સુખદુઃખમાં ભાગીદાર થઈએ - 2

  September 5, 2014

જો કેરી જમવી હોય તો પહેલા આંબો વાવવો પડે તેમ અન્યની મદદથી આશા રાખતા પહેલા પોતાનો સ્વાર્થ છોડીને અન્યને મદદરૂપ થવું પડે. આવો, આ વાતની વધુ પુષ્ટિ કરીએ દૃષ્ટાંત દ્વારા આ લેખમાં.

એક કીડીએ ખોરાકની શોધમાં ફરતાં-ફરતાં ખાંડનો ઢગલો જોયો તેથી ખુશ ખુશ થઈ ગઈ. બીજી કીડીઓને બોલાવવા દોડી, ત્યાં તો કાગડાભાઈએ ટકોર કરી કે આ બધી ખાંડ તારા માટે રાખી મૂક તો જલસા થઈ જશે. શું કામ બીજા માટે મજૂરી કરે છે ? કીડીબાઈને થયું કે સાચી વાત છે. કીડીબાઈ તો એકલાં એકલાં રહેવા માંડ્યા ને મજા કરવા લાગ્યાં. થોડા દિવસમાં તો મુશળધાર વરસાદ આવ્યો, ચારે બાજુ પાણી-પાણી થઈ ગયું. ખાંડ બધી ઓગળી ગઈ ને કીડીબાઈ તણાવા લાગ્યાં. હાલ બેહાલ થઈ ગયાં. વરસાદ બંધ થયા પછી અન્ય જીવજંતુ, મકોડાભાઈ વગેરે ફરવા નીકળ્યા. કાગડાભાઈએ પણ જોયું છતાં કોઈ મદદમાં ન આવ્યું.

થોડી વારે એક કીડી ખોરાકની શોધમાં ત્યાં આવી ચડી. તેણે આ જોયું અને નજીક ગઈ, “અરે, આ તો મારી બહેન જ છે !” તરત દર પાસે જઈ બધી કીડીઓને બોલાવી લાવી. આ કીડીને દરમાં લઈ ગયા ને તેને ખૂબ જમાડ્યું, સંભાળ લીધી. કીડીબહેન તો ગદગદિત થઈ ગયાં. પોતાના સ્વજનની માફી માંગવા લાગ્યાં કે, “ખરેખર હું મારા સ્વાર્થે કરીને તમને બધાંયને છોડીને જતી રહી. છતાંય તમે મને ન ભૂલ્યાં. મારા સુખદુઃખમાં કોઈ ભાગીદાર ન થયું પરંતુ તમે જ થયાં, માટે મને માફ કરી દો. હવે હું તમને છોડીને ક્યાંય નહિ જઉં ને હવે, કાગડાભાઈ જેવા કોઈની વાતમાં લેવાઈશ નહીં.”

આપણે પણ આપણા જીવનમાં સ્વાર્થે કરીને ક્યારેય આવું તો કરતા નથી ને...? એ પ્રશ્ર્ન વ્યક્તિગત વિચારવો જરૂરી છે.

આપણે હંમેશાં એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે બીજા મને મદદરૂપ થાય, મારાં સુખદુઃખમાં ભાગીદાર થાય, પણ...

જો કેરી જમવી હોય તો પહેલાં આંબો વાવવો પડે, એટલે કે, પહેલાં આપણે મદદરૂપ થવું જોઈએ.

“બીજાની સાથે એવો વ્યવહાર કરવો કે જેવો તમે અન્યનો તમારી સાથેનો ઇચ્છતા હોય.” અન્યની પાસે જ્યારે આપણે અપેક્ષા રાખતા હોઈએ છીએ ત્યારે એ અપેક્ષા રાખતા પહેલાં એમની અપેક્ષાઓ આપણે પૂરી કરી છે ? તેનો વિચાર અચૂક કરવો. આપણા પરિવારના કોઈ સભ્ય બિમાર પડ્યા હોય ને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે, દવાખાનાના રોજના ધક્કા ચાલુ થાય ત્યારે એમ બોલીએ કે અત્યારે ખરેખર ભાઈ-ભાભીની ફરજ બને છે કે આપણાં સુખદુઃખમાં ભાગીદાર બનવું. તેઓ એમની ફરજ ચૂકી રહ્યાં છે. પરંતુ આપણા જીવનનો વિચાર નથી કરતા કે ભાઈના જીવનમાં જ્યારે તકલીફ હતી ત્યારે શું મેં મદદ કરી હતી ? ફરજ એવી વસ્તુ છે કે જેની હંમેશા આપણે બીજા પાસેથી જ આશા રાખીએ છીએ. પરંતુ પોતે સમય આવે ક્યાંક ચૂકી જતા હોઈએ છીએ.

    આપણને આવી અપેક્ષા રાખવાનો અધિકાર ત્યારે જ છે જો અન્યને આપણે મદદરૂપ થતા હોઈશું તો.

પ.પૂ.સ્વામીશ્રી ઘણી વખત યુવકોને પ્રશ્ર્ન પૂછતા હોય છે કે, તમને તમારો દીકરો પાણીનો ગ્લાસ ભરીને આપે એવું તમે ઇચ્છો છો ? તમારો દીકરો ઘડપણમાં તમારી લાકડી બને એવું તમે ઇચ્છો છો ? તમારો દીકરો તમારાં સુખદુઃખમાં ભાગીદાર થાય એવું તમે ઇચ્છો છો ? જો તમારો જવાબ “હા” છે તો હવે તમારી જાતને પ્રશ્ર્ન પૂછો કે...

શું તમે તમારાં માતાપિતાને પાણીનો ગ્લાસ ભરીને આપો છો ?

શું તમે તમારાં માતાપિતાની ઘડપણની લાકડી બન્યા છો ?

શું તમે તમારા માતાપિતાનાં સુખદુઃખમાં ભાગીદાર થયા છો ?

કોઈને મદદ કર્યા વિના મદદની કે પ્રેમની ઇચ્છા એ ફલ વિના મધ બનાવનાર મધમાખી જેવું છે.

આપણે આપણા રોજિંદા જીવનમાં મદદ તો સૌને કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે કોઈ એવી મુશ્કેલી કે આપત્તિ આવી પડે ત્યારે આપણે મોટે ભાગે પોતાના સ્વાર્થનો જ વિચાર કરતા હોઈએ છીએ.

ભણવામાં એક વાર્તા આવતી કે, એક જંગલમાં બે મિત્રો ફરવા માટે નીકળ્યા. રસ્તામાં બંને મિત્રોએ એક જંગલી રીંછને સામેથી આવતું જોયું. બંને મિત્રો ગભરાઈ ગયા. હવે શું કરવું ? નજર સામે પોતાનું મૃત્યુ દેખાતું હતું. બે મિત્રોમાં એક મિત્ર શરીરે પાતળો અને બીજો જાડો હતો. બંને મિત્રો દોડીને બચવા માટે ઝાડ પર ચઢવા ગયા. પાતળો મિત્ર ચઢી ગયો અને જાડો મિત્ર ચઢી ન શક્યો. તેણે યુક્તિ કરી અને ઝાડ નીચે શ્વાસ બંધ કરી સૂઈ ગયો. થોડી વારમાં રીંછ નજીક આવ્યું, સુંઘવા લાગ્યું અને મૃતદેહ પડ્યો છે એમ જાણી આગળ નીકળી ગયું. રીંછના ગયા પછી પેલો મિત્ર ઝાડ ઉપરથી નીચે ઊતરીને બીજા મિત્રને પૂછવા લાગ્યો કે, “રીંછે તને શું કહ્યું ? ”ત્યારે નીચે સૂતેલો મિત્ર કહે, “રીંછે કહ્યું કે, સ્વાર્થી મિત્રની સોબત ક્યારેય ન કરવી.” અને કહ્યું,

“મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય;

સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય.”

આમ, આપણે પણ આપણા જીવનમાં આવા કોઈક સંજોગોમાં પોતાના સ્વાર્થે કરીને સાથીને છોડી દેતા હોઈએ છીએ.

મોટે ભાગે આપણને સુખમાં ભાગીદાર થવું તો ગમતું હોય છે. પરંતુ દુઃખમાં ભાગીદાર થવું ઓછું ગમતું હોય છે. સુખ અને દુઃખ બંને પરિસ્થિતિની અંદર આપણા ભાગીદાર થાય એવા લગભગ 100એ 10% જ સ્વજન હોય છે. સુખ અને દુઃખ આ બંને પરિસ્થિતિમાં ભાગીદાર થાય તે જ સાચા આત્મીયજન છે.

એક ઘેઘૂર જંગલમાં એક વડલો હતો. વડલા પર જાત-જાતનાં પક્ષીઓ રહે. પક્ષીઓ અને વડલાદાદા વચ્ચે એક જ પરિવારના સભ્યો જેવી આત્મીયતા હતી.

  એક દિવસ જંગલમાં અચાનક દાવાનળ ફાટી નીકળ્યો. ચારે બાજુ આગના ભડકા બળવા લાગ્યા. પક્ષીઓ ખૂબ ભયભીત થઈ ગયાં. વડલાદાદા પક્ષીઓને કહેવા લાગ્યા કે, “હે પક્ષીઓ, તમારે તો સરસ મજાની પાંખો છે માટે તમે બધા ઊડી જાવ. નહિ તો બળી મરશો.”

“દાહ જલે ડુંગર જલે, જલે સબ વનરાઈ,

હમ જલે તુમ કાં જલો, હમારે પાંખો નાહી.”

ત્યારે બધાં પક્ષીઓ વડલાદાદાને ચોંટી પડ્યાં કે, “હે વડલાદાદા, સુખમાં પણ આપણે સાથે રહેતાં હતાં. ને આજે દુઃખ આવ્યું તો અમે તમને મૂકીને ક્યાંય નહિ જઈએ. બળી જઈએ, મરી જઈએ પણ તમને છોડીને તો ક્યાંય નહિ જઈએ.”

જંગલમાં રહેતાં પક્ષીઓ પણ આપણને કેટલું બધું શિખવાડી જાય છે !પક્ષીઓ તો વિજાતિ હતાં છતાંય સાથ ન છોડ્યો, જ્યારે આપણે તો સજાતિ હોવા છતાં સાથે જીવન જીવી દુઃખના સમયે પક્ષીઓની જેમ જોડે રહી શકતાં નથી.