સુખ-દુઃખનું મૂળ - માન-અપમાન-૧

  July 12, 2016

જીવ-પ્રાણીમાત્ર હવા, પાણી અને ખોરાકના આધારે જ જીવે છે. આ સર્વસામાન્ય વાત છે. પરંતુ શું ખરેખર આના જ આધારે જીવે છે ? ના. જીવ-પ્રાણીમાત્ર મહદંશે પોતાનામાં રહેલા માનના આધારે, પોતાના હુંકારમાં, પોતાનું આગવું અસ્તિત્વ લઈને જ જીવે છે. જેમ માછલી જળના આધારે જીવે છે તેમ મનુષ્ય માનના આધારે જ જીવતો હોય એવું જણાય છે. દરેક વ્યક્તિને પેટની ભૂખ કરતાં માનની ભૂખ વધુ હોય છે. કદાચ મનુષ્યને બે-પાંચ દિવસ ખોરાક-પાણી વગર ચાલે પરંતુ એક દિવસ કોઈના તરફથી માન ન મળે તો નથી ચાલતું. એને માન ન મળે ત્યારે તે કરમાઈ જાય છે.

   વળી, કોઈને એવું પૂછવામાં આવે કે સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ વાનગી કઈ ? તો, દરેક માટે અલગ અલગ વાનગી હોઈ શકે. કોઈ કહેશે શિખંડ, કોઈ કહેશે કેરીનો રસ, ગુલાબજાંબુ... પરંતુ, દુનિયાની સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ વાનગી હોય તો એ છે માન. માનમાંથી મનુષ્યને જેવો સ્વાદ આવે છે તેવો બીજા કશામાંથી આવતો નથી. જે વાતને પુષ્ટ કરતાં શ્રીજીમહારાજ ગઢડા મધ્યના ૪૧મા વચનામૃતમાં જણાવે છે :

 “જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઇ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહિયાળું થાય, તેને ચાટીને રાજી થાય છે, પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું, તેમ ભગવાનનો ભક્ત હોય તોપણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી અને જે જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્ન્તાને અર્થે કરતો નથી અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે, ત્યારે કરે છે પણ કેવળ ભગવાનની પ્રસન્ન્તાને અર્થે નથી કરતો અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્ન્તાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાંજી જેવા કોઈક જ કરતા હશે પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી... જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશે મોટો જાણવો.”

માન મેળવવાની અપેક્ષા મનુષ્યમાત્રને આંતરતંત્રમાં સૂક્ષ્મ રીતે રહેલી હોય છે. આ અપેક્ષા સંતોષાય તો માંહી આનંદની લાગણી અનુભવાય છે. પરંતુ જયારે અન્ય વ્યક્તિ દ્વારા પોતાના માનનું ખંડન થાય ત્યારે દુ:ખી દુ:ખી થઈ જવાય છે.

 આમ, સુખ અને દુ:ખ બંનેનો ઉદભવ આપણી અંદર રહેલા માનમાંથી જ થાય છે. આપણને પ્રશ્ન જરૂર થાય કે સુખ અને દુ:ખ બંનેનો એક જ મૂળ સ્રોત ? હા, જ્યાં માનની પુષ્ટિ થાય ત્યાં સુખની અનુભૂતિ થાય છે અને જ્યાં માનની પુષ્ટિ ન થાય કહેતાં માનનું ખંડન થાય ત્યાં દુ:ખની અનુભૂતિ થાય છે જેને બીજા શબ્દોમાં આપણે ‘અપમાન’ કહીએ છીએ. આ વાતની સ્પષ્ટતા કરતાં પ.પૂ. સ્વામીશ્રી ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકામાં જણાવે છે કે, “કોઈનાય બે શબ્દ સાંભળીને અંદર જે ચહલપહલ થઈ જાય, માંહી ગળ્યું કે કડવું જે અનુભવાય; હર્ષ કે શોક, દુ:ખ કે આનંદની લાગણી અનુભવાય, હૈયું ઠરે કે બળે આવી કોઈ વિકૃતિ, આવા કોઈ આંતરિક ફેરફાર થાય તેનું નામ દેહાભિમાન.”

 માન અને અપમાન મનુષ્યજીવનના એક સિકકાની બે બાજુ છે. દરેક વ્યક્તિને પોતાનું આગવું સ્ટેટસ હોય છે. પરંતુ દરેક સમયે તેને માન મળે જ એવું પણ નથી અને કેવળ અપમાનનો જ ભોગી બનશે એવું પણ નથી. જેમ અંધકારમય રાત્રિ પછી સોનેરી સવાર ઊગે છે તેમ ક્યારેક અપમાન તો ક્યારેક માન પણ દરેક વ્યક્તિ પ્રાપ્ત કરે છે.

સામાન્ય રીતે, માન એટલે ‘હું કંઈક છું’ એનો ખ્યાલ. પોતાના અસ્તિત્વનો ખ્યાલ એટલે જ માન. બીજા અર્થમાં પોતાના કર્તૃત્વનું ભાન, કર્તાપણાનો ખ્યાલ એટલે જ માન.

વ્યક્તિના ગુણ માટે તથા કાર્ય માટે બે વખાણ કરવામાં આવે ત્યારે માંહી કઈક ગળ્યું અનુભવાય અર્થાત્ આપણને જે ગમે છે તે પણ માન જ છે. માત્ર મનુષ્યમાં જ નહિ, સામાન્ય તુચ્છ પ્રાણીમાં પણ માનની માત્રા મહદંશે જોવા મળતી હોય છે. બળદ જ્યારે રિસાઈને ઊભો રહે ત્યારે ખેડૂત તેને ‘હો બાપો’ કરીને થાબડે ત્યારે તે ચાલવા માંડે છે. વળી, કૂતરાને ‘હું હું’ કહીએ તો તે આપણાથી દૂર ભાગે છે અને જો તેને ‘તું તું તું’ કહીને બોલાવીએ તો તે નજીક આવે છે. આમ, સામાન્ય પ્રાણીને પણ પોતાના હુંકારનું માન હોય છે. પોતાપણાનો ખ્યાલ હોય છે, તે પણ પોતાને કંઈક અધિક સમજે છે.

અબાલવૃદ્ધ અર્થાત્ નાના બાળકથી માંડી વૃદ્ધ-વડીલમાં પણ વત્તા-ઓછા પ્રમાણમાં માન રહેલું છે. જેમ કોઈ નાનું બાળક પોતાની મા પાસે પોતાની ઇચ્છિત વસ્તુની માંગણી કરે અને માતા તે આપવાનો ઇન્કાર કરે ત્યારે બાળક રિસાઈ જાય છે. માતા તેને મનાવવાના ઘણા પ્રયત્ન કરે છે છતાં બાળક રિસાઈને સૂઈ જાય અથવા જમવાનું છોડી દે છે. બાળકનું આ વર્તન તેનામાં રહેલા છૂપા માનનું દર્શન કરાવે છે. નાનું બાળક અણસમજુ છે છતાં તેનામાં માન રહેતું હોય તો વયે કરીને મોટા હોય તેને પોતાના કર્તૃત્વનો ખ્યાલ વિશેષ વર્તતો હોય તો તેનામાં માન કેટલું રહે !

અપમાન એટલે પોતે જે કઈ માની લીધું છે કે ‘હું આ છું’ તેની યોગ્ય મુલવણી ન થાય અથવા એમાં કોઈ રોકટોક કરે, એથી વિરુદ્ધ રીતે કરવાનું કહે તેના પરિણામે અનુભવાતી લાગણી.

વળી, જ્યાં આપણા પોતાપણાના એટલે કે સ્વના ભાવનું ખંડન થાય ત્યાં અપણે તેને અપમાન માનીએ છીએ.

પોતાની સિદ્ધિ-પ્રસિદ્ધિની, યશ-કીર્તિ વગેરેના ગુણગાનની જે અપેક્ષા પોતે અન્ય વ્યક્તિ પાસે સેવી હોય તે ન સંતોષાય ત્યારે ઉત્પન્ન થતા આંતરિક પ્રત્યાઘાતોને અપમાન કહેવાય.

સાંસારિક જીવન એ સમૂહજીવન છે જેમાં એકબીજાનું અનુશાસન ખૂબ જરૂરી છે. સમૂહજીવનમાં આપણે ક્યાંક કોઈનાથી મોટા છીએ તો ક્યાંક કોઈનાથી નાના છીએ. આવા સંજોગમાં બંને રીતે રોલ (પાત્ર) ભજવતાં શીખવું જ પડે. મોટાની મર્યાદા રાખવી, માન આપવું, માન જાળવવું એ આપણા માટે શોભાસ્પદ બાબત છે. જ્યારે નાના સભ્યોને પ્રેમથી સાચવવા, તેમના પ્રશ્નોને સમજવા, સહાનુભૂતિ આપવી એ આપણી પવિત્ર ફરજ છે.

સમૂહજીવનમાં જ્યાં સહનશીલતાનો ગુણ છે ત્યાં જ આત્મીયતા શક્ય બને છે. ઘરનું વાતાવરણ સુખમય, આનંદપૂર્ણ રાખવા માટે, પરિવારના સભ્યોને આત્મીયતાના એક તાંતણે બાંધવા માટે ક્યાંક નમવાની, ખમવાની, સહન કરવાની તૈયારી જરૂર જોઈશે. પરંતુ આવી માનસિક તૈયારી રાખવામાં ક્યાંક પોતાનું માન નડી જતું હોય છે જે દુઃખરૂપ નીવડે છે.

ક્યારેક પોતાના મનને કારણે, અન્યને સમજી ન શકવાના કારણે અન્યનું અપમાન કરી બેસતા હોઈએ છીએ જે દુઃખરૂપ નીવડે છે. જયારે અન્ય તરફથી મળતી રોકટોકને કાંટાની જેમ નહિ પરંતુ ફૂલોની વર્ષાની જેમ વધાવી લઈએ તો સુખરૂપ નીવડશે. કોઈ આપણને માન આપે, આપણી અપેક્ષા સંતોષે એવી ઇચ્છા રાખતા પહેલાં અપણે કોઈને માન આપતાં, માન જાળવતાં શીખવું પડે. કોઈના કાર્યને કે નિર્ણયને ખુલ્લા મને બે શબ્દોથી બિરદાવીશું તો તે સુખરૂપ નીવડશે.

આપણામાં પળે-પળે અનેક પ્રકારનાં માન દેખો દઈ જતાં હોય છે જેની સમજૂતી સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ નીચેની પંક્તિમાં આપી છે,

“કોઈને બળ હોય વિદ્યાનું ઘણું જી,

કોઈને બળ હોય દેહ દેખીને આપણું જી,

કોઈને બાળ હોય અન્ન, ધન, રાજ્ય તણું જી....”

બળદ કૂદકા મારે છે તે ખીલાના જોરે. એમ અપણે ક્યારેક આપણી બુદ્ધિ, આવડત, સત્તા, ગુણો અને અહમના જોરને આધારે જીવતા હોઈએ છીએ. ઘરમાં ભલે બે પૈસા ઉપજતા ન હોય પણ કોઈ બે જણની વચ્ચે જઈને ઊભા રહે એટલે જાણે મારા જેવો દુનિયામાં કોઈ ડાહ્યો નહીં. અને સામે ચાલીને ઓળખાણ આપીને, “મને ઓળખ્યો ? હું ફલાણા ગામનો મુખી, ફલાણા સમાજનો પ્રમુખ.”

પેટે પટા બાંધીને માતાપિતાએ જે દીકરાને ભણાવ્યો હોય તે જ દીકરો ભણી-ગણી, એજ્યુકેટેડ થઈ બોલે, “તમને શું ખબર પડે આ ટેકનૉલોજીના યુગમાં ?” આવા શબ્દો સંભળાવી માતાપિતા સાથે તોછડાઈભર્યું વર્તન કરે છે અને પોતાની હોશિયારીના તુક્કામાં વડીલોની મર્યાદા ચૂકી જાય છે.

ઘણી વખત દેહે કરીને સશક્ત હોય કે રૂપ સારું હોય તો તેનું પણ માન આવી જાય કે મારા જેવું રૂપાળું, દેખાવડું કોઈ નહીં. પરિણામે દેહને શણગારવાના પ્રયત્નો જ થયા કરે ને ઉપલક પર્સનાલલિટી પાડવામાં પ્રયત્નશીલ રહીએ. પરંતુ તે પર્સનાલિટી સાચી નથી, આપણે માંહીથી સ્વવિકાસ કરીને ગુણોસભર થઈને વર્તાનશીલ જીવન કરવું એ સાચી પર્સનાલિટી છે.

કોઈએ જે કાર્ય ન કર્યું હોય ને તે કાર્ય અપણે પૂર્ણ કરીએ ત્યારે કરેલાં કાર્યનું પણ આપણને માન આવી જાય છે. પ્રશ્ન થાય કે તો શું કાર્ય ન કરવું ? ના, એવું નહીં. કાર્ય કરવું એ માન નથી પરંતુ કરેલાં કાર્યનું ભાન વર્તે તે જ માન છે. ‘મે કેવું સરસ કાર્ય કર્યું ?’, ‘મારા જેવું કાર્ય કોઈને ન આવડે’, ‘હું હોત તો આ કાર્ય સરળતાથી પૂર્ણ થાત.’ આવા અહમના વિચારોમાં ગૂંચાયેલા રહેતા હોઈએ છીએ.

આધ્યાત્મિક જીવનમાં પણ સાત્ત્વિક ગુણો જેમ કે ભજન-ભક્તિનું અંગ, અંતર્વૃત્તિનું અંગ, નિર્માનીપણાનું અંગ, સમર્પણનું અંગ, સમજણનું અંગ અન્ય કરતાં આપણામાં વિશેષ જોવા મળે ત્યારે ત્યારે છૂપું માન રહ્યા કરતું હોય છે. અન્યમાં આવા ગુણો ન જોવા મળતા સાત્ત્વિક અહંકારને યોગે કરીને અન્યનો અવગુણ આવી જાય. વળી, તન કે ધનની સેવા કરી હોય ત્યારે વર્ત્યા કરે, “મે આટલું સમર્પણ કર્યું.” પરંતુ સમર્પણ કરવું અઘરું નથી, જે સમર્પણ કર્યું છે તેનું ભાન ભૂલવું એ જ અઘરું પડે છે. માટે ‘મેં સમર્પણ કર્યું’ આ ભૂલી જવું તે જ સાચું સમર્પણ છે. એ જ રીતે ઘણી વખત સેવામાં મળેલી જવાબદારીનું, પદનું માન રહ્યા કરે કે ‘હું SPS, કોઠારી, ભંડારી, સંયોજક છું.’

જયારે જયારે આવા પ્રકારનું માન આવે ત્યારે ત્યારે જીવનમાં અનેક પ્રકારના આઘાત-પ્રત્યાઘાત આવતા હોય છે જે નીચે મુજબ છે.

માનને કારણે વ્યક્તિ પોતાથી મોટાની મર્યાદાનો ભંગ કરે, ઓવરટેક (ઉપરવટ) થઈ જાય. જીવનપ્રાણ બાપાશ્રી પહેલા ભાગની ૯૮મી વાતમાં કહે છે કે, “માની હોય તેને પ્રાયશ્ચિત્તનો ઉપવાસ કરવો પડે તો હા ન પાડે ને પોતાને જાણે (પોતાની ઇચ્છાએ) એકના લાખ ઉપવાસ કરે તેની ગણતરી નહીં. સભામાં પોતાની મેળે ઊભું થવું હોય તો સો ફેરો ઊભો થાય પણ કોઈક સંત કે હરિજન ઊભો કરે તો એક ફેરો પણ ઊભો ન થાય.” આમ, જેનામાં માનની પેદાશ વિશેષ તેટલી તે અન્યની મર્યાદાનો ભંગ સહેજે કરી નાખે છે. તે હંમેશાં એવું જ માનતો હોય છે કે, ‘I am O.K. but you are not O.K.’ અર્થાત્ ‘હું જ બરાબર છું, તમે નહીં.’ હું મોટો ને બીજા નાના આ વિચાર એ જ અસદભાવના. આમ, કોઈ પણ વ્યક્તિમાં રહેલું માન તેના વાણી, વર્તનમાં મપાઈ જતું હોય છે.

માનથી ભરપૂર જેનું અંતર હોય તેને પોતે જ સાચો છે એવું વર્તે. ‘I am something’ એવી માનીનતાથી પણ જીવ્યા કરે. પરિણામે તેનામાં બોસિંગ નેચરનો પ્રાદુર્ભાવ થઈ આવે. પોતાનું સૂચન પાસ જ થશે એવી અપેક્ષા સેવી હોય અને સૂચન પાસ ન થતા દુઃખી દુઃખી થઈ જવાય. માની ક્યારેય અન્યની પ્રગતિ ખમી ન શકે. આવી વ્યક્તિ પોતાને માન મળે ત્યારે હરખાતી હોય ને અન્યને માન મળે ત્યારે કરમાતી હોય છે. સેવામાં નામની, હારની, પ્રશંસાની ઇચ્છા વર્તતી હોય પરંતુ પડદા પાછળની સેવા સોંપાય ત્યારે સેવામાં અણગમો, ઘૃણા, નિરાશા વ્યાપી જાય. લાયકાત, આવડત મુજબની સેવા ન મળતા સેવા કરવામાં હતાશા છવાઇ જાય.

આમ, માન આવે ત્યારે ન સર્જાવાના અનેક અઘટિત સંજોગોનું સર્જન થઈ જાય છે.

માન એ સર્વે દોષોનો રાજા છે. જો એક માન શત્રુને ટાળવામાં આવે તો સર્વે દોષથી રહિત થઈ જવાય. તો આ માન શત્રુને ટાળવાનો ઉપાય શું ? તે જોઈશું આવતા અંકે...