સુખ-દુઃખનું મૂળ - ઈર્ષ્યા-૨
July 5, 2016
સામાન્યતઃ માનવી પોતાના વર્તન ઈર્ષ્યા પ્રદર્શિત કરી દેતો હોય છે કે ક્રિયા દ્વારા જેના લક્ષણ સ્વયં શ્રીજીમહારાજે જણાવ્યા છે.
આવા ઈર્ષ્યાળુની અદેખાઈની વાત કરતાં ‘શ્રીહરિલીલામૃતમ : કળશ-૭, વિશ્રામ-૨૬’માં કહ્યું છે કે,
“પરોપકારી જન જેહ હોય, તે સર્વને દે સુખદાન તોય;
જ્યારે અદેખો જશ સાંભળે છે, બહુ જ તેના દિલમાં બળે છે,
પર્જન્ય (વરસાદ) તો પોષણકારી છેય, તે સર્વને જીવનદાન દેય;
સૌ વૃક્ષવેલી પ્રફુલ્લિત થાય, જોઈ જવાસા બળીને સુકાય,
જો સૂર્ય ઊગે સુખ સર્વ પામે, પ્રસન્ન દીસે સહુ ઠામ ઠામે;
ઉલૂક (ઘુવડ) જેવા ઈરષા જ ધારે, જાણે થશે આ રવિ અસ્ત ક્યારે,
હંસો સ્વભાવે સુખથી ફરે છે, બહુ અદેખાઈ બગો કરે છે;
ભલે રહ્યા તે મનમાં મૂંઝાઈ, ન હંસને કાંઈ કરી શકાય ?
વિદ્ધાનને માન જહાં મળે છે, અદેખાઈ કરી બળે છે,
વિદ્ધાન તેનું ન કશું બગાડે, તથાપિ તે દુઃખ દિલ લગાડે.”
આવી અનર્થકારી ઈર્ષ્યા હંમેશાં દુઃખરૂપ જ હોય છે. ઈર્ષ્યાથી સાંસારિક તેમજ આધ્યાત્મિક માર્ગમાં આપણા સ્વજીવનમાં બહુ મોટું નુકસાન થતું હોય છે. ઈર્ષ્યાળુ બીજાને દુઃખી કરે છે તેના કરતાં પોતાને વધારે નુકસાન કરે છે. ‘The jealous are more foment to themselves than troublesome to others.’ અર્થાત્ ‘ઈર્ષ્યાળુ બીજા માટે દુઃખદાયક છે તેના કરતાં પણ વધુ પોતા માટે પીડાકારક છે.’
કારણ કે ઈર્ષ્યાથી વ્યક્તિ બીજાનું તો માત્ર ખરાબ જ કરે છે જ્યારે પોતાની જાતને સળગાવી દે છે. ઈર્ષ્યાથી જ શારીરિક અને માનસિક રોગના ભોગ બનાય છે. ઈર્ષ્યાને કારણે માનસિક તાણ ઘણી અનુભવાય છે. માનસિક થાક અને ત્રાસ લાગે છે જેના પરિણામે હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, એસિડિટી-ગૅસ, અપચો, સાંધાના દુઃખાવા જેવા અનેક શારીરિક રોગો અને બેધ્યાનપણું, વિચારવાયુ, ડિપ્રેશન જેવા માનસિક રોગો પણ થતા હોય છે.
એક ભાઈને ઢીંચણમાં સાંધાનો સખત દુઃખાવો થઈ ગયો. X-ray, MRI કરાવ્યું. ઘણી દવાઓ કરાવી છતાં કોઈ દવા જ લાગુ ન પડે. છેવટે ડૉક્ટરે પૂછ્યું, “તમને કોઈ માનસિક તાણ છે ? કોઈના પ્રત્યે ઈર્ષ્યા-દ્વેષભાવ છે ?” ત્યારે તેમણે કેહ્યું, “હા, મારા મોટા ભાઈની મને ઘણી ઈર્ષ્યા આવે છે. તેમને જોઉં તોય બળી મરું છું !” ડૉક્ટરે તરત જ કહ્યું, “હવે તમારા રોગની દવા જ આ છે- ઈર્ષ્યા છોડી દો. અને તમારા ભાઈ સાથે હળીમળીને રહેવા માંડો.” રોગ મટાડવા માટે પણ તેમણે ઈર્ષ્યા છોડી દીધી. જેવી ઈર્ષ્યા મૂકી એની સાથે તેમનો રોગ પણ ગયો. વગર દવાએ સારું થઈ ગયું. ઈર્ષ્યાની આંતરિક અને બાહ્ય બંને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે.
અન્ય વ્યક્તિ પ્રત્યે ઈર્ષ્યાને કારણે અંતરમાં ઉદ્વેગ, અશાંતિ અને અજંપા જેવું વર્ત્યા કરે છે. એ.સી. રૂમમાં બેઠા હોવા છતાં અંદર લાય-બળતરા થયા જ કરતી હોય છે. એટલું જ નહિ, ત્રાહિત (બીજી કોઈ) બે વ્યક્તિ વચ્ચે પણ સારા સંબંધો જુએ અથવા વસ્તુ કે વ્યવહારની લેવડ-દેવડ થતી જુએ તોપણ અંદર બળતરા થતી હોય છે જેને મત્સર કહેવાય. આવા મત્સરવાળાની સ્થિતિ દર્શાવતાં કારિયાણીના ૬ઠ્ઠા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, “કોઈ લે ને કોઈ દે તો પણ મત્સરવાળો હોય તે ઠાલો ઠાલો વચમાં બળી મરે.” આવા મત્સરવાળાને અંતરમાં ઉદ્વેગ અને અશાંતિનું ઘોડાપૂર ચાલુ ને ચાલુ જ રહેતું હોય છે. પછી જેના વિષે ઈર્ષ્યા હોય તેના વિષે નકારાત્મક વિચારો આવવા માંડે. નક્કી એમણે કંઈક બે નંબરનું કર્યું હશે, ગોલમાલ કરી હશે. તેમના વિષે પક્ષપાત થવા માંડે. પછી આ બધાને કારણે આત્મીયતાનું ખંડન થાય અને સમગ્ર જીવનમાં અશાંતિ ઘેરો ઘાલે છે. છેવટે દુઃખી દુઃખી કરી દે છે.
એક વખત એક રમતવીરે ઑલિમ્પિકમાં પોતાના દેશનું નામ રોશન કર્યું. દેશવીરોએ તેને ખૂબ માન-સન્માન આપ્યું. તેનું બહુમાન કરવા માટે તેનું એક સ્ટેચ્યૂં બનાવી ઊંચા સ્થાને મૂકવામાં આવ્યું. તેના એક હરીફ મિત્રને તેની અદેખાઈ આવવા માંડી. તેનામાં રહેલી ઈર્ષ્યાની અગનજાળ ભડકવા માંડી. પોતાની હાજરીમાં અન્ય મિત્રો તેની પ્રશંસા કરી રહ્યા હતા તે ખમાયું નહીં. તેથી તેણે રોજ રાત્રે અંધારામાં જઈ પેલા સ્ટેચ્યૂને મૂળમાંથી તોડી નાખવાનો પ્રયત્ન ચાલુ કર્યો. એક રાત્રે તે સ્ટેચ્યૂને ખોદવા પ્રયત્ન કરતો હતો ત્યાં અચાનક લોખંડનું તોતિંગ સ્ટેચ્યૂં મૂળમાંથી ઊખડી તેના ઉપર પડ્યું અને ત્યાં ને ત્યાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. આવી અનર્થકારી ઈર્ષ્યાનો શો ફાયદો થયો ? પોતે મૂળમાંથી ગયો. તેથી આવા ઈર્ષ્યાળુનું લક્ષણ દર્શાવતાં શ્રીજીમહારાજે સારંગપુરના ૮મા વચનામૃતમાં કહ્યું છે કે, “પોતાથી જે મોટો હોય તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહિ એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવો જે આના હૈયામાં ઈર્ષ્યા છે અને યથાર્થ ઈર્ષ્યાવાળો હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે જ નહીં.”
એટલું જ નહિ, આપણે કોઈ કાર્ય કે સેવામાં પાવરધા હોઈએ, સર્વાંગસંપૂર્ણ છીએ એવું માનતા હોઈએ અને એ સેવા બીજાને અપાય તો કદાચ ત્યાં ઉપરથી બોલાય નહીં. પરંતુ ઈર્ષ્યાને કારણે અંદર બળતરા થાય અથવા ઉદ્વેગ-અશાંતિ વર્તવા માંડે અને દુઃખી દુઃખી થઈ જવાય. પછી એ સેવા કે કાર્ય પોતાના હસ્તક લઈ લેવા કે એ વ્યક્તિને પાછા પાડવા માટેના પ્રયત્ન થાય, યુક્તિ-પ્રયુક્તિ, દંભ-કપટ થાય. અહંકાર અને મિથ્યા દેહાભિમાન વધે અને કોઈનો અવગુણ-અપરાધ પણ થઈ જાય. કારણ કે ઈર્ષ્યા જ વાંકદેખી છે તે બીજાના અવગુણ જ શોધે છે. પરિણામે અનેક દુર્ગુણો આપણામાં પ્રવેશે અને જે કાંઈ રાજી કરવાના સદ્ગુણો હોય તે પણ સાફ થઈ જાય છે.
ઈર્ષ્યાવૃત્તિ મહારાજ અને મોટાપુરુષનો જે કાંઈ રાજીપો કમાયા હોય તેના કરતાં પણ વધુ કુરાજીપો અપાવતી હોય છે. શ્રીજીમહારાજે વચનામૃતમાં ઠેર ઠેર ઈર્ષ્યા ઉપર નારાજગી બતાવતાં પોતાના અભિપ્રાય દર્શાવ્યા છે;
“ક્રોધી, ઈર્ષ્યાવોળો, કપટી ને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તોય પણ તે સાથે અમારે બને નહીં.”
- ગઢડા પ્રથમનું ૭૬મું વચનામૃત
“જેમાં ક્રોધ, માન, ઈર્ષ્યા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જાતા દેખાય છે, માટે એ ત્રણ ઉપર બહુ ખેદ રહે છે.”
- લોયાનું ૧૪મું વચનામૃત
“શ્રધ્ધાએ કરીને ભક્તિ કરતા હોય ને બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે તેની ઉપર ઈર્ષ્યા કરે તો તે અમને ન ગમે માટે શ્રધ્ધાએ સહિત ને ઈર્ષ્યાએ રહિત જ ભક્તિ કરે તે અમને અતિશે ગમે છે.”
- મધ્યનું ૫૨મું વચનામૃત
“માટે એ માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ત્રણ ઉપર અમારે અતિશે અભાવ રહે છે, ને અમારાં જે જે વચન લખેલાં હશે તેમાં પણ એમ જ હશે તે વિચારીને જુઓ તો જણાઈ આવશે.”
- છેલ્લાનું ૨૭મું વચનામૃત
“ભગવાનના (અમારા) ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ચારે કરીને થાય છે.”
- ગઢડા મધ્યનું 40મું વચનામૃત
ઈર્ષ્યા અદ્રશ્ય છે; દેખાતી નથી પરંતુ તે મોટો દોષ છે જે સાંસારિક જીવનમાં પળે પળે દુઃખી કરે છે. આનંદમય સુખી જીવન જીવવા દેતી નથી અને આધ્યાત્મિક માર્ગમાં પણ દુઃખી કરે છે. ઈર્ષ્યામાંથી જ અનેક અનર્થો સર્જાય છે માટે તેને ગમે તે રીતે ટાળવાના ઉપાય કરી તેનાથી રહિત થઈએ તો જ સુખી થવાય.
ઈર્ષ્યાથી રહિત થવા માટે સાંખ્ય વિચાર કરવો. આબરૂ, માન, મોભો, સત્તા, સંપત્તિ અને સ્ત્રી-પુત્ર-પરિવાર માટે જ બહુધા ઈર્ષ્યા રહેતી હોય છે. પરંતુ આ બધુ જ નાશવંત છે. કશું કાયમી નથી કે એમાંથી કંઈ પણ આપણી સાથે આવવાનું નથી તો તેને ખાતર શા માટે નાહકની ઈર્ષ્યા કરવી ? માન, મોટપ, યશ, કીર્તિ પણ દેહનાં છે અને દેહ તો નાશવંત છે તો તેના માટે ઠાલા પ્રયત્ન શા માટે કરવાના ? જે અસત્ય છે, અસાર છે તેના માટે ઈર્ષ્યા કરવાથી શો ફાયદો ? આવા સાંખ્યના વિચારથી ઈર્ષ્યાવૃત્તિને ટાળી શકાય.
મહારાજના કર્તાપણાનો વિચાર કરવો. અનંતકોટિ બ્રહ્માંડમાં કર્તાપણું એકમાત્ર શ્રીજીમહારાજનું જ છે. તો જે કાંઈ થયું છે, થાય છે કે થશે તેમાં પણ મહારાજનું જ કર્તાપણું છે. ભલે નિમિત્ત ગમે તેને કરે. તો મહારાજની ઈર્ષ્યા કેવી ? બાપ જો કોઈ દિવસ દીકરાનું અહિત ન કરે તો શું મહારાજ આપણું અહિત કરે ખરા ? ના. એ જે કાંઈ કરે છે કે અન્ય પાસે કરાવે છે તે આપણા સારા માટે જ છે એવું મહારાજનું કર્તાપણું રાખીએ તો કોઈને વિષે ઈર્ષ્યા થાય જ નહીં.
આજના દેખાદેખી અને હરીફાઈના યુગમાં એક સહજ સ્વભાવ થઈ ગયો છે કે બીજાની કોઈ પણ વસ્તુ જુએ, આવડત-બુદ્ધિને જુએ કે તરત જ તેની સાથે પોતાની સરખામણી કર્યા કરે. એની પાસે છે ને મારી પાસે નથી; એ કરી શકે તો હું કેમ ન કરી શકું ? – એવી સરખામણી કર્યા કરે. પછી જો તે ન મેળવી શકે તો તેના પ્રત્યે ઈર્ષ્યા જન્મે. એના કરતાં આવી સરખામણી ન કરીએ તો શું વાંધો ? જે છે, જેવું છે તેમાં સંતોષ માની તેનો સહર્ષ સ્વીકાર કરવો. અન્ય પાસે જે છે તે બધું જ આપણી પાસે હોય એવું ન પણ બને માટે કોઈની સાથે સરખામણી ન કરવી.
જગતમાં મોટા થવાના, માન-સન્માન મેળવવાના અભરખા જેટલા વધુ હોય એટલી અન્યને વિષે ઈર્ષ્યા વધુ થતી હોય છે. કારણ કે આપણી ઇચ્છાઓ-અભરખા ન સંતોષાય તો જેને માન-સન્માન મળતું હોય તેના પ્રત્યે વધુ ઈર્ષ્યા જન્મે છે. માટે મોટા થવાના, માન-સન્માન મેળવવાના, સત્તાધારી થવાના અભરખા ન રાખવા.
આપણામાં રહેલી ઈર્ષ્યાનો સદંતર ત્યાગ થાય તો જ માનવતા પ્રગટે છે. ત્યારે જ આપણાં નકારાત્મક વલણો ઓગળી જાય છે અને પરિવારમાં-સમાજમાં-સત્સંગમાં દિવ્ય આત્મીયતાનું સર્જન થાય છે. વળી, ત્યારે જ સદાય આનંદમાં રહેવાય છે. અનેકાનેક ફાયદા જ થાય છે, તો પછી કોઈની ઈર્ષ્યા શા માટે ? જેમ ખીલેલા ફૂલને જોઈને આપણે પ્રસન્ન બનીએ છીએ તેમ બીજાનાં સુખ, ગુણ, આવડત જોઈ આપણે પણ પ્રસન્ન રહેવું, ખુશ થવું... તો તે ગુણો આપણામાં આવે અને આનંદમાં રહેવાય.
ઈર્ષ્યા જો કરવી હોય તો સકારાત્મક એટલે કે સારી ઈર્ષ્યા કરવી. કેવી ઈર્ષ્યા કરવી અને કેવી ન કરવી તેનો વિવેક દર્શાવતાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૪થા વચનામૃતમાં કહ્યું છે કે, “ઈર્ષ્યા કરવી તો એવી કરવી જે જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા ને પોતાના અવગુણને ત્યાગ કરવા; ને તેવું ન થવાય ને જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તને સર્વે પ્રકારે ત્યાગ કરવો.”
અન્ય કોઈના ગુણ જોઈને સવળી ઈર્ષ્યા કરવી કે જો તે મહારાજને રાજી કરવાના આવા ગુણ કેળવી શકે તો મારી ભેળા પણ મહારાજ છે; હું કેમ રાજી ન કરી શકું ? મારે પણ એમના જેવા રાજીપાના ગુણ શીખવા જ છે. આધ્યાત્મિક માર્ગમાં એવી સવળી ઈર્ષ્યા કરીએ તો આપણે ગુણસભર થઈ શકીએ. ભણવામાં પણ કોઈ હોશિયાર વિધાર્થીને જોઈ અદેખાઈ કરવાને બદલે એ કેવી રીતે આગળ વધ્યા તે શીખી તેમના જેવા હોશિયાર બનવાનો પ્રયત્ન કરવો. કોઈ વ્યક્તિને કોઈ કાર્ય કે સેવા કુનેહપૂર્વક કરતા જોઈએ તો તેમની પાસેથી અથવા તેમાંથી દ્રષ્ટિ મેળવી આપણે પણ એવું કરવું જ છે; ન કેમ થાય એવી ઈર્ષ્યા કરવી !
કોઈને દૈહિક કે આર્થિક સેવા કરતા જોઈને સવળી ઈર્ષ્યા કરવી કે એ કરી શકે તો હું કેમ ન કરી શકું ? સદ્. રાઘવાનંદ સ્વામી દિવસે અન્ય સંતોને નદીએથી પથ્થર લાવવાની સેવા કરતા જુએ તો તેમને ઈર્ષ્યા થતી કે આ બધા સંતો આટલી સેવા કરે તો મારે તેમના કરતાં પણ વધુ સેવા કરવી છે. તેથી તેઓ રાત્રે ઊઠી ઊઠીને નદીએ જઈ પથ્થર લાવવાની સેવા કરે.
કોઈને ધ્યાન-ભજન-કીર્તન કરતાં જોઈ ‘હું તેમના કરતાં પણ વધારે કરી મહારાજને રાજી કરી લઉં’ એવી ઈર્ષ્યા કરવી. કોઈ પરિવારમાં આત્મીયતાસભર વાતાવરણ જોઈ ઈર્ષ્યા કરવી કે આપણા પરિવારમાં પણ કેમ આવી આત્મીયતા ન થાય ? કોઈનામાં માનવતાના ગુણો જોઈને ઈર્ષ્યા કરવી કે આપણે પણ કેમ એવી આદર્શ માનવતા ન દાખવી શકીએ ? આવી સવળી ઈર્ષ્યા સુખરૂપ નીવડે છે અને આપણું જીવનપરિવર્તન કરી દે છે.
કોઈના ગુણ, સ્વભાવ, આવડત-બુધ્ધિ જોઈ તેમની ઈર્ષ્યા આવતી હોય તો તેમના દાસ થઈ તેમની જોડે જ એવા ગુણો શીખવાનો પ્રયત્ન કરવો તો ઈર્ષ્યા ટળી જાય અને ગુણસભર થઈ જવાય.
આપણા જીવનમાંથી ઈર્ષ્યાના અદ્રશ્ય અગ્નિને તિલાંજલિ આપી આપણા જીવનમાં આવી પડેલાં અને આવનાર દુઃખોને તથા મુશ્કેલીઓને નિવારવા દ્રઢસંકલ્પી બનીએ એ જ અભ્યર્થના.
ઈર્ષ્યા ઉદ્ભવવાનું મૂળ કારણ માન છે. તો માન ક્યાં ક્યાં આવે છે. અને તેનાં કારણે પોતાને અને સામેની વ્યક્તિને કેવું સહન કરવું પડે છે. અને કેવા દુ:ખો ઊભા થાય છે. તે નિહાળીએ આવતા લેખમાં...