તામસી પ્રકૃતિનો ત્યાગ (ક્રોધ છોડો) - 3
April 12, 2014
સ્વજીવનમાં ક્રોધ ટાળવા કયા જરૂરી પાસાઓ છે અને કેવા સંજોગોમાં ક્રોધ આવે છે ? વળી, ક્રોધથી થયેલા અપરાધને નિવારવા ક્ષમાયાચનાની અદભુત રીત આવો શીખીએ આ લેખ દ્વારા.
તત્વચિંતક સોક્રેટીસ પાસે એરિટ્રાયસ ભણવા ગયા. અભ્યાસ શરૂ કરતાં પહેલાં એક ધ્યેય નક્કી કર્યો હતો, દૃઢ નિશ્ચય કર્યો હતો કે બસ, ગુરુ જે ભણાવે તેને મારે મારા જીવનમાં લક્ષ્યાર્થ કરવું જ છે. આવા દૃઢ મનોબળ સાથે ભણવાનું શરૂ કર્યું. સાથે સાથે ગુરુજી જે ભણાવે તેને ખૂબ જ ધ્યાનથી સાંભળે. એટલું જ નહિ, સાંભળ્યા પછી સમજીને વર્તનમાં ઉતારવાનો પ્રયત્ન શરુ કરી દે. એકાગ્રતાથી ગુરુના ઉપદેશના મર્મને તરત પકડી લે. ગુરુજી પાસે 4થી 6 વર્ષ સુધી અભ્યાસ કર્યો. ભણીને ઘેર આવ્યા. ઘણા લાંબા સમય પછી ભણીને ઘેર આવ્યા હતા તેથી તેમના પિતાજીને ખૂબ આનંદ હતો. તેઓએ દીકરાને પૂછ્યું કે, “બેટા, તું ગુરુ પાસેથી શું શીખીને આવ્યો ?” પરંતુ આશ્ચર્યની વાત બની ગઈ. એરિટ્રાયસ તેમના પિતાજીને કંઈ જ જવાબ નથી આપતા. ફરીથી તેમના પિતાએ પૂછ્યું પણ એ જ રીતે, કોઈ જ ઉત્તર ન આપ્યો ને મંદ સ્મિત કર્યું.
એટલે તેમના પિતાજી ગુસ્સામાં આવી ગયા ને એરિટ્રાયસના મોં પર તમાચો માર્યો અને કહે, “સરખો જવાબ તો આપ.” છતાંય તેઓએ કંઈ જ ઉત્તર ન આપ્યો ને હસવાનું ચાલુ જ રાખ્યું. એટલે તેમના પિતાનો ક્રોધાગ્નિ વધારે સળગી ઊઠ્યો. અને ફરીથી જોરજોરથી તમાચા માર્યા છતાં તેમણે હસવાનું ચાલું જ રાખ્યું. જવાબ ન આપ્યો.
છેવટે તેમના પિતાજી થાક્યા, શાંત પડ્યા એટલે એરિટ્રાયસ બોલ્યા, “પિતાજી, હવે હું કહું કે ગુરુજી પાસેથી હું શું શીખ્યો ? મને ગુરુજીએ ઉપદેશ આપેલો કે જીવનમાં કદી ક્રોધ ન કરવો. સામેની વ્યક્તિ આપણને ગમે તેટલી હેરાન કરે, આપણી પર ગમે તેટલો ક્રોધનો વરસાદ વરસાવે તોપણ આપણે ગુસ્સો ન કરવો. આ ઉપદેશ મેં સાંભળેલો, તે જીવનમાં ઉતાર્યો છે કે નહિ તેની આજે મારે પરીક્ષા કરવી હતી; તેની આજે તક મળી. હવે ખાતરી થઈ ગઈ ને કે હું ક્રોધ કર્યા વગર રહી શકું છું !!”
આ સાંભળતાં તેમનાપિતાજી એકદમ ભેટી પડ્યા અને આંખમાંથી હર્ષનાં આંસુ નીકળી ગયાં.
એરિટ્રાયસ જો આ સ્વભાવને ટાળી શકતા હોય તો આપણા માટે શું અશક્ય છે ? આપણને તો દોષ ઓળખાવનાર ને ટળાવનાર દિવ્ય સત્પુરુષ મળ્યા છે. એરિટ્રાયલને તો આવા કોઈ સર્વોપરી ભગવાન કે ગુરુવર્ય પ.પૂ.બાપજી ને પૂ.સ્વામીશ્રી જેવા દિવ્ય સત્પુરુષો નહોતા મળ્યા.
આપણને તો શ્રીજીમહારાજે દેહના સત્તાવનના ટોળામાંથી બહાર કાઢી, ચૈતન્યને અનાદિમુક્ત કરી, મૂર્તિમાં મૂકી દીધા છે. દોષોથી અલગ કરી દીધા. હવે માત્ર જાણપણું જ રાખવાનું છે.
શું જાણપણું ? તો, જેમ એરિટ્રાયસ ગુરુજી પાસે ભણવા ગયા ત્યારે સૌપ્રથમ દૃઢ સંકલ્પ કરેલો કે, “મારે મારા ગુરુજી જે શીખવે તેને મારા જીવનમાં લક્ષ્યાર્થ કરી, ગુરુજીને રાજી કરવા છે.” તો સમયે ક્રોધ પર વિજય મેળવવા સતત પ્રયત્ન કર્યા કર્યો. તો હવે એરિટ્રાયસના જીવનમાંથી પ્રેરણા મેળવી દૃઢ સંકલ્પ કરીએ કે, “બસ, મારે હવે કોઈ ગુસ્સો કરાવે, અપમાન કરે, મારું ધાર્યું ન કરે, તોપણ ગુસ્સો નથી જ કરવો.”
એરિટ્રાયસે, નિરંતર જાણપણાની સાથે સાથે સહનશીલતા પણ કેળવી હતી.
આપણે પણ ક્રોધ ટાળવા ખૂબ ખપ, ખટકો તથા નિરંતર જાણપણું રાખીએ ને સાથે સાથે કોઈનાં અપમાનો તથા ધાર્યું થાય ન થાય તોપણ સહન કરવાની તૈયારી રાખીએ.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે, “સાધુ થવું અઘરું છે, સાધુતા આવવી એથીય અઘરી છે અને સ્વભાવ ટાળવા તે તો એથીયે કઠિન છે.”
જ્ઞાની, તપી, જપી હોય કે વિદ્ધાન, શાસ્ત્રી, પંડિત હોય તેના માટે પણ સ્વભાવ ટાળવા અઘરા છે.
એક દરબાર સ્વામિનારાયણના સત્સંગી. બહુ મોટા મુક્ત, ખૂબ જ જ્ઞાની, વચનામૃતના ખાંટુ. ઉપાસનામાં એક્કો, નિયમ-ધર્મયુક્ત જીવન ને જે જોગમાં આવે તેનું સાધુ જેવું જીવન કરી દે. સદગુરુઓના પરમકૃપાપાત્ર, હજારો ગુણોના ભંડાર. તેમની હાજરીમાં કોઈ ઢીલું વેણ ન બોલી શકે પણ પ્રશ્ન એ હતો કે તેમનો સ્વભાવ ખૂબ જ આકરો, ગુસ્સાવાળો. વાતવાતમાં ક્રોધ વ્યાપી જાય. “મને ઓળખો છો ? હું દરબાર ! હું ગરાસિયો !” આટલી જ કસર હતી. કોઈની પર ક્રોધ આવે તો પાછળથી પસ્તાવો પણ કરે, માફી પણ માંગે. વારંવાર મોટાપુરુષની આગળ નિયમ પણ લે. પણ સમયે જાણપણું ન રહે. પરંતુ મોટાપુરુષે દયા કરીને તેમને બચાવી લીધા, નહિ તો અપરાધે કરીને કલ્યાણના માર્ગમાંથી પડી જાત.
ક્રોધ ટાળવા માટે સ્વજીવનમાં આ ચાર પાસાંઓને અપનાવીએ...
(1) ધ્યેય નક્કી કરવો :
આ દેહે કરીને મારે મહારાજ અને મોટાપુરુષને રાજી કરી જ લેવાં છે. જો એ આ સ્વભાવથી રાજી ન થતા હોય તો મારે ન જ જોઈએ એમ ધ્યેય નક્કી કરી સ્વભાવ સાથે શત્રુપણું કરીએ.
(2) સત્પુરુષનો સમાગમ :
પોતાની મેળે પોતાનો સ્વભાવ ઓળખવો શક્ય જ નથી. મોટાપુરુષના સમાગમે કરીને જ આપણો સ્વભાવ ઓળખાય અને તેમની રોકણી-ટોકણીએ કરીને જ સ્વભાવ ટળે છે. તેમ છતાં તેનો આધાર તો આપણા ઉપર જ છે - આપણી રોકણી-ટોકણી પ્રમાણે આપણું જીવન બદલીએ છીએ ?
(3) સૌમાં મહારાજનાં દર્શન કરીએ :
કારણ સત્સંગના યોગમાં આવેલા કે પરિવારના સભ્યો કે પછી સત્સંગ સમાજના સભ્યો હોય તેઓ શ્રીજીમહારાજના વ્યતિરેક સંબંધવાળા છે. સૌને અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખ્યા છે. તેમના સંપૂર્ણ કર્તા મહારાજ છે. ગમે તેવા સંજોગો ઊભા થાય તોપણ મહારાજ અને મોટાપુરુષ ઉપર ક્રોધ આવે ? ના...ના... તો સૌમાં મહારાજનાં દર્શન કરીએ તો કોઈના ઉપર ગુસ્સો થાય ? વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા અનાદિમુક્તો ઉપર ક્રોધ થાય તો તેમાં મહારાજનો અપરાધ થઈ જાય. કારણ કે અનાદિમુક્ત મૂર્તિમાં રહે છે. માટે એ સીધો મહારાજનો અપરાધ થઈ જાય. એ અપરાધના ફળે જીવનો પણ નાશ થઈ જાય, મોક્ષનો માર્ગ સદાને માટે બંધ થઈ જાય.
(4) ભજન-પ્રાર્થના :
સબ રોગ કી એક દવા – ભજન અને પ્રાર્થના. ક્રોધ ટાળવા માટે સાચી ભૂખ-ગરજ જગાડી ભજન અને પ્રાર્થના કરવા માંડે તો મહારાજ અને મોટાપુરુષ રાજી થઈ ગમે તેવા કામ-ક્રોધાદિક શત્રુ હોય તેને પણ ટાળી નાંખે.
આ ઉપાયો પ્રમાણે કરવા કટિબદ્ધ થઈએ અને સ્વજીવનમાં વિચારવિમર્શ કરીએ કે કેવા
કેવા પ્રસંગોમાં ક્રોધ આવે છે ?
· નાનાં બાળકો તોફાન-મસ્તીએ ચડે ત્યારે...
· આપણે સોંપેલી જવાબદારી કોઈ પૂરી ન કરે ત્યારે...
· આપણા સ્વમાનનું ખંડન થાય ત્યારે...
· આપણું ભાવતું જમવાનું ન મળે ત્યારે...
· આપણને કોઈ વારંવાર સેવા બતાવે ત્યારે...
· આપણને કોઈ ચીડવે ત્યારે...
· કોઈ વારંવાર એકનો એક ઉપદેશ (સલાહ) આપે ત્યારે...
· વારંવાર કોઈને આપણે કહેવાનું થાય ત્યારે...
આવા સમયે જાણપણું રાખીએ કે મારે ક્રોધ નથી જ કરવો. અને જો કદાચિત્ ક્યાંક ક્રોધ ઊપજે તો તરત જ ક્ષમાયાચના કરીએ.
ક્ષમાયાચના (થયેલા અપરાધથી છૂટીએ) :
શ્રીજીમહારાજે વચનામૃતમાં ક્ષમાયાચના કરવાની અદભુત રીત દર્શાવી છે.
(1) ગઢડા મધ્યનું 27મું વચનામૃત :
આ વચનામૃતમાં શ્રીજીમહારાજ રુચિ દર્શાવે છે કે, “અમથી તો જો એક ગરીબ પણ દુબાણો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે, ભગવાન સર્વાંતર્યામી છે તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે, માટે જેને અમે દુબ્યો તેના જ અંતરમાં વિરાજતા હશે, તો અમે ભગવાનનો અપરાધ કર્યો એમ જાણીને તેને પગે લાગીએ, ને તેને કાંઈ જોઈતું હોય તે આપીએ પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ.”
(2) અમદાવાદનું 8મું વચનામૃત :
- જેની ઉપર ક્રોધ ઊપજે તેને એક સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવો.
- ગદગદ હૃદય થઈને દીનતાએ કરીને રૂડાં રૂડાં વચન બોલીને તેને પ્રસન્ન કરવો એમ અમારી આજ્ઞા છે.
- જો કોઈક સાધુ ઉપર દ્રોહની બુદ્ધિનો સંકલ્પ થાય તો નિષ્કપટ થઈને પોતાને મુખે તે સંકલ્પ કહે જે, હે મહારાજ ! આ રીતનો ભૂંડો સંકલ્પ તમારી ઉપર થયો અને તે સંકલ્પનો જે દોષ તેની નિવૃત્તિને અર્થે તેની પ્રાર્થના કરવી.
- જો ગૃહસ્થ ઉપર પરમહંસને ક્રોધ ઊપજે તો તે પરમહંસ તે ગૃહસ્થની વચને કરીને પ્રાર્થના કરે અને બેઠે થકે નમસ્કાર કરે પણ સાષ્ટાંગ દંડવત ન કરે.
- જે સાંખ્યયોગી બાઈઓ તેને જો પરસ્પર ક્રોધ ઊપજે તો વચને કરીને પ્રાર્થના કરવી ને બેઠે થકે નમસ્કાર કરવો.
- જે સાંખ્યયોગી પુરુષ તથા પરમહંસ તેની તો એક રીત છે - જેની ઉપર ક્રોધ ઊપજે તેની આગળ પોતાની મોટપ મૂકીને તેને પોતાના ઇષ્ટદેવ જે શ્રી સ્વામિનારાયણ તેના ભક્ત જાણીને નમસ્કાર કરવા ને પ્રાર્થના કરવી.
- બીજું, આ જે અમે ક્રોધનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે તેને જે કરશે તેને ઉપર અમે પ્રસન્ન થઈશું ને તેનું અંત:કરણ શુદ્ધ થાશે અને તેનાં કામ, ક્રોધ, માન, લોભ, ઈર્ષ્યા, મદ, મત્સર તે સર્વ નાશ પામી જશે.
શ્રીજીમહારાજે આપેલ દિશ પ્રમાણે ક્રોધાવેશમાં આવીને થઈ ગયેલા અપરાધથી છૂટવા ક્ષમાયાચના કરીએ અને ફરી ક્રોધ ન થઈ જાય તેનું જાણપણું રાખીએ.
વિશેષ દૃઢતા માટે :
આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો :
- દુ:ખનું મૂળ
- આપણી કુટેવો
- હરિ ગમતામાં જ રહેવું છે : ભાગ-1,2,3,4,5
- સાવધાન રહેવું