સુખ-દુઃખનુ મૂળ - પૂર્વાગ્રહ - 1

  March 19, 2016

અર્વાચીન વૈજ્ઞાનિક યુગમાં લાકો ડોલરના ખર્ચે ઉપગ્રહ છોડવો સહેલો છે, પરંતુ સાવ મફતમાં પૂર્વાગ્રહ છોડવો કઠિન છે. અબજો માઇલ દૂર મંગળ ગ્રહ ઉપર પહોંચી શકવા માનવી સક્ષમ છે, પરંતુ વેંત જેટલા છેટે રહેલા પૂર્વાગ્રહને ખાળવો એના માટે અત્યંત કઠિન છે. એ કેવી વિચિત્રતા !

સામાન્ય રીતે પૂર્વાગ્રહ એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સ્થિતિ-પરિસ્થિતિ માટે બંધાયેલો અસ્પષ્ટ, ખોટો કે તાર્કિક મત. મનોવૈજ્ઞાનિકો તેને પૂર્ણ તપાસ કર્યા વિનાનો અથવા તો ચકાસણી કર્યા વગર બાંધેલો મત કહે છે. જે મત સાચો પણ હોઈ શકે છે અને ખોટો પણ હોઈ શકે છે.

આપણાં વિચાર, વાણી, વર્તન, સર્જાતા સંજોગ-પરિસ્થિતિ કે આપણી મનોસ્થિતિ વારંવાર વિચારોમાં ગૂંથાવાથી, વલોવાથી કોઈક બાબતોની છાપ ઊભી થાય છે. કોઈક બાબતો પાકી થાય છે જેમાંથી બહુધા પૂર્વાગ્રહનું સર્જન થતું હોય છે. પૂર્વાગ્રહ બે પ્રકારે બંધાતો હોય છે : (1) નકારાત્મક પૂર્વાગ્રહ અને (2) હકારાત્મક પૂર્વાગ્રહ. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને વિષે સારો કે નરસો પૂર્વાગ્રહ બાંધ્યા કરવો એ માનવસહજ સ્વભાવની એક લાક્ષણિકતા છે. કેટલીક વાર આપણે જેની સાથે કોઈ પણ પ્રકારના લેવા-દેવા ન હોય તેના વિષે પણ પૂર્વાગ્રહ બાંધવાની એક ટેવ પડી ગઈ હોય છે જેમાં બહુધા નકારાત્મક પૂર્વાગ્રહ જ બંધાતા હોય છે.

નકારાત્મક પૂર્વાગ્રહની પરાકાષ્ઠા એ કોઈ પણ વ્યક્તિના જીવનમાં દુઃખરૂપ સાબિત થતી હોય છે. આજે દુનિયામાં અસાધ્ય રોગોની દવા શોધાતી જાય છે, પંરતુ વિકસતી ટેક્નૉલોજી અને સંસાધનોની ઊછળતી છોળ્યો વચ્ચે પણ એક એવા રોગનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે અને એ છે – Major depressive disorder (અતિશય ઉદાસીનતા)

ડિપ્રેશન એ વિશ્વભરમાં રોગિષ્ઠ મનોવૃત્તિનું મુખ્ય કારણ છે. આજે દુનિયામાં મોટાભાગના દેશોમાં પોતાના જીવન દરમ્યાન ડિપ્રેશન હેઠળ જીવતા લોકોનું પ્રમાણ 8 થી 12% સુધી જોવા મળે છે. એટલે કે 350 મિલિયન લોકો ડિપ્રેશનની અસરથી અસરગ્રસ્ત છે અને દર વર્ષે 1 મિનિયન લોકો ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરે છે. એક અંદાજ મુજબ ગ્રામીણ વસ્તીની સરખામણીમાં શહેરી વસ્તીમાં ડિપ્રેસિવ ડિસઑર્ડર વધુ વ્યાપક હોય છે. સુશિક્ષિત કે અસાધારણ વ્યક્તિત્વ ધરાવનાર તેમજ તવંગર લોકોમાં પણ ડિપ્રેશનનો ભોગ બનેલા જોવા મળે છે. દિન-પ્રતિદિન ડિપ્રેશનનું પ્રમાણ વધતું જાય છે. જેની વિપરીત અસરો જે-તે વ્યક્તિના પરિવાર, ધંધા-રોજગાર, વિદ્યાર્થીજીવન, ઊંઘ, આહાર અને આરોગ્ય પર પણ પડતી હોય છે.

કોઈ પણ વ્યક્તિના જીવનમાં સતત નિષ્ફળતા, તિરસ્કાર, ઘૃણા કે વિપરીત સંજોગોનું પુનરાવર્તન થાય ત્યારે તે વ્યક્તિ બહુધા ડિપ્રેશનનો ભોગ બનતી હોય છે. Major depressive disorderમાં જીવતી વ્યક્તિ જીવંત હોવા છતાં કંઈ પણ કરવા માટે સક્ષમ રહેતી નથી. ક્યારેક વિપરીત સંજોગોને કારણે કોઈ વ્યક્તિ માનસિક રીતે તણાવગ્રસ્ત રહેતી હોય તો તેને demention (વારંવાર કોઈ પણ વાતને ભૂલી જવી) થઈ જવાની પણ શક્યતાઓ રહેલી છે. જેમાં વ્યક્તિ કાર્ય કરવાની સ્મરણ શક્તિ ગુમાવી દે છે. Major depressive disorder અને demention જેવા માનસિક રોગ થવાનું મુખ્ય કારણ નકારાત્મક વિચારો જ છે.

આપણા વિચારો એ એક શક્તિશાળી હથિયાર જેવું કાર્ય કરે છે. પરંતુ વિચારો જો સકારાત્મક હોય તો સારાં પરિણામ મળે છે અને જો એ વિચારો નકારાત્મક હોય તો તેનાં માઠાં પરિણામ ભોગવવાં પડતાં હોય છે. આપણે જેવા વિચારો કરીએ છીએ એવું જ આપણું માનસ બંધાય છે અને સામે પણ એવી જ આકૃતિ તૈયાર થાય છે.

એટલે કે, આપણે કોઈ પણ વ્યક્તિ માટે નકારાત્મક વિચારો કરીશું તો આપણા વિચારો તે વ્યક્તિ સાથે આપણું એવું જ વર્તન કરાવે છે. એટલું જ નહિ, સામેની વ્યક્તિને પણ આપણા પ્રત્યે નકારાત્મક વર્તન કરવા પ્રેરે છે. આપણા માનસમાં આવતા નકારાત્મક વિચારોનું સૂક્ષ્મ આવલોકન કરે તો જે નકારાત્મક વિચારો આવે છે તે જ સમયાંતરે આપણને નકારાત્મક કરી દે છે. ત્યારે આ નકારાત્મક વિચારો આવવાના અને પૂર્વાગ્રહ દૃઢ થવાનાં કારણો શું છે તે સમજીએ અને તે કારણોને આપણા સ્વજીવનથી દૂર રાખીએ.

(1)  લઘુતાગ્રંથિ :

પોતાની કાર્યક્ષમતા હોવા છતાં પોતાને બીજા કરતાં ન્યૂન મનાય અથવા તે કાર્ય કરવા માટે અયોગ્ય છે. ‘હું બીજા કરતાં ઊતરતો છું.’-  આવા વિચારો એ લઘુતાગ્રંથિની નિશાની છે. જે લઘુતાગ્રંથિના કારણે કોઈ પણ કાર્યના પ્રારંભકાળ પહેલાં જ નકારાત્મક વિચારો કાર્યની ચારેબાજુ ફરી વળે છે અને અસફળતા અપાવે છે. મળેલી અસફળતા આપણા પોતા પ્રત્યે નકારાત્મક પૂર્વાગ્રહ દૃઢ કરાવે છે જેથી આપણે પોતાની જાતને સાવ નિમ્ન માની લઈએ છીએ. પછી કોઈ પણ કાર્યક્ષેત્ર હોય તેમાં નકારાત્મકતાના સૂર જ નીકળે. હિંમત અને વિશ્વાસ પણ માર્યા ગયા હોય છે. જેમ કે,

(1). હું કાર્ય કરવા માટે કોશિશ કરીશ પણ વચન ન આપી શકું.

(2). કાર્ય થશે તો કરીશ પરંતુ તમે મારા ભરોસે ન રહેતા.

(3). શક્ય બનશે તો હું આવી જઈશ પણ મારી રાહ ન જોતા. અને હું આવી જ શકીશ એવી આશા પણ રાખતા નહીં.

(4). મને લાગે છે કે હું આ કાર્ય નહિ જ કરી શકું. મારા કરતાં તમે સારી રીતે કરી શકશો.

(5). જો હું આ કાર્યમાં સફળ નહિ થઉં તો લોકો મારા માટે કેવું વિચારશે ? મારી પ્રતિષ્ઠા – આબરૂને ધક્કો તો નહિ લાગે ને !

(6). આ કાર્ય કરવા માટે અત્યાર સુધી પ્રયત્નો કર્યા જ છે પણ અસફળ જ થઉં છું અને હવે કરીશ તોપણ અસફળ જ થવાનો.

(7). મારા માટે આ કાર્ય કરવું હિમાલયનો પહાડ ઓળંગવા જેવું છે.

(8). હું ક્યાંય અને કોઈની આગળ ચાલું તેમ નથી.

(9). મને આ દુનિયામાં જીવવાનો અધિકાર જ નથી. મારા માટે મૃત્યુ જ લખેલું છે.

પોતે ઘણા સશક્ત હોવા છતાં લઘુતાગ્રંથિને કારણ અશક્ત બની જતા હોય છે. હાથી જો ખરેખર ધારે તો દોરડાને સૂંઢ વડે ખેંચે તો તરત તૂટી જાય. છતાંય આપણે જોઈએ છીએ કે મહાવત એક દોરડા વડે હાથીને દોરી જતો હોય છે; આવું કેમ ? તો મદનિયું જ્યારે નાનું હોય છે ત્યારે તેને દોરડા વડે બાંધવામાં આવે છે. બાંધેલા દોરડાને જોતાં મદનિયું એવું જ માની લે છે કે હું આ દોરડાથી હવે ક્યારેય છૂટી શકીશ નહીં. તેની આ લઘુતાગ્રંથિ દિવસે દિવસે વધુ દૃઢ થતી જાય છે એટલે તે ક્યારેય દોરડાને ખેંચીને તોડી નાખવાનો પ્રયત્ન સુધ્ધાં કરતો નથી.

સમયાંતરે તે મોટો હાથી બને છે તોપણ તેના મનમાં પોતાની જાત માટે લઘુતાગ્રંથિ દૃઢ થઈ ગઈ હોય છે. તેથી એક દોરડાથી તે અંકુશમાં બંધાયેલો રહે છે અને સરકસમાં કલાકારોનો ગુલામ થઈ તેમના ઇશારે નાચે છે. પોતાની સ્વતંત્રતા ગુમાવી બેસે છે. ‘હું દોરડાથી ન છૂટી શકું’ – આવી લઘુતાગ્રંથિથી પોતાની જાત માટે નકારાત્મક પૂર્વાગ્રહ દૃઢ થઈ ગયો તો પોતાની શક્તિને પણ હાથી ભૂલી જાય છે. એવું જ આપણા જીવનમાં થતું હોય છે. લઘુતાગ્રંથિના કારણે સામાન્ય બાબતેને પણ આપણી મર્યાદા ગણી લેતા હોઈએ છીએ અને પરિણામે દુઃખી થતા હોઈએ છીએ.

(2) પરદર્શન :

માનવસહજ સ્વભાવ છે કે બીજાની કોઈ વસ્તુ, પદાર્થ, પ્રસિદ્ધિ કે કીર્તિ જુએ ત્યારે તે પોતે પોતાની જાત સાથે અને પોતાના જીવન સાથે સરખામણી શરૂ કરી દે છે. ક્યાંક પોતે કમ હોય તો તેની સાથે સ્પર્ધામાં ઊતરી જાય છે. મારી પાસે શું છે ? કેવું છે ? મારી ક્ષમતા કેટલી છે તે ભૂલી જાય છે અને સમોવડિયા, સહસાથી કે મિત્રવર્તુળમાં ક્યાંક કોઈની પ્રગતિ જુએ તો બળતરા થતી હોય છે. ઈર્ષ્યાનો ઉદભવ થતો હોય છે.

જેમ કે પાડોશી નવી કાર લાવ્યા કે A.C. લાવ્યા અને આપણી પાસે ન હોય, આપણી ક્ષમતા પણ ન હોય છતાં પાડોશીનું જોઈ તે લેવાની ઇચ્છા થાય, પ્રયત્ન કરવા છતાં ન મળે તો બળતરા થાય. તેમના પ્રત્યે ઈર્ષ્યાવૃત્તિ જન્મે. ઈર્ષ્યાને કારણે પછી તે વ્યક્તિનું સારું જોઈ ન શકાય, તેનું સારું ઇચ્છી પણ ન શકાય તો કાર્ય તો થાય જ કેવી રીતે ? ઉપરથી તે વ્યક્તિના દોષ અને ખામીઓ શોધી તેને પાછા પાડવાના પ્રયત્ન કરતાં નકારાત્મક વિચારોમાં ઊંડા ઊતરી જવાય. પછી સવળા વિચાર કરવા પ્રયત્ન કરતા છતાં પણ ન કરી શકાય.

પારકી ક્રિયા, આકૃતિ, સ્વભાવ અને પારકા દોષ જોવાની કુટેવ ધીરે ધીરે પડી જાય તો પછી તેમાંથી અભાવ-અવગુણ આવવા માંડે છે જે વ્યવહારમાં અને સત્સંગમાં દુઃખી દુઃખી કરી નાંખે છે.

(3) સામૂહિક જીવન :

સંસાર સામૂહિક જીવનથી જ નભ્યો જાય છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ વ્યક્તિ સાથે વ્યવહારથી જોડાયેલી જ હોય છે. જેમાં વિશેષે કરીને પારિવારિક જીવનમાં સમૂહજીવન સુખરૂપ છે. કારણ, એકબીજાના સાથ-સહકાર અને પ્રેમ-સહાનુભૂતિમાં આનંદમય જીવન જીવી શકાય છે. પંરતુ આજે દરેક વ્યક્તિ સ્વતંત્રતા ઇચ્છે છે અને માત્ર પોતાના જ સુખનો વિચાર કરે છે. કોઈના માટે થોડું ઘસાવાની કે સહન કરવાની ભાવના વિસરાતી જાય છે ત્યાં સંયુક્ત કુટુંબમાં એકસાથે રહેવાનું થાય ત્યારે કૌટુંબિક પ્રશ્નોની વણઝાર ખડી થઈ જતી હોય છે. એકબીજા પ્રત્યે ઈર્ષ્યા, આંટી અને ઘૃણા ઉત્પન્ન થતી હોય છે. પોતાની જ સગવડ અને સ્વાર્થ સાધવા અન્યને દુઃખી કરાતા હોય છે. એકબીજા પ્રત્યે નકારાત્મક પૂર્વાગ્રહની ગાંઠો વળતી હોય છે અને છેવટે માત્ર દુઃખનો વરસાદ વરસતો હોય છે.

મુંબઈના વૈભવી વિસ્તારમાં બનેલી એક સત્ય ઘટના નકારાત્મક પૂર્વાગ્રહ કેવી પરિસ્થિતિનું સર્જન કરી દુઃખી કરે છે તેનો દાખલો પૂરો પાડે છે. દોઢથી બે કરોડના ફ્લૅટમાં આઠમાં માળે એક દંપતી, માતાપિતા સાથે રહેતા હતા. દીકરાને લગ્ન થયે વર્ષો વીતી ગયા હતા. ઘરમાં આર્થિક કે સામાજિક કોઈ પ્રકારની મુશ્કેલી નહોતી. પૌત્ર-પૌત્રીઓ પણ આનંદ-કિલ્લોલ કરતા હતા. ઘરમાં સંપત્તિની છોળ્યો ઊડતી હતી.

એક દિવસ સવારના સમયમાં એક કરુણ ઘટનાનું સર્જન થઈ ગયું. 75 વર્ષના વૃદ્ધ પિતાએ અને 72 વર્ષના વૃદ્ધ માતાએ એક સાથે ફ્લૅટના 8મા માળ ઉપરથી નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું. તમાસાને તેડું ન હોય એ ન્યાયે થોડી જ ક્ષણોમાં ચારે બાજુ શું થયું એ જોવા માટે લોકોની ભીડ જામી ગઈ. 5-10 મિનિટમાં તો પોલિસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલિસે વૃદ્ધ પુરુષના ખિસ્સા તપાસ્યા તો તેમાંથી એક ચિઠ્ઠી નીકળી જેમાં લખ્યું હતું કે, “We have taken this step because of our son and daughter-in-law’s harassment.” અર્થાત્ ‘પુત્ર અને પુત્રવધૂ તરફથી થઈ રહેલા ત્રાસથી કંટાળી જઈને અમે આ પગલું ભર્યું છે.’

ચોંકાવી દે એવી આ ઘટનાનું કારણ તપાસતા રહસ્યફોટ થયો કે, પુત્રવધૂ એક સંસ્કારી ઘરની દીકરી હતી. લગ્ન બાદ એક દિવસ કોઈ પ્રસંગે સાસુએ વહુને બે શબ્દ કહી ટકોર કરી. બસ, આ એક ટકોરથી વહુમાં સાસુ પ્રત્યેના નકારાત્મક વિચારોનું બીજ રોપાઈ ગયું. પછી કંઈ પણ વાત બને તો પુત્રવધૂને એમ જ થાય કે, ‘મારી દરેક બાબતનો વિરોધ થાય છે.’ દિવસે દિવસે સાસુ પ્રત્યે નકારાત્મક પૂર્વાગ્રહની ગાંઠ વળતી ગઈ. માતાપિતા વૃદ્ધાવસ્થાને આરે પહોંચ્યા. તિજોરીની ચાવી પોતાની પાસે આવી જાય પછી બાકી શું રહે ? પતિ-પત્ની એક થઈ ગયા અને વૃદ્ધ માતાપિતાની સાથે અણછાજતો વર્તાવ કરવા લાગ્યા. અપમાનની વરસતી ઝડી તેમનાથી સહન ન થઈ. છેવટે તેઓ સદાયને માટે તેમનાથી જુદા થઈ ગયા.

અંગ્રેજીમાં એક Quotes છે કે, ‘Prejudices are the chain forged by ignorance to keep men apart.’ અર્થાત્ ‘પૂર્વાગ્રહ એ સતત થતી અવગણનાથી ઉપજે છે જે લોકોને એકબીજાથઈ દૂર લઈ જાય છે.’ એટલે કે સામૂહિક જીવનમાં કેટલીક વાર કૌટુંબિક પ્રશ્નોને કારણે કે મતભેદને કારણ એકબીજા પ્રત્યે નકારાત્મક પૂર્વાગ્રહ વધુ ને વધુ ઘનિષ્ઠ બનતા જતા હોય છે જે પરિવારના સૌ સભ્યો માટે દુઃખનું મૂળ પુરવાર થતા હોય છે.

પોતાના દુઃખે તો દુઃખી રહેવાય પણ બીજાના સુખે ને બીજાની રીતભાતથી દુઃખી થઈ જવાય છે તે કેવી નવાઇની વાત છે ?? પણ એ હકીકત છે… હજુ આપણા રોજબરોજના જીવનમાં ક્યાં આપણે બિનજરૂરી દુઃખી થવાના ઉપાયો કરી બેસીએ છીએ ને પૂર્વાગ્રહની ગાંઠોનો ભાર લઈ ફરીએ છીએ ? તે જોઈએ આવતા લેખે...