સુહૃદભાવ - 3

  November 5, 2014

સુહૃદભાવ ન રહેવાનાં કારણો :

(1) વાતનું વતેસર કરવાની ટેવ :

ઘણીવાર આપણને નાની વાતને ચોળીને ચીકણી કરવાની ટેવ પડી ગઈ હોય છે. વાતમાં કશું ના હોય પણ મોટું સ્વરૂપ કરી મૂકીએ. બનેલી નાની વાતને મોટી કરી અન્યની આગળ રજૂ કરીએ ને ક્યારેક તો વાત બની હોય કંઈક અને રજૂઆત-ચર્ચા સાવ જુદી જ થતી હોય છે. નાની-નાની વાતમાં અકળાઈ જતા હોઈએ છીએ, ગુસ્સે થઈ જતા હોઈએ છીએ. વાતમાં કાંઈ દમ ન હોય પણ અણસમજણથી ક્યારેક રજનું ગજ કરી દેતા હોઈએ છીએ. પરિણામ એકબીજા પ્રત્યે જુદાપણું કે નફરત ઉત્પન્ન થતાં હોય છે. જેના કારણે આપણા પરિવારની વચ્ચે સુહૃદભાવ કેળવી શકતા નથી.

(2) મનના ઠરાવ :

ઉદ્વેગ અને અશાંતિનાં બીજ મનના ઠરાવોમાંથી ફૂટી નીકળતાં હોય છે. મનના ઠરાવો વ્યક્તિને પોતાના બીબામાંથી બહાર નીકળવા જ નથી દેતા. મનના ઠરાવ પૂરા કરવા માટે માણસ એની પાછળ પાગલ બની જાય છે. જેના કારણે રાગદ્વેષ, અકળામણ, અથડામણ ઊભાં થઈ જતાં હોય છે. મનના ઠરાવો જ સરળતાનો માર્ગ ભુલવાડી ધાર્યું કરવાનો ને કરાવવાનો મહારોગ લાગુ પાડે છે. પરિણામે પરિવારમાં સુહૃદભાવ કેળવી શકતા નથી.

(3) કોકના કાને સાંભળવાની અને કોકની આંખે જોવાની ટેવ :

આપણા જ ઘરના પરિવારની વાત જ્યારે કોઈ ત્રાહિત પક્ષ દ્વારા સાંભળીએ ત્યારે વર્ષોથી જોડે રહેનાર પરિવારના સભ્યોમાં શંકાનાં વમળો ઊભાં કરીને બીજાની વાતને સાચી માની લેતા હોઈએ છીએ. પોતે જાતે જોયું ના હોય પણ બીજા કહે, “મેં જોયું” તો એની આંખે જાણે આપણે જાતે જ જોયું હોય એમ વાતને સાચી માની લેતા હોઈએ છીએ. ઘરમાં અવિશ્વાસના વાતાવરણનું સર્જન કરી દેતા હોઈએ છીએ. પરિવારના સભ્યોમાં એકબીજા વચ્ચે શંકા, અવિશ્વાસ અને નફરતનાં વાદળો બંધાય છે.આવી પરિસ્થિતિમાં એકબીજા વચ્ચે સુહૃદભાવ કેળવી શકાતો નથી.

(4) એકબીજાના મતનો અસ્વીકાર :

આપણને આપણી વાત કે આપણો મત જ પ્રસ્થાપિત કરવાની એક અદમ્ય ઇચ્છા રહેલી હોય છે. આપણે જાણે સર્વગુણસંપન્ન છીએ એવી માનીનતા ધરાવતા હોઈએ છીએ. પરિણામે સામે ક્યારેક કોઈના દ્વારા કોઈ વાતની રજૂઆત થાય ત્યારે એના પ્રત્યે નકારાત્મક વલણ દાખવીએ છીએ. તેમના મતનો અસ્વીકાર કરી દઈએ છીએ. છેવટે મતભેદ મનભેદ સુધી પહોંચી જાય છે અને એકબીજાથી મન ઊઠી જાય છે, જેથી આપણે એકબીજા માટે લાગણીશૂન્ય બની જઈએ છીએ. આવા એકબીજાના મતના અસ્વીકારને કારણે પરિવારમાં સુહૃદયભાવનું સ્થાન ભૂંસાઈ જાય છે.

સુહૃદભાવ કેળવવાના ઉપાય :

(1) મમતાભર્યું વલણ :

પરિવારના સભ્યોની વચ્ચે સ્નેહ અને મિત્રાચારી જેવું વલણ કેળવવું. ક્યારેય કોઈને ઊંચા અવાજે વઢીને કે બોલીને તરછોડી ન નાંખવા. કહેવું ઘટે તો કહેવું, પરંતુ એકલા બોલાવી પ્રેમથી કહેવું, બધાની વચ્ચે ઉતારી ન પાડવા.

એક દિવસ તત્ત્વચિંતક સોક્રેટીસના ઘરમાં માતા અને દીકરા વચ્ચે ગરમાગરમ બોલાચાલી થઈ ગઈ. સોક્રેટીસે કશું ના કહ્યું. બંને જ્યારે બોલતાં શાંત થઈ ગયાં ત્યારે સોક્રેટીસે દીકરાને પ્રશ્ન પૂછ્યો કે, “બેટા, કૃતઘ્ની કોને કહેવાય ?” દીકરો કહે, “પિતાજી, કરેલા ઉપકારને ભૂલી જાય તે.” ત્યારે સોક્રેટીસે કહ્યું, “બેટા, માતાએ તારી ઉપર ઓછા ઉપકાર કર્યાં છે ? તને કેટલો વ્હાલ ને પ્રેમ આપી મોટો કર્યો છે ? હવે તો તું મોટો થયો. તારે માતા સાથે પ્રેમથી રહેવું જોઈએ. બેટા, શું મા સાથે તકરાર કરાય ? સામું બોલાય ?” આવા સોક્રેટીસના મમતાભર્યાં શબ્દો સાંભળી દીકરો નીચું જોઈ ગયો. ત્યારપછી એણે જીવનમાં ક્યારેય માતા સાથે તકરાર નથી કરી.

આમ, પારિવારિક સંબંધોમાં મમતાની મીઠાશ ઉમેરીશું તો સુહૃદભાવભર્યા પરિવારનું વાતાવરણ સર્જાશે.

(2) વેરઝેરની સામે પ્યાર આપો :

પરસ્પર વ્યવહારને કારણે ઘણીવાર વિસંવાદિતા સર્જાતી હોય છે, પરંતુ તેમાં સમજણથી સુસંવાદિતા કરવી. ક્યારેય અબોલારૂપી આડખીલી ન ખોડવી. વેરઝેરરૂપી અગ્ન્યસ્ત્રની સામે પ્યાર અને સમજણરૂપી મેઘાસ્ત્ર રાખવું. ક્યારેય કોઈના પ્રત્યે પરિવારમાં કોઈ કાર્ય કે વર્તન જોઈ ઘૃણા કે તિરસ્કાર ન કરો. એનાથી વેરઝેર ને દ્વેષવૃત્તિ વધશે, જ્યારે પ્રેમથી કામ લઈશું તો એકબીજાનાં નોખાં પડેલાં મન ભેગાં થઈ જશે ને પરિવારમાં સુહૃદભાવનો સુમેળ સ્થપાશે.

(3) સૌની પરિસ્થિતિને સમજવી અને અનુકૂળ થવું :

કોઈ વાર આપણા મતે કોઈ કામ કે વ્યવહાર વધારે મહત્ત્વનો લાગતો હોય પરંતુ એ વખતે સામેની વ્યક્તિ પાસે એના માટે સુયોગ્ય પરિસ્થિતિ ન હોય તો વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ રાખવો, સૌને સમજવા. જીવનમાં પ્રેક્ટિકલ અને ફ્લેક્સિબલ બનવું. જડ ન બનવું. મોટું મન કેળવી સામાન્ય ત્રુટિઓ ચલાવી લેતા શીખવું. સૌને અનુકૂળ થતાં શીખવું, તો સૌને વ્હાલા લાગી શકાય.

પ.પૂ. સ્વામીશ્રી ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકામાં 88મા કૃપાવાક્યમાં કહે છે, “છૂંદામાં કેટલું ઍડજસ્ટમન્ટ છે ? કેરીનો સ્વભાવ ખટાશનો છે. મરચાનો સ્વભાવ તીખાશનો છે. મીઠાનો સ્વભાવ ખારાશનો છે. ખાંડનો સ્વભાવ ગળપણનો છે. પણ છૂંદાએ કેવું ઍડજસ્ટમેન્ટ કરી લીધું છે કે સૌને વ્હાલો લાગે !” તેમ અન્યના સ્વભાવને બદલવા કરતાં આપણા સ્વભાવને એવો કરવો કે જેથી સૌની સાથે સેટ થઈ જવાય. તો સૌને વ્હાલા લાગીએ.

છૂંદાની જેમ સૌને અનુકૂળ થઈએ તો જ સુહૃદભાવ કેળવાય.

(4) એકબીજાના ગુણોની કદર :

બેઠા બેઠા જે નજરે ચડે, ઝપટે ચડે એની ખોટ જ શોધવી એ એક માનવસહજ સ્વભાવ છે. પરંતુ એના બદલે જો પરિવારના સભ્યોમાં એકબીજાના ગુણોની કદર કરવામાં આવે, કાર્યને બિરદાવવામાં આવે તો એકબીજાનાં મન એક થાય અને મીઠો સંબંધ બંધાય છે. એકબીજાની સાથે હૂંફ અને લાગણીભર્યા સંબંધો કેળવી શકાય છે. બીજાના કાર્યને બિરદાવવાથી જીવનમાં આગળ વધવા માટેનો ઉત્સાહ બેવડાય છે. માટે બાળકોથી માંડીને વડીલો, સૌ કોઈના નાનામોટા કાર્યની કદર કરવાથી પરિવારમાં સ્નેહભર્યું વાતાવરણ સર્જાય છે અને સુહૃદભાવ સહજ થઈ જાય છે.

સુહૃદભાવ કેળવવા માટે ‘એકમના થઈ રહેવું’ આ સૂત્રને આપણા જીવનનું લક્ષ્ય બનાવીએ. અને એ બાબતોને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ તો જરૂર પ્રેરણાદાયી પરિવારની રચના થશે.

આ સૂત્રના એક એક અર્થ જુદા જુદા વિષયોની દિશા સૂચવે છે. તે વિષયોનું ક્રમશ: વાંચન –મનન કરી લક્ષ્યાર્થ કરવાથી જરૂર સુહૃદભાવની દૃઢતા થશે :

એ – એકબીજાને મદદરૂપ થાવ

ક – કંઈક છોડો – પૂર્વાગ્રહ અને અભિપ્રાય

મ – મહિમાના જ વિચાર કરવા, અમહિમાના નહીં

ના – નાનામોટાની મર્યાદા રાખો

થ – થયું છે ને થશે, મારા મહારાજની મરજીથી

ઈ – ઈર્ષ્યાવૃત્તિને ઓળખવી અને છોડવી

ર – રસપૂર્વક જવાબદારી નિભાવીએ

હે – હેવા-સ્વભાવને ઓળખવા અને ટાળવા

વું – વૃત્તિ હંમેશા રાજીપા તરફ રાખવી