સુખ-દુઃખનું મૂળ - સ્વીકૃતિ - 1

  April 5, 2016

પ્રભુ-ઇચ્છાથી બાળકનો જન્મ થાય છે. બાળક જન્મે છે ત્યારથી દેહના અંત સુધી એ દરેક વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સ્થાન પરિસ્થિતિ અને સંજોગોનો સ્વીકાર કર્યા કરે છે. જન્મ બાદ બાળકને આ તારી માતા, આ તારા પિતા, આ તારું ઘર, આ તારા શિક્ષક; તો વળી, ઉંમરની યોગ્યતા મુજબ તેને આ તારો ધંધો, આ તારી પત્ની, આ તારી જવાબદારી આદિ ઘણી બાબતોની વિવિધ માધ્યમો દ્વારા તેને સ્વીકૃતિ કરાવવામાં આવે છે. જેનો ઉલ્લેખ કરતાં શ્રીજીમહારાજ પ્રથમના 70મા વચનામૃતમાં જણાવે છે કે, “આ આપણ છીએ તે જે દિવસથી સમજણા થયા ને માબાપની ઓળખાણ પડી તે દિવસથી માબાપે નિશ્ચય કરાવ્યો જે, આ તારી મા ને આ તારો બાપ ને આ તારો કાકો ને આ તારો ભાઈ ને આ તારો મામો ને આ તારી બોન ને આ તારી મામી ને આ તારી કાકી ને આ તારી માસી ને આ તારી ભેંસ ને આ તારી ગાય ને આ તારો ઘોડો ને આ તારું લૂગડું ને આ તારું ઘર.” આમ, સમગ્ર મનુષ્યજીવન તથા તમામ પારસ્પરિક વ્યવહારો સ્વીકૃતિના આધારસ્તંભ ઉપર ઊભા હોય છે.

સ્વીકૃતિનો સામાન્ય અર્થ થાય છે ‘સ્વીકાર.’ કોઈ પણ વસ્તુ, પદાર્થ, વ્યક્તિના ગુણ-દોષ જોવા છતાં તેનો સંશય રહિત થઈને સ્વીકાર એટલે જ સ્વીકૃતિ. શાળાએ જતાં બાળકને શિક્ષક એકડો ઘૂંટાવે અને કહે છે કે, “આને એકડો કહેવાય” તો તરત સંશય રહિત સ્વીકૃતિ થઈ જાય છે કે એકડો આમ જ લખાય. પૃથ્વી ગોળ છે એવું જોયું નથી છતાંય સ્વીકારી લીધું કે પૃથ્વી ગોળ જ છે. આમ, બીજા અર્થમાં કહીએ તો કોઈ પણ બાબતનો જીવસત્તાએ સહર્ષ સ્વીકાર એનું નામ જ સ્વીકૃતિ.

આપણને આપણા નામની નાનપણથી જ કેવી ગાંઠ વળી ગઈ છે ! ઊંઘમાંય જો કોઈ આપણા નામની બૂમ પાડે તો તરત સંભળાય. બીજાનું નામ એટલું જલ્દી ન સંભળાય. કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય અને જો આપણું નામ આવે તો તરત કાન તે વાત સાંભળવા સરવા થઈ જાય છે કે મારું નામ કેમ આવ્યું ?? જરૂર મારી કંઈક વાત કરી રહ્યા છે. ટૂંકમાં, આવી સ્વીકૃતિ એટલે નિશ્ચયાત્મક બળે ગાંઠ વળવી – ‘આમ એટલે આમ જ.’

શ્રીજીમહારાજે ગઢડા મધ્યના 14મા વચનામૃતમાં પણ નિશ્ચયાત્મક બળની ગાંઠ કેવી વાળવી તે સરળ દૃષ્ટાંત દ્વારા સમજાવ્યું છે કે, “જેમ આ લીમડાનું વૃક્ષ એક વાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે, આ લીમડો હશે કે નહિ હોય ?” આવી જડ પ્રકૃતિ બાબતની આપણને સ્હેજે નિશ્ચયાત્મક બળે ગાંઠ વાળીને સ્વીકાર થઈ ગયો છે પરંતુ વ્યક્તિનો સ્વીકાર કરવો જ અઘરો પડે છે.

વ્યક્તિની સ્વીકૃતિ અર્થાત્ સ્વીકાર બે પ્રકારે થતો હોય છે : (1) બહારથી સ્વીકાર (2) અંદરથી સ્વીકાર

વ્યક્તિનો બહારથી સ્વીકાર થવા માટેનાં કેટલાંક પરિબળો છે.

મજૂર વર્ગનો સુપરવાઈઝરની સ્વીકૃતિ હોય પરંતુ એ વ્યક્તિ સુપરવાઈઝરની સત્તા છોડી દે અથવા તો સત્તા મુકાવવામાં આવે તો તે વ્યક્તિની સ્વીકૃતિ થતી નથી. આવું આ એક જ બાબતમાં નહિ, દરેક ક્ષેત્રે કંપનીઓમાં કે પછી સંસ્થામાં સત્તાને આધીન વ્યક્તિની બહારથી સ્વીકૃતિ થાય છે જે કાયમી ન ટકે. સત્તા જતાં સ્વીકૃતિ પણ જતી રહે છે. તેવી જ રીતે કોઈની આગવી સૂઝ-આવડતનો ઉપયોગ કોઈ કાર્યસિદ્ધિ માટે જ થાય તો તે કાર્ય પૂર્ણ થતાં જે તે વ્યક્તિ પ્રત્યેનો સ્વાર્થ પૂર્ણ થાય છે. આમ, સ્વાર્થને આધીન સ્વીકૃતિ પણ લાંબો સમય ન ટકે. કોઈની બીકે કરીને કોઈ લાદેલા નિયમોનો પરાણે સ્વીકાર કરવો પડે તો તે નિયમોની સ્વીકૃતિ લાંબો સમય ન ટકે સંસ્થા, સ્થળ, દેશ બદલાતાં પણ નિયમોની સ્વીકૃતિ છૂટીને નવા નિયમોની સ્વીકૃતિ કરવી પડે છે.

અણધારી પરિસ્થિતિ કે સંજોગ આવીને ઊભાં રહે ત્યારે પણ મને-કમને તેનો સ્વીકાર કરવો પડે છે. જેમ કે, ભણતરની ડિગ્રી મુજબ સારી નોકરી ન મળે ત્યાં સુધી કામચલાઉ નોકરી જે મળે તે કરવી જ જોઈએ. પછી સારા પગારની નોકરી મળે તો તરત પહેલાંની નોકરી છોડી દઈએ. આમ, સમય-સંજોગને આધીન બહારથી તેની સ્વીકૃતિ થાય પરંતુ સારા સંજોગ આવતાં નબળા સંજોગને છોડી દઈએ છીએ. આમ, બહારથી થયેલી કોઈ પણ વ્યક્તિ, સંજોગની સ્વીકૃતિ કાયમી નથી રહેતી; માત્ર ઔપચારિક સ્વીકૃતિ છે.

જ્યારે ગુણ, વર્તન, આદર, મોટપ, વ્યક્તિત્વથી જે વ્યક્તિની સ્વીકૃતિ થાય છે તે અંદરની સ્વીકૃતિ છે. અને તે જ સાચી સ્વીકૃતિ છે. વળી, તે જ લાંબો સમય ટકે છે.

સમૂહજીવન અને સાંસારિક જીવનમાં વ્યક્તિ એકબીજા સાથે કોઈ ને કોઈ સંબંધોના તાંતણે ગૂંથાયેલા છે. જેમ કે, વાલી-બાળક, પતિ-પત્ની, શિક્ષક-વિદ્યાર્થી, શેઠ-નોકર, ગુરુ-શિષ્ય આવા કોઈ પણ સંબંધ સંપૂર્ણતઃ અંદરથી સ્વીકાર માંગે છે.

સામાન્ય રીતે આપણને દૂરના અજાણ્યા સભ્યોની સ્વીકૃતિ જલ્દી અને સહજ થતી હોય છે. કારણ કે ત્યાં વધુ સમય તેમની જોડે રહેવાનું નથી થતું. જ્યારે આપણાં ઘર-પરિવારના સભ્યોની સ્વીકૃતિ અંદરથી નથી થતી કારણ કે તેમની સાથે વધુ સમય વિતાવવાનો હોય છે. એકબીજા પાસેથી કામ લેવાનું હોય છે. આથી એકબીજાના ગુણ તેમજ ક્ષતિ-ત્રુટિઓ જોવાય છે. આ ક્ષતિ-ત્રુટિ જોવાની ટેવ સંબંધોમાં સંઘર્ષ અને અશાંતિ ઊભાં કરે છે.

સંબંધોની મધુરતા જળવાઈ રહે તે માટે ‘જેવું છે તેવું તોય સોનાનું’ તેવો અંદરથી સ્વીકાર કરવો ખૂબ જ જરૂરી છે. ‘તુંડે તુંડે મતિ ર્ભિન્ના.’ માટે દરેકના મત જુદા જુદા રહેવાના, દરેકના સ્વભાવ, રીત-રસમ, વિચારસરણીમાં રહેલી ભિન્નતાની વચ્ચે તેમનો સ્વીકાર અંદરથી થશે તો જ આપણા મનમાં તેમના પ્રત્યે કોઈ ફરિયાદ ઊભી નહિ થાય. ઊલટાની બીજાની કમજોરીઓ પ્રત્યે પણ સ્વીકારભાવની લાગણી ઊભી થશે. એક કાવ્યપંક્તિમાં લખ્યું છે કે,

“ફૂલોની સાથે દોસ્તી બાંધી છે ત્યારથી;

કાંટાઓ મને ગમવા લાગ્યા છે.”

સાંસારિક કે સમૂહજીવનને જો સુંગધથી મહેકતું કરવું હશે તો ગુણોરૂપી ફૂલોની સાથે સાથે બીજામાં રહેલી અન્ય કસર-કમજોરીરૂપી કાંટાનો પણ સ્વીકાર કરવો જ રહ્યો. સ્વીકારવાની ભાવના એ એક સહનશીલતા છે. જ્યાં સ્વીકાર થાય ત્યાં કેવળ ‘હશે હશે’ ની ભાવના રહેશે. કેવળ ક્ષમાને જ સ્થાન હોય, ઉપેક્ષાને નહીં. જીવનમાં દરેકને સ્વીકારવાની ભાવના આવશે તો અન્યના દોષ જોવા છતાં તે દોષનો ડાઘ ભીતરમાં નહિ લાગે. દોષ દેખાવા છતાં પણ તેમનો સ્વીકાર થઈ શકશે.

આપણા જીવનમાં કેટલીક સ્વીકૃતિ કરવી ફરજિયાત જરૂરી છે. જેમ કે,

(1) આપણે પોતે વાસ્તવિક્તાએ જેવા છીએ અને જે છીએ તેની તથા જેટલામાં છીએ (આપણી ક્ષમતા) તેની સ્વીકૃતિ :

કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક વત્તા-ઓછા પ્રમાણમાં ગુણ અને દોષ બંને હોય છે. કોઈ વ્યક્તિ એક કાર્યમાં નિપુણ હોય તો બીજા કાર્યમાં નિપુણ ન પણ હોય. દરેક બાબતમાં પ્રત્યેક વ્યક્તિની સક્ષમતા અને નિપુણતા હોય એ શક્ય નથી. ભલે પછી તે ભણવાની બાબત હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય. વ્યક્તિ પોતાનાં રસ, રુચિ, અનુભવ, સ્વભાવ, પરિસ્થિતિને અનુરૂપ તેમાં આગળ વધતી હોય છે.

 આપણા સ્વજીવન તરફ દૃષ્ટિપાત કરી વિચાર કરીએ કે, આપણા જીવનમાં કઈ કઈ બાબતમાં આપણે નિપુણ છીએ અને ક્યાં ક્યાં આપણે ઊણા ઊતરીએ છીએ, સફળ નથી થઈ શકતા. આપણામાં રહેલા ગુણોનો તો સાહજિક સ્વીકાર આપણને થતો જ હોય છે. પરંતુ આપણામા રહેલા દોષોનો, કસરોનો અને ઊણપોનો સ્વીકાર કરવો એ જ અઘરું છે. આપણો દોષોનો આપણે જાતે જ સ્વીકાર કરીશું. તો તેને ટાળવા માટેનો વિશેષ પ્રયત્ન થશે. કારણ, આપણા દોષથી થતા નુકસાનનો ખ્યાલ આવે કે મને આ દોષથી આવું દુઃખ આવશે તો તેને ટાળવા અઘરા નહિ પડે. પરંતુ તેના માટે તેનો વાસ્તવિક્તાએ સ્વીકાર કરવો બહુ મહત્વની વાત છે. જો આપણે આપણા દોષ અને ત્રુટિનો સ્વીકાર નહિ કરીએ તો આપણા દોષને દાબવા અને વ્યક્તિત્વને ખરેખર તેથી વધુ પડતું ઉપસાવવા માટે યુક્તિ-પ્રયુક્તિ થશે, ખોટું બોલાશે, દંભ થશે અને કેટલાક ખોટાં અનિષ્ટો આપણાં જીવમાં પ્રવેશી જશે તેનો ખ્યાલ પણ ન રહે જેમાં આપણાં સમય, શક્તિ, આવડત, બુદ્ધિનો ખોટો વ્યય થાય છે. પરિણામે વાસ્તવિક્તાએ આપણે આપણો સ્વવિકાસ નથી કરી શકતા. અન્ય લોકો આપણને કેવી રીતે સ્વીકારે છે એના કરતાં હું મારી જાતને કેવી રીતે સ્વીકારું છું એ અતિ મહત્વનું છે. ઉપરોક્ત બાબતની સ્વીકૃતિ ન હોવાના કારણે આપણે ધ્યેયપ્રાપ્તિ અને સફળતા સિદ્ધ કરવા માટે જે કાર્યો આરંભીએ છીએ તેમાં અંતે આપણને નિષ્ફળતા અને દુઃખ ઊભાં થાય છે. વળી, એને પચાવવાની પણ ક્ષમતા ન હોવાથી આપણે હતાશ, નિરાશ, ઉદાસ થઈ ભાંગી પડીએ છીએ. પરંતુ તેના કરતાં આપણી સ્વની વાસ્તવિક્તાનો સ્વીકાર કરવામાં જ શાણપણ છે.

 

સ્વીકૃતિ વિષે તો જાણ્યું પણ આપણા રોજિંદા જીવનમાં કયા કયા પ્રકારની કેવી કેવી સ્વીકૃતિ કઈ રીતે રાખવી ? તેની વિશેષ માહિતી સાથે મળીશું આવતા અંકે...