સુખ દુઃખનું મૂળ : વિચાર - 2

  January 12, 2016

જે કંઈ થઈ રહ્યું છે, થાય છે અને થશે તે એકમાત્ર શ્રીજીમહારાજની ઇચ્છાથી અને એમના કર્તાપણાથી જ થાય છે. આવું વિચારવું એ જ સૌથી મોટો સવળો વિચાર છે અને આ જ સુખિયા થવાની સૌથી સહેલી રીત છે.

શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના 39મા વચનામૃતમાં કહ્યું છે કે, “દેહને વિષે અહમબુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિષે મમત્વબુદ્ધિ એ જ માયા છે.” જીવપ્રાણીમાત્ર અહમ્-મમત્વના વિચારમાં જ રાચતો હોય છે. પરિણામે જ્યાં તેનું ખંડન થાય કે ઇચ્છા વિરુદ્ધ થાય ત્યાં દુઃખી થઈ જતો હોય છે. પાડોશી આપણા ઘરના આંગણામાં પાણી ઢોળે કે બાળકોને છણકો કરે કે આપણને અપશબ્દો બોલે તો તરત જ ઝઘડા-કંકાસ શરૂ થઈ જાય છે. કારણ અહમ્-મમત્વના જ વિચાર. પરંતુ ‘હું કશું જ નથી. સર્વસ્વ મહારાજનું જ છે. હું પણ એમનો જ છું.’ આવો જો શ્રીજીમહારાજના કર્તાપણાનો વિચાર થાય તો સુખી થઈ જવાય.

કેટલીક વખત કાલ્પનિક વિચારો કરવામાં આપણા જીવનના મૂલ્યવાન સમયનો વ્યય થઈ જતો હોય છે. તો વળી, કલ્પનાના મિનારા રચાતા હોય છે. ક્યાંક કોઈની મોટપ કે પ્રસિદ્ધિ જોઈ એવા થવા માટેની કલ્પનાના ઘોડા દોડાવી અર્થહીન આયોજનમાં મચી પડતા હોઈએ છીએ. કેટલીક વ્યક્તિઓ તો ‘જો મને મિનિસ્ટરની ઓળખાણ મળી જાય તો હું ધંધો શરૂ કરીશ. પછી મોટી ફૅક્ટરી કરીશ. મોટી ઑફિસ કરીશ. વિદેશમાં માલ એક્સપોર્ટ કરીશ. એ.સી. ગાડીમાં મોટો શેઠ બનીને ફરીશ.’ – એવા શેખચલ્લીના કાલ્પનિક વિચારોમાં રાચવા માંડતો હોય છે. વાસ્તવિક્તા જોઈએ તો ઘરમાં હાંડલાં કુસ્તી કરતાં હોય અને શાકભાજીની લારી લાવવાનો વેંત પણ ન હોય. શેખચલ્લીના કાલ્પનિક વિચારોથી મોટા થવાના અભરખા અને ઇચ્છાઓ વધે છે તે વાસ્તવિક્તાએ સંતુષ્ટ ન થાય તો દુઃખ સિવાય બીજું કશું રહેતું નથી.

આજના તીવ્ર પરિવર્તન યુગમાં કલ્પના સાકાર થાય તેવી સાનુકૂળતાઓ છે. પરંતુ કેવી કલ્પનાઓ ? વાસ્તવિક કલ્પનાઓ, જે વાસ્તવિક્તાએ આપણા દ્વારા કરી શકાય તેમ હોય તેમજ આપણા ગજામાં હો તેવા જ વિચારો કે કલ્પનાઓ કરવાથી સુખી થવાય છે. પાંચ હજારના પગારની નોકરી હોય અને સાત-આઠ હજારના પગારવાળી નોકરી માટેના પ્રયત્ન કરવા અને તેની કલ્પના કરવી વાસ્તવિક છે. કારણ કે ધીરજ સાથે પ્રયત્ન કરવાથી આજે નહિ તો કાલે તે મળી શકે છે અને સુખરૂપ નીવડી શકે છે. પરંતુ સ્કૂલમાં 40% એ માંડ પાસ થનાર વ્યક્તિ બોર્ડની પરીક્ષામાં 90% લાવવાના કાલ્પનિક વિચાર કરે તો શક્ય જ નથી અને એવી કલ્પના જ દુઃખી કરે છે. માટે સુખી થવા વાસ્તવિક વિચારો જ કરવા.

કેટલીક વખત કોઈ વ્યક્તિ, સમાજ કે સંસ્થા પ્રત્યે વિરોધાત્મક વલણ ધરાવતા હોઈએ તો તેના પ્રત્યે અશુભ વિચારો વારંવાર આવ્યા કરતા હોય છે. આવા અશુભ વિચારો સામેના પક્ષનું અહિત કરવાના, નાશ કરવાના, તાડન કરવાના નિમ્ન વિચારો સુધી પ્રેરે છે. પરિણામે અંતરમાં દુઃખ, ઉદ્વેગ, અશાંતિ વર્તે છે. અશુભ વિચારોનું બીજ એક વખત અંદર પડે પછી તેને વટવૃક્ષ બનવા માટે માત્ર સમયે પાણી મળવાની જ જરૂર રહે છે. અશુભ વિચારોનું ચિંતવન ક્યારેક આજ્ઞા વિરુદ્ધ ક્રિયા કરવા કે દુષ્કૃત્ય કરવા માટે પ્રેરે છે.

નિકો નામનો એક રશિયન યુવાન છાત્રાલયમાં અભ્યાસ કરતો હતો. છાત્રાલયની સામેના મકાનમાં એક વિધવા વૃદ્ધ સ્ત્રી વ્યાજ-વટાવનો ધંધો કરી પોતાનું જીવન પસાર કરતી હતી. તેની પાસે ખૂબ પૈસો હતો છતાં પોતાના કંજૂસ સ્વભાવને કારણ ગરીબ લોકોને ખૂબ ઊંચા દરે નાણાં ધીરી આકરું વ્યાજ વસૂલ કરતી હતી. એક વાર જે વ્યક્તિ તેના દેવામાં ડૂબે તે જીવન પર્યંત ક્યારેય બહાર નીકળી જ ન શકે. વૃદ્ધા પોતે એકલી હોવા છતાં ગરીબના પૈસા લઈ તેમની આંતરડી કકળાવતી હતી.

યુવાનના મનમાં વિચાર આવ્યો કે, “આ બુઢ્ઢી મરી જાય તો સારું. ભગવાન હવે ક્યારે તેને પોતાના ઘેર બોલાવે !! બુઢ્ઢી જાય તો ગામ રાજી થાય અને બધા તેના ત્રાસથી છૂટે.” આવા વિરોધાત્મક અશુભ વિચારનું બીજ યુવાનની મનોભૂમિમાં રોપાઈ ગયું.

થોડા સમય પછી યુવાનની પરીક્ષા નજીક આવી. ફી ભરવા માટે તેની પાસે પૈસા નહોતા. તેથી યુવાન નિકો પોતાની ઘડિયાળ વૃદ્ધાને ત્યાં ગીરવે મૂકી પૈસા લેવા ગયો. વૃદ્ધાએ તેની ઘડિયાળ હાથમાં લીધી અને કહ્યું, “આ ઘડિયાળમાં તો કોઈ દમ નથી.” એમ બોલી ઘડિયાળ બારીકાઈથી જોવા મોં બારી તરફ કર્યું. આ તકે નિકોની મનોભૂમિમાં રોપાયેલા અશુભ વિચારોએ સાકાર સ્વરૂપ પકડ્યું. તેણે ડોશીને પાછળથી બોચી દબાવી ઠેકાણે પાડી દીધી.

વિરોધાત્મક વિચારોની શરૂઆત અભાવ-અવગુણ અને અમહિમાના વિચારથી જ થતી હોય છે. અને એ અમહિમાના વિચારની પરાકાષ્ઠા ક્યારેક માનવતાનાં મૂલ્યોને પણ મિટાવી દુઃખના દરિયામાં ડુબાવી દે છે. માટે વિનાશક અને વિરોધાત્મક વિચારોને દૂર કરવા સર્જનાત્મક અને રચાનાત્મક વિચારો કરવા. આવા વિચારો જ આપણને સદાચારી, નીતિમય અને ઉત્કૃષ્ટ  કાર્ય કરવાની ઉત્સાહભેર સતત પ્રેરણા આપે છે. જીવનમાં આવી પડેલ આપત્તિમાંથી પણ બહાર નીકળી સમયે પરિસ્થિતિનો સામનો કરી સવળું વિચારી કંઈક નવું કાર્ય કરી સુખી થવાનો રાહ ચીંધે છે.

થૉમસ એડિસનના જીવનના 67મા વર્ષે તેમની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. તેમાં અબજો ડોલર્સની માલ-મિલકત બળીને ખાખ થઈ ગઈ હતી. ફૅક્ટરીનો વીમો માત્ર આંશિક નુકસાન ભરપાઈ કરી શકે તેટલો જ હતો. પોતાની સમગ્ર જિંદગીની મહેનત અને કમાણીને આગમાં ભસ્મીભૂત થતી જોઈ છતાં તેમણે એ સમયે માત્ર એટલું જ કહ્યું કે, “વિનાશ પણ ખરેખર તો મૂલ્યવાન હોય છે, કારણ કે એમાં આપણે કરેલી તમામ ભૂલો બળીને ખાખ થઈ જાય છે. એ માટે પ્રભુનો આભાર માનવો જોઈએ. કારણ કે હવે આપણે નવેસરથી શરૂઆત કરીશું.”

જીવનમાં આટલો ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવા છતાં ડગમગ્યા વગર તેઓ સતત નવા રચનાત્મક અને સર્જનાત્મક વિચાર કરતા જ રહ્યા. અકસ્માતના ત્રીજા જ અઠવાડિયે ઉત્સાહભેર તેમણે ફોનોગ્રાફીની નવી શોધ કરી સમગ્ર વિશ્વને ભેટ ધરી. માટે આવા રચનાત્મક અને સર્જનાત્મક વિચારો દ્વારા આપણા જીવનની ઉન્નતિ કરીએ. ક્યાંક વણસેલા ધંધાને તથા સંબંધોને તાજા કરીએ.

આકાશ વાદળ વિહીન હોય, જળ શાંત હોય અને પવન એક જ દિશામાં ફૂંકાતો હોય એવા સમયે સેંકડો નૌકાઓ અલગ અલગ દિશામાં વિહાર કરતી જોવા મળે છે. પવન એક જ દિશામાં ફૂંકાતો હોવા છતાં આવું કેવી રીતે બની શકે ? તેનું કારણ છે નૌકામાં નાવિકે ચઢાવેલા સઢ. સઢની ચડાવવાની રીતના આધારે નૌકા જે તે દિશામાં ગતિ કરે છે. પવનની દિશાને બદલી શકાતી નથી અથવા આ જ દિશામાં પવન ફૂંકાશે એવું કહી શકાતું નથી. પણ સઢ કેવી રીતે ચઢાવવા તે તો ચોક્કસ નક્કી કરી શકાય છે.

એવું જ આપણા જીવનમાં બનતું હોય છે. લહેરાતા પવનની જેમ વિચારો તો કોઈ પણ દિશામાં વહેતા રહે છે. પરંતુ કેવા વિચારો કરવા અને કેવા વિચારો ન કરવા તે તો આપણા હાથમાં જ છે. એટલે વિચારો ઉપર વિવેકરૂપી સઢ બાંધી શકાય છે. માટે આપણા વિચારોને જાગ્રત કરી ધ્યેયલક્ષી બનાવવા, બીજાના વિચારો, જીવનશૈલી કે પદ્ધતિને બદલવા કરતાં આપણા જીવન પ્રત્યે જાગ્રત બનીએ. આપણને કેવા વિચારો નુકસાન કરે છે ? કેવા વિચારો ફાયદો કરે છે ? તેને સાવધાનપણે ચકાસીએ. કોઈ પણ વાત કે પ્રસંગ બને, જોઈએ કે સાંભળીએ તો તરત જ આપણા વિચાર તરફ એકાગ્ર થઈએ અને જીવનનો એક ધ્યેય બનાવી તે તરફ લક્ષ કેળવીએ તો જીવનમાં સુખી થઈ શકાય છે.

એક ભિક્ષુક યુવાન કટોરો ભરી પેન્સિલ લઈ રેલવે સ્ટેશન પર બેઠો હતો. એક યુવાન અધિકારી ત્યાંથી પસાર થયો અને તેના પાત્રમાં બે રૂપિયાનો સિક્કો નાંખ્યો અને ટ્રેનમાં ચડી ગયો. ટ્રેન સ્ટેશન પરથી ઉપડે એ પહેલાં યુવાન અધિકારીના મનમાં કોઈક વિચાર ઝબક્યો. તેઓ નીચે ઊતર્યા અને ભિક્ષુકના કટોરામાંથી બે રૂપિયામાં ખરીદી શકાય તેટલી પેન્સિલ લઈ લીધી. તેમણે ભિક્ષુક યુવાનને કહ્યું, “હવે બરાબર છે. જેટલા પૈસા આપ્યા તેટલી પેન્સિલ ખરીદી. તું પણ ધંધો કરવા બેઠો છે અને હું પણ.” આટલું બોલી તેઓ ઝડપથી ટ્રેનમાં ચડી ગયા અને ટ્રેન ઊપડી ગઈ.

છ મહિના પછી આ યુવાન અધિકારી પ્રસંગોપાત્ત ફરીથી સ્ટેશન પર આવ્યા હતા. ભિક્ષુક યુવાને તેમને ઓળખી લીધા. આજે તે નવાનકોર સૂટબૂટ અને ટાઈમાં સજ્જ થઈ તેમની પાસે ગયો અને કહ્યું, “તમે મને કદાચ નહિ ઓળખ્યો હોય પરંતુ હું તમને ઓળખું છું.” એમ કહી છ મહિના પહેલાં બનેલ બીના કહી. આશ્ચર્ય સાથે અધિકારીએ કહ્યું, “તું તે દિવસે ત્યાં ભીખ માંગતો હતો અને આજે સૂટબૂટમાં શું કરે છે ?”

ત્યારે તેમણે કહ્યું, “કદાચ આપને કલ્પના પણ નહિ હોય પરંતુ આપના માત્ર બે શબ્દોએ મારા અંતર આત્માને જાગ્રત કર્યો. જીવનમાં કંઈક કરવાના વિચારો પ્રેર્યા. તમે મારા જીવનમાં ગુમાવેલી પ્રતિષ્ઠાને પાછી મેળવવામાં મદદ કરી. આપના શબ્દોને મેં મારા જીવનનો ધ્યેય બનાવ્યો. વિચાર કર્યો કે હું શું કરી રહ્યો છું ? શા માટે ભીખ માંગું છું ? શું હું નિર્માલ્ય છું ? આ ખરેખર યોગ્ય છે ? અને એ જ દિવસે મેં નક્કી કર્યું કે હું જીવનમાં ક્યારેય ભીખ નહિ માંગું પણ કોઈ નક્કર રચનાત્મક કાર્યો કરીશ. ભીખ માંગવાને બદલે મહેનત કરી મારી આજીવિકા મેળવીશ. અને એ જ દિવસથી મેં નોકરી માટે પ્રયાસ શરૂ કર્યા. આજે હું નોકરી કરું છું, સારો પગાર છે અને સમાજમાં મારી સારી પ્રતિષ્ઠા પણ છે.” ભિક્ષુક યુવાને પોતાના સુષુપ્ત વિચારોને જાગ્રત કર્યા અને તેને ધ્યેયલક્ષી બનાવ્યા તો જીવનમાં સુખી થયો.

આપણા સત્સંગીમાત્રનો અવરભાવનો એકમાત્ર ધ્યેય છે – મહારાજ અને મોટાપુરુષને રાજી કરી જ લેવા છે. રાજીપાનો વિચાર એ જ આપણા સત્સંગનો પ્રાણ છે. રાજીપાના વિચાર ઉપર જ આપણી આધ્યાત્મિક અને વ્યવહારિક સુખાકારી નિર્ભર છે. જેટલો રાજીપાનો વિચાર ઉત્કૃષ્ટ હોય તેટલું જ રાજીપામાં જીવન જિવાય. રાજીપાસભર જીવન જિવાય એટલું જ અવરભાવમાં સુખ અને જેટલું રાજીપા બહાર વર્તાય તેટલું દુઃખ છે.

પરભાવના સુખનો પ્રારંભ વિચારના છેલ્લા મૌનથી જ થાય છે એટલે કે વિચારોનો વિરામ થાય, દેહભાવનો પ્રલય થાય અને દેહથી જુદા પડી મૂર્તિધ્યાસ થાય ત્યારે વિચારમાત્ર બંધ થઈ જાય છે. શાશ્વત સુખ અને શાંતિનો એક નિરાળો અનુભવ થાય છે. જગતની વિસ્મૃતિ થઈ જાય છે. માટે લૌકિક સુખના વિકારવાન વિચારો, રસિક વિચારો, વાસનાના વિચારોનો ત્યાગ કરી અલૌકિક સુખના વિચારમાં નિરંતર મંડ્યા રહેવું. લૌકિક સુખો બધાં ઝાંઝવાના નીર જેવાં છે. જેમાં ભ્રમિક સુખ દેખાય છે. પરંતુ છેવટે તો દુઃખી જ થવાય છે.

ખરેખર તો શ્રીજીમહારાજની મૂર્તિનું પરભાવનું અલૌકિક સુખ જ અવિનાશી અને સાચું સુખ છે, જેનો એક વાર અનુભવ થયા પછી ક્યારેય વિસરાતું નથી. માટે અવરભાવમાં ઉત્કૃષ્ટ વિચારો કેળવી પરભાવ તરફ પ્રગતિ કરવા માટેની યાત્રામાં મંડ્યા રહીએ એ જ અભ્યર્થના.

 

સુખ અને દુઃખ એ એવી ઘટમાળ છે કે જે પડછાયાની જેમ માણસની હરએક ક્ષણે જોડે જ રહે છે; પણ તેમાંથી બહાર નીકળવાનો ઉત્તમ ઉપાય Positive વિચાર તે જોયો... જેનો અમલ કરીને આપણે એના મીઠા ફળ મેળવીશું... પણ આ તો થયા માત્ર વિચારો... પણ જ્યારે આપણે સમૂહમાં રહીએ છીએ ત્યારે એક બીજું અતિ મહત્ત્વનું પાસું છે જે આપણને સુખિયા ને દુઃખિયા કરી દે છે તો શું છે એવું ? તે જોઈશું આવતા અંકે...