સુખદુઃખમાં ભાગીદાર થઈએ - 1

  August 28, 2014

સાચા સ્વજન એ કે જે ખરા સમયે આપણા સુખદુ:ખના ભાગીદાર થાય. આવા સાચા સ્વજન કોણ છે ? - એ સમજવું, વિચારવું બહુ જરૂરી છે ત્યારે, આવો એ બાબતે જાણીએ આ લેખ દ્વારા.

સુખદુઃખમાં ભાગીદાર થઈએ

“જ્યારે બધાય તમારું આંગણું છોડીને જતા રહે ત્યારે તમારા આંગણે જે ઊભા રહે છે એ જ સાચા સ્વજન.”

  ખરા સમયે આપણાં સુખદુઃખમાં ભાગીદાર થાય એ જ આપણા સાચા સ્વજન છે; ભલે પછી તે સત્સંગી હોય કે આડોશીપાડોશી હોય.

   લગભગ 5-6 વર્ષ પહેલાંની એક બનેલી સત્ય ઘટના છે. આપણા ઘરના જ એક સત્સંગી ભાઈ જેઓ સાધારણ નોકરી કરતા હતા. પગારની આવકમાંથી તેમનો જીવનનિર્વાહ માંડ ચાલતો હતો. એક દિવસ કોઈ કારણોસર તેમની નોકરી છૂટી ગઈ. ભેગી કરેલી બચતમાંથી ઘરનો નિર્વાહ ચાલતો હતો. તેમની પાસે લૌકિક પોતાની કોઈ સંપત્તિ કે મૂડી બચી નહોતી, પરંતુ તેમનો મહારાજ અને મોટાપુરુષ ઉપરનો વિશ્વાસ અને શ્રદ્ધા અતૂટ હતાં.

  મહારાજે પોતાના આ નિષ્ઠાવાન ભક્તની કસોટી શરૂ કરી. તેમને કમળો થઈ ગયો. દિવસે દિવસે કમળાની અસર વધતી ગઈ. ઘરમાં દાણાનાં નાણાં નહોતાં તો દવા કેવી રીતે લાવવી ? આ સત્સંગી હરિભક્તને એક બાજુ પોતાના દેહનું દુઃખ અને બીજી બાજુ આર્થિક સંકડામણની ચિંતા કોરી ખાતાં હતાં. તેમને એક એક દિવસ એક એક વર્ષ જેવા લાંબા લાગતા હતા. પરિસ્થિતિ વધુ વિકટ બનતાં એમને આત્મહત્યા કરવા સુધીના વિચારો આવવા માંડ્યા.

  પોતાના ભક્તની પ્રભુ કસોટી લે, પરંતુ એમાં કોઈકને નિમિત્ત કરી તારે પણ ખરા. એક દિવસ આપણા એક સત્સંગી હરિભક્ત ઘણા સમયથી પોતે સત્સંગ સભામાં ન આવતા હોવાથી તેમને મળવા ઘેર ગયા. ઘરમાં પ્રવેશતાં જ સત્સંગી હરિભક્ત પરિસ્થિતિને પારખી ગયા. તેઓ બિમાર હરિભક્તના ખાટલા પાસે પહોંચી ગયા અને તેમને આશ્વાસન આપતાં કહ્યુ કે, “જુઓ, હવે તમે કોઈ ચિંતા ન કરશો. ગુરુવર્ય પ. પૂ. બાપજી આપણને કાયમ કહે છે કે, આ એસ.એમ.વી.એસ. એ કારણ સત્સંગનો એક પરિવાર છે. એક બાપના જ આપણે દીકરા છીએ. તમારું દુઃખ એ મારું દુઃખ અને તમારું સુખ એ મારું સુખ છે. હવે આ પરિવારની બધી જ ચિંતા મારી છે.”

  થોડી વારમાં તેઓ પોતાના ઘરે જઈ સીધું-સામાન લઈ આવ્યા. બાળકોની સ્કૂલની બાકી ફી ભરી દીધી. નજીકમાં રહેતા બીજા બે-ત્રણ સત્સંગી હરિભક્તોને વાત કરી. તેઓ બધા ભેગા થઈ તેમને ગાડીમાં દવાખાને લઈ ગયા. ડોક્ટરસાહેબને વાત કરી કે,“આ અમારા આત્માનાં સાચાં સગાં છે. તેમનામાટે જે સારવાર કરવી પડે તે કરો પણ એમને જલ્દી સારું થાય તેમ કરો.” પોતાની દુકાન ઉપર થોડા દિવસ રજા મૂકી આ સત્સંગી હરિભક્ત તેમની સેવામાં ખડે પગે ઊભા રહ્યા. ડોક્ટરસાહેબ સત્સંગી હરિભક્તોની એકબીજાનાં સુખદુઃખમાં ભાગીદાર થવાની આવી ભાવના જોઈ દિગ્મૂઢ બની ગયા અને તેમના મુખમાંથી ઉદગાર સરી પડ્યા કે, “કોટાનકોટિ ધન્યવાદ હો...!આપની નિઃસ્વાર્થ સેવા કરવાની ભાવનાને હું અંતરથી નવાજું છું. દુનિયામાં આપના જેવા એકબીજાનાં સુખદુઃખમાં ભાગીદાર થનારા નિઃસ્વાર્થ સેવાભાવી ગોત્યા ન જડે.”

  ક્યારેક આપણે એવા વિચારોમાં રાચતા હોઈએ છીએ કે મારે કોઈની જરૂર નથી, મારી પાસે ખૂબ પૈસો છે, મારી પાસે આવડત છે, બુદ્ધિ છે, હોશિયારી છે. હવે મારે કોઈની ઉપર આધાર રાખવાની જરૂર નથી. હું આરામથી મારી જિંદગી જીવી શકું છું. I have no problem.

  આવા ક્ષુલ્લક વિચારોમાં આપણે ક્યારેક આપણા ઘરના નાના સભ્યોની અવગણના કરી નાંખતા હોઈએ છીએ. પણ શું એમના વગર ચાલશે ? ના. એક નાનકડી ઘડિયાળમાંથી એક નાનું ચક્ર કાઢી લઈએ અને પછી એમ વિચારીએ કે એક નાના ચક્રની શું કિંમત ? એક નાના કાંટાની શું જરૂર છે ? તો શું એ ઘડિયાળ ચાલશે ? ના...ના...ના...જેમ એક નાના ચક્ર કે કાંટા વગર ઘડિયાળ પણ ચાલી શકતી નથી, એમ આપણા જીવનમાં પણ દરેકને એકબીજાની જરૂર તો પડે જ છે.

  એક વખત હાથની ચાર આંગળીઓ ભેગી થઈને ચર્ચા કરવા લાગી કે આ અંગૂઠો કેવો છે ? જાડિયો ને ઠીંગણો છે તોય પાવર કરે છે. કાયમ અતડો ને અતડો રહે છે. માટે હવે આપણે એને બોલાવવો જ નથી, આપણે એની સાથે અબોલા કરી દઈએ, એકલો પાડી દઈએ એટલે એનો બધો પાવર ઊતરી જાય. ચારેય આંગણીઓ સંપી ગઈ. અંગૂઠા સાથેનો બધો વ્યવહાર બંધ કરી દીધો. પરંતુ પ્રશ્ર્ન ઊભો થયો. લખવાના સમયે ચાર આંગળીઓ ભેગી થઈ લખવા માટે પેન પકડવા લાગી પરંતુ પેન પકડાય જ ક્યાંથી ? ત્યારે અંગૂઠાની જરૂરિયાત સમજાઈ.

  થોડી વાર પછી જમવા બેઠા. ચારેય આંગળીઓ ભેગી થઈ કોળિયો પકડવા જાય પરંતુ આંગળી વડે કોળિયો પકડાય ક્યાંથી ? ત્યારે અંગૂઠાની આવશ્યકતા સમજાઈ.

  આમ, દિવસ દરમ્યાન જે જે કાર્ય કરવા માંડ્યાં તેમાં નિષ્ફળતા ને નિષ્ફળતા. સાંજ પડી, હવે તો ચારેય આંગળીઓ થાકી ગઈ અને જઈને અંગૂઠાભાઈને કહેવા લાગી કે, “અંગૂઠાભાઈ, અમને માફ કરી દો. અમારાથી તમારો અપરાધ થઈ ગયો. હવે અમે તમને ક્યારેય જુદા નહિ પાડીએ. અમને હવે સમજાઈ ગયું કે કોઈના વગર ક્યારેય ચાલતું નથી. દરેકની આપણા જીવનમાં જરૂર તો પડે જ છે. ક્યારેય અતડા કે એકલપેટા ન થવું.

  ભારતીય પ્રણાલિકા એવી છે કે જેમાં સ્ત્રી અને પુરુષ વ્યવહારિક સંબંધથી બંધાય છે ત્યારે કાયમ માટે એકબીજાના સાથી બની રહીશું એવી પ્રતિજ્ઞા લે છે. જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ કે સંજોગો આવે, કોઈ મદદમાં આવે કે ન આવે પરંતુ તેઓ સદાને માટે સુખદુઃખના ભાગીદાર બની રહે છે.

  જોકે આપણી કારણ સત્સંગની સમજણ પ્રમાણે આપણા સમગ્ર જીવનના કર્તા, આપણો એકમાત્ર આધાર તો શ્રીજીમહારાજ જ છે. પરંતુ હજુ જ્યાં સુધી આપણે અવરભાવમાં છીએ ત્યાં સુધી તો રોજિંદા જીવનમાં પરિવારના સભ્યોમાંથી કોઈકના પ્રેમની, કોઈની હૂંફની, કોઈના સાથ-સહકારની તો જરૂર પડશે જ. આપણા પરિવારના સભ્યોએ એકબીજાની સાથે ખભેખભા મિલાવીને એકબીજાને સહકાર તો આપવો જ રહ્યો. એટલે જ એક કવિએ કહ્યું છે કે,

“સ્નેહના તારે હૈયા ગૂંથાય, જુદાઈ મટીને એકતાર થાય;

એનું નામ જ સુખદુઃખના ભાગીદાર કહેવાય.”

પરંતુ, જ્યારે આપણું ધાર્યું ન થાય,આપણું ગમતું ન થાય, આપણો પોતાનો સ્વાર્થ ન સધાય ત્યારે એક ધાબા નીચે રહેવા છતાં આપણાં મન જુદાં પડી જતાં હોય છે. આપણી અંદર રહેલી લાગણી મરી પરવારતી હોય છે. ત્યાં પછી એકલા રહેવાના, એકલું જીવન જીવવાના વિચારો આવતા હોય છે. પછી આપણને આપણા સ્વજન કરતાં પરજન સારા લાગતા હોય છે. પરંતુ ખરા સમયે જેનાથી છૂટા પડવાના વિચારો કરતા હોઈએ છીએ એ જ આપણો આધાર બની જાય છે. એ સમયે કીડીની જેમ શરમાવું પડે છે.