સુખ-દુઃખનું મૂળ - સ્વભાવ-૧
August 12, 2016
સાંસારિક જીવનમાં મનુષ્યનું બાહ્ય મૂલ્યાંકન તેનાં દેખાવ, રૂપ, પોશાક, આવડત પરથી થાય છે, જ્યારે તેનું આંતરિક મૂલ્યાંકન તેના સ્વભાવ પરથી થાય છે. વ્યક્તિ સ્વભાવે કેવી છે તેના આધારે જ તેનું પોતાનું અને માતાપિતાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન થઈ જતું હોય છે. આપણામાં રહેલા સ્વભાવો જ આપણા અને અન્ય વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખની પરિસ્થિતિ ઊભી કરતા હોય છે. આપણા યોગ્ય સ્વભાવોથી સ્વજીવન તથા અન્યના જીવનમાં સુખની લકીરો છવાઈ જાય છે. જ્યારે અયોગ્ય સ્વભાવોથી દુઃખનો દાવાનળ ભભૂકી ઊઠે છે. આથી, મહદંશે આપણામાં રહેલા સ્વભાવો જ સુખ-દુઃખનું મૂળ બની જતા હોય છે.
સામાન્ય રીતે જે ન કરવું હોય તોપણ સહેજે સહેજે થઈ જાય તેને સ્વભાવ કહેવાય. આપણું સારું કે નરસું વર્તન જેનાથી અન્યને આનંદ કે શોક અનુભવાય તે જ સ્વભાવ. જેમાંના કેટલાક સ્વભાવ ઉપલક દેહ સાથે જડાયેલા હોય છે જ્યારે કેટલાક સ્વભાવ જીવ સાથે જડાયેલા હોય છે.
દેહ સાથે જડાયેલા સ્વભાવો એટલે કે જે સ્વભાવો અનાદિકાળના નથી પરંતુ આ જન્મના જ છે. આ જન્મમાં કોઈ એવા સંગે કરીને તથા ગાફલાઈએ કરીને જે દૈહિક કુટેવો પડી જાય છે તેને દેહ સાથે જડાયેલા સ્વભાવો કહેવાય છે. જે સ્વભાવ હમણાંના જ એટલે કે આ જન્મના છે એટલે લોયાના 8મા વચનામૃતમાં શ્રીજીમહારાજના કહેવા મુજબ રૂડા સંતના સંગે થોડોક તેને ટાળવાનો ઉપાય કરીએ તો ટળે છે. જેમ કે, ચંચળતા, વાણીનો અસંયમ, ખોટું બોલવું, ધ્યાન-ભજનમાં ઝોકાં ખાવાં, બિનજરૂરી બોલવું-જોવું-સાંભળવું વગેરે દૈહિક સ્વભાવો છે.
શ્રીજીમહારાજે જીવ સાથે જડાઈ ગયેલા સ્વભાવ વિષે વાત કરતાં ગઢડા છેલ્લાના 20મા વચનામૃતમાં કહ્યું છે કે “જીવે જે પૂર્વજન્મને વિષે કર્મ કર્યાં છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળો એકરસ થઈ ગયાં છે. જેમ લોઢાને વિષે અગ્નિપ્રવેશ થઈ જાય તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તેને જ સ્વભાવ કહીએ.” અર્થાત્ જીવાત્માને વિષે અનાદિકાળથી અજ્ઞાને કરી દેહભાવે વર્તવાથી જે કાંઈ દોષો, સ્વભાવો જડાઈ ગયા છે તેને પ્રકૃતિ કહેવાય ને તેને જ કારણ શરીરની વાસના (સ્વભાવ) કહેવાય. જેવા કે, માન, કામ, ઈર્ષ્યા, મોહ, લોભ, પંચવિષયમાં આસક્તિ વગેરે.
ટૂંકમાં, આપણા થકી અન્યને નુકસાન પહોંચે, યેનકેન પ્રકારે આપણા થકી અન્ય વ્યક્તિને ખલેલ પહોંચતી હોય, અન્ય વ્યક્તિના જીવનને હાનિ પહોંચાડે એવા આપણા સ્વભાવો દુઃખરૂપ નીવડે છે; જ્યારે આપણા વર્તન થકી સામેની વ્યક્તિને આનંદ કે સુખનો અનુભવ થતો હોય તો તે સારા સ્વભાવો છે. આમ, વ્યક્તિમાત્રના જીવનમાં બે પ્રકારના સ્વભાવો જોવા મળતા હોય છે. એક દુઃખકર સ્વભાવ અને બીજા સુખકર સ્વભાવ.
‘तुंडे तुंडे मतिर्भिन्ना’ એ મુજબ દરેક વ્યક્તિના માનસમાં જુદા જુદા વિચારો વહેતા હોય છે તેમ જેટલા મનુષ્યો તેટલા સ્વભાવો જોવા મળતા હોય છે. તેથી જ કહી શકાય કે, ‘Man is a temperamental animal’ – ‘મનુષ્ય સ્વભાવશીલ પ્રાણી છે.’ વિવિધ સ્વભાવોનું સંગમસ્થાન એટલે માનવી પોતે. એટલે જ આપણને દિવસ દરમ્યાન અન્યના કે આપણા કડવા-મીઠા, ખારા-તીખા, તૂરા-બૂરા, આકરા સ્વભાવોના અનુભવ થતા હોય છે.
આવા વિવિધરંગી સ્વભાવો વ્યક્તિની અલગ ઓળખ ઊભી કરતા હોય છે; જેમ કે,
કોઈકનો સ્વભાવ ચંચળ તો કોઈકનો ઠાવકાઈભર્યો (ઠરેલ).
કોઈકનો સ્વભાવ મિલનસાર તો કોઈકનો અતડો.
કોઈકનો સ્વભાવ નિખાલસ તો કોઈકનો મીંઢો (દંભી).
કોઈકનો સ્વભાવ સત્યવાદી તો કોઈકનો જૂઠા બોલો.
કોઈકનો સ્વભાવ હસમુખો તો કોઈકનો ધીરગંભીર મુદ્રાવાળો.
આવા તમામ સ્વભાવો વત્તા-ઓછા પ્રમાણમાં આપણા જીવનમાં ક્યાંક સુખરૂપ તો ક્યાંક દુઃખરૂપ નીવડે છે. આપણા દુઃખકર સ્વભાવો મોટેભાગે નુકસાનકારક સાબિત થાય છે. આવા સ્વભાવો બહુધા આપણા જીવનની રીતરસમ કે કુટેવમાં વણાઈ ગયેલા હોય છે.
જેમાં બહુધા આપણા રોજિંદા જીવનમાં ક્રોધી, લોભી, ખટપટિયો, ઈર્ષ્યાળુ, માની, દંભી, મનમુખી, અવગુણીયો સ્વભાવ તથા મૂંઝવણિયાપણું જેવા સ્વભાવો નુકસાનકર્તા નીવડતા હોય છે. ઘણી વખત ઑફિસ, દુકાન વગેરે જેવાં નોકરી-ધંધાના સ્થળોએ મનધાર્યું ન થયું હોય ત્યારે વ્યક્તિ ઘરે આવીને ઑફિસની દાઝ ક્રોધ સ્વરૂપે ઘરના સદસ્યો ઉપર ઠાલવતા હોય છે. અને ક્રોધાગ્નિની જ્વાળામાં ઘરની શાંતિને બાળી મૂકે એવું પણ બને. ક્રોધાવેશમાં આવી ન બોલવાના શબ્દો બોલી ઘર-પરિવારની હરિયાળીને ક્ષણવારમાં સૂકવી નાંખે છે. ક્રોધી સ્વભાવથી અંતર સાવ શૂનકાર થઈ જાય ને અંતરમાં ઉદ્વેગ વ્યાપી જાય છે.
લોભી સ્વભાવ એ અસંતોષની માત્રામાંથી ઉદ્ભવતો સ્વભાવ છે. લોભી સ્વભાવના કારણે વ્યક્તિ નવી વસ્તુ તો પ્રાપ્ત ન જ કરી શકે પરંતુ પોતાની પાસે જે છે તેનો પણ પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરી શકતો નથી. વળી, આ ઉપરાંત એક સ્વભાવ એવો છે કે જે વિશેષ દુઃખરૂપ બને છે. ‘ગાયનું ભેંસ તળે ને ભેંસનું ગાય તળે કરવું’ અર્થાત્ ‘અહીંનું તહીં ને તહીંનું અહીં કરવું’ – આ ખટપટિયા સ્વભાવની ઊપજ છે. જેનાથી ઘર-પરિવારની આત્મીયતામાં ભંગાણ સર્જાય છે, એકબીજા પ્રત્યે વેરવૃત્તિ જન્મે છે.
એક સત્સંગી પરિવારમાં રહેતા વયોવૃદ્ધ વડીલની આ વાત છે. આ વડીલને ચાર દીકરા અને બે દીકરી એમ છ સંતાન હતાં. વડીલનાં ધર્મપત્ની ધામમાં જતાં તેમની સેવાનો બધાને લાભ મળે તેથી દીકરાઓએ અને દીકરીઓએ પિતાશ્રીની સેવા વારાફરતી વહેંચી લીધી. બધાં બે-ત્રણ મહિના પિતાશ્રીની સેવાનો લાભ લેતા. દીકરા-દીકરી તેમની ખૂબ જ કાળજીપૂર્વક સારસંભાળ લેતાં. પરંતુ પિતાશ્રી પોતાના સ્વભાવ પર જતા રહેતા. જો દીકરીના ઘરે જાય તો ચારેય દીકરાઓની વાત કરે. ‘તેઓ આમ કહેતા હતા, તારા માટે આવું બોલતા હતા.’ અને દીકરાઓને ઘરે જાય તો દીકરીઓ અને બીજા ભાઈઓ વિષેની વાત કરે. આમ, એકબીજાના હૈયામાં એકબીજા વચ્ચેનું અંતર વધવા લાગ્યું. અરસપરસ જે લાગણીના, પ્રેમના ભાવ હતા તે પૂર્વાગ્રહમાં પરિણમી ચૂક્યા. ભાઈ-ભાઈ વચ્ચે ને ભાઈ-બહેન વચ્ચે બોલવાના સંબંધો ન રહ્યા. હર્યોભર્યો પરિવાર વેરવિખેર બની ગયો તેનું કારણ વડીલનો ખટપટિયો સ્વભાવ.
આવા ખટપટિયા સ્વભાવવાળા બંને બાજુ ઢોલકી વગાડવામાં બાહોશ હોય છે. એકની આગળ બીજાનું વાંકું બોલે ને બીજા આગળ ત્રીજાનું. બંને પાસેથી માહિતી મેળવી હા... હા... કરતા જાય ને પોતાનો સ્વાર્થ સાધતા જાય. પોતાનો ભલે વેરી હોય પણ પોતાનું કામ કાઢી લેવા તેની પ્રશંસા કર્યા કરે.
ઈર્ષ્યાળુ સ્વભાવ પણ સ્વજીવનની પ્રગતિ માટે દુઃખકર સાબિત થાય છે. ઈર્ષ્યા તો અણદીઠી આગ સમાન છે. ઈર્ષ્યાળુ પોતાને દુઃખે જેટલો દુઃખી નથી તેટલો અન્યના સુખે દુઃખી હોય છે. ઈર્ષ્યાના કારણે અન્યને ઉતારી પાડવાની, આપણાથી ન્યૂન સાબિત કરવાની ભાવના પેદા થાય છે. ક્યાંક આ સ્વભાવને વશ થઈ સામેની વ્યક્તિની પ્રગતિ રૂંધાવાના પ્રયત્નોમાં આપણા કીમતી સમયની બરબાદી કરતા હોઈએ છીએ. જેની ઈર્ષ્યા આવતી હોય તેના જેવા ગુણ, આવડત ન પામી શકતાં તેના ગુણને પણ અવગુણમાં પરિવર્તિત કરીને જોવાનો પ્રયત્ન આપમેળે થતો હોય છે. જેની વરાળ ક્યારેક અન્યની આગળ પણ નીકળી જતી હોય એવું પણ બને. પરિણામે અવગુણિયા સ્વભાવની ઉત્પત્તિ થાય છે. અવગુણિયો સ્વભાવ એટલે કોઈના સારા ગુણોમાં મલિન દોષોનું આરોપણ કરી અન્યની આગળ તેનું ગાન કર્યા કરવું તે. અથવા તો કોઈ વ્યક્તિમાં કોઈ પ્રકારની કસર છે તે કસરને અન્યની આગળ ગાયા કરવી તે. આપણને જેની સાથે વધુ બને છે તેના સંપર્કમાં આવીએ ત્યારે અન્યના દોષ-અવગુણની વાતો કર્યા કરીએ. પરિણામે સામેનાને પણ વિના કારણે અન્ય વ્યક્તિ પ્રત્યે અવગુણકારક દૃષ્ટિ થશે અને તેના પ્રત્યે પૂર્વાગ્રહની ગાંઠ બંધાશે. આ વાતની પુષ્ટિ કરતાં જીવનપ્રાણ બાપાશ્રી પહેલા ભાગની 132મી વાતમાં કહે છે કે, “જેને સત્સંગનો અવગુણ આવ્યો હોય તે બીજાને પણ સત્સંગના અવગુણ ઘાલે; તેથી જીવનો નાશ થઈ જાય.” માટે અવગુણિયા સ્વભાવને કારણે સત્સંગમાં સમૂહજીવનમાં બીજાના ગુણ જોવાને બદલે અવગુણ જ દેખાય. ભગવાનના ભક્તના અવગુણ જોવાના અપરાધથી તેનો કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય આ લોક અને પરલોક બેયમાં દુઃખી થાય.
ઉપર્યુક્ત તમામ સ્વભાવોનું ઉત્પત્તિસ્થાન હોય તો તે છે માની સ્વભાવ. જ્યારે વ્યક્તિના માનનું ખંડન થાય ત્યારે જ તેનામાં ક્રોધ, ઈર્ષ્યા, અવગુણ આદિ સ્વભાવો ઝબકી ઊઠે છે. સ્વયં શ્રીજીમહારાજે સારંગપુરના 8મા વચનામૃતમાં જણાવ્યું છે કે, “જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષ્યા પ્રવર્તે છે અને ક્રોધ, મત્સર અને અસૂયા તે પણ માનથી પ્રવર્તે છે.” તથા ગઢડા પ્રથમના 76મા વચનામૃતમાં જણાવે છે કે, “ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તોય પણ તે સાથે અમારે બને નહિ, અને ક્રોધ ને ઈર્ષ્યા એ બેય માનને આશરે રહે છે.” આમ, માન સર્વે સ્વભાવોનું મૂળ છે.
સમાજમાં કે ઘર-પરિવારમાં આપણને આગળ કરવામાં આવે, વાહવાહ થાય ઇત્યાદિક માન મળે તો દોડી દોડીને સમાજની અને ઘરના સભ્યોની સેવા કરીએ. એ જ રીતે સત્સંગમાં આગળ બેસાડે, હાર પહેરાવે, નામ બોલે, કાંઈક હોદ્દો સોપીં ઉપરી બનાવે ત્યારે આપણે આગળ ચાલીને સેવા સંભાળીએ, પરંતુ જ્યારે કોઈ ગણતરી કરવામાં ન આવે, સલાહ લેવામાં ન આવે અર્થાત્ માનનું ખંડન થતું હોય એવું ભાસે ત્યારે માખ તેલમાં ડૂબી જાય છે. સેવા કરવાનો ઉત્સાહ વિસરાઈ જાય છે. આ સ્વભાવ અંતે તો પોતાને જ દુઃખરૂપ છે. પોતે જ પોતાની મેળે ઓશિયાળો બની જાય છે.
કેટલાકનો મનધાર્યું કરવાનો મનમુખી સ્વભાવ હોય. જો મનનું ધાર્યું થાય તો ખુશ ખુશ ને સહેજ મનધાર્યું ન થાય કે કોઈ મનધાર્યું મુકાવે તો દુઃખી દુઃખી થઈ જાય. પોતાના મનના ધાર્યા પ્રમાણેનું કાર્ય કે સેવા મળે તો 10 જણની સેવા-કાર્ય એકલો કરે અને જો પોતાની ઇચ્છા વિરુદ્ધ કોઈ કરવાનું કહે કે કરાવે તો ઉદ્વેગ, અશાંતિ થઈ જાય. પોતાના મનના માનેલા કૂંડાળામાં જ સતત રાચ્યા કરે. હું શું કરું ? કેવું બોલું ? કેવું વર્તું તો મારું કહ્યું બધા માને ? મારી ઇચ્છા પ્રમાણે જ બધા કરે એવા પ્રયત્નો થાય. પરંતુ આપણા રોજબરોજના જીવનમાં વાસ્તવિક્તાએ આવું ક્યારેય શક્ય નથી બનતું કે બધા આપણા ધાર્યા પ્રમાણે જ કરે. પરિણામે દુઃખી દુઃખી થઈ જવાય. પછી આવી રીતે જ મનગમતું કરવા ટેવાયેલા કોઈની આજ્ઞામાં વર્તી ન શકે, ભેગા ભળી ન શકે અને અતડા રહે.
મનમુખી સ્વભાવમાંથી જ ઠરાવી અને જિદ્દી સ્વભાવો પડતા હોય છે. મેં કહ્યું એટલે આમ થવું જ જોઈએ. ને કેમ થાય ? હું જ બરાબર છું. બધાએ આ જ પ્રમાણે અનુસરવું જોઈએ એવો ઠરાવી સ્વભાવ બહુ દુઃખી કરતો હોય છે.
ઘણાનો એવો મૂંઝવણીયો સ્વભાવ હોય કે વાતવાતમાં મૂંઝાઈ જાય. સહેજે સ્થિતિ-પરિસ્થિતિમાં બદલાવ આવે કે તરત ઉદાસીનતાની ઊંડી ખાઈમાં ધકેલાઈ જાય. સહેજ કોઈનાં વેણ-કવેણ સાંભળવા મળે, પ્રતિકૂળતાની પરિસ્થિતિ સર્જાય, માન-અપમાન થાય, સુખ-દુઃખ આવે તો મૂંઝાઈ જાય. ‘હવે મારું શું થશે ?’, ‘શું કરીશ ?’ ‘કોને કહેવું ?’ - આવી અનેક પ્રશ્નોની વણઝાર માનસપટ પર ખડી થઈ જાય છે જે સ્વજીવનમાં દુઃખની લાગણી ઊભી કરે છે.
દુઃખમાત્રનું મૂળ આપણા સ્વભાવો જ છે. તેનું પ્રમાણે કરતાં સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે કે, “સંસાર મૂકીને ત્યાગી થાય તે દુઃખમાત્રને ટાળીને સુખિયો થઈ જાય; પરંતુ ત્યાગી થયા પછી પણ વાસનાનું દુઃખ રહે છે તે વાસના લોભની, કામની, સ્વાદની, સ્નેહની ને માનની છે. તે વાસના (અહીં સ્વભાવ) ટળે તેમ તેમ સુખિયો થાય છે.” આથી આ તમામ દુઃખકર સ્વભાવોને જીવનમાંથી તિલાંજલી આપીએ તો જ સુખી થવાય.
દુ:ખકર સ્વભાવોને ટાળી સુખકર સ્વભાવ કેળવવા શું કરવું તેની વિસ્તૃત માહિતી મેળવીએ. આવતા અંકે...