સુખ-દુઃખનું મૂળ - સ્વીકૃતિ - 2

  April 12, 2016

(2) અન્યની સર્વે રીતે સ્વીકૃતિ :

મહારાજે જેમ પ્રકૃતિમાં વિવિધ રંગો ભર્યા છે તેમ માનવસૃષ્ટિમાં પણ મહારાજે વિવિધતા બક્ષી છે. જેમ કે, દરેકના રૂપ, રંગ, સ્વભાવ, રસ, રુચિ, રીત-રસમ જુદાં હોય છે. માટે એ દરેકનો એકસમાન દૃષ્ટિએ સહર્ષ સ્વીકાર થાય તો જ સાંસારિક કે સમૂહજીવન સુખમય નીવડે. ચપ્પુ સોનાનું હોય કે લોઢાનું હોય પણ શાક સમારતાં એ વાગે અને લોહી કાઢે તો શું તેને ફેંકી દેવાનું હોય ? ના. તેને સ્વચ્છ કરી ફરી ઉપયોગ કરતાં વાગી ન જાય તેનું ધ્યાન રાખવાનું. તેમ આપણાથી નાના હોય કે મોટા હોય તેમના સ્વભાવ અલગ અલગ હોય, તેમનાં રસ-રુચિ પણ અલગ અલગ હોય, તેમની કાર્યપદ્ધતિ પણ જુદી જુદી હોય. એનાથી ક્યાંક અડચણ ઊભી થઈ કે મુશ્કેલી સર્જાય તો તેને સ્વીકારી દૂર કરવાની અથવા તો આપણે એ મુશ્કેલીના સર્જનનું મૂળ બની જતા હોઈએ તો આપણે દૂર થઈ જવું. એના માટે સાવધાની રાખવાની. જેમ શાક સમારતાં ચપ્પુ વાગ્યું તેમાં શું ચપ્પાનો વાંક છે ? ના, એ તો આપણે ધ્યાન ન રાખ્યું. તેમ સમૂહજીવનમાં અન્યની સાથે કામ લેવામાં, સમજવામાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો પહેલાં વિચારવું કે આમાં મારો શું વાંક છે ? તો તરત જ સામેનાનો દોષ નહિ દેખાય અને તેમનો સ્વીકાર થશે.

ઘર-પરિવારમાં કે સત્સંગમાં આપણાં સ્વભાવ, રીત-ભાત, રસ-રુચિ બાબતે કોઈ વડીલ કે ઉંમરમાં નાના હોવા છતાં અનુભવી કોઈ રોકટોક કરે ત્યારે વિચારવું કે મારા કરતાં તેમની પાસે વધુ અનુભવ છે. તે જે કહે છે તે યોગ્ય જ છે. કદાચ મારી દૃષ્ટિ પહોંચતી નથી. આવું મનાશે તો નાના-મોટાને આદરભાવ, પૂજ્યભાવથી સ્વીકારી શકાશે. તેમની સર્વે આજ્ઞાનું પાલન તો જ થાય. તેમની રોકટોક, કચકચ નહિ, પરંતુ ઘડતર માટેના મીઠા બે બોલ વાગશે. તેવી જ રીતે ‘જેવા છે તેવા તોય મારા છે’ આવી દૃષ્ટિ કેળવાશે તો ઘરના વડીલ સભ્યો છે તે અન્ય સભ્યોને પ્રેમ, હૂંફ આપી શકશે. તેમની લાગણીને સમજી શકશે. ‘મોટાનું પેટ મોટું હોય’ એ ન્યાયે નાનાની ભૂલોની ગાંઠ ન વાળતાં મોટું મન રાખીને ભૂલી જશે. પોતાના અનુભવના તારણ રૂપે પ્રશ્નોનું સોલ્યુશન આપી સાચો રાહ ચીંધશે.

(3) સ્થિતિ-પરિસ્થિતિ અને સમય-સંજોગની સ્વીકૃતિ :

સમય નદીના વહેણની જેમ વહે છે. નદીનું વહેણ ક્યાંક ઉન્મત્ત બનીને ઊછળકૂદ કરતું વહે છે તો ક્યાંક શાંત પ્રવાહમાં વહે છે. તેવી જ રીતે આપણા જીવનના સમયચક્રમાં ક્યાંક સ્થિતિ-પરિસ્થિતિમાં ચઢાવ-ઉતાર આવ્યા જ કરતા હોય છે. ક્યારેક સુખની છોળ્યો વચ્ચે રહેવાનું મળે તો ક્યાંક કપરી પરિસ્થિતિમાંથી પણ પસાર થવું પડે.

આકસ્મિક સંજોગો જેવા કે, વાહન-અકસ્માત થાય, નાની વયે કોઈ ધામમાં જાય, પૂરમાં બધું તણાઈ જાય, ચોરીમાં લૂંટાઈ જાય, આગમાં બધી મિલકત નષ્ટ થઈ જાય કે ભૂંકપ, સુનામી જેવા પ્રભુનિર્મિત સમય-સંજોગ સર્જાય તેની સ્વીકૃતિ હસતા મુખે કરીએ તો સમય-સંજોગ જીવનમાં સાહસ અને હિંમત હોવા ખેડવા માટેનાં મેદાન બની રહેશે.

26 જાન્યુઆરી, 2001ના દિવસે સમગ્ર ગુજરાતમાં ભૂકંપનો જબરજસ્ત આંચકો આવ્યો જેનું કેન્દ્રસ્થાન બન્યું કચ્છનું ભચાઉ શહેર. ભૂકંપથી સર્જાયેલી જાનહાનિ અને માલહાનિ સૌના હૈયાને હચમચાવી દે તેવી હતી. રાજુ નામનો ધોરણ-9માં ભણતો બાળક આ કુદરતી હોનારતનો ભોગ બન્યો. કડડભૂસ કરતી તૂટી પડેલી એક બિલ્ડિંગના કાટમાળ નીચે તે દબાઈ ગયેલો. સંરક્ષણ વિભાગે મહા મહેનતે તેને બચાવી લીધો. પરંતુ તેનો જમણો હાથ કાટમાળમાં એવો ફસાઈ ગયેલો કે બહાર નીકળે તેવી કોઈ શક્યતા જ નહોતી. આ બાજુ રાજુને અસહ્ય પીડા થાય. નિયત સમયમાં તાત્કાલિક સારવાર આપવી અનિાવર્ય હતી. આ સંજોગોમાં રાજુ પાસે પોતાનું જીવન બચાવવા માટે એક જ વિકલ્પ હતો. હાથ કાપી નાખવા દેવો. જો હાથ કાપી નાખે તો જે હાથે સુંદર ચિત્રો દોરતો હતો તે હાથ ગુમાવવાની સાથે સાથે તેની ચિત્રકલા પણ જતી રહે. આવી વિકટ પરિસ્થિતિમાં રાજુ ન હાર્યો. પડકારને ઝીલ્યો અને પ્રભુએ ઊભી કરેલી પરિસ્થિતિને સ્વીકારતાં કહ્યું, “તમે મારો હાથ કાપી નાંખો પણ મને બચાવો. હું મારી નવી જિંદગી બનાવીશ. હું ડાબા હાથે ચિત્રકલાનો પ્રારંભ કરીશ.” સંરક્ષણ ખાતાના કર્મચારીઓએ કઠણ કાળજે રાજુનો હાથ કાપીને કાટમાળમાંથી બહાર કાઢ્યો. રાજુને નવું જીવનદાન મળ્યું. રાજુએ થોડા જ દિવસોમાં સાજા થતાં ડાબા હાથે ચિત્રો દોરવાનું ચાલુ કરી દીધું.

આ બધું જ શક્ય બન્યું તેની પાછળનું કારણ એક જ હતું કે, રાજુએ અણધારી પરિસ્થિતિનો સ્વીકાર હસતાં મુખે કર્યો. આપણે પણ આપણા જીવનમાં દૃઢાવ કરીએ કે, જે કાંઈ થઈ ગયું છે તે થઈ જ ગયું છે તેની પાછળ કલ્પાંત કરીને કે દુઃખી થીને હિંમત ન હારીએ. ‘જેવી મારા મહારાજની મરજી’ એ વિચારથી-હરિબળથી આગળ વધવું.

(1) દૈહિક સુખ-દુઃખ :

થાળમાં ધરાયેલી વસ્તુ મહારાજને ધરાવ્યા પછી પ્રસાદી થઈ જાય. ભલે પછી તે ગળ્યાં ગુલાબજાંબુ હોય કે કારેલાનું કડવું શાક હોય છતાંય પ્રસાદી જ ગણાય. પ્રસાદ તરીકે થાળની વસ્તુની સ્વીકૃતિ થઈ તો તેના નામ, રૂપ, સ્વાદ સામે દૃષ્ટિ જતી નથી. તેમ અવરભાવમાં મહારાજ દેહને સાજો રાખે તે ગળી પ્રસાદી અને કોઈ દેહનું દુઃખ આપે તે કડવી પ્રસાદી. જો દેહનાં સુખ-દુઃખને મહારાજની આપેલી પ્રસાદી તરીકેનો સ્વીકાર કરીશું તો ફરિયાદમાત્રની પૂર્ણાહુતિ થઈ જાય. જો તેનો સ્વીકાર ન થાય તો દેહના દુઃખનું જ ભજન થયા કરે. દુઃખ માટે વધુ ન વધુ નકારાત્મક વિચારો આવ્યા કરે. ક્યાંક પોતાના દેહના દુઃખ માટે બીજા ઉપર આક્ષેપો મુકાય, આત્મીયતામાં ખંડન થાય. પરિણામે રોગ ઘટવાને બદલે વધતો જાય, પરંતુ જે કાંઈ થયું છે ને થાય છે તે મહારાજની ઇચ્છાથી થાય છે તેમ માની તેનો સ્વીકાર કરવો. અને જે દુઃખ આવ્યું છે તેમાં ગમે તેટલા અકળાવાથી, ઉદ્વેગ કરવાથી કે હિંમત હારી જવાથી કાંઈ વળવાનું નથી. માટે શૂરવીર થઈ તેનો સહર્ષ સ્વીકાર કરવો.

શ્રીજીમહારાજે પણ ગઢડા પ્રથમના 61મા વચનામૃતમાં ભગવાનના ભક્તને દેહનું દુઃખ આવે ત્યારે કેવી સમજણ રાખવી તે શીખવ્યું છે કે, “જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારુ પાછો પગ ભરવો નહીં.”

(2) સત્સંગના અને સજ્જનતાનાં નૈતિક મૂલ્યોનો સ્વીકાર :

વ્યક્તિ આભૂષણ કે વ્યવસ્થિત કપડાંથી નથી શોભતો; તેનાથી તો માત્ર દેહ શોભે છે, વ્યક્તિત્વ નહીં. વ્યક્તિત્વ શોભે છે તેના આંતરિક ગુણોથી. માનવતા, પ્રામાણિક્તા, સત્યપ્રિયતા, નિયમિતતા, સમયપાલનતા, કર્તવ્યનિષ્ઠતા જેવા ગુણોથી તેનું વ્યક્તિત્વ આદર્શ ગણાય છે. આપણે તો ભગવાનના ભક્ત થયા. આપણું જીવન આદર્શ વ્યક્તિત્વના ગુણો અને સત્સંગના ગુણોસભર જોઈએ. દિવ્યભાવ, દાસભાવ, આત્મીયતા, ક્ષમાશીલ, ધૈર્યતા, અંતર્વૃત્તિ જેવા દિવ્ય ગુણોનો સ્વીકાર થશે તો જ દિવ્યજીવન બનશે... સ્વીકાર એટલે કે એ ગુણોસભર જીવન જીવવું તે. વ્યવહારિક અને આધ્યાત્મિક દિવ્ય ગુણોસભર વ્યક્તિત્વથી સમાજમાં અને સત્સંગમાં એક આદર્શ છાપ સૌના માનસપટ પર ચિતરાય છે. સૌનું વિશ્વાસુ પાત્ર બની શકાય છે. અને ત્યારે જ સત્સંગી તરીકેનું આપણું પાત્ર શોભે છે. મહારાજ અને મોટાપુરુષનું પણ ત્યારે જ શોભાડી શકાય.

(3) ભગવાન અને સત્પુરુષ આજ્ઞા અને અનુવૃત્તિનો સ્વીકાર :

જીવનમંત્રની આઠમી કલમ આપણને આધ્યાત્મિક માર્ગની સફળતાનો રાહ ચીંધે છે કે, “એમની આજ્ઞા અને અનુવૃત્તિમાં જ સદાય રહીશ.” એટલે કે મોટાપુરુષ અને સંતો આપણને જે આજ્ઞા કરે અને રુચિ દર્શાવે તે પ્રમાણે જ સદાય રહેવું. આજ્ઞા કરતાં પણ અનુવૃત્તિ શ્રેષ્ઠ છે. જે મોટાપુરુષની અનુવૃત્તિમાં રહે તે આધ્યાત્મિક માર્ગની બાજી જીતી જાય. પરંતુ વાસ્તવિક્તાએ આપણા સ્વજીવન તરફ દૃષ્ટિપાત કરીએ તો આપણને આપણાં રસ-રુચિ ને ગમતાનો સ્વીકાર થાય છે એટલો મહારાજ અને મોટાપુરુષની આજ્ઞા અને અનુવૃત્તિનો સ્વીકાર નથી થતો. કારણ, આપણને એમના વચનમાં કે આજ્ઞામાં નિઃસંશયપણું નથી. જેટલો વચનમાં વિશ્વાસ આવે અને નિઃસંશયપણું વર્તે એટલો જ સ્વીકાર થાય. આજ્ઞાનો જેટલો સ્વીકાર થાય એટલા જ સુખી થવાય. મોટાપુરુષનો કેવો નિઃસંશયપણે સ્વીકાર કરવો તેની આદર્શ રીત શીખીએ.

એક વખત સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ તેમના મંડળના મોટેરા બે શિષ્યો સદ્. બાલમુકુંદદાસજી સ્વામી અને સદ્. કૃષ્ણજીવનદાસજી સ્વામીને બોલાવ્યા અને કહ્યું, “તમારે હવેથી રોજ બપોરે એક કલાક ભંડારમાં રોટલા કરવા જવાનું. રોટલા કર્યા પછી વૈશાખ મહિનાના ધોમધખતા તાપમાં ચોકમાં પથ્થર ઉપર તાપમાં બેસવાનું.”

ગુરુની આજ્ઞાનો બંને શિષ્યોએ સહર્ષ સ્વીકાર કરી લીધો. કોઈ પ્રકારનો તર્ક-કુતર્ક નહીં. ગુરુની આજ્ઞાનો જીવસત્તાએ સંપૂર્ણ સ્વીકાર થઈ ગયો હતો. તેથી છ-છ મહિના સુધી આ પ્રમાણે વર્તવામાં કોઈ સંકલ્પ ન થયો. પરિણામે તેઓ મોટાપુરુષના રાજીપાના પાત્ર બની શક્યા અને જીવનમાં પ્રગતિ કરી શક્યા.

મોટાપુરુષ આપણા આત્માના અને દેહના રક્ષક છે જે આપણી સદાય રક્ષા કરે છે. એમની આજ્ઞાનો જેટલો સ્વીકાર થાય તેટલી તે આપણી દૈહિક અને આંતરિક શત્રુ થકી રક્ષા કરે. માટે મોટાપુરુષની આજ્ઞા અને અનુવૃત્તિની જીવસત્તાએ સ્વીકૃતિ કરવી એ જ સુખનો રાજમાર્ગ છે.

ઉપરોક્ત જણાવેલ તમામ સ્વીકૃતિમાં આપણને સૌથી વધુ નડતી હોય અને સુખ-દુઃખના મૂળમાં મુખ્ય ફાળો ભજવી જતી હોય તો તે છે અન્યની સ્વીકૃતિ... આ અન્યની સ્વીકૃતિના અભાવે જ આપણે વિપરીત પરિસ્થિતિ, સંજોગો અને અનેક પ્રકારનાં દુઃખ તથા ઉદ્વેગ, અશાંતિને નોતરીએ છીએ.

જીવનમાં ઘણી પરિસ્થિતિમાં એવું બનતું હોય છે કે સ્વીકૃતિ કરવી હોવા છતાં કરી નથી શકતા... એનું કારણ શું ? તે જોઈશું આવતા લેખમાં...