભલે, નહિ તો અમે જઈએ.” ત્યારે જેના રોમ રોમમાં પોતાના ભાઈ માટે ઈર્ષ્યા સળગી ઊઠી હતી એવા મોટા ભાઈએ ભગવાનને કહ્યું, “હે ભગવાન ! મારી એક આંખ ફૂટી જાય, મારા ભાઈની બે ફૂટશે ને ! મારો એક દીકરો ભલે મરી જાય, મારા ભાઈના બે દીકરા મરશે ને ! મારું એક ઘર ભલે બળી જાય, મારા ભાઈના બે બળશે ને !” કેટલી પરાકાષ્ઠાની ઈર્ષ્યા !!!

ઈર્ષ્યાવૃત્તિને કારણે આકરા તપના બદલામાં શું માંગ્યું ? પોતાનું અને બીજાનું નુકસાન જ. પણ એટલો વિચાર કર્યો હોય કે, “ભગવાન મને એક ગાડી-બંગલો-ફૅક્ટરી આપે. ભલે ભાઈને બે મળે...છેવટે તો એ મારો ભાઈ જ છે ને !” તો બેયને ફાયદો થાય, પણ ઈર્ષ્યાના કારણે પોતાના સુખના ભોગે પણ અન્યના દુઃખને વોરવા તત્પર હોય છે. આવી જ ઈર્ષ્યા કોઈ ભાગીદાર કે ધંધા-વ્યવસાયમાં સાથે કાર્ય કરનાર વ્યક્તિ પોતાનાથી આગળ નીકળી જાય ત્યારે થતી હોય છે. ‘If I cannot have it, no one can have it.’ ‘મને ના મળ્યું તો કોઈને પણ ન મળવું જોઈએ.’ આવી ઈર્ષ્યાવૃત્તિ રહેતી હોય છે જે હંમેશા દુઃખને જ નોતરે છે.

કેટલીક વાર કોઈના ઘરમાં કંઈ સારું બને, સારું સ્થાન કે સત્તા મળે તોપણ ઈર્ષ્યા ઉદ્ભવતી હોય છે. પાડોશીની દીકરીનું વેવિશાળ કોઈ પૈસાદાર ઘરના દીકરા સાથે નક્કી થાય તો તરત જ અંદર બળતરા ચાલુ થઈ જાય, ‘મારી દીકરી કરતાં એને આવું સારું મળ્યું ? ન જ થવું જોઈએ.’ તરત જ ગમે ત્યાંથી દીકરાના પક્ષવાળાનો નંબર શોધી રિંગ કરે અને કહે, “ભાઈ, અમને સમાચાર મળ્યા છે કે આપના દીકરાનું વેવિશાળ ફલાણાની દીકરી જોડે કરવાનું નક્કી કર્યું છે. પરંતુ જોજો જરા જોઈ-વિચારીને કરજો. અમે પાડોશમાં રહીએ છીએ એટલે બધું જોઈએ ને જાણીએ છીએ. આ તો તમારા ભલા માટે બે શબ્દો કીધા. પછી જેમ તમારી મરજી.” આટલું કહી ફોન મૂકી દે. પછી દીકરાવાળાનો ફોન આવે કે, ‘અમારે નથી કરવું’ ત્યારે જંપ વળે; શાંતિ થાય. આ એક ઈર્ષ્યા જ છે કે જે કોઈનું સુખ ન જોઈ શકે કે કોઈને સુખી થવા ન દે.

સત્સંગમાં પણ જો કોઈને સંચાલકે કે નિરીક્ષક કે કાર્યકર તરીકેની સેવા મળે અથવા અન્ય કોઈ જવાબદારીવાળી સેવા જો કોઈ વ્યક્તિને સોંપાઈ હોય અને જો તેના પ્રત્યે ઈર્ષ્યા હોય તો જાણ થતાંની સાથે જ તેની કાર્યવાહી ચાલુ થઈ જાય. પૂ. સંતો કે જે-તે જવાબદાર વ્યક્તિને મળી કાનભંભેરણી ચાલુ થઈ જાય કે, “તમે આ સેવા આપી બહુ સારું કર્યું પરંતુ મને આવો એક અનુભવ થયેલો. આ તો ખાલી આપને જાણ કરી, સંસ્થાનું, મંદિરનું હિત થાય એટલે કીધું. કદાચ આ સેવા સેવકને આપશો તો સેવક પણ તૈયાર જ છે. તો તમારે ચિંતા ન રહે; છતાંય જેમ આપને ઠીક લાગે તેમ કરજો. આ તો માત્ર સૂચન છે.” આ પણ એક ગર્ભિત ઈર્ષ્યા જ છે કે જે કોઈની મોટપને-સ્થાનને જોઈ ન શકે.

સામાન્ય રીતે નાનાની કે નબળાની કોઈ ઈર્ષ્યા કરતું નથી. મોટાની મોટાઈને આંબી ન શકવાથી ઈર્ષ્યા થતી હોય છે. પરંતુ ત્યાં પોતાનો વેંત ન હોય એટલે શું કરે ? પછી જેની ઉપર ઈર્ષ્યા આવતી હોય તેના અવગુણ ગાય, તેનું ખરાબ દેખાડવાના પ્રયત્ન થાય, તેની ભૂલ શોધાય ને ગવાય. એમાંય જો આવી વ્યક્તિની કોઈ પ્રશંસા કરે કે ગુણ ગાય તો તો જીવતાં છતાં ઈર્ષ્યાગ્નિથી બળી મરે. પછી જેના ગુણ ગવાયા તેના પ્રત્યે દ્વેષભાવ જન્મે. તેનો ગમે તેમ કરી ખાત્મો બોલાવવાના પ્રયત્ન થાય. તેના ગુણ અવગુણ કરીને ગવાય.

નવ યોગેશ્વરો ગામોગામ ફરતા અને ગામના ચોરે બેસી સત્સંગ કરતા. એક ગામમાં નવ યોગેશ્વરોમાંથી પ્રબુદ્ધ નામના યોગેશ્વરે ખૂબ સરસ કથા કરી. ગામલોકો બધા વાહવાહ કરવા માંડ્યા. ખૂબ પ્રશંસા કરી સન્માન કર્યું. પ્રબુદ્ધની થતી પ્રશંસા અને સન્માનથી બીજા આઠ યોગેશ્વરોને બળતરા થવા માંડી. રાત પડી અને ઉતારે ગયા. રાત્રે આઠે યોગેશ્વરો પ્રબુદ્ધ ઉપર ચડી બેઠા કે, ‘તેં સારી કથા કરી જ કેમ ? હવે અમારી કોઈ ગણતરી નહિ રહે.’ અને આમ કહી આઠે જણાએ ભેગા થઈ ખેલ પૂરો કરી દીધો.

આમ, ઈર્ષ્યાવૃત્તિથી અન્યને હાનિ પહોંચે છે. આ ઈર્ષ્યાગ્નિ પોતાને તો બાળે છે પરંતુ સામેનાના જીવતરને પણ બાળી મૂકે છે. હવે આ ઈર્ષ્યા આપણા જીવનમાં છે કે કેમ અને છે તો તેને ઓળખવાના લક્ષણો કયા તે જોઈએ. આવતા અંકે...