તામસી પ્રકૃતિનો ત્યાગ (ક્રોધ છોડો) - 1

  March 28, 2014

વિશ્વભરમાં સર્જાતી કુદરતી હોનારતોમાં સૌથી મહાભયંકર હોનારત હોય તો તે છે “વોલ્કેનિક ઈરપ્સન.”એમ મનુષ્યજીવનમાં શાંતિમાં પણ અશાંતિ સર્જતી હોનારત એટલે “ક્રોધ”ક્રોધ કેવો છે તેનું સ્વરૂપ આ નિબંધમાં જોઈશું.

માનવીના જીવનમાં ‘અટન સો પટ્ટન અને પટ્ટન સો દટન’ ઘણીવાર થઈ જતું હોય છે. વણકલ્પેલી પરિસ્થિતિઓના સર્જન થતાં હોય છે કારણ ક્રોધી સ્વભાવ. ક્રોધી સ્વભાવ કોને કહેવાય ? તે કેવો વિનાશ નોતરે છે તે સમજી તેને ટાળવાના ઉપાય આ લેખમાળા દ્વારા જોઈએ

વિશ્વભરમાં સર્જાતી કુદરતી હોનારતોમાં સૌથી મહાભયંકર હોનારત હોય તો તે છે- “વોલ્કેનિક ઇરપ્શન” (Volcanic Eruption)કહેતાં જ્વાળામુખી ફાટી નીકળે છે તે.

આ હોનારતથી થતા વિનાશને આપણે સૌ કોઈ જાણીએ છીએ. જ્વાળામુખીમાંથી નીકળતો લાવારસ એટલો બધો ગરમ હોય છે કે તેની નજીક કોઈ માણસ જાય તો તે આખો બળી જાય છે. વળી, સમુદ્રના પેટાળમાં જો જ્વાળામુખી ફાટે તો તેમાંથી મોટા હિમાલય જેવા પર્વતનું પણ સર્જન થાય છે. ટૂંકમાં,‘અટ્ટન સો દટ્ટન’ કરવાની તાકાત આ જ્વાળામુખીમાં છે. તેમ માનવીના જીવનમાં પણ જ્વાળામુખીએ કરીને જેવો વિનાશ થાય છે એવો જ કોઈક વિનાશ સર્જાય છે.    

        કોણ છે જવાબદાર આ વિનાશનું સર્જન કરવા માટે ?

કયા કારણથી માનવીના જીવનમાં ‘અટ્ટન સો દટ્ટન’ કહેતાં હતું ન હતું થઈ શકે છે ?

        તો તેનો એકમાત્ર જવાબ છે, “માણસમાત્રમાં રહેલો ક્રોધી સ્વભાવ.”

        આજે જયારે ૨૧મી સદીમાં દુનિયા ડગ ભરી રહી છે, ત્યારે...

        વધી રહ્યા છે- પરિવાર વચ્ચેના અણબનાવ- કુસંપ

        વધી રહ્યા છે- છૂટાછેડાના કિસ્સા

વધી રહ્યા છે- કુટુંબનાં પતન

વધી રહ્યા છે- આપઘાતના કિસ્સા

બધાંનું કારણ એક જ છે ને તે છે એકબીજા વચ્ચે ઉગ્ર સ્વભાવને લીધે ઊભાં થતાં ઘર્ષણો. આપણે વિચારવાનું એ છે કે હું તો ક્યાંક આવા જ્વાળામુખી સમાન ક્રોધી સ્વભાવનો ગુલામ તો નથી બની જતો ને ? કારણ કે આપણા ઇષ્ટદેવને આ સ્વભાવવાળા સાથે નથી બનતું તો ભક્ત તરીકે આપણામાં આ ક્રોધી સ્વભાવ ન જ રહેવો જોઈએ. ક્રોધી સ્વભાવને ટાળવા માટે પ્રથમ તેને ઓળખીએ કે આ મને ક્રોધ આવ્યો કહેવાય. કારણ કે ક્રોધ વ્યાપે ત્યારે એવું અનુસંધાન રાખવું કે, ‘આ મને ક્રોધ આવ્યો’ તે બહુ કઠિન છે. જો અનુસંધાન આવે તો ક્રોધ શમી જાય.

ક્રોધનું સ્વરૂપ (ક્રોધને ઓળખીએ) :

  • ક્રોધ એ માનરૂપી બાપનો દીકરો છે. જ્યાં માન છે ત્યાં ક્રોધ અવશ્ય હોય જ, તેને આમંત્રણ આપવું પડતું નથી. ક્રોધ બધાય સ્વભાવ કરતાં જલ્દી પ્રકાશિત થઇ દેખાઈ આવે છે.
  • ક્રોધ એટલે વાણી ઉપરનો અસંયમ.
  • ક્રોધ એટલે કુસંપનું સર્જન કરનાર (આત્મીયતા ભંગાણ કરનાર).
  • ક્રોધ એટલે સર્વનાશનું મૂળ.
  • ક્રોધ એટલે મહા ચેપી રોગ.
  • ક્રોધ એટલે રાક્ષસનું સ્વરૂપ.
  • ક્રોધ એટલે સારું કાર્ય બગાડનાર.
  • ક્રોધ એ માણસનો દુશ્મન છે.
  • ક્રોધ એ એક એવા પ્રકારનું તોફાન છે કે તે જ્યારે વ્યક્તિમાં પ્રવેશે છે ત્યારે સામાન્ય વિવેકને પણ નષ્ટ કરી નાખે છે. ક્રોધ એ ક્ષણિક ગાંડપણ છે. આ ક્રોધને વશ કરનાર મહાન વ્યક્તિ તરીકે લેખાય છે.

બે સગાં ભાઈ હોય પરંતુ જ્યારે ઝઘડો થાય ને ક્રોધ આવે ત્યારે બોલે છે કે,“તું મને ઓળખે છે ? હું કોણ છું ? ” આ બધું બે ભાઈ નથી બોલતા, પરંતુ તેમની અંદર રહેલો દુષ્ટ અસુર ક્રોધ બોલે છે. જેમ કોઈકને ભૂત વળગ્યું હોય ત્યારે ગાંડપણ કરે, ન બોલવાનું બોલે, ધમાલ કરે ઇત્યાદિક બધું કરે અને ભૂત જતું રહે પછી તેને પોતાને પણ ખબર ન હોય કે મેં શું કર્યું ? એમ જેને આ ક્રોધરૂપી ભૂત વળગ્યું હોય તેની દશા પણ આવી જ હોય છે. તે પોતાને ભૂલી જાય છે. તે વખતે હું શું કરું છું ? હું કોને કહું છું ? હું કોની આગળ કેવી વાત કરું છું ? હું શું બોલું છું ? આવું બોલ્યા પછી મારું શું થશે ? મારે શું પરિણામ ભોગવવું પડશે ? તે બધું જ ભૂલી જાય છે ને પરિણામે અરસપરસના સંબંધો શૂન્ય થઈ જાય છે.

ક્રોધનું સાચું સ્વરૂપ જો નિહાળવું હોય તો તે છે રાક્ષસનું સ્વરૂપ. માણસ જ્યારે ક્રોધ કરે છે ત્યારે તેની આંખો પહોળી થઈ જાય છે, કપાળ ચડી જાય છે, નાક ફૂલી જાય છે, મોઢું મરડાઈ જાય છે. ટૂંકમાં તેનો આખો ચહેરો માણસને બદલે રાક્ષસના જેવો વિકરાળ અને વિકૃત બની જાય છે.

ક્રોધનું સ્વરૂપ વિરૂપ બને ત્યારપછી હથિયાર શોધવાની જરૂર ના પડે. હાથ હથિયાર બની જાય છે. હાથમાં જે વસ્તુ હોય તે પણ હથિયાર કે શસ્ત્ર બની જાય છે. પછી ભલે વેલણ હોય કે સાવરણી હોય, બૂટ હોય કે ચંપલ હોય, ચશ્માં હોય કે કોઈ પણ કીમતી વસ્તુ હોય છેવટે કશું જ ના મળે તો ખાલી ખાલી હાથ પણ પછાડે. ક્રોધ આવે તે વખતે તેના મગજની કે શરીરની સ્થિરતા હોતી નથી જેની વિકૃતિ વ્યક્તિના બાહ્યિક દેખાવમાં તથા વર્તનમાં તુરંત જણાઈ આવે છે. ક્રોધ વ્યાપતાં વ્યક્તિ સાર-અસારને ભૂલી જાય છે. જેને ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના 1લા વચનામૃતમાં મોહ વ્યાપ્યો એવી ઉપમા આપી છે. એવો જ્યારે પોતાનો સ્વભાવગત મોહ વ્યાપે છે ત્યારે પોતાનો આશ્રમ, પોતાનું પદ કે પ્રતિષ્ઠા પણ ભુલાવાડી દે છે જેથી વિશેષે કરી વાણી ને વર્તન દ્વારા અન્યને દુભવી દેવાય છે કાં તો એનો અપરાધ કરી દેવાય છે.

આ અપરાધે કરી જીવ સૂનકાર અવસ્થાને પામે છે. આ પાપે કરીને દોષો ટળતા નથી અને મૂર્તિનું સુખ આવતું નથી. અને એટલે જ ક્રોધની ભયંકરતા સમજાવતાં લોયાના 1લા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે,

“ક્રોધ તો કેવો છે તો જેવું હડકાયું કૂતરું હોય તેવો છે, જેમ હડકાયા કૂતરાની જે લાળતે ઢોર અથવા મનુષ્ય જેને અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે ડાચિયું નાખીને મરી જાય. તેમ ક્રોધની લાળ જેને અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે ડાચિયું નાખીને સંતના માર્ગ થકી પડી જાય અને વળી ક્રોધ કેવો છે તો જેવા કસાઈ, આરબ, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ તે જેમ સર્વને બિવરાવે છે ને બીજાના પ્રાણને હરી લે છે, તેમ ક્રોધ છે તે પણ સૌને બિવરાવે છે ને બીજાના પ્રાણને હરી લે છે. એવો જે ક્રોધ તે જો સાધુમાં આવે તો તે અતિ ભૂંડો લાગે, કેમ જે સાધુ તો શાંત હોય પણ જ્યારે તેમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજાને ક્રૂર લાગે ને તે સાધુની આકૃતિ પણ ફરી જાય, કેમ જે એ ક્રોધનું નામ વિરૂપ છે માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાખે.”