સુખ દુઃખનું મૂળ - સમજણ - 3
June 19, 2016
ત્રીજું – પોતાનું, અન્યનું, સત્તાનું, સંપત્તિનું, આવડત-બુદ્ધિનું કર્તાપણું દુઃખી કરે કારણ કે તે આજે છે ને કાલે ન પણ હોય. એમાં તો દુઃખ જ રહેલું છે. જ્યારે મહારાજના કર્તાપણાનું બળ આપણને હિંમત અને સાહસથી ભરી દે છે. અનંતકોટિ બ્રહ્માંડમાં જે કાંઈ થયું છે અને થશે તે બધું સ્વામિનારાયણ ભગવાનની મરજીથી જ થયું છે અને થાય છે ને થશે એવું મહારાજનું એકમાત્ર કર્તાપણું રહે તો આ લોકની કોઈ વ્યક્તિ, પદાર્થ કે સત્તાનો ભાર ન રહે. નહિ તો સહેજ વિપરીત સંજોગો આવે ત્યારે એકબીજા ઉપર આક્ષેપો મુકાય, અન્યને તેના જવાબદાર ઠેરવાય, નસીબ ઉપર વિશ્વાસ મુકાય કે તેને કારણભૂત ગણાવાય અને મહારાજની નિષ્ઠામાં ફેર પડી જાય. ક્યાંક સત્સંગનો પક્ષ પણ ન રહે અને સત્સંગ પણ વિસરાઈ જાય. માટે એક શ્રીજીમહારાજના કર્તાપણાનું બળ આપણને આંતરિક રીતે બળિયા રાખે છે, આવી પડેલ સ્થિતિ-પરિસ્થિતિને વહન કરવા માટે સક્ષમ કરે છે. વર્તમાનકાળે પણ એવાં ઘણાં પાત્રોનાં દર્શન એસ.એમ.વી.એસ. સત્સંગ સમાજમાં થઈ રહ્યાં છે કે જેઓનાં જીવનમાં વિપરીત સંજોગોમાં પણ મહારાજના કર્તાપણાના બળે પરિસ્થિતિને સહજતાથી વહન કરી શક્યા છે.
ઘનશ્યામનગર વિસ્તારના નિષ્ઠાવાન હરિભક્ત એવા રણછોડભાઈ વેકરીયાના 25 વર્ષના દીકરા ઘનશ્યામભાઈ શૉક લાગવાથી અચાનક ધામમાં ગયા. રણછોડભાઈને ચાર દીકરીઓ ઉપર એકનો એક દિકરો હતો. ઘનશ્યામભાઈનાં પણ લગ્ન થઈ ગયાં તે હજુ થોડો સમય થયો હતો અને આમ અચાનક જુવાનજોધ દિકરો આંખના પલકારામાં ધામમાં ગયો. છતાં આવા પ્રસંગે શ્રીજીમહારાજની મરજીથી જે થયું તેને તેમણે સહર્ષ સ્વીકારી લીધું. કોઈ પ્રકારનું દુઃખ ન લગાડ્યું. મહારાજની મરજી વગર એક સૂકું પાંદડું પણ હલતું નથી તો આ જે કંઈ પ્રસંગ બન્યો છે તેમાં મહારાજનું કર્તાપણું જ છે એવી શ્રીજીમહારાજની કર્તાપણાની સમજણ દૃઢ કરી તેમના પરિવારે ખૂબ બળ રાખ્યું હતું.
એવો જ પ્રસંગ ગાંધીનગરના સેવાભાવી હરિભક્ત એવા હસમુખભાઈ મિસ્ત્રીના જીવનમાં બન્યો. તેમના દીકરા ઘનશ્યામભાઈ પણ એક્સિડન્ટમાં ધામમાં ગયા. તેમને પણ બે દીકરીઓ પર ઘનશ્યામભાઈ એકના એક દીકરા હતા છતાં હસમુખભાઈના મુખની લકીરમાં કોઈ ભાવફેર ન થયો. જે કંઈ થયું છે તેના સંપૂર્ણ કર્તા મહારાજ જ છે એવા બળ સાથે પોતાની સત્સંગ સેવા ચાલુ જ રાખી. તેમનો સત્સંગ પ્રત્યેનો મમત્વભાવ, મહિમા રંચમાત્ર ઓછો ન થયો. બંને પરિવારના સભ્યોની આવી ઉચ્ચ સમજણ જોઈ પ.પૂ. સ્વામીશ્રીએ રાજી થઈ બંને મુક્તોને કાંધ આપી અને સ્વહસ્તે ચાંદલો કરી કૃપાવંત કર્યા હતા.
થોડા જ દિવસો પહેલાં 10મી ડિસેમ્બર 2013ના રોજ આપણા વાસણા વિસ્તારના ઘરધણી કિશોરમુક્ત એવા દક્ષેશભાઈ પટેલના જીવનમાં પણ મહારાજે કસોટી કરી. તેમનાં ધર્મપત્ની દીકરાની શાળાની ફી ભરવા જતા હતા અને અચાનક બસ સાથે એક્સિડન્ટ થતાં ત્યાં ને ત્યાં જ અલ્પ મિનિટોમાં તેઓ ધામમાં ગયા. તેમને 6 વર્ષનો દીકરો અને 10-11 વર્ષની દીકરી એમ બે સંતાનો છે.
અખંડ સેવાના વ્રતધારી એવા દક્ષેશભાઈની સેવાનિષ્ઠા અજોડ હતી અને આજે પણ છે. સમૈયા-ઉત્સવ હોય કે મહોત્સવ હોય પણ તેમની સેવા તો અગ્રેસર જ હોય અન્નકુટની સેવા, પૂનમનું રસોડું હોય કે સત્સંગ સભાની પ્રસાદી બનાવવાની હોય તેમાં રસોડાની સેવામાં તો તેઓની એકધારી સેવા ચાલતી જ હોય. સેવાના વ્યસની એવા દક્ષેશભાઈ સેવા માટે થઈ પોતાના ઘર-પરિવારને, નોકરી-ધંધાને પણ ગૌણ કરી દેતા છતાંય સેવાની સાથે સમાગમ તો ખરો જ. સમાગમે કરી સમજણનાં મૂળ ઊંડાં નાખ્યાં હતાં. તેમના જીવનમાં નિયમ-ધર્મની દૃઢતા, આજ્ઞા-ઉપાસનામા રંચમાત્ર પોલ નહિ એવા ઉત્સાહી-ઉમંગી સદાય મહિમામાં રાચનારા નિર્માની મુકતરાજના જીવનમાં આવા વિપરીત સંજોગો સર્જાયા છતાં તેમની સમજણ અડગ રહી. તેમને રંચમાત્ર સંકલ્પ ન ઊઠ્યો કે આટ-આટલી સેવા કરવા છતાં મહારાજે આમ કેમ કર્યું ? તેમની આવી સમજણની દૃઢતા જોઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો તેમની ઉપર અઢળક રાજીપો વરસ્યો.
આવા વિપરીત સંજોગો આવે કે ધંધા-વ્યવસાયમાં ભારે નુકસાન આવે, વારંવાર ધંધા-વ્યવસાયમાં એક પછી એક નુકસાન આવતું હોય, બધાં પાસાં ઊલટાં જ પડતાં હોય, પોતે નક્કી કરેલી મંજિલ સુધી પહોંચવામાં અનેક અડચણોની હારમાળા સર્જાતી રહેતી હોય, પરિવારના સભ્યોના સ્વભાવ-પ્રકૃતિ આપણી સાથે સેટ ન થતા હોય, આપણું ધાર્યું ન થતું હોય આવા બધા સંજોગોમાં પણ મહારાજના કર્તાપણાની સમજણ દૃઢ કરવી કે મહારાજ જ સંપૂર્ણ કર્તા છે. જો મહારાજના કર્તાપણાની સમજણ ન થાય તો ક્યાંક નકારાત્મક વિચારોમાં જતું રહેવાય. હતાશ-નિરાશ થઈ જવાય. શારીરિક અને માનસિક બીમારીનો ભોગ બનાય. આત્મીયતામાં ખંડન થાય. પ્રગતિ અટકી જાય. સત્સંગનું બળ ઘટી જાય. ક્યારેક મહારાજની નિષ્ઠા પણ ડગી જાય. માટે સદાય સુખિયા અને આનંદમાં રહેવા માટે મહારાજના કર્તાપણાની સમજણ આપણા જીવનમાં લક્ષ્યાર્થ કરીએ.
વિશેષ કરીને મહારાજ કૃપા કરી સત્સંગમાં કે સમાજમાં કોઈ વિશિષ્ટ પદ આપે કે આપણી પ્રતિષ્ઠા વધે અને ચારેબાજુથી માન-સન્માન મળે ત્યારે જો આપણે પદ, પ્રતિષ્ઠા અને માન-સન્માનને પોતાના માની લઈએ તો દેહાભિમાન વધે. અન્ય કોઈની ગણતરી પણ ન રહે પરંતુ આવા સમયે જે કંઈ પદ-પ્રતિષ્ઠા છે તે મહારાજની મને કૃપા કરીને આપેલી પ્રસાદી છે. હું તો નિમિત્તમાત્ર છું. કર્તા તો સ્વયં મહારાજ જ છે અને આ જે કંઈ માન-સન્માન થાય છે તે મહારાજનું થાય છે એવી પરભાવની સમજણ કેળવવી... તો સદાય સુખી રહેવાય.
અવરભાવમાં પદ, પ્રર્તિષ્ઠા મળે તો તરત જ વિચાર કરવો કે મહારાજે કૃપા કરી પદ, પ્રતિષ્ઠા આપી મને એવું જીવન કરવાનો આદેશ આપ્યો છે અને માન-સન્માન જે અપાય છે તે મને એને લાયક બનવા માટની પ્રેરણા આપે છે. મળેલી પદ-પ્રર્તિષ્ઠાથી સાચા ભાવે બને તેટલી સૌની સેવા કરવી એવી ભાવના અને સમજણ કેળવવાની પ્રેરણા આપે છે જેનાથી વ્યવહારમાં અને સત્સંગમાં સુખી રહેવાય.
ચોથી, સત્સંગમાં સૌને વિષે દિવ્યભાવની સમજણ કરવી ફરજિયાત છે. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે કે, “સત્સંગમાં આવ્યા પછી મનુષ્યભાવ જેવું કોઈ દુઃખ નથી અને દિવ્યભાવ જેવું કોઈ સુખ નથી.” મહારાજ, મોટાપુરુષ, સંતો-ભક્તો અને પોતાના સ્વરૂપને વિષે એમ ચારેય સ્વરૂપને વિષે જેટલી દિવ્યભાવની દૃઢતા વિશેષ એટલા વધુ સુખિયા રહેવાય. એમાં પણ મોટાપુરુષને વિશે અને સંતો-ભક્તોને વિષે દિવ્યભાવની સમજણની દૃઢતાથી આપણો ચઢતો ને ચઢતો રંગ રહે છે. અભાવ-અવગુણની ઊંડી ખાઈમાંથી બચી શકાય છે. એકબીજાની આગળ નમી-ખમી શકાય છે. પરભાવની દિવ્ય આત્મીયતાનું સર્જન થાય છે તથા મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ થાય, એમની મરજીમાં રહી શકાય.
આપણા જીવનમાં સમજણનું અંગ જેમ જેમ વધુ દૃઢ થતું જાય તેમ તેમ તેની ફલશ્રુતિ સ્વરૂપે આપણા જીવનમાં આવા અનુભવ થાય :
1. આપણા જીવનમાં સ્થિરતા આવે. સત્સંગમાં ચડાવ-ઉતાર ન આવે. દૈહિક કે ભૌતિક કોઈ સુખ-દુઃખ સ્પર્શી ન શકે.
2. સમાજમાં સૌના વિશ્વસનીય પાત્ર બની શકાય.
3. મહારાજ અને મોટાપુરુષનો અંતરનો રાજીપો સહજમાં મળે.
4. આધ્યાત્મિક માર્ગમાં છેલ્લી સ્થિતિ તરફ ઝડપથી પ્રયાણ કરી શકાય.
સત્સંગના સારરૂપ બાબત એવી સમજણને આપણા જીવનમાં દૃઢ કરવા મહારાજ, બાપા, ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં સમજણની સ્થિતિ દૃઢ થાય અને સત્સંગમાં સદાયને માટે સલામત રહે અને આપને રાજી કરી શકીએ એવી કૃપા કરો... કૃપા કરો... કૃપા કરો.
જીવનમાં સદાય સુખી રહેવા માટે સમજણ કેવી દૃઢ કરવી તે આપણે શીખ્યા... પરંતુ હજુ એક પરિબળ એવું છે કે જે આપણને સુખના સમુદ્રમાં બેઠા થકા પણ અંતરે આગ લગાડે છે. અને દુ:ખિયા કરી દે છે. શું છે એવું ? જેને નિવારવું અતિ આવશ્યક છે. તેને નિહાળીએ આવતા લેખમાળામાં...