સ્વાશ્રય - 1
January 28, 2018
“જાત મહેનત ઝિંદાબાદ.”
“પારકી આશા સદા નિરાશા.”
“જાતે કરવું, જાતે રળવું, જાત વિના સૌ જૂઠું જી.”
નાનીસરખી આ લોકઉક્તિમાં ઉચ્ચ અને આદર્શ જીવનનો ઊંચો હાર્દ સમાયેલો છે. જે ઉક્તિના શબ્દે શબ્દે સ્વાશ્રયી જીવનના પડઘા પડે છે જે આપણને સ્વાશ્રયી જીવન જીવવાની પ્રેરણા આપે છે.
સ્વ + આશ્રય એટલે સ્વાશ્રય. અર્થાત્ પોતાનો જ આશ્રય. સામાન્ય અર્થમાં પોતાનું કાર્ય પોતાની જાતે કરવું તેનું નામ સ્વાશ્રય. પોતાના દરેક કાર્ય માટે જાત મહેનત, આપ લગન, પોતાની ચીવટ અને ચોકસાઈ સાથે પોતાના ઉત્સાહથી અન્ય ઉપર આધાર રાખ્યા સિવાય જાતે જ કાર્ય કરવું તેનું નામ સ્વાશ્રયી જીવન.
“Self dependency is a true dependency.” અર્થાત્ સ્વાશ્રય એ જ સાચો આધાર છે.
પ્રભુનિર્મિત આ સૃષ્ટિમાં આપણી આસપાસ રહેલી વનસ્પતિ, જીવજંતુઓ, પશુ-પક્ષીઓ વગેરે સ્વાશ્રયી જીવન જીવે છે સિવાય કે એક મનુષ્ય. વનસ્પતિનું જીવન જોઈએ તો જમીનમાંથી બીજનો અંકુર ફૂટે ત્યારથી પોતાનું જીવન જાતે જીવે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં જમીનમાં રહેલું પાણી શોષી પોતાનો ખોરાક જાતે બનાવે છે. સમયાંતરે પર્ણો, ફળ, ફૂલ બધું તેના ઉપર આવે છે. પોતે ટાઢ-તડકો વેઠીને પણ અન્યના જીવનમાં ઉપયોગી બને છે. વનસ્પતિ કદી બીજા ઉપર આધાર રાખતી નથી.
એવી જ રીતે પશુ-પક્ષી પણ માળો જાતે બનાવે, ખોરાક જાતે શોધે, બધું આપમેળે કોઈની મદદ વગર કરે છે. સિંહ જંગલનો રાજા કહેવાય છતાં પણ પોતાનો શિકાર પોતાની જાતે જ કરે છે. “नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।” અર્થાત્ “સૂતેલા સિંહના મુખમાં આપોઆપ હરણ (શિકાર) પ્રવેશ કરતું નથી.” તેના માટે સિંહ જાતે જ પ્રયત્ન કરે છે. તે કદી કોઈના કરેલા શિકારનું ભક્ષણ કરતો નથી એટલે જ એ રાજા કહેવાય છે.
સ્વાશ્રય એ જીવનને ઉદ્યમશીલ બનાવી ઊર્ધ્વગમન કરાવે છે. અનેક ગુણોની ખિલવણી કરે છે.
શહેરથી ઘણે દૂર એક જંગલમાં ભીલ પરિવાર રહેતો હતો. બે-ત્રણ કબીલા છૂટાછવાયા રહેતા. તેઓ જંગલમાંથી રોજ લાકડાં વીણી પોતાનું ગુજરાન ચલાવતા. તેમાંના એક કબીલામાં માતાપિતા અને તેમનો ૧૪-૧૫ વર્ષનો દીકરો એમ ત્રણ સભ્યો રહેતાં હતાં.
ચોમાસાની એક સવારે આ દંપતી પોતાના દીકરાને ઘરે મૂકી જંગલમાં લાકડાં વીણવા માટે ગયાં. જોત જોતામાં કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાઈ ગયું. વાવાઝોડું ને પવન ફૂંકાયો. થોડીક જ વારમાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો. ચારેબાજુ જંગલમાં જળબંબાકાર થઈ ગયો. નદીની જેમ પાણી વહેવા માંડ્યું. ઝેરી જીવજંતુઓ દરમાંથી બહાર નીકળવા લાગ્યા. આ દંપતી લાકડાનો ભારો લઈ એક ઝાડ નીચે વિસામો લેવા ઊભા રહ્યાં હતાં. ઝાડના થડમાં રહેલો સાપ વરસાદના બાફને કારણે બહાર નીકળ્યો અને આ પતિ-પત્ની બંનેના પગે ડંખ મારી જતો રહ્યો.
બીજે દિવસે વનબંધુઓ તેમને શોધતા તેમના સુધી આવ્યા ત્યારે બંનેનાં પ્રાણપંખેરું ઊડી ગયાં હતાં. ઘરે લઈ જઈ તેમની અંતિમવિધિ દીકરા પાસે કરાવી.
માતાપિતાએ લાડકોડથી ઊછરેલો દીકરો નિરાધાર બની ગયો. દિવસો વીતતા ગયા. એક દિવસ તે વિચારતાં વિચારતાં ચાલતો હતો કે, “માતાપિતા તો ગયાં, હવે હું કોના આધારે જીવીશ ? કાકા, મામા, માસી, ફોઈ કે પછી મિત્રો ? શું આ બધાં મને કાયમ માટે સાથ આપશે ? ના...ના...સમયે તો કોઈ મદદે નહિ આવે. તો શું જીવનમાં આગળ નહિ વધી શકું ? મારું શું થશે ?”
ખરેખર વાસ્તવિકતાએ જોવા જઈએ તો જીવન પર્યંત કોઈ આપણી સાથે રહેતું નથી. આપણી સાથે રહે છે ભગવાન અને તેમનો રાજીપો. માટે,
“Don’t depend too much on anyone in this world. Even your shadow leaves you when you are in darkness.” અર્થાત્ “આ દુનિયામાં કોઈની ઉપર આધારિત ન જ થવું. તમે જ્યારે અંધારામાં હોવ ત્યારે તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દે છે.” માટે કોઈના આધારે જીવન જીવવાની આશા નિરાશા બની ન જાય તે માટે સ્વાવલંબી રહેવું.
અનાથ બાળક વિચાર કરતો ચાલતો હતો. ત્યાં તેની નજર એક દૃશ્ય ઉપર પડી. ઝાડ ઉપર એક કરોળિયો જાળું બનાવતો હતો. તે વારંવાર નીચે પડતો છતાંય પાછો ઉપર ચડી જાતે જ પોતાનું ઘર બનાવતો હતો. આ કરોળિયાના જીવનમાંથી તેણે પણ સ્વાશ્રયી જીવનની ઉચ્ચ પ્રેરણા લીધી. તેણે દૃઢ સંકલ્પ કર્યો કે, “હવે હું મારું સમગ્ર જીવન સ્વાશ્રયી થઈને જ જીવીશ. કોઈની ઉપર આધાર નહિ રાખું.” તેણે વનનાં પશુ-પક્ષીને મિત્ર બનાવ્યા. શહેરમાં જઈ ખૂબ ભણ્યો અને જંગલમાં જાતે જ વન્ય પશુ-પક્ષીઓ માટેનું એક ઘર બનાવી તેમની ભાષા શીખ્યો. પશુ-પક્ષીના જીવનમાં ઊંડો રસ લઈ તેમના વિષે જાણકારી મેળવતાં મેળવતાં તે એક દિવસ ‘પશુ-પક્ષી’ના પિતા સમાન બની જગતમાં પ્રખ્યાતિ પામ્યા.
સ્વાશ્રયી જીવન જીવવાનો એક અનાથ બાળકે સંકલ્પ કર્યો તો તેના જીવનમાં હિંમત, વિશ્વાસ, દૃઢ સંકલ્પ, રચનાત્મક વિચારસરણી જેવા ગુણો ખીલ્યા. આ તો સમગ્રલક્ષી સ્વાશ્રયનો વિષય થયો. પરંતુ પ્રારંભિક ધોરણે જોઈએ તો આપણા જીવનમાં આપણું માત્ર રોજિંદું કાર્ય જાતે કરવાના સ્વાશ્રયના ગુણથી પ્રારંભ કરવો ફરજિયાત છે. જેનાથી આપણામાં નિયમિતતા, શિસ્તપાલન, સમયપાલન, દૃઢ સંકલ્પ શક્તિ, આપસૂઝ, ચીવટતા જેવા અનેક ગુણો વિકસે છે.
પ્રશ્ન થાય કે સ્વાશ્રયનો ગુણ ક્યારથી દૃઢ કરવો જરૂરી છે ? તો સ્વાશ્રયી જીવનના પાઠ બાલ્યાવસ્થાથી જ દૃઢ કરવા જરૂરી છે. કારણ, બાલ્યાવસ્થા એટલે કોરી સ્લેટ; તેમાં જેવું ચીતરીએ એવું ચીતરાય. સામાન્ય રીતે જોઈએ તો બાળક નાનું હોય તેને ગુજરાતી શીખવીએ તો ગુજરાતી આવડે, અંગ્રેજી શીખવીએ તો અંગ્રેજી આવડે. જેવું અને જે શિખવાડીએ તે આવડે. આપણે સૌ પણ ઘણુંબધું શીખતાં શીખતાં જ મોટા થયા છીએ. એવી રીતે જો આ સ્વાશ્રયનો ગુણ બાલ્યાવસ્થાથી જ શીખવા મળે તો પહેલેથી જ સ્વાશ્રયી જીવન બને છે.
બાળકને સમજણ આવે ત્યારથી તેનામાં રહેલી અગાધ શક્તિઓને ખીલવવા તથા આત્મવિશ્વાસનો ગુણ દૃઢ કરાવવા માતાપિતાએ તેનાં પોતાનાં જ કાર્યો સાથે રહી જાતે કરતાં શીખવવાં જોઈએ. પરંતુ વર્તમાન સમયે જોઈએ તો ઘરમાં માતાપિતા જ બાળકોને તેનું કાર્ય જાતે કરવા દેતા નથી. બાળક સ્વાશ્રયી બનવા મથતું હોય પરંતુ તેના ઉપર માતા-પિતાની જોહુકમી ચાલતી હોય. સ્કૂલબૅગ ભરવી, નાસ્તાનો ડબ્બો-વૉટરબૅગ ભરવી, બૂટ-મોજાં પહેરાવવાં જેવી નાનામાં નાની બાબતમાં માતા એવો જ આગ્રહ રાખે કે હું કરી આપું. એને શું ખબર પડે ? અથવા તો એ બધું ગંદું કરી નાખે, ઘરમાં બધું અસ્તવ્યસ્ત કરી નાખે માટે એને નહિ કરવા દેવાનું અને જો ક્યાંક બાળકો પાસે જ કરાવવાનો આગ્રહ રાખે તો ધોલ-ધપાટ કરી ધમકાવે, વઢે જેથી બાળક જે કાંઈ થોડું ઘણું કરતું હોય તે પણ ન કરે. એવું ન કરતાં માતાપિતાએ સાથે રહી બાળકને પોતાનું કાર્ય વ્યવસ્થિત કેવી રીતે કરાય તે શિખવાડવું જોઈએ. એક-બે-ત્રણ વાર સમજપૂર્વક પ્રેમથી છતાં કડકાઈથી પણ બાળકોને સ્વાશ્રયના પાઠ શીખવવા જોઈએ. આ ઉપરાંત બાળકોને તેમના અભ્યાસનું ટેબલ, ખાનું, પુસ્તકોને પૂંઠાં ચઢાવવાં, રમત-ગમતનાં સાધનો સાચવવાં, યોગ્ય સ્થાને મૂકવાં, લીધેલી વસ્તુ યથાસ્થાને પાછી મૂકવા જેવા સ્વાશ્રયના લઘુપાઠ બાલ્યાવસ્થાથી જ શીખવવા જોઈએ.
આ નિબંધશ્રેણી વાંચી આપણે સ્વાશ્રયી બનવા કૃતનિશ્ચયી બનીએ.