સ્વાશ્રય - 3
February 12, 2018
આપણા મહારાજ અને મોટાપુરુષના જીવનમાં આ સ્વાશ્રયનો આદર્શ હરએક ક્ષણે દર્શિત થતો હોય છે.
શ્રીજીમહારાજે નીલકંઠવર્ણી વેશે ૧૧ વર્ષની અવરભાવની ઉંમરે વનવિચરણનો પ્રારંભ જ સ્વાશ્રયી જીવનથી કર્યો હતો. સાથે ન હતાં કોઈ સગાંસંબંધી કે ન હતો કોઈ શિષ્ય વર્ગ. એકલપંડે અનેક કષ્ટોની કાંટાળી કેડી પર ચાલવા છતાં કોઈની પાસે સેવા કરાવ્યા વિના પોતાનું દરેક કાર્ય જાતે જ કરતા. કૂવામાંથી જળ સિંચવું, બાટી બનાવવી, આસન બનાવવું, પથારી કરવી વગેરે જેવાં દરેક કાર્યો કોઈ કરવા આવે તોપણ કરવા દેતા નહીં.
એક વખત નીલકંઠવર્ણી વેશે વિચરતા મહાપ્રભુ મળસકે ગોરખપુર ગામની સીમમાં પહોંચ્યા. ગામની ભાગોળે આંબલી તળે વિશ્રામ લીધો હતો. બાજુના કૂવામાં ગામની પનિહારી બાઈઓ પાણી ભરતી હતી. ચુંબક જેમ લોહને ખેંચે તેમ આ બાઈઓ વર્ણીરાજની મુખાકૃતિ જોઈ આકર્ષાતી હતી. પરંતુ સવારના કામમાં ગૂંથાયેલી બાઈઓએ વર્ણી તરફ લક્ષ દીધું નહિ ને પાણી ભરીને જતી રહી.
બાઈઓના ગયા બાદ વર્ણીરાજે જાતે કૂવામાંથી પાણી સીંચી સ્નાન કર્યું, જળ ધરાવ્યું. બાજુના ખેતરના માલિકને વર્ણીનાં દર્શને હૈયામાં શાંતિ વળી હતી. તેમને થયું કે આ કોઈ સામર્થ્યવાન દિવ્ય યોગી લાગે છે માટે મારા ઘરે ભોજન માટે બોલાવું. ખેડૂતે વર્ણી પાસે આવી ભાવથી ઘરે ભોજન લેવા પધારવા વિનંતી કરી. ત્યારે વર્ણીએ કહ્યું, “અમે સ્વયંપાકી છીએ, વસ્તીમાં જમતા નથી. જો તમારે જમાડવા હોય તો કાચો લોટ આપો.” ખેડૂતે ચોખ્ખો લોટ લાવી વર્ણીને આપ્યો. વર્ણીએ તેની બાટી બનાવી થાળ કરી જમાડ્યું અને થોડી પ્રસાદી ખેડૂતને પણ આપી.
શ્રીજીમહારાજ રાજાધિરાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી હોવા છતાં નીલકંઠવર્ણી વેશે સાત-સાત વર્ષ સંપૂર્ણ સ્વાશ્રયી જીવન જીવ્યા. લોજપુરને વિષે સત્સંગમાં આવ્યા પછી પણ શ્રીજીમહારાજ પોતાની અવરભાવની સેવા બહુધા જાતે જ કરવાનો આગ્રહ રાખતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું દિવ્યજીવન એટલે સ્વાશ્રયની મધમધતી પુષ્પવાટિકા. સાધુ જીવનના પ્રારંભથી જ ગુરુવર્ય પ.પૂ. બાપજી એકલે હાથે પોતાની બધી સેવાની સાથે સત્સંગની સેવા કરતા. સત્સંગની સેવાની પણ કોઈની ઉપર જવાબદારી નાંખી તેને છોડી દેતા નહિ કે અન્ય કોઈને તેની જવાબદારી સોંપતા નહીં. પોતાની સેવાની તકેદારી જાતે રાખતા અને આજે પણ રાખે છે.
ઈ.સ. ૧૯૮૦-૮૧માં ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘનશ્યામનગર મંદિરે વિરાજતા હતા. એક દિવસ રાત્રે મોડે સુધી કથાવાર્તા ચાલી હતી. પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. ભક્તવત્સલસ્વામી હજુ નવા દીક્ષિત સંતો હતા. સભા પછી સૌ શયન માટે પધાર્યા. ત્યારે પ.પૂ. સ્વામીશ્રી અને પૂ. ભક્તવત્સલસ્વામીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીની પથારી કરવા માંડી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તુરત જ તેમના હાથમાંથી ચાદર લઈ લીધી અને કહ્યું, “અમે તો ઠાકોરજીના સેવક છીએ. સેવા તો ઠાકોરજીની કરવાની હોય માટે અમારી પથારી અમે જાતે જ કરીશું.” ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ વિનય વચને પ્રાર્થના કરી કે, “દયાળુ, પહેલાં આપની સાથે સેવામાં કોઈ સાધુ નહોતા એટલે તો જાતે કરતા હતા. પરંતુ હવે તો અમે બે બે સંતો આપની સાથે સેવામાં છીએ. માટે રાજી થઈ આ સેવાનો લાભ આપો.” તેમ છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પોતાની પથારી જાતે જ કરી. જાણે સ્વાશ્રયનો ગુણ શીખવતા ન હોય !!
ગુરુવર્ય પ.પૂ. બાપજીની સેવા કરવા તો બે સંતો તત્પર હતા છતાં કોઈને સેવા આપી નહીં. આપણે તો કોઈ સેવામાં ન હોય તો સામે ચાલી આપણી સેવા બીજા પાસે કરાવવાનો આગ્રહ રાખીએ. માટે આપણું કાર્ય આપણી જાતે જ કરવાનું શીખીએ.
પ.પૂ. સ્વામીશ્રીના દિવ્યજીવનની હરએક પળ આપણને સ્વાશ્રયના આદર્શ પાઠની પ્રેરણા આપે છે. સમગ્ર સંસ્થાની વહીવટીય સેવા તેમજ સમાજના આધ્યાત્મિક ઘડતરની સેવા પ.પૂ. સ્વામીશ્રીને સોંપી પોતાના ઉત્તરાધિકારી કર્યા છે છતાં પ.પૂ. સ્વામીશ્રી હાલ પણ સવારે ઊઠી પોતાની પથારી જાતે જ વાળીને મૂકી દે. કોઈ સેવા કરવા આવે તોપણ ન આપે. નાહીને ધોતિયું પણ જાતે જ સૂકવે; પત્તર પણ જાતે જ ઘસે. કોઈક વખત સંતો સેવા કરવાનો આગ્રહ કરે તો કહે કે, “જો તમે મારી સેવા કરો તો મારા માથે એટલું તમારું દેવું ચડે.” સંતો મહિમાથી સામે ચાલીને સેવા લઈ લે તો તરત જ કહે, “અમે સેવા કરવા આવ્યા છીએ, કરાવવા નહીં.” પ.પૂ. સ્વામીશ્રી ક્ષણે ક્ષણે એ ચિંતા રાખે : રખેને મારી સેવા કોઈને કરવી પડે નહિ, મારા લીધે કોઈને તકલીફ ન પડે. પૂ. સંતો સમયે સમયે પ.પૂ. સ્વામીશ્રીને આસને જળ આપે જ. ક્યારેય એમને જળ ધરાવવું હોય તો કોઈને બોલાવી જળ લાવવાનું કહે નહીં. તેઓ આસનેથી ઊભા થઈ રસોડામાં જાતે જળ ધરાવવા પધારે, પણ મંગાવે નહીં. જ્યારે આપણે બહારથી ઘરમાં આવીએ તો ઓર્ડર કરીએ, ‘જળ લાવો.’
પ.પૂ. સ્વામીશ્રીના આસને બાથરૂમ સાફ કરવાની સેવા એક સાધકમુક્ત દરરોજ કરતા. એક વખત તેમને સેવામાં આવતા મોડું થઈ ગયું. પ.પૂ. સ્વામીશ્રી સ્નાન કરવા માટે પધારી ગયા. બાથરૂમ સાફ ન કરેલું જોઈ તેઓએ કોઈને બોલાવ્યા વિના જાતે જ સાફ કરવા માંડ્યું. સાવરણાનો અવાજ સાંભળી પૂ. સંતો અને સાધકો દોડતા આવ્યા. ઘણી આજીજી-વિનંતી કરી છતાંય પ.પૂ. સ્વામીશ્રીએ બારણું ન ખોલ્યું અને બાથરૃમ સાફ કર્યા બાદ કહ્યું, “એમાં શું થઈ ગયું ? અમારે સ્નાન કરવાનું હતું તો બાથરૂમ તો જાતે જ સાફ કરાય ને ! એમાં શું નવું કર્યું છે ?” આવી રીતે પ.પૂ. સ્વામીશ્રીના દૈનિક જીવનમાંથી સ્વાશ્રયી જીવનના પાઠ સહેજે શીખવા મળે. માત્ર પોતાની જ સેવા નહિ પરંતુ અન્યત્ર સત્સંગની સેવા હોય કે કૅમ્પસ સ્વચ્છતાની સેવાની મુલાકાતે પધાર્યા હોય તોપણ દરેક સેવાની જવાબદારી પોતે ઉપાડી લે. પોતાની વહીવટીય કે સત્સંગલક્ષી સેવાના પૂર્વ આયોજનથી માંડી બધી સેવાનાં આયોજન જાતે જ કરે. આપણી જવાબદારી બીજા ઉપર ઢોળી દેવી નહિ એ જ સાચું સ્વાશ્રયી જીવન છે એવો આદર્શ આપણને તેમના દિવ્યજીવનમાંથી મળે છે જેને આપણે શીખીએ.
પ.પૂ. સ્વામીશ્રીનું અવરભાવનું જીવન તો સ્વાશ્રયી છે જ પરંતુ તેમની સાથે રહેલા પૂ. સંતો, સાધકોને પણ સ્વાશ્રયી જીવનના પાઠ અચૂક શીખવે. એક વખત પ.પૂ. સ્વામીશ્રીની સાથે એક સાધકમુક્તને વિચરણમાં જવાનું હતું. પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી સાથે ગાડીમાં બેસવા પધારી રહ્યા હતા. એ વખતે જે સાધકમુક્તને સાથે જવાનું હતું તેઓ નીચે એક્સચેન્જ પર કોઈની સાથે ફોન પર વાત કરતા હતા. ફોન પતાવી જોયું તો પ.પૂ. સ્વામીશ્રી પધારી રહ્યા હતા તેથી તેમણે બીજા એક સાધકમુક્તને કહ્યું કે, “દયાળુ, ઉપર ખાનામાં મારી નોટ રહી ગઈ છે અને પ.પૂ. સ્વામીશ્રી પધારી ગયા છે તો તમે નીચે આપી જાવ ને.” પ.પૂ. સ્વામીશ્રીએ પાછળ ઊભા ઊભા આ સાંભળ્યું. સ્વાશ્રયી જીવનના અતિ આગ્રહી એવા પ.પૂ. સ્વામીશ્રીએ તરત જ તે મુક્તને ટકોર કરી કે, “આપણે સેવા કરવા આવ્યા છીએ, કરાવવા નહીં. આપણે તો સેવક છીએ તો આપણી સેવા વળી બીજા પાસે કરાવવાની ? માટે જાવ અને જાતે ઉપર જઈ તમારી નોટ લઈ આવો. હંમેશાં યાદ રાખવું કે આપણું કાર્ય આપણે જાતે જ કરવું, બીજાને ન સોંપવું.” સમયની કટોકટીના સમયમાં પણ પ.પૂ. સ્વામીશ્રી સ્વાશ્રયી જીવનનો કેટલો આગ્રહ દર્શાવે છે. પ.પૂ. સ્વામીશ્રીએ આ સાધકમુક્તના મિષે આપણને સ્વાશ્રયી જીવન જીવવાની મીઠી ટકોર કરી છે. ત્યારે આપણે દૃઢ સંકલ્પ કરીએ કે આપણી કોઈ પણ સેવા આપણે જાતે જ કરવી છે. અન્યને તકલીફ પડે કે અન્ય કોઈને આપણી સેવામાં રોકાઈ જવું પડે તેવું નથી કરવું.
સ્વાશ્રયી બનવા આટલું કરીએ :
૧. પોતાનું દરેક કાર્ય પોતાની જાતે જ કરીએ : તે માટે જે પૂર્વ આયોજન, તૈયારી કરવી પડે, થોડું ઘણું દેહે કરીને ઘસાવું પડે તો ઘસાઈએ.
૨. નાનું કાર્ય કરવામાં પણ શરમ ન રાખવી : દરેક કામ કે મંદિરની કોઈ પણ સેવા આપણી પોતાની જ છે. જો પહેલું પગથિયું ચડીશું તો જ છેલ્લા પગથિયે પહોંચી શકીશું તેમ વિચારી નાનામાં નાની સેવા કે કામ ઉત્સાહથી કરીએ.
૩. બીજા ઉપર આધારિત ન રહીએ : કોઈની મદદ મળે તો કરું, એકલા ન થાય - આવા વિચારો ન કરીએ. નહિ તો આપણે હાથ-પગવાળા હોવા છતાં હાથ-પગ વગરના બીજાને આધારે જીવતા પાંગળા બની જવાય.
૪. મનની માનીનતાઓને છોડીએ : આવું કરાય, આવું ન કરાય. આવું કરવાથી આપણી પૉઝિશનમાં પંચર પડી જાય. લોકો કેવું વિચારે ? મારી આબરૂ ન સચવાય. આવી કેટલીક નકારાત્મક મનની માનીનતાઓ આપણને સ્વાશ્રયી થવા દેતી નથી માટે તેને છોડીએ. આજની ખોટી ફેશન, રીતિ-નીતિને આપણા મનની માનીનતા ન બનાવીએ.
ઉપરોક્ત બાબતો આપણા અવરભાવના જીવનમાં દૃઢ કરી અવરભાવના જીવનમાં સ્વાશ્રયી બનીએ પરંતુ પરભાવમાં પણ સ્વાશ્રયી બનીએ. સ્વ એટલે હું અનાદિમુક્ત - પુરુષોત્તમરૂપ છું. અનાદિમુક્તનો આશ્રય એકમાત્ર મહારાજની મૂર્તિ છે અર્થાત્ એક મૂર્તિના આધારે જ જીવન જીવવું એ જ ખરો સ્વાશ્રય છે. આપણા કારણ સત્સંગની પરિભાષામાં મૂર્તિરૂપ લટકે વર્તવું એ જ સ્વાશ્રય છે. શ્રીજીમહારાજ, જીવનપ્રાણ બાપાશ્રી, ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કે અમે અવરભાવમાં અને પરભાવમાં બંનેમાં સ્વાશ્રયી બની આપને રાજી કરી શકીએ એવી દયા કરો...દયા કરો...દયા કરો...