સુખ દુઃખનું મૂળ : વિચાર - 1

  January 5, 2016

સૃષ્ટિના સર્જનથી માંડી અદ્યાપિ આધુનિક શોધખોળોમાં જે કંઈ પરિવર્તનો થયાં છે તેનું કારણ મનુષ્યની વિચારશક્તિ છે. સૃષ્ટિમાં કે સંસારમાં આપણે જે કંઈ જોઈએ છીએ તે પ્રભુએ માનવીને પ્રેરેલા વિચારોનું જ મૂર્તિ સ્વરૂપ છે. એટલું જ નહિ, પશુ-પક્ષી કે અન્ય સજીવ સૃષ્ટિના જીવન કરતાં મનુષ્યના જીવનમાં થતા ક્રમિક ફેરફારો પણ વિચારનું જ પરિણામ છે. કારણ કે, મનુષ્યના મનોજગતમાં અવિરત વિચારોની હારમાળા વહેતી હોય છે. આ વહેતા વિકેન્દ્રિત વિચારોને સંયમરૂપી બિલોરી કાચ દ્વારા કેન્દ્રિત કરવામાં આવે તો એક અદ્ભૂત સર્જન થાય છે. વિચારના બળે કરીને જ અનેકાનેકનું જીવનપરિવર્તન કરતા સાહિત્યનું સર્જન થાય છે. વિજ્ઞાન અને ટેકનૉલોજીનો હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. માનવી પૃથ્વી ઉપરથી આરોહણ કરી ચંદ્ર પર જઈ શક્યો છે. સમુદ્રના પેટાળમાં સમાઈને રત્નો શોધી શક્યો છે. વેપાર, વ્યવસાય અને ખેતી પણ કરી રહ્યો છે. એટલું જ નહિ, અન્ય સજીવ સૃષ્ટિ સાથે પોતે ધારેલાં કાર્ય કરાવી શકે છે તેનું કારણ વિચાર જ છે. સ્પષ્ટ રીતે કહી શકાય કે, મનુષ્યની કાર્યશક્તિનું ચાલક બળ પ્રભુએ પ્રેરેલા વિચારો જ છે.

વિચારો જ નૂતન સર્જન કરી શકે છે અને વિચારો જ સર્વનાશ સર્જે છે. સદવિચારો સૌનું પરમ હિત કરી શકે છે. જ્યારે ખરાબ વિચારો અનેકનું નિકંદન કાઢી નાખે છે. પ્રભુના અખંડ સંબંધયુક્ત અને પ્રભુમાં સંલગ્ન એવા વિરલ સંતો અને સત્પુરુષો તથા અનેકવિધ મહાન વ્યક્તિઓના વિચારોની ઉત્કૃષ્ટતાએ તેમના પોતાનાં અને અનેકનાં જીવન પરિવર્તન કર્યાં છે. જ્યારે એડોલ્ફ હિટલર તથા આંતકવાદીઓના નિમ્ન અને હીન વિચારોએ પોતાનાં અને કેટલાયનાં જીવન બરબાદ કર્યા છે અને કરે છે.

મહાન વ્યક્તિઓની મહાનતા તેમના આદર્શ આચરણને લઈને જ છે અને આચરણનું મૂળ વિચાર છે. જેવો વિચાર આવે તેવો આચાર એટલે કે આચારની જન્મોત્રી મનમાં ઉદભવતા વિચારો છે. એટલે જ આપણા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું છે,

“જેવા વિચારો તમે કરવાના,

એવા જ જરૂર તમે થવાના”

મહાન વ્યક્તિઓનું આદર્શ જીવન તેમના વિચારોમાં પ્રતિબિંબિત થતું હોય છે.

તમને કેવા પદાર્થો, વસ્તુ કે વ્યક્તિ ગમે છે ? કેવું સંગીત સાંભળવું ગમે છે ? કેવું સાહિત્ય વાંચવું ગમે છે ? કેવા પ્રકારના શોખ છે ? વગેરે બાબતો આંતરિક વિચારોનું દર્શન કરાવે છે. અને એ આંતરિક વિચારો જ આપણી બુદ્ધિ અને આંતરતંત્રનું પરિમાણ કાઢે છે. શ્રીજીમહારાજે સંતો-હરિભક્તોના વિચારો સાંભળી તેમની બુદ્ધિ અને વર્તન વિષે વાત કરતાં પંચાળાના 1લા વચનામૃત દ્વારા આપણને સમજાવ્યું છે, “ત્યારપછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ જે, જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય તેવી જણાઈ આવે છે.” એટલે કે પત્રમાં વર્ણવાયેલા વિચારોથી જ તેની બુદ્ધિ પરખાય છે. વ્યક્તિની વિચારસરણી જ તેને વામન કે વિરાટ બનાવે છે.

મનુષ્યમાત્ર લાગણીશીલ પ્રાણી હોવાથી બહુધા લાગણીઓના આવેશમાં આવી જાય ત્યારે પોતે શું વિચારે છે ? શું બોલે છે ? કે શું કરે છે ? તેનો પણ તેને ખ્યાલ રહેતો નથી. પછી તે લાગણી વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેની હોય કે પશુ-પક્ષી કે જડ-ચૈતન્ય કોઈના પણ વિષેની હોય પરંતુ પોતે લાગણીના વહેણની સાથે વહી જાય છે. માટે લાગણીઓ પર વિચારનું શાસન ખૂબ જરૂરી છે. કારણ કે વિચાર જ તેને અંકુશિત કરી યોગ્ય માર્ગે દોરે છે અને સુખના દ્વાર સુધી લઈ જાય છે.

વિચારનું આપણા જીવનમાં વિશેષાધિક મૂલ્ય છે. પરંતુ વાસ્તવિક્તાએ નિજ દર્શન કરીએ તો આપણે આપણા જીવનમાં જે વાત ઉપર સૌથી ઓછું મહત્ત્વ આપીએ છીએ તે છે આપણી વિચાર કરવાની રીત. વિચાર કરવાની આ રીત ઉપર જ આપણા જીવનનો પડઘો પડે છે. જેમ લીલાછમ લહેરાતા કે સુકાઈ ગયેલા ઠૂંઠા જેવા ઝાડનું કારણ તેનાં મૂળ છે. જો મૂળ લીલાંછમ તો ઝાડ પણ લીલુંછમ અને મૂળ સુકાઈ ગયાં તો ઝાડ પણ સુકાઈ જાય છે. તેમ આપણા જીવનમાં સુખ અને દુઃખનું મૂળ આપણા વિચાર જ છે. આપણા વિચારો જ આપણા માર્ગમાં કાંટા કે ફૂલ વેરે છે. ત્યારે આપણે કેવા વિચારો કરવા એની સ્વતંત્રતા આપણા હાથમાં જ છે.

વિચારો બે રૂપે પ્રગટ થઈ આવતા હોય છે. કાર્ય રૂપે અને કલ્પના રૂપે. બહુધા વિચારો કાર્ય રૂપે પ્રદર્શિત થતા હોય છે. દિવસ દરમ્યાન ઉદ્ભવતા આ વિચારોનું તારણ કાઢતાં ખ્યાલ આવે કે આપણને 90% નકારાત્મક વિચારો જ આવતા હોય છે. આ નકારાત્મક વિચારો જ આપણા જીવનનું નૂર છીનવી લે છે અને આપણને નિર્માલ્ય બનાવી દે છે. નકારાત્મક વિચારોને આપણે શબ્દો દ્વારા વારંવાર બોલવા છતાં ઓળખી શકતા નથી. જેમ કે, “મારાથી આ શક્ય નથી, મને આવું ન આવડે, મારી યાદશક્તિ ઓછી છે, હું સમયસર ઊઠી શકતો નથી, હું ચપળતાથી વ્યવહાર કરી શકતો નથી, મને બધે અસફળતા જ મળે છે, કોઈ મારી સાથે સારો વ્યવહાર કરતું નથી, કોઈ મારી લાગણીઓને સમજી શકતું નથી; આવું જીવન જીવવું તેના કરતાં ન જીવવું સારું.”

આવા અનેક નકારાત્મક વિચારો દિવસ દરમ્યાન આવતા હોય છે જેના કારણે આપણને અંદર ઉદ્વેગ, અશાંતિ અને ચિંતા રહ્યા કરતાં હોય છે. એનું સ્પષ્ટ કારણ આવા નકારાત્મક વિચારો જ છે. આવા વિચારો આપણી અંદર રહેલી કાર્યશક્તિને હણી લે છે. હકારાત્મક વિચારની સામે નકારાત્મક વિચારોનો પ્રવાહ જો વધુ હોય તો તે હકારાત્મક વિચારોને દબાવી દે છે. મન ઉપર નકારાત્મકતાનું સામ્રાજ્ય ફેલાવી દે છે અને થોડી વારમાં જેવું વિચાર્યું હોય તેવું જ આપણને અનુભવાય છે. ત્યારપછી તો તમામ કાર્યો નકારાત્મક જ થવા માંડે છે.

જેલના એક કેદીને કહેવામાં આવ્યું કે, “આજે રાત્રે સર્પદંશથી તારું મૃત્યુ થશે.” પછી તેને મોટા મોટા સાપ અને તેના દૃશ્યો બતાવવામાં આવ્યા. રાત્રે તે ભર નિદ્રામાં સૂતો હતો એ જ વખતે જેલરે માત્ર ટાંકણી મારી તો આખા શરીરમાં ઝેર ચડી ગયું અને થોડી વારમાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. કારણ કે મનમાં નકારાત્મક વિચારોનું જ મનન થતું હતું કે મારું આજે રાત્રે જરૂર સર્પદંશથી મૃત્યુ થશે.

જો દીકરા-દીકરી કે અન્ય સભ્યો દરરોજ રાત્રે 8:30 વાગ્યા સુધીમાં મોડામાં મોડા ઘરે આવી જતા હોય અને કોઈ દિવસ મોડું થાય તો તરત જ તેમના માટે કેવા વિચારો આવે છે ? બહુધા નકારાત્મક વિચારો જ આવતા હોય છે; જેમ કે, “ક્યાંય ઍક્સિડન્ટ તો થયો નહિ હોય ને ?” વળી, એમની પ્રત્યે શંકાની નજરે પૂછપરછ થાય; ક્યારેક ઊલટતપાસ પણ થતી હોય; અભાવ-અવગુણની પ્રવૃત્તિ થતી હોય – આ બધું નકારાત્મક વિચારોની જ ફલશ્રુતિ છે.

ધંધા-વ્યવસાયમાં કે શિક્ષણમાં કે જીવનના હરકોઈ ક્ષેત્રમાં જો ક્યાંક અસફળતા મળે તો તરત જ નકારાત્મક વિચારો થવા માંડે છે. પરિણામે એ નકારાત્મક વિચારનાં સ્પંદનો જ વધુ અસફળતાને આવકારે છે. એટલે જ નેપોલિયન હિલે પોતાના શબ્દોમાં કહ્યું છે કે,

“જો વિચાર્યું કે પિટાઈ ગયા તો પિટાઈ ગયા,

જો વિચાર્યું કે હિંમત નથી તો હારી ગયા,

જો વિજયની ચાહના છે કિંતુ વિચારો છો કે,

જીતી નથી શકતા, તો નિશ્ચિંતપણે તમે હારશો જ.

જો સંશય પીછેહઠનો છે તો પીછેહઠ કરશો જ.

એટલે હંમેશાં આગળ ધપવાનું વિચારો,

પ્રભુના દૃઢ વિશ્વાસથી આગળ ધપો,

તો જ તમારો પ્રયાસ પુરસ્કૃત થશે.”

દુનિયામાં હંમેશાં એક જ વાત જોવા મળે છે કે સફળતાની શરૂઆત માનવીની વિચારસરણી પર નિર્ભર છે. પરંતુ ખરેખર દિવસ દરમ્યાનનો બહુધા સમય આપણે નકારાત્મક વિચારોમાં વિતાવતા હોઈએ છીએ; એમાં જ દુઃખી થવાય છે અને બીજાને દુઃખી કરાય છે. પરંતુ ગમે તેવા સંજોગ-પરિસ્થિતિ, વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આપણા વિચારોને હકારાત્મક કરી દઈએ તો દુઃખનો અંત આવે અને સુખની શરૂઆત થાય. ચિંતા અને તણાવમુક્ત થઈ હળવાફૂલ જેવા થઈ જવાય. સ્વાસ્થ્ય પણ સારું થઈ જાય. માટે હંમેશાં સવળું જ વિચારવું. શ્રીજીમહારાજે પણ આપણને ગઢડા પ્રથમના 16મા વચનામૃતમાં આ જ વિવેક શિખવાડ્યો છે કે, “સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે ને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે.”

એક ગુરુ-શિષ્ય જંગલમાં પર્ણકુટીર બાંધી રહેતા હતા. ત્યાં એક દિવસ અચાનક નધણિયાતી ગાય આવી ચડી. ગુરુએ રાજી થઈ શિષ્યને કહ્યું, “અચ્છા હુઆ દૂધ દેતી આઈ.” ગુરુ-શિષ્ય ગાયનું દૂધ ધરાવી ભજન-ભક્તિ કરતા. થોડા સમય પછી ગાય પાછી જતી રહી. છતાં ગુરુએ એ જ મસ્તીમાં હતા. તેમણે શિષ્યને કહ્યું, “ચલી ગઈ તો ક્યાં ? અચ્છા હુઆ, ગોબર કરતી ગઈ.” એટલે ગાયનું છાણ-વાસીદું કરવાની ઝંઝટ ગઈ. હવે ચોખ્ખું રહેશે.

આવી સવળી વિચારસરણીથી દુઃખરહિત થઈ જવાય છે. હકારાત્મક વિચારનાં સ્પંદનો આપણને અને બીજાને સ્પર્શે છે ત્યારે ખરાબ કાર્ય કરતાં અટકાવે છે અને શુભ કાર્ય કરવાની નિરંતર પ્રેરણા આપતા રહે છે.

અમેરિકાના એક સ્ટોરમાં દિવસે-દિવસે ચોરીનું પ્રમાણ ખૂબ વધતું જતું હતું. સ્ટોરના માલિકના ઘણા પ્રયત્નો કરવા છતાં તેઓ સફળ ન થયા. એક દિવસ તેમણે પોતાના સ્ટોરમાં ‘I am honest, I can not steal’ વાક્યની સંગીત સાથે ધીમા મધુર સૂરમાં રેકોર્ડ કરેલી કૅસેટ મૂકવાની શરૂ કરી અને ટૂંક સમયમાં હકારાત્મક શબ્દોની ધારી અસર તેમના સ્ટોરમાં થઈ. ચોરીનું પ્રમાણ ક્રમશઃ ઘટતું ગયું.

પોતાના સ્વજીવનમાં પણ અનેક નિષ્ફળતાઓની વચ્ચે પણ હકારાત્મક વલણથી આગળ વધવા સફળતા સામેથી વધાવે છે એવી વિચારસરણી જીવનમાં હારને જીતમાં, નુકસાનને ફાયદામાં અને રસ્તાના પથ્થરને સફળતાની સીડીમાં ફેરવી નાખે છે.

વિચાર જ સુખી કરે છે ને વિચાર જ દુઃખી કરી દે છે... સુખી થવું કે દુઃખી થવું તે આપણા જ હાથમાં છે... તો શા માટે Positive વિચારો કરી સદાય સુખી ન રહેવું ??? હવે, Positive વિચારો કેવા કરવા તે જોઈશું આવતી લેખમાળામાં...