સુખ-દુઃખનું મૂળ : વિશ્વાસ - ૧
September 5, 2017
વિશ્વમાં પારસ્પરિક સંબંધોને ઘનિષ્ઠ બનાવનાર જો કોઈ તત્વ હોય તો તે છે વિશ્વાસ. વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે. વિશ્વાસનું આપણા સૌના જીવનમાં શું મહત્વ છે તે સમજીએ….
શૂન્યમાંથી સર્જન પામેલું સમગ્ર વિશ્વ આજે અદ્યતન ટેક્નૉલોજીના સથવારે સમૃદ્ધ અને પ્રગતિશીલ બની રહ્યું છે ત્યારે વિજ્ઞાન અને ટેક્નૉલોજીના સથવારે વિશ્વના વિવિધ માનવ-સમુદાયો વચ્ચેનું આદાન-પ્રદાન શક્ય બન્યું છે તથા અંતર ઘટ્યું છે. એમ માનવી માનવીથી નજીક થયો છે. એમ આજનો માનવ-સમુદાય વૈશ્વિક બન્યો છે. આજે વિશ્વમાં પારસ્પરિક સંબંધોને ઘનિષ્ઠ બનાવનાર જો કોઈ તત્ત્વ હોય તો તે છે વિશ્વાસ. ‘વિશ્વાસના આધારે તો સંસારસમુદ્રમાં વહાણ ચાલે છે.’ વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે. સૃષ્ટિના સર્જનથી માંડી અદ્યાપિ સમગ્ર વિશ્વનું તંત્ર વિશ્વાસના આધારે જ ચાલતું આવ્યું છે, ચાલી રહ્યું છે અને ચાલશે. જ્યાં અને જ્યારે અરસપરસના સાંસારિક, વ્યવહારિક કે આધ્યાત્મિક સંબંધોમાં વિશ્વાસની કડી તૂટે કે જોડાય છે ત્યારે સુખ-દુઃખના અનુભવ થતા હોય છે. એટલે કે આપણા જીવનમાં આવતાં સુખ-દુઃખનાં ચક્રમાં વિશ્વાસ પણ અગત્યનું પાસું બની રહેતો હોય છે.
આપણા રોજબરોજના જીવનની સામાન્ય બાબતથી માંડી અરસપરસ પતિ-પત્નીના નાતે બંધાઈ આખું જીવન સોંપવા સુધીની બાબતમાં આપણે કેવળ વિશ્વાસ જ મૂકીએ છીએ. ઘરની બહાર નીકળ્યા પછી પરિચિત કે અપરિચિત એવી કેટલીય વ્યક્તિઓ સાથેના વ્યવહાર અને સંજોગમાં આપણે કેટલો વિશ્વાસ રાખીએ છીએ !
મીઠાની કોથળીમાં મીઠું જ આવશે, સાકર કે સોડા નહિ જ આવે.
વાળંદ માત્ર વાળ જ કાપશે, માથું નહિ જ કાપે.
બસનો ડ્રાઇવર નિશ્ચિત સ્થળે, નિશ્ચિત સમયે પહોંચાડશે જ.
બાયપાસ સર્જરીમાં ડૉક્ટર જિવાડશે જ, હૃદય બંધ નહિ કરી દે.
એવી રીતે આધ્યાત્મિક માર્ગમાં પણ દરેક શિષ્યને વિશ્વાસ હોય છે કે,
ગુરુ જરૂર મને ભગવાનની પ્રાપ્તિ કરાવશે જ.
સદ્જીવનની શુદ્ધતાની, પવિત્રતાની સાબિતી એટલે વિશ્વાસ. આંતરિક સંતોષ, નિશ્ચિતતા અને હાશની લાગણી ઉત્પન્ન કરતી સ્થિતિ એ જ વિશ્વાસ છે.
“Trust is a rare jewel which can never be bought or sold. It is an inner feeling of the human heart.” અર્થાત્ “વિશ્વાસ એક એવું દુર્લભ રત્ન છે જે ક્યારેય ખરીદી કે વેચી શકાતું નથી. એ એક માનવીય હૃદયની લાગણી છે.” જે લાગણીનો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અનુભવ કરતી જ હોય છે. જેને કારણે આંતરિક સુખ-દુઃખનાં વમળો જીવનમાં ઊઠતાં રહે છે. એટલે કે વિશ્વાસ એ આદર્શ જીવનનો ઉમદા ગુણ છે.
સંસાર એટલે સમૂહજીવનનો સરવાળો. દરેક વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધીનું સમગ્ર જીવન સમૂહજીવનમાં જ વ્યતીત કરે છે. જેમાં હરેક કદમ પર અરસપરસ વિશ્વાસ રાખવો પડે છે. જેમ કે, માતાપિતા અને બાળકો, પતિ અને પત્ની, વિદ્યાર્થી અને શિક્ષક, વેપારી અને ગ્રાહક, માલિક અને કર્મચારી, મિત્ર-મિત્ર, ગુરુ અને શિષ્ય વગેરે બધા સંબંધોમાં આપણે વિશ્વાસ જ મૂકીએ છીએ.
વિશ્વાસનો માર્ગ બહુ ગહેરો અને ગૌરવવંતો છે પરંતુ એના માટે જીવનમાં ઘણુંબધું ત્યાગવું પડે છે, સહન કરવું પડે છે, ઘસાઈ જવું પડે છે.
“Trust is an abstruct investment which yields rewards in the long run. It is an asset which can never be thrown or taken away; trust can only be built or shattered.”
અર્થાત્ “વિશ્વાસ એવું રોકાણ છે જે લાંબા-ટૂંકા ગાળે જરૂર ફાયદો આપે છે. એ એવી મિલકત છે જે ક્યાંય ફેંકાતી નથી, કોઈ લઈ જતું નથી કે ક્યાંય ખોવાતી નથી; એને કમાવવો જ પડે છે.”
આપણા પારસ્પારિક સંબંધોમાં મુકાતા વિશ્વાસના સિક્કાની બે બાજુની જેમ બે પાસાં છે. જેમાં...
૧. આપણે અન્ય ઉપર મૂકેલો વિશ્વાસ :
આપણે અન્ય ઉપર વિશ્વાસ મૂકીએ છીએ એમાં બહુધા ત્રણ પરિસ્થિતિ સર્જાતી હોય છે. વિશ્વાસ, અવિશ્વાસ અને વધુ પડતો વિશ્વાસ. અન્ય ઉપર વિશ્વાસ મૂકવો એટલે કે એનાં ચારિત્ર્ય, કાબેલિયત અને કાર્યપદ્ધતિ ઉપર મૂકેલો સંપૂર્ણ ભરોસો. અન્ય ઉપર ભરોસો મૂકી કામ સોંપ્યા પછી તેની સંભાળ રાખવી પરંતુ વારે વારે તે કાર્ય અંગે પૂછતાછ ન કરવી. બીજા દ્વારા તેની શંકાસ્પદ રીતે ખબર પણ ન રાખવી કારણ કે તેનાથી અવિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે. સામેની વ્યક્તિને પોતાનું અપમાન લાગે છે તેથી તેની કાર્ય કરવાની ધગશ અને જોમ ઘટતાં જાય છે. જેટલો વિશ્વાસ રાખી કાર્ય સોંપીએ તેટલો ઉત્સાહ અને કાર્યક્ષમતા વધી જાય છે. માટે જ્યાં ઘટે ત્યાં જરૂરી તપાસ કરી વિશ્વાસ મૂકવાથી આપણો વિશ્વાસ પણ સંપાદન થાય છે.
વિશ્વાસ મૂકવાનો પરંતુ વધુ પડતો પણ ન મૂકવો. કારણ કે સામેના પાત્રની કાબેલિયત, કાર્યક્ષમતા કે ગુણ-અનુભવને જોયા-જાણ્યા વિના કામના વધુ પડતા બોજામાંથી છૂટવા વધુ પડતો વિશ્વાસ મૂકી દેવામાં આવે, તે અંગે કોઈ તપાસ પણ ન કરવામાં આવે તો છેવટે બહુ મોટું નુકસાન ભોગવવું પડે છે. ક્યાંક સમાજમાં, દેશમાં કે સત્સંગમાં નીચાજોણું પણ થાય છે. માટે અન્ય ઉપર વિવેકબુદ્ધિથી મૂકેલો વિશ્વાસ સદા સુખદાયી નીવડે છે.
૨. અન્યએ આપણી ઉપર મૂકેલો વિશ્વાસ
જેમ આપણે અન્યની ઉપર વિશ્વાસ મૂકીએ છીએ તેમ અન્ય લોકોએ પણ આપણી ઉપર વિશ્વાસ મૂકેલો હોય છે; તેને પણ જાળવવો અતિ આવશ્યક છે.
આપણા ઉપર અન્ય કોઈ વ્યક્તિ વિશ્વાસ મૂકી શકે એવા ભરોસામંદ બનવું એ આપણી આદર્શતાનું તથા વફાદારીનું પ્રતીક છે. ગ્રાહક એક વેપારી તરીકે આપણા ઉપર વિશ્વાસ મૂકે ત્યારે તેના વિશ્વાસને અનુરૂપ માલની ગુણવત્તા જાળવવી એ આપણી ફરજ છે. ઘર-પરિવારમાં માતાપિતા, પત્ની, બાળકો કે અન્ય સ્નેહીજનોએ આપણી ઉપર મૂકેલો વિશ્વાસ સદાય ધબકતો રાખવો. કદી તેમને દુઃખી કે ઓશિયાળાં ન કરવાં. ધંધા-વ્યવસાયમાં પણ આપણા આશરે રહેલા કર્મચારીઓ, સહસાથીઓનો કે ઉપરીનો પણ કદી વિશ્વાસઘાત ન કરવો. તેમની સાથે પણ કદી છળ, કપટ કે દગો ન કરવાં.
આપણા જીવનમાં એવી કોઈ ક્રિયા કે ટેવ-કુટેવ ન પાડવી કે જેથી અન્ય વ્યક્તિને આપણા પ્રત્યે અવિશ્વાસ જન્મે તથા જે શંકાશીલ નજરે, અવિશ્વાસની નજરે જોતા હોય તેવી વ્યક્તિના અંગને જાણી રાખી સમયોચિત સાવધાન રહેવું પરંતુ જીવનમાં કાંઈ ખોટું પેસવા ન દેવું અર્થાત્ ખોટું બોલવું, યુક્તિ-પ્રયુક્તિ કરવી, પોતે બચવા બીજાને આગળ ધરી દેવા, જણાવવા યોગ્ય વાત ન જણાવવી. આ બધી બદી ન પેસવા દેવી તો સાચા વિશ્વાસુ કહેવાય. તથા કદી કોઈના વધુ પડતા વિશ્વાસમાં પણ ન આવી જવું. આપણી ક્ષમતા મુજબ કાર્ય કરવું. વળી, વધારે પડતો શો કરી વધુ પડતો વિશ્વાસ સંપાદન કરેલો ક્યારે તૂટી જાય અને દુઃખી થઈ જવાય તેની ખબર ન પડે.
પારસ્પરિક સંબંધોમાં ક્યાંક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થાય તો એકબીજા સાથે બેસી ખુલાસો કરો, કરાર કરો અને જ્યાં કંઈ અણસમજણ થઈ હોય તેને દૂર કરી થયેલી ભૂલ માટે માફી માંગી વિશ્વસનીય વાતાવરણનું સર્જન કરવું; તો જ સુખી થવાય. ઉપરોક્ત બેમાંથી કોઈ પણ એક વિશ્વાસ જ્યાં ખંડિત થાય છે ત્યાં દુઃખ આવે જ છે.
એક વખત એક યુવકને ક્યાંય નોકરીનું ઠેકાણું પડતું ન હતું. તેઓ કોઈ હરિભક્તને ત્યાં નોકરી મળે તે માટે પૂ. સંતો પાસે આવ્યા. તેઓને નોકરીની ખૂબ જરૂરિયાત હોવાથી પૂ. સંતોએ તેમના પર વિશ્વાસ મૂકી એક હરિભક્તને ભલામણ કરી તેમની કંપનીમાં નોકરી અપાવી. પૂ. સંતોના વિશ્વાસે ઘરના હરિભક્ત હોવાથી નોકરીએ રાખનાર હરિભક્તે તેમને એકાઉન્ટન્ટની પોસ્ટ આપી સારો પગાર નક્કી કર્યો. આ યુવક પણ ખૂબ ખંતથી પોતાની ફરજ અદા કરતા હતા પરંતુ ઝાઝું દ્રવ્ય કોઈની પણ મતિને બદલી નાખે છે.
થોડા સમય બાદ તેઓ ભૂલી ગયા કે હું કોણ છું ? અને કોની ભલામણથી મને આ નોકરી મળી છે ? મારું શું કર્તવ્ય છે ? હરિભક્તને કંપનીના એકાઉન્ટના સ્ટેટમેન્ટ ચેક કરતાં ખબર પડી કે તેમણે પચાસ હજાર રૂપિયાનો ગોટાળો મારી ઉચાપત કરી લીધી હતી. આ પ્રસંગ બાદ હરિભક્તને અજાણી વ્યક્તિ અને અન્યની ભલામણથી રાખેલ વ્યક્તિ પરથી વિશ્વાસ ઊઠી ગયો. પૂ. સંતોને પણ આ સમાચાર મળતાં અતિશય દુઃખ થયું. એ યુવકને મહાપરાણે મળેલી નોકરી પણ જતી રહી. પાછા હતા એ જ સ્થાન પર આવી ગયા.
પૂ. સંતો અને હરિભક્તે મૂકેલા વિશ્વાસનો વિશ્વાસઘાત કરવાનું ફળ શું મળ્યું ? નોકરી ગઈ, આબરૂ ગઈ, ચોરી વર્તમાન લોપાયું અને મહારાજ અને મોટાપુરુષની નારાજગી મળી તે નફામાં. શું પામ્યા ? માત્ર દુઃખ, દુઃખ ને દુઃખ જ; અન્ય કશું જ નહીં. શ્રીજીમહારાજે પણ શિક્ષાપત્રીના ૩૭મા શ્લોકમાં કહ્યું છે કે, “કોઈનો વિશ્વાસઘાત ન કરવો. કારણ કે વિશ્વાસઘાત જેવું બીજું કોઈ મોટું પાપ નથી.” માટે ખરેખરા વિશ્વાસુ બનવું. વિશ્વાસ અને વફાદારીને આધારે જ આપણી જીત થાય છે અને એના આધારે જ જીવનમાં સુખી થવાય છે.
“The World we livw in is an impure as satan’s world hatred, mistrust, disbelief and revenge rule rather than harmony, love and peace, The latter three can exist only, when there is trust.” અર્થાત્ “આપણે જે દુનિયામાં રહીએ છીએ એમાં નફરત, અવિશ્વાસ, ખોટી માનીનતાઓ અને બદલો લેવાની ભાવના જેવી ઘણી ખરાબ બાબતો છે છતાંય તેની વચ્ચે સુહૃદભાવ, પ્રેમ અને શાંતિ જેવી સારી વસ્તુઓ વિશ્વાસના આધારે ટકી રહી છે.” હરેક ક્ષણે આપણા જીવન પરત્વે આપણા ઉપરી, સહસાથી સૌને વિશ્વાસ જન્મે એવું આપણું જીવન બનાવવા કૃતનિશ્ચયી થવું જોઈએ.