સુખદુઃખમાં ભાગીદાર થઈએ - 3
September 12, 2014
જીવનમંત્રની નવમી કલમ ‘સત્સંગી માત્રના સુખદુ:ખમાં સદાય ભાગીદાર થઈશ’ ને આપણા જીવનમાં લક્ષ્યાર્થ કરીએ આ લેખમાં એક અદભુત પાત્રદર્શન દ્વારા.
સંસારમાં સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. એમાં સુખ અને દુઃખનાં ચક્રો તો ચાલ્યાં જ કરવાનાં છે, એ ચક્રને આપણે કોઈ રોકી નહિ શકીએ. એમાંય સુખ પણ મહારાજની પ્રસાદી છે અને દુઃખ પણ મહારાજની પ્રસાદી જ છે. પ્રસાદી દૂધપાકની પણ હોય અને કારેલાની પણ હોય, મીઠી પણ હોય ને કડવી પણ હોય પણ મૂળ તો પ્રસાદી જ છે. એનો અનાદર ન કરાય, આરોગવી જ પડે. એમ સુખદુઃખ બંને મહારાજની પ્રસાદી જ છે.
પરંતુ જ્યારે વ્યક્તિના જીવનમાં દુઃખ આવે છે ત્યારે વ્યક્તિની શારીરિક અને માનસિક પરિસ્થિતિ ડામાડોળ બની જતી હોય છે. ઊગરવાનો આરો શોધતો ફરે છે ને છેવટે તે ન મળતાં આત્મહત્યાના વિચાર સુધી પહોંચી જાય છે પણ, પ્રસાદી સમજીને સ્વીકારી નથી શકતા.
આના અનુસંધાનમાં સર વોલ્ટર કહે છે કે, “મનુષ્ય રડતો જન્મે છે, ફરિયાદો કરતો જીવે છે અને નિરાશ થઈને મરે છે.”
પરંતુ, આવા સંજોગોમાં રણમાં મીઠી વીરડી સમાન કોઈ સહારો, કોઈ ભાગીદાર મળી જાય તો નિરાશા આશામાં, દુઃખ સુખમાં પરિણમી જાય છે. આપણા પરિવારના સભ્યોમાં ક્યારેક આવી પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે પડ્યા પર પાટું નહિ મારતાં હાથ ઝાલીને સહારો આપવો જોઈએ. કોઈની ભૂલ જોતાં તરત જ આપણે તેને વધુ પડતું ટોક-ટોક કરીએ છીએ. પરંતુ એવું કરવાથી ભૂલ સુધરશે નહિ, ઉપરથી બેવડી થશે. એના કરતાં પ્રેમથી સમજાવી હૂંફ આપીશું તો વ્યક્તિના જીવનમાં ફરી એ ભૂલ ક્યારેય નહિ થાય, એને નવી દિશા મળી જશે.
એક વખત કોઈ વ્યક્તિના આવા અંધકારભર્યા જીવનમાં જ્યોત જગાવી આપીશું તો એ વ્યક્તિ આપણો ઉપકાર ક્યારેય નહિ ભૂલે; પછી એ કોઈ પણ હોય... ચાહે આપણા પરિવારના સભ્ય હોય કે પછી સત્સંગ સમાજના કોઈ મુક્ત હોય, પણ સૌના ટેકારૂપ બનવું એ જ ભક્ત તરીકે આપણી શોભા ગણાય.
બાપાશ્રીએ વાતોમાં કહ્યું છે કે, “આપણા ઉપર કોઈ દ્વેષ રાખતો હોય પણ તેને જો આપણા જોગું કામ પડે તો તેના કૃત્ય સામું જોવું નહીં. આપણાથી બને તેટલું સાચા દિલથી સારું કરવું. એવી ભગવાનના ભક્તની રીત છે.”
બાપાશ્રીએ ભગવાનના ભક્ત માટેની એવી રુચિ બતાવી છે કે કદાચ કોઈ કારણસર આપણી સાથે કોઈએ દ્વેષબુદ્ધિ રાખી હોય પરંતુ જો તેના દુઃખમાં ભાગીદાર થવાનો કોઈ સંજોગ ઊભો થાય તો તે વખતે બધું જ ભૂલીને તેને ખરા દિલથી મદદ કરવી.
તો સ્વભાવિક છે કે આપણા પરિવારના સભ્ય હોય કે આપણા સત્સંગ સમાજના કોઈ મુક્ત હોય તેમને ખરા સમયે મદદ કરવી, તેમના સાચા સ્નેહી બની રહેવું એ તો આપણી પવિત્ર ફરજ બને જ. સમયે સાચા સ્વજન બનવાની દિવ્ય રીત આપણા જીવનમાં ચરિતાર્થ કરવા માટે, ભક્તરાજ રામ ભંડેરીનો પ્રસંગ અદભુત છે.
ઉપલેટાના રામ ભંડેરી. તેઓ સદ. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા. વર્ષોવર્ષ સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ જતા. એક વાર સમાગમ કરીને પાછા આવતાં સ્વામીના ચરણમાં રડી પડ્યા અને કહ્યું કે, “સ્વામી, કામ-ક્રોધાદિક શત્રુ બહુ પીડે છે. માટે દયા કરો.”સ્વામીએ ગઢડા છેલ્લાનું 7મું વચનામૃત વાંચવાની આજ્ઞા કરીને કહ્યું, “જાવ, મહારાજ દયા કરશે.” ત્યારથી રામ ભંડેરી રોજ ગઢડા છેલ્લાનું 7મું વચનામૃત વાંચતા.
એક વાર ભેંસજાળ ગામના રામજી ભગત જૂનાગઢ સદ. ગુણાતીતાનંદ સ્વામીનાં દર્શને આવ્યા. સ્વામી આગળ પોતાના દુઃખની વાત કરતાં રડી પડ્યા. સ્વામીએ પૂછ્યું, “શું વાત છે ?” ત્યારે રામજી ભગત કહે, “સ્વામી, આ વર્ષે દીકરીનાં લગ્ન છે. પૈસાની સગવડ નથી, માટે પ્રાર્થના કરવા આવ્યો છું કે કંઈક દયા કરો.” તરત જ સદ. ગુણાતીતાનંદ સ્વામીએ આજ્ઞા કરી કે,“ભગત, તમે ઉપલેટા રામ ભંડેરીને ત્યાં જાવ અને તમારી વાતની રજૂઆત કરીને કહેજો કે, મને જૂનાગઢથી સ્વામીએ મોકલ્યો છે. તેઓ તમને મદદ કરશે.” કેવો વિશ્વાસ હશે એ દિવ્ય પુરુષને પોતાના રાજીપાના પાત્ર રામ ભંડેરી ઉપર !!!
રામજી ભગત તો પહોંચ્યા ઉપલેટા રામ ભંડેરીને ત્યાં. રામ ભંડેરી પાસે જઈને બધી રજૂઆત કરી. રામજી ભગતની વાત સાંભળતાં જ રામ ભંડેરી તો રાજીના રેડ થઈ ગયા કે, “વાહ દયાળુ, તમે મને ગઢડા છેલ્લાના 7મા વચનામૃત પ્રમાણે વર્તવાની તક આપી.” તરત ઊભા થઈ ગયા અને 200 રૂપિયા જે પોતે કુંભારના ધંધામાં ભેગા કર્યા હતા તે આપી દીધા. રામજી ભગત આટલા બધા પૈસા લેવાની આનાકાની કરતા હતા ત્યારે કહે, “ભગત, આ તમારી જ દીકરી નથી, મારી પણ દીકરી છે તો શું મારે આપવા ન પડે ?” આમ કહી ખૂબ આગ્રહથી, પ્રેમથી રવાના કર્યા.
રામજી ભગત અને તેમનાં ધર્મપત્ની ગાડામાં રોકડા રૂપિયાની કોથળીઓ લઈને ઘેર જવા નીકળ્યા. ચોમેર રાત્રિનો અંધકાર છવાયેલો હતો. રસ્તામાં રૂપિયાની કોથળીઓ ગોદડી નીચેથી ધીરે ધીરે સરકીને નીચે પડી ગઈ. અંધારામાં તેનો ખ્યાલ ન રહ્યો. ભેંસજાળ રાત્રે બે વાગ્યે પહોંચ્યાં. જઈને જોયું તો ગાડામાં રૂપિયાની કોથળીઓ જ નહોતી. ભેંસજાળથી રસ્તામાં રૂપિયાની કોથળીઓ શોધતાં-શોધતાં સવારમાં ઉપલેટા પહોંચ્યાં. રામ ભંડેરી સવારમાં જંગલ જવા નીકળેલા તે જોઈ ગયા. નજીક આવીને બધી હકીકત પૂછી. રામજી ભગતે અતિશે ચિંતાતુર અને દુઃખદ હૃદયે કહ્યું, “અમે કેવાં કમભાગી છીએ કે તમારી આટલી મદદને પણ સાચવી શક્યા નહીં ?”
રામ ભંડેરી ફરી પોતાના ઘેર પાછા લઈ ગયા ને આજીવિકાના સાધન માટે રાખેલ પોતાનાં ગધેડાં વેચીને બીજા 200 રૂપિયા આપ્યા ને કહ્યું, “હજુ બીજા જોઈએ તો જરૂરથી કહેજો.” રામજી ભગતની આંખમાં આંસુ આવી ગયાં. રામ ભંડેરી કહે, “રામજી ભગત, આ પ્રસંગ તમારો જ નહિ, મારો પણ છે. એમાં શું ? મારા રૂપિયા નહિ વાપરું તો કોના વાપરીશ ? ચાલો, ખાલી રૂપિયાની જ નહિ, બીજી કોઈ પણ જરૂર હોય તો હું જ આપની સાથે આવું છું. આપણે સાથે મળીને આપણી દીકરીનો પ્રસંગ પૂરો કરીશું. હવે તમે મને ના ન પાડશો. તમે પારકા નથી, મારા પોતાના છો. આપણે એક જ બાપના દીકરા છીએ.”
કેવી એકબીજાના સુખદુઃખમાં ભાગીદાર થવાની ઉચ્ચ ભાવના !
ક્યારેક અવું પણ બનતું હોય છે કે આપણે બોલીએ છીએ કંઈક જૂદું અને કરીએ છીએ કંઈક જૂદું.
ઘણી વાર આપણે વાતોના તડાકા અને ભાવનાના ભડાકા કરતા હોઈએ કે, “ભાઈ, આપણા માટે કોઈ પણ કામની જરૂર હોય તો અડધી રાતે ફોન કરી દેજો. તમારા માટે તૈયાર જ છું.” પણ જો ખબર પડી જાય કે આ વ્યક્તિનો ફોન આવે છે અને એ હમણાં મુશ્કેલીમાં છે અને આપણી મદદ માંગશે તો ફોનની સ્વીચ ઑફ કરી નાંખીએ અથવા તો બીજા પાસે ઉપડાવીએ અને કહીએ કે, “કહી દો કે બહાર ગયા છે, સાંજે આવશે.” વળી, ઘણી વખત એવું પણ કહેતા હોઈએ કે, “ગમે ત્યારે પૈસાની જરૂર પડે તો આપણા દરવાજા તમારા માટે ખુલ્લા જ છે, પહોંચી જજો. જરાય સંકોચ ના રાખતા.” પણ જ્યારે આપણી પાસે કોઈ મદદ માટે આવે ત્યારે આપણે ગલ્લાં-તલ્લાં કરતા હોઈએ, કોઈ બહાનાં બતાવવા માંડીએ... “ખરેખર માફ કરજો, રાજી રહેજો, તમે જો ફક્ત 15 મિનિટ જ વહેલા આવ્યા હોત તો સારું હતું. હમણાં જ બીજા ભાઈને આપી દીધા. ભલા માણસ, ફોન કરી દીધો હોત તોય એમને ન આપત. તમનેના પાડવી પડે છે એટલે મને પણ અંતરમાં ઘણું દુઃખ થાય છે, પણ શું કરું ? જો તમે કહેતા હો તોક્યાંકથી સગવડ કરી આપું.”
આમ, જ્યારે આપણું આપેલું વચન પૂરું કરવાનો સમય આવે છે ત્યારે જાણે આપણું આપેલું વચન આકાશનો ભાગબની રહે છે.
શું આ યોગ્ય છે? ના... ના... ના.
આપણે કોઈની તારીફમાં “એક લાખ તાલીયા” એમ બોલવું એના કરતાં એક તાળી પાડવી વધારે સારું છે.એમ એવી ખોટી-ખોટી બડાઈની વાતો કરવી એનાં કરતાં સમયે સૌને મદદરૂપ થવું એ શ્રેષ્ઠ છે.