સુખ-દુઃખનું મૂળ - સંગ - 2
February 28, 2016
સંગનાં કેવા સારાં-મીઠાં પરિણામો મળે છે તે જોઈએ :
ખરાબ, ઉડાઉ મિત્રોના સંગે બાળકો સ્વચ્છંદી બની જાય છે. જરૂરિયાતો વધુ ન વધુ ઉમેરતાં જાય છે. ‘મારા મિત્ર પાસે મોબાઇલ છે તો મારે પણ જોઈએ.’‘મારા બધા મિત્રો બાઈક લઈને આવે છે તો મારે પણ જોઈએ. તમે બાઈક લાવી આપશો તો જ હું કૉલેજ જઈશ. મારી ઇમ્પ્રેશન શું ?’ માબાપને વેંત ન હોય છતાંય ગમે તેમ કરીને પોતાના બાળકની ઇચ્છાઓ એક પછી એક પૂરી કરતાં જાય. પરંતુ જ્યારે માબાપ પૈસાની ના પાડે ત્યારે ઘરમાં કંકાસ-ઝઘડાનું તનાવભર્યું વાતાવરણ સર્જાઈ જાય છે. ઘરના વડીલ સભ્યોની કેવી વિવેક-મર્યાદા રાખવી તે તો નેવે મુકાઈ જાય છે. ન બોલવાનું ઘણુંબધું બોલાતું હોય છે. “આના કરતાં તો...” આવા અશોભનીય, ઘાતક શબ્દો બોલીશ તો માબાપને, ઘરના અન્ય સભ્યોને હૈયે ઠેસ પહોંચશે, હૈયું ભાંગી પડશે એવા કોઈ જ વિચાર નથી આવતા; પરિણામે પોતે દુઃખી થાય અને સાથે સાથે અનેય સભ્યોને પણ દુઃખી કરે. ‘મારી ઇમ્પ્રેશનનું શું ?’ આ પ્રશ્નની પૂર્તિ કરવામાં, મોજશોખમાં પૈસાના ધુમાડા થઈ જતા હોય છે.
કેટલાંક બાળકો એવાં પણ હોય છે કે જેમના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય અને બે જોડ કપડાંથી ચાલતું હોય તો માબાપ પાસે ત્રીજી જોડ કપડાંની માંગણી પણ ન કરે. પોતે ભણતાં જાય અને ઘરમાં વત્તા-ઓછા પ્રમાણમાં મદદરૂપ થતાં જાય. પોતાના ભણતરનો ખર્ચો પણ પોતે જાતે કાઢતાં હોય ત્યાં જ્યાંત્યાં પૈસા ઉડાડવાની વાત જ ક્યાંથી હોય ? ભવિષ્યનો વિચાર કરીને એક એક ડગ ભરનારી ઘણી વ્યક્તિઓ હોય છે. આવાં પાત્રો સામે દૃષ્ટિ રાખીએ, તેમનો સંગ કરીએ તો આપણા જીવનમાં પણ કરકસરનો મહત્વનો ગુણ આવી જાય. પ.પૂ. સ્વામીશ્રી પણ કહે છે, “તમારી પાસે જે કંઈ ધન-સંપત્તિ-મિલકત છે તે તમારી નથી, મહારાજની જ છે. તમને તો માત્ર વહિવટ માટે નિમિત્ત કર્યા છે. આવું સમજશો તો દરેક જગ્યાએ કરકસર થશે જ.” એક જુની કહેવત છે કે,
“મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ પડી રહે ને, દુઃખમા આગળ હોય.”
સંગ એવી વ્યક્તિનો કરીએ કે જે આપણા સાંસારિક અને આધ્યાત્મિક પ્રશ્નો, મૂંઝવણમાં યોગ્ય માર્ગદર્શન આપે, આપણને નેગેટિવિટીમાંથી બહાર કાઢી પ્રોત્સાહિત કરે, સાચા પથદર્શક બની રહે. જો ખરાબ વ્યક્તિનો સંગ થઈ જાય તો આપણા જીવનના પ્રશ્નો અંગે નિરાકરણ માટેનું માર્ગદર્શન તો ન આપે પરંતુ પ્રશ્નો વધારે. જેને બીજાના ઘરમાં કંકાસ-ઝઘડા કરાવવામાં, કોઈનાં ઘર તોડાવવામાં મઝા આવતી હોય, પોતે લાકડાં લડાવીને સાસુ-વહુ, પતિ-પત્ની, દેરાણી-જેઠાણી વચ્ચે કેવા ઝઘડા કરાવ્યા તેમાં જ પોતાની હોશિયારી માનતા હોય તેવી હીનવૃત્તિવાળાનો સંગ થાય અને તેની વાતમાં આવીને અયોગ્ય માર્ગદર્શન મુજબ અનુસરીએ તો જરૂર આપણે સામે ચાલીને દુઃખ વહોરીશું. માટે એવા સંગથી સાવચેત રહીએ.
અત્યારે પશ્ચિમી સંસ્કૃતિનો વારસો ભારતમાં પ્રવેશી ચૂક્યો છે. શિક્ષણ ક્ષેત્રે કે ધંધા-વ્યવસાય ક્ષેત્રે બધે જ વિજાતિ પાત્રો સાથે રહીને કામ કરાવનો જાણે મેનિયા થઈ ગયો છે. વિજાતિ પાત્રો વચ્ચે કામ કરવાની ના નથી, પરંતુ સાવધાન રહીએ . જો આપણે આપણી સંયમની પાળ ચૂક્યા તો જરૂર આગળ વિઘ્ન આવશે જેથી આપણા ચારિત્ર્ય પર કંલક લાગે. આ ખરાબ સંગની અગનજાળમાં આપણે પોતે તો દાઝીએ છીએ પરંતુ સાથે સાથે પરિવારના સભ્યોને પણ તની વેદના ભોગવવી પડતી હોય છે.
અમેરિકાના જર્સી સિટીમાં બનેલી એક સત્ય ઘટના વિજાતિ મિત્રોના કુસંગથી ભોગવવા પડતા પરિણામનું નિદર્શન કરે છે. એક બત્રીસ-પાંત્રીસ વર્ષના સંસ્કારી યુવાન ભાઈ લગ્ન પછી અમેરિકા ગયા. તેઓ, તેમનાં ધર્મપત્ની અને તેમનાં બે બાળકો એમ ચાર સભ્યોનો પરિવાર આનંદથી જીવન જીવતાં હતાં. આ યુવાન પોતે સંગીતકાર હતા. એમને હાર્મોનિયમ વગાડતાં ખૂબ સરસ આવડતું.
એક વખત પાંચ-સાત મિત્રોએ ભેગા થઈને આ યુવાનને કહ્યું કે, “અરે મિત્ર, તને આટલું સરસ વગાડતાં આવડે છે માટે જો તું અમને મદદ કરે તો આપણા વિસ્તારમાં ભારતીય ઉત્સવ ઉપક્રમે પાર્ટીમાં રાસનું આયોજન કરીએ.” આ યુવાને પહેલાં તો ના પાડી,પરંતુ મિત્રોએ ખૂબ આગ્રહ કર્યો તેથી મહોબતમાં લેવાઈ ગયા અને પાર્ટીમાં જવા તૈયાર થયા. તેમનાં પત્નીએ ના પાડી કે, “આ વિદેશની ભૂમિ પર ખૂબ વિષયાસક્ત વાતાવરણ હોય, આવું આપણને ન શોભે માટે ન જાવ.” પણ આ ભાઈને રોજ માન-સન્માન, હાર-તોરા અને રૂપિયા મળે, વાહ વાહ થાય એટલે ગયા વગર રહી ન શકે.
આમ, એક વર્ષ પૂરું થયું. બીજા વર્ષે ફરી જવાનું ચાલું કર્યું. આ યુવાન પોતે સંગીત વગાડે અને સામે ગાનાર પરિણીત યુવતી કે જેને બે સંતાનો હતાં – આ બંને રોજ સાથે ગાય અને વગાડે. એમા બંને વચ્ચે અવળા સંબંધો બંધાયા. જ્યારે વિચારનો ચિરાગ બુઝાઈ જાય ત્યારે આચાર આંધળો બની જાય તેમ ન બનવાનું બની ગયું. છેવટે એવી પરિસ્થિતિ સર્જાઈ કે એક તરફ બે બાળકો બાપ વગરનાં બની ગયાં અને બીજી તરફ બે બાળકો મા વગરનાં થઈ ગયાં. ચારેય બાળકો રખડી પડ્યાં. એકમાત્ર વિજાતિ મિત્રના સંગના પરિણામે.
શ્રીજીમહારાજે પણ શિક્ષાપત્રીના 28મા શ્લોકમાં આવો સંગ ન કરવાની આજ્ઞા કરતાં કહ્યું છે કે, “અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અન રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય, તે મનુષ્યનો સમાગમ ન કરવો.”
દૂધ જેવું પવિત્ર જીવન હોય પણ જો માત્ર કુસંગરૂપી છાશનું એક ટીપું પડી જાય તોય દૂધના સ્વરૂપને બદલી નાખે; દહીં બનાવી દે. એટલે કે જો કોઈ ખરાબ વ્યસનીનો સંગ થાય તો આપણને વ્યસની બનાવી દે.
ચોરના સંગથી પણ આબરૂને ઘસારો લાગે, શંકાસ્પદ વ્યક્તિ તરીકેની ગણતરી થવા લાગે. જો પોલીસના હાથે પકડાઈ જવાય તો મેથીપાક પણ મળે અને જેલના સળિયા પણ ગણવા પડે. અને જો સજ્જની સોબત કરીએ તો સારા ગુણ આવે, સમાજમાં આબરૂ વધે.
વડતાલના જોબનપગી એટલે મહાન લુંટારા. તેઓ નાનપણમાં સંસ્કારી માબાપના દીકરા હતા. માબાપ તેમને નાની ઉંમરે મૂકી ધામમાં જતા રહ્યા. આ જોબનને ગામના કુસંગી નારણગીરી બાવાનો સંગ થયો. અને આ કુસંગના સંગે તેમનામાં ચોરી, લૂંટફાટ, શિકાર જેવાં વ્યસન ઘર કરી ગયાં. આથી તેઓ મહાન લૂંટારા બની ગયા. પછી તો સમય જતાં જોબનપગીને ભગવાન સ્વામિનારાયણનો ભેટો થયો. મહારાજનો ભેટો થતાં જ જોબનપગી લૂંટારામાંથી જોબનભગત બની ગયા. હાથમાં શસ્ત્ર, સરંજામ, હથિયારને બદલે માળા આવી ગઈ. જોબનપગીમાં કુસંગના યોગે અનેક કુસંસ્કારો ઘર કરી ગયા હતા પરંતુ તેઓ જ્યારે ભગવાન સ્વામિનારાયણ અને સંતોના સંગમાં આવ્યા ત્યારે તેમના કુસંસ્કારો, ભગવાનસંબંધી દિવ્ય સંસ્કારોમાં પરિવર્તિત થઈ ગયા. જેમ જોબનપગીના જીવનમાં નારણગીરી બાવારૂપી કુસંગે તબાહી મચાવી દીધી તેમ આપણા જીવનમાં વ્યસની કે અન્ય ખરાબ મિત્રોની સોબત થઈ જાય તો જીવન ખુવાર કરી નાખે. ક્યાંક એવા મિત્રોને લીધે આપણને ધંધામાં નુકસાન પણ થતું હોય છે. કોઈ પ્રતિસ્પર્ધી કે અન્યના ખોટા માર્ગદર્શનમાં દોરવાઈ જવાય તો ભાગીદાર-ભાગીદાર વચ્ચેનાં મન જુદાં પડી જાય. એકબીજા પરથી વિશ્વાસ ઊઠી જાય છે અને એકબીજાને શંકાની દૃષ્ટિએ જોવાય છે.. એમાંથી અંદરોઅંદર છળકપટ થાય, ખોટા ખર્ચા બતાવાય એવી છૂપી ભાવનાઓ જન્મે છે. પરિણામે તેની માઠી અસર ધંધા પર પડે અને ભાગીદારી પેઢી ભાંગી પડે તેવી પરિસ્થિતિનું સર્જન પણ થઈ શકે છે અને તેનું દુઃખ સહન કરવું પડે છે.
જેમ સાંસારિક જીવનમાં ક્યાંક ખરાબ કુસંગ દુઃખનું મૂળ બની જાય છે તેમ અધ્યાત્મમાર્ગમાં પણ બહુ મોટો કુસંગ આપણી આધ્યાત્મિક પ્રગતિને રૂંધી નાખીને દુઃખ ઉપજાવે છે. તેવો મહાકુસંગ એટલે જ અભાવ-અવગુણ-અમહિમા.
જેમ કોઈ સારું પુસ્તક હોય પરંતુ જો તેને ઊધઈનો સંગ થાય તો પુસ્તકેને નકામું કરી નાખે તેમ સત્સંગમાં કોઈ અભાવ-અવગુણની વાત કરે, ઢીલી વાત કરે તેવાનો સંગ કરીએ તો આપણે સત્સંગમા ઊધઈના સંગવાળા પુસ્તક જેવા નકામા બની જઈએ. સત્સંગમાંથી પાછા પડી જઈએ અને માંહીથી ખોખલા બની જઈએ.
ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે, “એક તો કોઈ ઉપાયે સત્સંગમાં રહે તેવા ન હોય ને જો સારાનો સંગ થઈ જાય તો ટકી જાય ને સારો પણ થઈ જાય અને એક તો સત્સંગમાંથી કોઈ દિવસ જાય એવો ન હોય પણ નબળાનો સંગ થાય ને તેના શબ્દોની અસર થાય તો સત્સંગમાંથી ક્યારે વહ્યો જાય તે કહી શકાય નહીં. માટે સંગ તો ઉત્તમનો જ કરવો, પણ ઊતરતાનો ક્યારેય ન કરવો.”
આપણાથી ચડિયાતાનો સંગ કરીશું તો ક્યારેક આપણે ઢીલા પડી ગયા હોઈશું તો મહિમાસભર કરી દેશે; મોટાપુરુષથી આપણને નિકટ લાવશે.
આટલું બધું સંગનું મહત્ત્વ છે ત્યારે સંગ કરવામાં સાવધાની રાખવા શું કરવું ? તો, કોઈનો સંગ કરતા પહેલાં આટલી તપાસ કરીને પછી સંગ કરીએ.
(1) એની નિકટના સભ્યોમાં તેમની છાપ-મુલવણી કેવી છે ? :
‘દૂરથી ડુંગર રળિયામણા.’ મોટા સમૂહની વચ્ચે તો દરેક વ્યક્તિ સારા દેખાવા પ્રયત્ન કરે જ, પરંતુ તેની સાચી મુલવણી તો નિકટ વર્ગ જ કરી શકે. માટે સંગ કરતા પહેલાં એમની નિકટના સભ્યોમાં તેમની છાપ-મુલવણી કેવી છે તે તપાસવું.
(2) એને કેવા વ્યક્તિઓનો સંગ છે :
માણસની પરખ તે કેવા વ્યક્તિઓના સંગમાં રહે છે તેના પરથી થઈ જાય. એટલે જ કહ્યું છે કે, “A man is known by the company he keeps.” માણસ તેના સંગ પરથી જ ઓળખાય છે.
સજ્જન વ્યક્તિને સજ્જન વ્યક્તિ સાથે જ બને. પાનના ગલ્લે કોઈ વ્યક્તિ ઊભી હોય તો ભલે તે વ્યસની ન હોય તોપણ તેની ગણના ત્યાં ઊભેલા સાથે જ થાય છે. કદાચ એનામાં આજે એ દૂષણ નથી તો કાલે પેસે જ. કારણ, એવી વ્યક્તિઓનો એને સંગ છે. માટે સંગ કરતા પહેલાં અવશ્ય જોવું કે એ વ્યક્તિને કોનો સંગ છે ?
(3) એનું પોતાનું જીવન કેવું છે ?
વ્યક્તિ ઓળખાય છે એનાં વાણી, વર્તન અને વિચારથી. વળી, વ્યક્તિની વિચારધારા કેવી છે તેનો ખ્યાલ તેમને કેવું વાંચન ગમે છે, કેવું વાતાવરણ, કેવો સંગ ગમે છે તેના પરથી આવી જાય. ઉચ્ચ વિચારધારા ધરાવતી વ્યક્તિનું જીવન જોઈને સંગ કરવો.
(4) એના જીવન સાથે આપણા પોતાના જીવનની સરખામણી કરીને જોવું કે એ ચડિયાતો છે ? :
બધું જ જોયા પછી જેનો સંગ કરવો છે તે મારા કરતાં ચડિયાતો છે ? એવો પ્રશ્ન પોતાની જાતને પૂછવો. જો જવાબ ‘હા’ મળતો હોય તો કઈ કઈ બાબતે મારા કરતાં ચડિયાતો છે ? મારે એનામાંથી શું શું ગ્રાહ્ય કરી શકાય તેવું છે તે તરફ જ દૃષ્ટિ રાખીને સંગ કરવો.
(5) સત્સંગના આગ્રહી કેવા છે ? :
સત્સંગના માર્ગે આપણે ચડતો ને ચડતો રંગ રાખવો હોય તો નિરંતર મહારાજ અને મોટાપુરુષના રાજીપા સામે દૃષ્ટિ રાખવી પડશે. સાથે સાથે એવા રાજીપાના આગ્રહી હોય તેનો જ હંમેશાં સંગ કરવો જોઈએ. તો જ આપણી સતસંગના માર્ગે પ્રગતિ શક્ય છે. જો ઢીલી વાત, મોળી વાત કરનારની વાત સંભળાશે તો પછી સત્સંગમાંથી પાછા પડાશે. માટે સંગ કરનારનો સત્સંગનો આગ્રહ કેવો છે તે જોયા પછી જ સંગ કરવો.
એક મહત્વનું ચિંતનીય વાક્ય આપણા જીવનમાં મનન કરી દૃઢ કરીએ, “સંગ માટે આપણી પસંદગી કેવી વ્યક્તિની છે એ જ આપણી પાત્રતા, આપણા ચારિત્ર્યનું દર્શન છે; એ જ આપણી ભાવિ પ્રગતિનો અરીસો છે.”
અંતમાં મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, સમર્થ સદગુરુઓ, ગુરુવર્ય પ.પૂ. બાપજીના દિવ્ય ચરણકમળમાં પ્રાર્થના...
“કે’દી કુસંગનો સંગ મા દેજ્યો,
અધર્મ થકી ઉગારી લેજ્યો...”
હવે, જીવનને ઉન્નતમાર્ગે લઈ જવું છે ત્યારે કેવો સંગ કર્યો છે ને હવે કેવો કરવો તે Decision is your…
હવે વિચાર, વાણી, વર્તન અને સંગ ને Positive કર્યા પછી તો સદાય સુખી ને...?? હા... સુખી જ પણ હજુ એક નાનકડી તિરાડ પૂરવી રહી જાય છે. શું છે આ તિરાડ ને તેને પૂરવા શું કરવું ?? તેના ઉપાય સાથે મળશું આવતી લેખમાળામાં...