સુખ-દુઃખનુ મૂળ - પૂર્વાગ્રહ - 2
March 28, 2016
નકારાત્મક વાણી વારંવાર સાંભળવી :
ક્યારેક કુટુંબમાં અથવા કુસંગી મિત્રવર્તુળમાં એકધારા લાંબા સમય સુધી નકારાત્મક વાતો જ સાંભળવામાં આવે તો આપણા જીવનમાં નકારાત્મક વાત અને વિચારના બીજ રોપાય છે. અનિવાર્ય આપત્તિમાં અનાયાસે થયેલી નકારાત્મક વાતોના બીજ જે તે દિવસે પરિપક્વ બને છે અને પૂર્વાગ્રહમાં પરિણમે છે. એક વાર નકારાત્મક વાતોના બીજ ઊંડા જાય પછી ગમે તેટલો સત્સંગરૂપી સકારાત્મક વાણીનો મારો ચલાવવામાં આવે તોપણ, અગાઉની કુત્સિત વાણીનું પલ્લું નીચું જ રહે છે. વારંવાર થતા ઝઘડા-ટંટા, અણબનાવ પણ આ દૂષણને ખૂબ ટેકો આપે છે અને દુઃખના મૂળ લીલા કરે છે.
જેટલો નકારાત્મક પૂર્વાગ્રહ વધુ હોય તેટલા જ વધુ દુઃખી થવાય છે. નકારાત્મક પૂર્વાગ્રહ પોતાના માટે અન્ય માટે અને સંજોગ-પરિસ્થિતિ માટે બંધાતા હોય છે. જીવનના બદલાતા તબક્કે દરેક વ્યક્તિના પોતા માટેના પૂર્વાગ્રહ દૃઢ થતા હોય છે. કેટલીક વ્યક્તિઓને પોતાને સામાન્ય બિમારી થઈ હોય તોપણ તેના વિષે ખોટો ભ્રમ પેસી જાય અને તે બિમારીને ગંભીર બિમારી માની લે છે. પછી પોતે એ બિમારીમાંથી ક્યારેય ઊભી થઈ શકશે જ નહિ એવો પોતાના સ્વાસ્થ્ય માટે નકારાત્મક પૂર્વાગ્રહ દૃઢ થઈ જતો હોય છે. જેને મનોવૈજ્ઞાનિકો Hypocondria કહે છે જેમાં વ્યક્તિ અવાસ્તવિક ખ્યાલથી કશું ન હોવા છતાં, સતત પીડાતી રહે છે. બિમારીના દુઃખ કરતાં માનસિક દુઃખ વધી જાય છે.
એક ભાઈને શરદી અને ખાંસી થઈ ગઈ હતી. શરદી-ખાંસી થોડા લાંબા સમય સુધી ચાલી એટલે તેઓ વિચારવા માંડ્યા કે, ‘મને જરૂર કોઈ માટી બિમારી લાગુ પડી હશે, કદાચ મને ટી.બી. તો નહિ હોય ને ? ટી.બી. નહિ મટે તો ! મારું શું થશે ? હવે મારું મૃત્યુ નિશ્ચિત છે.’ એટલું જ નહિ, તેમણે ડૉક્ટરને બતાવ્યું ત્યારે ડૉક્ટરે તેમને સામાન્ય શરદી-ખાંસી કહી. તેઓ ડૉક્ટરની સાથે ઝઘડવા માંડ્યા કે, ‘મને ટી.બી. જ છે; તમને ચેક કરતા નથી આવડતું. તમે જૂઠું બોલો છો.’ એક સામાન્ય શરદી-ખાંસીમાં પોતાની બિમારી વિશે નકારાત્મક પૂર્વાગ્રહ દૃઢ થઈ ગયો તો છેક (મૃત્યુના વિચાર) સુધી પહોંચી ગયા.
કેટલીક વાર આપણા અયોગ્ય સ્વભાવ-પ્રકૃતિ ટાળવા માટ પ્રયત્ન કરવા છતાં ન ટળે, મોટાપુરુષ એના ઉપર રોક-ટોક કરે ત્યારે પોતાના જ સ્વભાવ-પ્રકૃતિ માટે નકારાત્મક પૂર્વાગ્રહ બંધાઈ જાય છે કે, “આ હવે મારા હાથની વાત નથી. મહારાજ કૃપા કરે તો ભલે. બાકી મારાથી તો હવે નહિ જ ટળે.” આવો નકારાત્મક પૂર્વાગ્રહ દૃઢ થવાથી એ સ્વભાવ-પ્રકૃતિ આપણને એના ગુલામ બનાવી દે છે. અંતરમાં ઉદ્વેગ, અશાંતિ, ભય, ચિંતાના વમળો ઊભા કરી પોતાને જ દુઃખી કરે છે.
મનુષ્યનું જીવન તો લુહારની સાણસી જેવું છે. લુહારની સાણસી ઘડીક ધગધગતી ભઠ્ઠીમાં તપે ને ઘડીકમાં ઠંડા પાણીના કૂંડામાં જાય. વારંવાર સંજોગ-પરિસ્થિતિ બદલાતા જતા હોય છે. કોઈના બધા દિવસો એકસરખા જતા હોતા નથી. જીવનમં આવતા વિપરિત સંજોગ-પરિસ્થિતિ પ્રત્યે જો નકારાત્મક પૂર્વાગ્રહ બંધાઈ જાય તો દુઃખી થઈ જવાય.
એક સદગૃહસ્થે 15 લાખના ખર્ચે બંગલો બનાવ્યો. તેઓ પોતે શ્રીમંત નહોતા પરંતુ પિતા અને પાંચ પુત્રોએ ભેગા મળી એક એક પાઈની કરકસર કરી, ખૂબ મહેનત કરી પોતાનું ઘર બનાવ્યું હતું. મકાન તૈયાર થઈ ગયું. મકાનમં રહેવા જવાની તારીખ, તિથિ, વાર નક્કી થઈ ગયા. ફર્નિચર પણ થઈ ગયું હતું. પરંતુ એક આશ્ચર્યકારી ઘટના બની ગઈ. મકાનમાં રહેવા જવાનું હતું તેના બે દિવસ પહેલાં ભૂકંપનો ભારે આંચકો આવતા મકાન ભોંય ભેગું થઈ ગયું. બધી મહેનત પાણીમાં ગઈ. ઘર-પરિવારમં બધા દુઃખી-દુઃખી થઈ ગયા. પિતાજીએ બધઆને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા. દીકરાઓને કહ્યું, “5 કિલો મીઠાઈ વેહેંચો કે આપણને ભગવાને બચાવી લીધા. જો બે દિવસ વહેલા રહેવા ગયા હોત તો ઘર સાથે આપણે બધા જતા રહ્યા હોત.” પરંતુ નકારાત્મક વિચારોને કારણે આખો પરિવાર દુઃખી દુઃખી થઈ ગયો.
અન્ય વ્યક્તિ માટે પણ જુદા જુદા નકારાત્મક પૂર્વાગ્રહ બંધાતા હોય છે. જે વ્યક્તિ માટે આપણને કોઈ શંકા હોય અથવા તેની સાથે અણબનાવ બન્યો હોય, તેની નજર, ચાલ, ક્રિયા-પ્રક્રિયા, વાણી, અન્ય સાથેની વાતચીત – આ બધા માટે નકારાત્મક પૂર્વાગ્રહ બંધાતો હોય છે કે, “તે મારા માટે આવું જ વિચારતા હશે”, “આવું બોલતા હશે.” એવા નકારાત્મક પૂર્વાગ્રહને કારણે સામેની વ્યક્તિ એવું કશું જ ન કરતી હોવા છતાં દુઃખી દુઃખી થઈ જવાય. ક્યાંક તેમના પ્રત્યે નફરત, ઘૃણા ઉત્પન્ન થાય. તેમનું અહિત કરવાના, તેમની પ્રગતિ અટકાવવાના વ્યર્થ પ્રયત્નો થાય જેમાં સરવાળે દુઃખ જ આવતું હોય છે.
બે ભાઈઓ વચ્ચે પરસ્પર અણબનાવ બનવાથી તેમની વચ્ચે અબોલા હતા. એક વખત એક ભાઈ પ.પૂ. સ્વામીશ્રીના દર્શને આવ્યા. પ.પૂ. સ્વામીશ્રીએ તમને ધીરે રહીને સમજાવવા પ્રયત્ન કર્યો કે, “આપણે સત્સંગી થયા. સત્સંગીના ઘરમાં આવો કુસંપ હોય તો મહારાજ રાજી ન થાય. માટે પહેલાનું બધું ભૂલી જાવ અને આત્મીયતા કરી દો.” હજુ પ.પૂ. સ્વામીશ્રી આગળ વાત કરે તે પહેલાં તો એ ભાઈનો વાકપ્રવાહ છૂટ્યો કે, “સ્વામી ! એ મારો નાનો ભાઈ શું સમજે છે પોતાની જાતને ? આજથી 10 વર્ષ પહેલાં અમદાવાદ રેલ્વે સ્ટેશન પર 4 નંબરના પ્લેટફૉર્મ ઉપર રાત્રે 10:10 મિનિટે મને કેવા શબ્દોના ઘા માર્યા હતા ! હજુ એ શબ્દોના ઘા મને રુઝાતા નથી. એના બોલવામાં પણ કોઈ પ્રકારનો વિવેક નથી અને તમે મને એની સાથે બોલવાની વાત કરો છો ! એ તો નહિ જ બને.” આ જ અન્ય પ્રત્યે બંધાઈ ગયેલો નકારાત્મક પૂર્વાગ્રહ છે જે આપણને જીવનમાં સુખી થવા દેતો નથી. વિપરીત સંજોગ-પરિસ્થિતિ આવે, ગમે તેવા વ્યક્તિના યોગમં રહેવાનું થાય તોપણ સુખી રહેવું હોય તો એક જ ઉપાય છે – સકારાત્મક વિચારો કરી સવળો પૂર્વાગ્રહ બાંધો.
આપણા જીવનમાં ક્યાં ક્યાં, કેવા પ્રસંગોમાં, કેવા સવળા વિચાર કરી સકારાત્મક પૂર્વાગ્રહ બાંધવા જોઈએ કે જેથી નકારાત્મક પૂર્વાગ્રહને કોઈ અવકાશ જ ન રહે.
(1) વ્યક્તિ :
કારણ સત્સંગના યોગમાં જે કોઈ આવ્યા છે તે સૌને શ્રીજીમહારાજે અનાદિમુક્ત જ કર્યા છે. તેમના સંપૂર્ણ કર્તા શ્રીજીમહારાજ છે. એમાં રહીને મારા મહારાજ ખેલ ખેલી રહ્યા છે. એમં પણ મારું કંઈક હિત સમાયેલું હશે. શ્રીજીમહારાજે સુરાખાચરોનો સ્વાદ ટળાવવા શાંતાબાને નિમિત્ત કર્યા એ વખતે સુરાખાચરે આ જ વિચાર કર્યો કે, ‘શાંતાબાઈની કોઈ તાકાત નથી કે મને છાશ ને રોટલો પીરસે. પરંતુ એમાં રહીને મારા મહારાજ ખેલ ખેલી રહ્યા છે.’ આવો સવળો વિચાર કર્યો તો શાંતાબા પ્રત્યે કોઈ નકારાત્મક પૂર્વાગ્રહ ન બંધાયો. પોતાનો સ્વાદિયો સ્વભાવ ટળી ગયો અને મહારાજના રાજીપાના પાત્ર બન્યા.
(2) સંજોગ-પરિસ્થિતિ :
આપણા જીવનમાં જે કંઈ સંજોગ-પરિસ્થિતિનું સર્જન થાય છે તે આપણને ભયભીત કરવા માટે નથી થતું. આપણા વ્યક્તિત્વનો વિકાસ કરવા, આપણને ઘડવા માટે થાય છે. સમસ્યામાંથી જ સંદેશો મેળવો. પછી વિચારવું કે, હું આમાંથી શું લાભ લઈ શકું છું ? સમસ્યા આપણું વિપરીત સંજોગોમાં ઘડતર કરવાનું અને અનુભવથી ભરવાનું કાર્ય કરે છે. બસ, જે કંઈ થાય છે તે મારા ઘડતર માટે અને સારા માટે જ થાય છે તેવો સવળો વિચાર કરવો. પ.પૂ. સ્વામીશ્રીએ ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકામાં આપણને સુખી થવાની અને પ્રગતિ કરવાની શ્રેષ્ઠ ચાવી આપી છે કે, “પ્રભુનિયંત્રિત સમાજમાં બનતો એક એક પ્રસંગ કે એક એક વ્યક્તિનું નિર્માણ પ્રભુએ મારા ઘડતર માટે જ કર્યું છે.”
27 વર્ષે વિધુર બનેલા અને માનસિક રોગનો ભોગ બનેલા અબ્રાહમ લિંકને સંજોગ-પરિસ્થિતિને સવળી વિચારી પ્રયત્ન ચાલુ રાખ્યા. 3-3 વાર 49 વર્ષ સુધી ચૂંટણીમાં હાર્યા છતાં મંડ્યા જ રહ્યા. છેવટે તેઓ બાવનમાં વર્ષે અમેરિકાના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા. અબ્રાહમ લિંકન પાસે તો દુનિયાની લૌકિક શક્તિ હતી જ્યારે આપણને તો મહારાજ અને મોટાપુરુષનું અલૌકિક શિરછત્ર સાંપડ્યું છે ત્યારે ગમે તેવા દુઃખોના ડુંગર તૂટી પડે એવી પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વિના સવળા વિચાર કરવા.
(3) પોતા માટે :
આપણે કોઈ કાર્ય કરવામાં વારંવાર નિષ્ફળ જઈએ ત્યારે હિંમત હારી જઈએ છીએ. નકારાત્મક વિચારો કરી પાછા પડીએ છીએ. પરંતુ એવા સમયે વિચાર કરવો કે મહારાજે મને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. મારા સંપૂર્ણ કર્તા શ્રીજીમહારાજ છે. મહારાજ તો બધું જ કરી શકે. એમનાથી શું ન થાય ? માટે મહારાજ કર્તા બનશે અને જરૂર સફળતા મળશે જ. સફળતા સામે ચાલીને દોડતી આવશે. માટે નિર્ભયપણે મહારાજને કર્તા કરી સવળા વિચાર સાથે કાર્ય કરવું, તો હંમેશાં સુખી થવાય.
(4) સ્વલક્ષી બધું મુકીને અન્યની સ્વીકૃતિ કરવી :
આપણા જીવનમાં આપણું ‘સ્વ’નું કુંડાળું એટલું સોલિડ થઈ ગયું હોય છે કે જ્યારે આપણું ગમતું, આગ્રહ, ઠરાવ, અપેક્ષા, માનીનતા છોડીને અન્યની સાથે સેટ થવાનું થાય ત્યારે તેનો સ્વીકાર જ નથી થતો. પરંતુ અહમશૂન્ય અવસ્થા કેળવવી. પોતાની માનીનતા, ઠરાવ, આગ્રહ છોડી અન્યની સ્વીકૃતિ થાય તો પ્રશ્નોનું સમાધાન થઈ જાય. કોઈના દૃષ્ટિકોણનો, વિચારનો, અનુભવનો આપણા જીવનમાં ઉપયોગ કરી શકાય.
(5) ગુણગ્રાહક દૃષ્ટિ :
સવળો પૂર્વાગ્રહ બાંધવા માટેનું સૌથી મોટું પરિબળ છે – ગુણગ્રાહક દૃષ્ટિ. પૂ. સ્વામીશ્રી કાયમ કહે છે કે, “કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જુઓ તોપણ તેનામાંથી ગુણ લો. તેના ગુણનું મનન કરો.” ગુણ લેવાથી આપણી vision બદલાઈ જાય છે. કોઈની ક્ષતિ-ત્રુટિ તેના ગુણના મનનની આગળ ગૌણ થઈ જાય છે. એટલે તેમને વિષે નકારાત્મક પૂર્વાગ્રહ બાંધવાનો અવકાશ જ રહેતો નથી. ગુણોના સતત મનનથી આપણામાં પણ એવા ગુણોનો આવિર્ભાવ થાય છે. માટે સૌને વિષે ગુણગ્રાહક દૃષ્ટિ કેળવીએ.
જીવનમાં જ્યાં જ્યાં નકારાત્મક પૂર્વાગ્રહના ડાઘ પડી ગયા હોય તેને ચકાસીએ, ઓળખીએ અને સવળા પૂર્વાગ્રહ બાંધીએ. મહીં પડેલા પૂર્વાગ્રહરૂપી કચરાને કાઢીએ તો સદાય સુખી રહેવાય. મહારાજ, બાપા, તથા ગુરુવર્ય પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરીએ કે, અમારા જીવનમાંથી નકારાત્મક પૂર્વાગ્રહરૂપી બદબૂ કાઢી સકારાત્મક પૂર્વાગર્હરૂપી ખુશ્બૂ છવાઈ જાય અને સદાય સુખી રહી શકીએ એવી દયા કરો, કરો ને કરો.
પૂર્વાગ્રહની ગાંઠો વધુને વધુ બાંધીને ભારમાં જીવવું કે પૂર્વાગ્રહની ગાંઠો છોડીને હળવાફૂલ હસતાં ને રમતાં જીવન જીવવું… decision is your ??
જીવનમાં ખારા-મોળા પ્રસંગો, વ્યક્તિઓ, સ્થિતિ-પરિસ્થિતિ આવવાની તેમાં ક્યારેક આપણે સ્થિરતા જાળવી નથી શકતા કે દુઃખી થઈ જવાય છે તો આવા સમયે સ્થિરતા જાળવવા શું કરવું ? તે જોઈએ આવતા લેખમાં...