ઠાકોરજીનો પૈસો વેડફાય નહીં.
March 5, 2017
સન 2014ના વર્ષનો આ પ્રસંગ છે. ડિસેમ્બર માસ ચાલી રહ્યો હતો. દિવાળી પૂરી થયે હજુ થોડા દિવસો જ વીત્યા હતા. એટલે સંતોની પધરામણીઓ ચાલી રહી હતી. એક દિવસ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના નિત્યક્રમ મુજબ વાસણા મંદિરથી અમદાવાદના અન્ય સેન્ટરોની પ્રાતઃસભામાં લાભ આપવા પધાર્યા હતા. જેમાં સંત આશ્રમમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂ. સંતોની પધરામણીમાં ઠાકોરજીને ભેટમાં આવેલું ફ્રૂટ સહેજ બગડતું જોયું. આ જોતાં જ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એક સંતને બોલાવ્યા ને પોતાની હાજરીમાં સારું ફ્રૂટ અને સહેજ બગડી જાય એવું ફ્રૂટ કે જેનો પહેલા ઉપયોગ કરવો પડે તેમ હોય એવા બે ભાગ કરાવ્યા. તથા જે બગડી જાય તેવું ફ્રૂટ હતું તે બગડી જાય તે પહેલાં ઠાકોરજીને ધરાવી પ્રસાદી તરીકે વહેંચાવી દેવડાવ્યું. ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંતોના રસોડા બાજુથી નીકળતા કોઠારમાં લાઇટ ચાલુ જોઈ પરંતુ કોઈ સંતો કે હરિભક્તોને દીઠા નહિ એટલે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી રહી ન શક્યા. અતિશે દયાનું સ્વરૂપ એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી રાજી ન થયા અને સંતો-હરિભક્તોને ટકોર કરતાં બોલ્યા કે, “સંતો, ઓલ્યી બત્તી કોનાથી ચાલુ રહી ગઈ છે ? કોઈ દેખાતું તો છે નહીં. જાવ, જલ્દીથી બત્તી બંધ કરો. એક મિનિટેય વધારાની બત્તી બળે તો ઠાકોરજીના પૈસા વેડફાય અને આપણે ઠાકોરજીના ગુનેગાર થઈએ. હરિભક્તો કેટલી મહેનત કરીને, પરસેવો પાડીને પઈ પઈ ભેગી કરતા હોય અને ઠાકોરજીની સેવા કરતા હોય છે અને જો આપણે તેનો દુરુપયોગ કરીએ, તેનો બગાડ કરીએ તો મહારાજ રાજી ન થાય માટે ખૂબ ખટકો રાખવો. આપણા થકી ક્યારેય ઠાકોરજીના એક પૈસાનો પણ બગાડ ન થવા દેવો.” એમ કહી એ દિવ્યપુરુષે ભૂતકાળમાં પોતે વેઠેલાં કષ્ટો સંતોને સ્મરણપટ પર તાજા કરાવ્યા અને જીવનમાં કરકસરનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારબાદ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં લાભ આપવા માટે પધાર્યા.
વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પણ આવા જ કરકસરના આગ્રહી જોવા મળે. તા. 29 જૂન, 2015ના રોજ સાંજે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી એક સેન્ટરમાં અંગત સભાનો લાભ આપવા પધાર્યા હતા. તે પહેલા એ સેન્ટરના એક હરિભક્તને ત્યાં નવું ઘર બનાવ્યું તે નિમિત્તે મહાપૂજાનું આયોજન કરેલ હોવાથી વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તેમના ઘરે લાભ આપવા માટે પધાર્યા હતા. મહાપૂજા વિધિ પૂર્ણ થયા બાદ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પ્રાણપ્યારા વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે નૂતન ઘરમાં પગલા કરી રહ્યા હતા. આ દરમ્યાન વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ ઘરમાં બનાવેલ ફર્નિચર વગેરે જોયું. ફર્નિચર ખૂબ મોંઘું હતું, ખૂબ ખર્ચાળ હતું. આ જોઈ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ હરિભક્તોને નજીક બોલાવીને ટકોર કરતા કહ્યું કે, “આટલો બધો ખર્ચો શા માટે કર્યો ? આટલું બધું મોંઘુ ફર્નિચર ન કર્યું હોય તો ન ચાલે ? મહારાજે તમને આપેલા પૈસા એ તમારા નથી, મહારાજના છે. તમે માત્ર એના ટ્રસ્ટી છો. ટ્રસ્ટી પદે રહીને એ પૈસાનો ઉપયોગ કરો. મકાનમાં આટલો બધો ખર્ચો કરીને ઠાકોરજીના પૈસાનો કેટલો દુરુપયોગ થયો. ઠાકોરજી આનાથી રાજી ન થાય. હંમેશાં વિચારીને ઠાકોરજીના પૈસાનો ઉપયોગ કરતા શીખો.”
વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની જોડે રહેનારા સંતો-હરિભક્તોએ કાયમ અનુભવ્યું હશે કે, કંઈ પણ બાબતમાં, કોઈ વસ્તુમાં બગાડ થતા જુએ તો એ બંને દિવ્યપુરુષ દુઃખી થઈ જાય. અરર... ઠાકોરજીની વસ્તુનો બગાડ થયો !!! સંતોને રસોઈ બનાવતા ક્યાંક વધુ બની ગઈ હોય તોપણ એ દિવ્યપુરુષ સંતોને તુરત ટકોર કરતા બોલી ઊઠે, “સંતો, આજે ઠાકોરજીનો બગાડ થયો. અમને ગળે કોળિયો નહિ ઉતરે, જમવું નહિ ભાવે.” વ્હાલા મુક્તો, કેટલો બધો એ દિવ્યપુરુષનો કરકસરનો આગ્રહ છે...!! તો, આપણે એમના શિષ્યો થઈને ઠાકોરજીના પૈસાનો દુરુપયોગ કરીએ, જેમ તેમ, જ્યાં ત્યાં બિનજરૂરી ખર્ચા કરીએ તે કેમ ચાલે ? એ દિવ્યપુરુષને “રખેને ઠાકોરજીના પૈસાનો બગાડ ન થાય ને મહારાજ મારી ઉપર નારાજ ન થાય” એવો સંકોચ રહે છે તો, આપણે પણ એ દિવ્યપુરુષના શિષ્યો છીએ, આપણે એમને સેવેલા છીએ. બસ, એ દિવ્યપુરુષના જીવનમાંથી પ્રેરણા લઈ આપણું જીવન પણ એવું દિવ્ય બનાવીએ એ જ અભ્યર્થના...