સુખ-દુઃખનું મૂળ - સ્વભાવ-૨
August 19, 2016
સ્વભાવ એ વ્યક્તિના વ્યક્તિત્વની આગવી ઓળખ છે. ગતાંકે જોઈ ગયા કે દુઃખકર સ્વભાવો જીવનમાં કેવા નુકસાનકારક છે. આ દુઃખકર સ્વભાવોની ઉત્પતિનું મૂળ શું છે ? તે આવો જોઈએ.
દુઃખકર સ્વભાવોની ઉત્પત્તિના કારણો :
1. પરદર્શન :
સમૂહજીવનમાં એકથી વધુ વ્યક્તિઓના સહવાસમાં રહેવાનું થાય છે. ત્યારે અન્યની કાર્યપદ્ધતિ, કાર્યશૈલી, કાર્યક્ષમતા અલગ અલગ હોય તે સ્વાભાવિક છે. સમૂહજીવનમાં દરેક વ્યક્તિ એકબીજાનું બધું જ જોયા કરે, ‘આ યોગ્ય કર્યું ને આ યોગ્ય ન કર્યું’, ‘આણે આમ કર્યું ને પેલાએ આમ કર્યું’, ‘એને આટલું જ કરવાનું ને મારે આટલું બધું કરવાનું ?’, ‘તે બરાબર નથી કરતો ને હું બરાબર કરું છું.’ આમાંથી વાદ-વિવાદ ને ઝઘડા-કંકાસના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. કેટલીક વાર અન્યનું જોવામાંથી વાદ-વિવાદ, ઈર્ષ્યા જેવા સ્વભાવો પડતા હોય છે. ઘરમાં એક પુત્રવધૂ હોય અને બીજા દીકરાનાં લગ્ન થતાં બીજી પુત્રવધૂ આવે એટલે પરદર્શન કર્યા કરવાથી સાસુ-વહુ બધાંયના સ્વભાવ બગડે. આણે આમ કર્યું, બીજીએ ન કર્યું. આ આવું બોલી, પેલી ન બોલી. પરદર્શનથી હઠ, જીદ જેવા અનેક દોષો ઉત્પન્ન થતા હોય છે.
2. ઊતરતાનો સંગ :
ઊતરતાનો સંગ એટલે ‘રાંડીને ઘેર માંડી (સુવાસણી) ગઈ તે આવ બાઈ હું જેવી તું થા’ એના જેવું થાય. કારણ કે એવાના સંગથી વૃદ્ધિ તો ન પમાય, પણ ઊતરતાથીયે ઊતરતા થઈ જવાય. ક્યારેક આપણે અનુભવીએ છીએ કે પ્રથમથી આપણામાં કોઈ અયોગ્ય સ્વભાવ ન હોય પરંતુ પછીથી તે સ્વભાવ દેખો દઈ જતો હોય તેનું કારણ ઊતરતાન સંગ હોઈ શકે; જેમ કે સત્સંગ થતાંની સાથે આપણને મોટાપુરુષ, સંતો-ભક્તોને વિષે ખૂબ જ મહિમા ને દિવ્યભાવ હોય છે. પરંતુ ઊતરતાનો-અવગુણિયાનો સંગ થતાં તેનામાં રહેલું અમહિમારૂપી ઝેર આપણામાં પ્રસરાવે. પરિણામે પહેલાં મનુષ્યભાવના સંકલ્પો ન થતા હોય તોપણ પછીથી થવા માંડે ને અભાવ-અવગુણ આવવા માંડે.
3. વાતાવરણ :
બાલ્યાવસ્થાથી જીવનકાળના પ્રારંભમાં જેવું વાતાવરણ પ્રાપ્ત થાય એ પ્રમાણે જીવનનું ઘડતર થાય છે. જો ઘર-પરિવારમાં વડીલોના સ્વભાવ ક્રોધી, ઝઘડાખોર, ઈર્ષ્યાળુ, ખટપટિયા સ્વભાવોનું બાળકો દર્શન કરશે તો તે પણ સ્વભાવ પ્રમાણે આચરણ કરશે. વર્તમાનકાળે બાળકોમાં ચીડિયાપણું, બેચેની, સ્વચ્છંદતા, માન આદિ સ્વભાવનું જવાબદાર કારણ ઘર-પરિવાર ને શાળાનું વાતાવરણ ગણાવી શકાય. ચોર, છળ કરનાર આ બધાના સંગમાં ઉછેર પામનાર બાળકોને શીખવવું નથી પડતું કે ચોરી, લૂંટફાટ, દગો, યુક્તિ-પ્રયુક્તિ કેવી રીતે કરાય ? ખોટું કેવી રીતે બોલાય ? ગાળો કેવી બોલાય ? કારણ કે તેમની આસપાસનું વાતાવરણ જ એ મુજબનું હોય છે એટલે એ બધું આપમેળે જીવનમાં આવી જાય છે. જેવું નાનપણ માટે છે તેવું જ વર્તમાન માટે છે. વર્તમાન સમયે પણ આપણે જે સ્થાનમાં અને જેવા વ્યક્તિઓની વચ્ચે રહેતા હોઈએ અને એ બધાના સમન્વયથી જેવું વાતાવરણ હોય તેવા વાતાવરણમાં રહેવાથી બીજાના જેવું જ બધું આપણામાં આપમેળે આવી જાય છે. આવી રીતે પણ સ્વભાવ ઉત્પન્ન થાય છે.
4. નિજસ્વાર્થ :
‘તારું-મારું સહિયારું ને મારું-મારું આગવું’ એ મુજબ વ્યક્તિ આજે નિજસ્વાર્થ સાધવા માટે ક્યારેક સ્વભાવને વશ થઈ જતો હોય છે. દરેક જગ્યાએ શું કરે તો પોતાને વધુમાં વધુ લાભ થાય ? તેના જ વિચારમાં રમણ કરતો માનવી ન કરવાનાં કાર્યો કરી બેસતો હોય છે. નિજસ્વાર્થ સાધવા ક્યારેક અન્યની પર આવેશમાં આવીને ક્રોધ, ગુસ્સો કરી બેસે. નિજસ્વાર્થ સાધવા ઘણી વખત ઈર્ષ્યાવૃત્તિ સામેની વ્યક્તિને હાનિ પહોંચાડે એવું બનતું હોય છે. પોતાનો સ્વાર્થ જો ન સધાય તો દગા-પ્રપંચ, ખોટું બોલવું, ખોટું કરવું જેવા અનેક અનર્થો જીવનમાં પ્રવેશતા હોય છે.
5. સમૂહજીવન :
એકાંત જીવનમાં પ્રશ્નો સર્જાવાની શક્યતા ઓછી રહે. કારણ ત્યાં તો આપણે સારા જ હોઈએ છીએ. પરંતુ, જે કાંઈ સ્થિતિ-પરિસ્થિતિ સર્જાય છે તે સમૂહજીવનમાં ઊભી થાય છે. સમૂહજીવનમાં આપણા કરતાં જુદા અન્ય વ્યક્તિત્વના સહવાસમાં રહેવાનું થાય, વ્યવહાર કરવાનો થાય ત્યારે એકબીજાના સ્વભાવો, માનીનતા, રુચિ અલગ પડતાં પ્રશ્નોની હારમાળા સર્જાય છે. એકાંકી જીવનમાં અન્યના સ્વભાવ, માનીનતા, અભિપ્રાયને સ્વીકારવાનો પ્રશ્ન જ આવતો નથી. જ્યારે સમૂહજીવનમાં અન્યની સ્વીકૃતિ કરવી ફરજિયાત છે. ને સ્વીકૃતિ ન થતાં વેરઝેર, દગા-પ્રપંચ, માન-હઠ, ઈર્ષ્યા, દંભ વગેરે સ્વભાવો ઉત્પન્ન થાય છે.
આવા કારણોથી ઉત્પન્ન થતા દુઃખકર સ્વભાવો માનવીનાં શરીર અને મન બંનેને પારાવાર નુકસાન પહોંચાડે છે. સ્વભાવને કારણ શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે તો માનસિક અશાંતિના પણ ભોગ બનાય છે. મેડિકલ સાયન્સની શોધખોળ મુજબ જો સ્વભાવો પર નિયંત્રણ મૂકવામાં આવે તો રોગોની માત્રામાં ઘટોડો થાય છે. એરકન્ડિશનરની સુવિધાવાળા બંગલામાં બેઠા હોવા છતાં હૈયામાં ગરમ લાય બળે છે, મનમાં ટેન્શન, ચિંતા, ઉદ્વેગનાં વમળો ફેલાયા કરે છે તેનું કારણ આવા ક્ષુલ્લક સ્વભાવો જ છે.
વળી, સુખ-શાંતિ ને આનંદ-ઉલ્લાસથી હર્યોભર્યો વ્યવહાર ક્ષુલ્લક સ્વભાવને કારણે દુઃખ ઊભાં કરે છે.
એક શેઠની પાસે તેમના નોકરે સંકટ સમયે આર્થિક સહાય પેટે અમુક રકમની માંગણી કરી. પરંતુ શેઠે તેમની વાત સાંભળી ન સાંભળી ને આનાકાની કરવા લાગ્યા. નોકરે ખૂબ જ આજીજી, વિનંતી કરી પરંતુ શેઠ એકના બે ન થયા. એટલું જ નહિ, નોકરની આવી દયનીય હાલતને જોવા છતાં તેના પર આવેશમાં આવીને ન કહેવાના શબ્દો કહી અપમાન કર્યું. નોકરની લાગણી દુભાઈ. તેણે તે વખતે તો સાંભળી લીધું પરંતુ પછી દિલ્હી ફોન કરી રેડ પડાવી. પરિણામે શેઠને ઘણું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું ને એક વર્ષની જેલની સજા થઈ... માત્ર ક્રોધી, ઉતાવળીયા સ્વભાવ અને સામેનાને ન સમજી શકવાને કારણે.
આની જ સાપેક્ષમાં બીજો પ્રસંગ જોઈએ તો કુવૈતમાં આપણા સત્સંગી અમૃતભાઈ નામે મોટા શેઠ છે. જેઓને મરીમસાલાનો ધીકતો ધંધો ચાલે છે. તેઓને ત્યાં આશરે 200 મજૂરોનો સ્ટાફ કામ કરે છે. એક વખત પ.પૂ. સ્વામીશ્રી તેમની ફેક્ટરીએ પધરામણી અર્થે પધાર્યા હતા. પ.પૂ. સ્વામીશ્રીએ તેમનું તેમના નોકરો સાથેનું વર્તન-વ્યવહાર નિહાળ્યું. તેઓ આટલી મોટી પદવી પર હોવા છતાં પોતાના નોકરો જે જમે તે જ જમે ને તેમની સાથે બેસીને જ જમે. દરેક મજૂરને તેમના કાર્ય બદલ પ્રશંસા-પ્રોત્સાહન આપે, સમયે આર્થિક સહાય કરે, પ્રેમથી આવકાર આપે. મજૂરોને પણ અમૃતભાઈ પ્રત્યે એટલી જ વફાદારી, પોતાપણું ને આદરભાવ વર્તે. તેમનું આવું વ્યવહારું વર્તન જોઈ પ.પૂ. સ્વામીશ્રી તેમની પર ખૂબ જ રાજી થઈ ગયા.
ઉપરના બંને પ્રસંગોનું મનન કરતાં માલૂમ થાય કે એખ પ્રસંગમાં એકબીજાને સમજવાની ભાવના, શેઠ તરીકે પોતાની ફરજ ચૂકી જતાં ક્રોધી સ્વભાવને વશ થઈ જવાયું. જ્યારે બીજા પ્રસંગમાં લાગણી, હેત, એકબીજાને સમજવાની, કદરની ભાવના જન્મતાં આદરને પાત્ર બનાવ્યું. શેઠ તો બંને હતા પણ જુદા પડ્યા માત્ર સ્વભાવથી. સારા-નરસા દેખાયા તેમના પોતાના સ્વભાવથી. આવું જ આપણા જીવનમા પણ બને છે.
પગમાં શૂળ, આંખમાં કણું અને કિડનીમાં પથરીનો અસહ્ય દુઃખાવો જ્યાં સુધી છે ત્યાં સુધી ચેન ન પડે, સુખ ન આવે. તેમ જ્યાં સુધી એવા દુઃખકર સ્વભાવો છે ત્યાં સુધી દિવ્યસુખનો અનુભવ ન થાય. સત્સંગનું સુખ લેવું હોય તોપણ સ્વભાવો ટાળવા ફરજિયાત છે. નહિતર ક્યારેક આપણા સ્વભાવોનું પ્રતિબિંબ ભગવાન અને સંતમાં દેખાય એટલે કે એમનામાં પણ મનુષ્યભાવ આવે, સંતો-ભક્તોમાં અભાવ-અવગુણ આવે અને મહારાજને પણ એવા ભક્તો સાથે બને નહીં. તે અંગે શ્રીજીમહારાજ લોયાના 14મા વચનામૃતમાં અભિપ્રાય જણાવે છે કે, “અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જે, જેમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષ્યા, દંભ, કપટ ઇત્યાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિએ યુક્ત હોય તે સાથે જ અમારે બેઠા-ઊઠ્યાની સુવાણ થાય છે અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તોપણ તેની સાથે સુવાણ થાય નહિ, તેની તો ઉપેક્ષા રહે છે.”
શ્રીજીમહારાજના આ અભિપ્રાયથી જણાઈ આવે છે કે સ્વભાવનો ત્યાગ કર્યા વિના મહારાજ અને આપણી વચ્ચે લાખો ગાઉનું અતંર રહેશે. તેથી જ મહાપ્રભુના સુખની ઇચ્છા રાખવી તે તો વલખાં છે. એટલે જ જીવાત્મા સાથે અનાદિકાળથી જડાઈ ગયેલા સ્વભાવ મુકાવવાનો મહારાજે શોખ કર્યો હતો. એક વખત શ્રીજીમહારાજને મૂળજી બ્રહ્મચારી જમવા બોલાવવા આવ્યા. મહારાજ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી ચપટી વગાડી ઊભા થયા ને જમવા માટે જીવુબા-લાડુબાના ઓરડા તરફ પ્રયાણ કર્યું. ઓરડે જતાં રસ્તામાં ઘોડશાળ આવતી હતી, એમાં થઈને મહારાજ નીકળ્યા. પણ... મહારાજે જોયું કે આગળ જતાં એક પાર્ષદને એક ઘોડીએ પગની લાત મારી. મહારાજે આ દૃશ્ય જોઈ વિચાર્યું કે, “અરર... અમારી જોડે રહેવા છતાંય ઘોડીનો લાતો મારવાનો સ્વભાવ ન ટળે તો એ ઠીક નહીં. આજે તો સ્વભાવ ટળે પછી જ જમવું.”
મહારાજે એક ખુરશી મંગાવી, એક લાંબો વાંસ અને લાકડાનું મોટું થડિયું મંગાવ્યા. ખુરશીમાં ઘોડીથી થોડે છેટે બિરાજમાન થયા ને થડિયાને ઘોડીના પગ પાસે મુકાવ્યું. મહારાજે વાંસથી ઘોડીના પૂંછડે ને પગે ગોદો મારવાનું ચાલુ કર્યું. જ્યાં પહેલો ગોદો માર્યો ત્યાં એકદમ ઘોડીએ લાત મારી. લાત સીધી થડિયા પર આવી. આમ વારંવાર થયું ને ઘોડીના પગે વાગવાથી છોલાઈ ગયું ને લોહી નીકળ્યું, પણ મહારાજે ગોદો મારવાનું ચાલુ જ રાખ્યું. પછી જેવો ઘોડીએ પગ ઉપાડવાનો બંધ કર્યો ત્યાં મહારાજ બોલી ઊઠ્યા, “હાશ... હવે ઘોડીનો સ્વભાવ ટળ્યો, ચાલો જમવા જઈએ.”
જો એક ઘોડી જેવા મૂંગા પશુનો અલ્પ સ્વભાવ મહારાજ ચલવી લેવા માંગતા ન હોય તો આપણે તો તેમનાં અતિ નિકટનાં પાત્રો છીએ; આપણામાં તો અયોગ્ય સ્વભાવ હોય તે ચાલે જ કેમ ?
લોયાના 1લા વચનામૃતમાં શુકમુનિએ પૂછ્યં જે, “હે મહારાજ ! જે લગારેક ક્રોધ ચડી આવે ને પછી તેને ટાળી નાખે એવો જે ક્રોધ તે કાંઈ નડતરરૂપ કરે ન કરે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ આ સભા બેઠી છે તેમાં જો હમણે સર્પ નીકળે ને કોઈને કરડે નહિ, તોપણ ઊઠીને સૌને ભાગવું પડે તથા સૌના અંતરમાં ત્રાસ થાય, અને વળી જેમ ગામને ઝાંપે આવીને વાઘ હુંકારા કરતો હોય તે કોઈને મારે નહિ તોપણ સૌ માણસને અંતરમાં ભય લાગે ને બારણે નીકળાય નહિ તેમ થોડોક ક્રોધ ઊપજે તે પણ અતિશે દુઃખદાયી છે.” મહારાજના આ જવાબ પરથી સ્પષ્ટ જણાઈ આવે કે આપણામાં અલ્પ પણ સ્વભાવનો દોષ રહી ન જાય તે તેમને પસંદ નથી.