સુહૃદભાવ - 2

  October 28, 2014

સુહૃદભાવ એટલે લાગણીનો પુંજ, સ્નેહનો સાગર:

પ્રેમ અને લાગણીના પાયા પર રચાયેલ મહાસ્રોત એટલે જ સુહૃદભાવ.પારસ્પરિક પ્રેમ અને લાગણીભર્યા સંબંધોથી જ આપણું જીવન અને પરિવાર સુશીલ બને છે.

“જબ એક મિલે દો મિલે, એક મન સે રહે ગુલતાન,

રાજીપા કે રાજમાર્ગ મેં,એક સુહૃદભાવ હૈ મહાન;

અપને આપ કો મિટા દેંગે હમ, દૂસરોં કે લિયે હમારી જાન,

ઐસે સુહૃદભાવ સે બઢે, અંતર પ્રેમ ઔર અપનાપન.”

હૃદય હંમેશાં લાગણીથી ભીનું રહેતું હોય છે. જો એ લાગણી કોઈને માટે વપરાય નહિ તો હૃદય પણ સુકાઈને પથ્થર બની જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્યસ્થાપક ભગવાન સ્વામિનારાયણ સુહૃદભાવના અજોડ પ્રેરણામૂર્તિ હતા. તેઓના લાગણીભર્યા સ્વભાવથી, અનહદ પ્રેમની વર્ષાથી સંબંધમાં આવનાર સૌ કોઈ ભીંજાઈ જતા. એમાંય પોતાનાપરિવાર સમા સંતો પ્રત્યે મહાપ્રભુનો કેવો વાત્સલ્યભર્યો પ્રેમ...! અહાહા...!!

એક વખત સત્સંગની મા સમાન સદગુરુ મુક્તાનંદ સ્વામી, સંતમંડળ સાથે ગુજરાતમાં વિચરણમાં પધાર્યા હતા. મુમુક્ષુજીવોને મોક્ષમાર્ગની રીત બતાવી અનંતને સત્સંગનો હિતોપદેશ આપીને, સદગુરુ મુક્તાનંદ સ્વામી સંતમંડળ સાથે, સૌરાષ્ટ્રની એ મહાપ્રભુની દિવ્ય રમણભૂમિ ગઢપુર ખાતે પધારી રહ્યા હતા. રસ્તામાં ચાલતાં-ચાલતાં સારંગપુર પધાર્યા. ગામની નદીએ સ્નાનાદીક ક્રિયા કરી, પૂજાપાઠ કર્યા. પરવારીને સૌ સંતો અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઝાડના છાંયે વિશ્રાંતિ લેવા બેઠા.

આ સમયે ગામમાંથી રાઠોડ ધાંધલ લોટો લઈ બહિર્ભૂમિ જવા નદી બાજુ નીકળ્યા હતા. દૂરથી જોયું તો નદીકાંઠે કંઈક ભગવું-ભગવું દેખાતું હતું. દોડતા-દોડતા નદીકિનારે પહોંચ્યા. ત્યાં તો સદગુરુ મુક્તાનંદ સ્વામી સંતમંડળે સહિત ઝાડના છાંયે બેઠેલા હતા. રાઠોડ ધાંધલે નજીક જઈને સંતોને દંડવત કર્યા અને કુશળ સમાચાર પૂછ્યા. મુક્તમુનિએ પણ મહારાજના ખબરઅંતર પૂછ્યા. રાઠોડ ધાંધલે અતિ આનંદ સાથે કહ્યું કે,“સ્વામી, મહારાજ અત્યારે સારંગપુરમાં જ જીવાખાચરના દરબારમાં બિરાજે છે.”

પોતાના પ્રિયતમ એવા ભગવાન સ્વામિનારાયણનાં દર્શનની અદમ્ય ઝંખના જેમના અંતરમાં સતત વહેતી હતી, નેત્રો તલસતાં હતાં, મહાપ્રભુનાં પ્રેમભર્યાં વચનો સુણવા જેમના કર્ણ પ્યાસા હતા અને‘મહારાજ અહીં જ છે,’ આવા સમાચાર મળતાં સૌ સંતોનાં નેત્રો હર્ષાશ્રુથી ઊભરાઈ આવ્યાં. અંતર આનંદથી નાચવા માંડ્યું અને મુક્તમુનિ બોલ્યા કે,“તો તો આજે ઘણા સમયે અમારા પ્રિયતમનાં દર્શન થશે.”

રાઠોડ ધાંધલ જરા ક્ષોભ અનુભવતાં કહે,“પણ સ્વામી, હમણાં મહારાજ કોઈને દર્શન આપતાં નથી. અગાઉથી આજ્ઞા લીધા વિના દર્શને જવાની બંધી છે. હમણાં તો મહારાજે એવું પ્રકરણ ચલાવ્યું છે તો કેટલાયને મહારાજનાં દર્શન જ નથી થતાં.”

આ સાંભળતાં મુક્તાનંદ સ્વામી કહે,“રાઠોડ ધાંધલ, તમે જાવ અને મહારાજને અમારો સંદેશો પહોંચાડો અને વાત કરો કે મુક્તાનંદ સ્વામી સંતમંડળે સહિત ગુજરાત પ્રાંતમાં વિચરણ કરીને અહીં આવ્યા છે. સૌને આપનાં દર્શનની તીવ્ર ઇચ્છા છે તો આપ આજ્ઞા આપો તો અમે સૌ દર્શને આવીએ.”

સંદેશો લઈ રાઠોડ ધાંધલ મહારાજ પાસે ગયા અને સ્વામીએ દર્શન માટે કરાવેલી પ્રાર્થનાની વાત કરી. થોડી વાર મહારાજ સાંભળી રહ્યા પછી કહ્યું કે,“જાવ, સ્વામીને જઈને કહો કે જે બાજુ વિચરણમાં જવાનું હોય ત્યાં ચાલ્યા જાય ને દર્શનનો કોઈ આગ્રહ ન રાખે. હમણાં દર્શનની બંધી છે.” મક્કમતાપૂર્વકનો અને વજ્રઘાત જેવો મહારાજનો આવો સંદેશો સાંભળી રાઠોડ ધાંધલ તો અવાક્ બની ગયા અને ઉદાસ વદને પહોંચ્યા સ્વામી જોડે.

આ બાજુ મુક્તમુનિ સંતો સાથે, કાગને ડોળે રાઠોડ ધાંધલ મહારાજનાં દર્શનના સમાચાર લઈને આવે એની રાહ જોઈનેબેઠા હતા. પરંતુ, સ્વામી તો રાઠોડ ધાંધલના ઢીલા પગ ઉપરથી પારખી ગયા કે આજે મહારાજે કંઈક નવી જ લીલા કરી લાગે છે; છતાંય છાની જિજ્ઞાસા સંતોષવા રાઠોડ ભક્તને પૂછ્યું કે,“શું અમારા પ્રાણાધારે દર્શનની રજા આપી ?”

રાઠોડ ભક્ત ખૂબ દિલગીક બની ગયા અને ઊંડા ઊતરી માથું ધુણાવી ના પાડી દીધી અને મહારાજે કહેવડાવેલ સંદેશો આપ્યો. જળ વગર જેમ માછલી તરફડે તેમ સંતો મહારાજનાં દર્શન વગર તરફડતાં હતા, પણ મહાપ્રભુનો આવો પ્રત્યુત્તર સાંભળતાં સૌ સંતોનાં નેત્ર આંસુથી ભરાઈ ગયાં. ચોમેર ઉદાસીનતા વ્યાપી ગઈ. મુક્તમુનિ પણ થોડા ઉદાસ થઈ ગયા. તેમ છતાં થોડા સ્વસ્થ બની પોતાની દિલગીરી દબાવી, ધીરજ પ્રેરતા સંતોને આશ્વાસન આપવા માંડ્યું કે,“પૂર્વે મુમુક્ષુઓએ ભગવાનને અર્થે કેટલું સહન કર્યું? કેટલાં તપ કર્યાં? એવું આપણે તો નથી કરવું પડતું, છતાંય આપણને તો પ્રગટ પુરુષોત્તમનો મેળાપ થયો છે. આજે નહિ તો બે-ત્રણ દિવસે દર્શન થશે માટે ઉદાસ ના થાવું. પ્રભુની મરજીમાં ને આજ્ઞામાં રહીએ તો ભલે ને છેટે હોઈએ તોય પાસે જ છીએ. એમની આજ્ઞા પાળવામાં જ આપણું શ્રેય છે.”

આમ, મુક્તમુનિએ સંતોને ધીરજ પ્રેરી. પછી સંતોએ કારિયાણી તરફ આગળ ચાલવા માંડ્યું. રાઠોડ ભક્ત તો આ બધું સાંભળી જ રહ્યા. પછી દોડતા-દોડતા મહારાજ પાસે આવીને બધી વાત જણાવીને કહ્યું કે,“મહારાજ, બધા સંતો દર્શનની આજ્ઞા ન મળતાં ઉદાસ થઈ ગયા હતા. પણ મુક્તાનંદ સ્વામીએ બધાને ધીરજ પ્રેરી અને હવે સૌ કારિયાણી તરફ આગળ નીકળ્યા છે.”

વજ્રથીયે કઠોર હોય એવું દેખાડનાર મહાપ્રભુ કુસુમથીયે કોમળ બની ગયા ને નેત્રમાંથી અશ્રુ સરવા લાગ્યાં. એકદમ સફાળા ઊભા થઈ ગયા અને કહ્યું,“ઝટ માણકી લાવો, હવે અમારાથી સંતોને મળ્યા વગર નહિ રહેવાય. એમની પાછળ જવું છે.” અને માણકી આવતાં જ મહાપ્રભુએ માણકી ઉપર સવાર થઈ, પુરપાટ સંતોની પાછળ મારી મૂકી. સંતો ચાલતાં-ચાલતાં હોળીધાર પાસે પહોંચી ગયા હતા. મહારાજે દૂરથી સંતોને જોતાં બમણા વેગે માણકી દોડાવી સંતોને આંબી ગયા. સંતોના મંડળ ફરતે મહારાજ ઘોડી ફેરવીને પ્રદક્ષિણા કરવાં માંડ્યા. સંતો પણ પ્રિયતમનાં દર્શન થતાં માંડ્યા દંડવત કરવા.

ભક્તવત્સલ પ્રભુ અત્યંત કરુણાદ્ર બન્યા અને ઘોડીએથી નીચે ઊતરીને સંતોને સામા દંડવત કરવા માંડ્યા. મુક્તમુનિએ દોડતાં-દોડતાં મહારાજ પાસે જઈને મહાપ્રભુને પકડી લીધા, “અહો પ્રભુ, આપ આ શું કરો છો ?” બોલતાં-બોલતાં દર્શનથી પ્યાસા નેત્ર અશ્રુથી ભરાઈ આવ્યાં અને મુક્તમુનિ અને મુનિવરનું અદભુત મિલન થયું. મહાપ્રભુ ભેટી પડ્યા. સૌ સંતોને પણ વાત્સલ્યમૂર્તિ પ્રભુ ગળે લગાડી ખૂબ ભેટ્યા. પ્રીતમ અને પ્રિયતમનાં નેત્રો અશ્રુથી ઊભરાતાં હતાં. આમ, ભક્ત અને ભગવાનના મિલનનું એક અપૂર્વ ભાવુક દૃશ્ય સર્જાઈ ગયું. ચોમેર દિવ્યતા છવાઈ ગઈ.

સંતોએ હર્ષભેર ઝાડ નીચે પોતાની ચાદરો પાથરીને મહારાજને બિરાજમાન કર્યા. મહાપ્રભુ થોડીવાર તો વાત્સલ્યના વ્હાલે અને અંતરની લાગણી વહાવતા સૌ સંતો સામું જોઈ રહ્યા. સંતોએ પણ નેણ ભરી પ્રભુનાં દર્શન કર્યા. પછી મહારાજે મુક્તમુનિને સત્સંગના સમાચાર પૂછ્યા ને પછી મહાપ્રભુ પોતે ગળાગળા થઈ કહેવા લાગ્યા કે,“હે સંતો, તમો અમારી આજ્ઞાથી દેશ-વિદેશ વિચરણ કરો છો, અનેક અપમાનો-તિરસ્કારો સહન કરો છો, દેહ સામું પણ જોતાં નથી ને અમારા ગુણગાન ગાવ છો. તમારા વડે જ હું ઊજળો છું. ખરેખર હું તમારો ઋણી છું. હે સંતો, તમે ખૂબ દાખડો કરો છો. માટે...” આટલું બોલતાં-બોલતાં તો શ્રીહરિનાં બંને નેત્રો વધુ અશ્રુભીનાં થઈ ગયાં ને પોતાના ખેસના છેડાથી લૂછવા માંડ્યાં.

મુક્તમુનિ પણ બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા,“હે મહારાજ, અમે તો આપના દાસ છીએ; અમે તો આપના વેચાણ છીએ, ગુલામ છીએ. કરુણા કરી અમારાં દર્શનની ઇચ્છા આપે પૂરી કરી. અમોને ઘણો આનંદ થયો. માટે આપ ગામમાં પધારો. અમે આગળ વધીએ.”

“ના... ના... ના... હવે તો તમે બધા પાછા વળો.” એમ કહેતાં સૌને કીર્તન ગવડાવતાં-ગવડાવતાં પોતાની સાથે જીવાખાચરના દરબારમાં લઈ ગયા. મહારાજે પોતાના વ્હાલા સંતોને બેસાડીનેખૂબ ભાવથી પીરસીને, ઘણું ઘણું જમાડ્યું ને આગ્રહ કરીને થોડા દિવસ પોતાની સાથે જ રાખ્યા.

અહો...! મહાપ્રભુની કેવી કરુણા...! કેવી દિવ્યતા...! કેવી કોમળતા...! અહીં મહાપ્રભુ આપણને સુહૃદભાવ કેળવવાની દિવ્ય રીત શિખવાડે છે. ઘણી વાર આપણે કૌટુંબિક પ્રશ્નો, જવાબદારીઓ, ધંધા, વ્યવહારમાં ક્યાંક આપણા પરિવારના સભ્યોની લાગણીને દુભવી દેતા હોઈએ છીએ. વડીલોને ઠેસ પહોંચાડતા હોઈએ છીએ. ક્યાંક બાળકો પ્રત્યેની લાગણીમાં આપણે ઊણા ઊતરતા હોઈએ છીએ. પરિણામે, પરિવારના સભ્યોનાં મન જુદાં પડતા જાય છે. સાથે રહેવા છતાં પણ અંદરથી જુદાઈ લાગે, ઘરમાં સૌને એકબીજાનો ભાર ને ડર લાગે, અંદરોઅંદર એકબીજા વચ્ચેનાં અંતર વધતાં જાય. કારણ, સુહૃદભાવનો અભાવ.