થયું છે ને થશે, મારા મહારાજની મરજીથી - 2

  February 12, 2015

“દાસના દુશ્મન હરિ કદી હોય નહિ, જેમ કરશે તેમ સુખ જ થાશે.” આવો સવળો વિચાર હાથમાં આવી જાય તો જીવનની પ્રત્યેક પળ સુખરૂપ જ લાગે. આવો, આ વાતને સમજીએ આ લેખમાં.

આજે બે-પાંચ મિનિટ પછી કે આવતી કાલે શું થવાનું છે એની આપણને ખબર નથી. ભવિષ્યમાં જે કંઈ થવાનું છે એ મહારાજની મરજીથી જ થવાનું છે તો નાહકની ચિંતા છોડીએ. ચિતા અને ચિંતામાં ફક્ત મીંડાનો જ ફેર છે. ચિતા મરેલા માણસને બાળે છે જ્યારે ચિંતા જીવતા માણસને બાળી નાંખે છે. જે આંતરજગતની તથા પરિવારની શાંતિને હણી લે છે. ભવિષ્યની કેટલીક ખોટી ધારણાઓ, ખોટી અપેક્ષાઓ, ખોટી કલ્પનાઓ અને શેખચલ્લીના વિચારોએ કરીને, ચિંતાતુર વ્યક્તિ નાહકનો પોતે તો દુઃખી થાય છે પરંતુ અન્યને પણ દુઃખી કરે છે. કારણ કે ભવિષ્યને સંતોષવાની તન્માત્રામાં, (ઉત્કંઠામાં)વર્તમાનનો તેઓનો સૌની સાથેનો વ્યવહાર અસંતોષી બની જતો હોય છે. માટે ભવિષ્યની ચિંતા મહારાજ પર છોડી, સૌની સાથે હળીમળી આનંદથી રહીએ.

(3) સવળો વિચાર :

જીવનમાં સુખનો કે દુઃખનો આધાર વ્યક્તિના વિચારો ઉપર રહેલો છે. દરેક વાતને એ કેવી રીતે મૂલવે છે તે મહત્વનું છે. સવળો વિચાર એ જીવનની ઉન્નતિનો પાયો છે જ્યારે અવળો વિચાર એ જીવનની અધોગતિ (અવનતિ)નો પાયો છે. જે સંજોગો કે પરિસ્થિતિસાંપડે તેને સવળી રીતે વિચારવી.

એક વખત રસ્તા ઉપરથી એક અપંગ વ્યક્તિ, હસતાં-હસતાં પ્રફુલ્લિત વદને જઈ રહી હતી. બીજી બાજુ એક ભાઈ, પોતાને બે પગ હોવા છતાં મોં લટકાવી, ઉદાસ વદને ઊભા હતા. અપંગ વ્યક્તિના મોં પર હાસ્ય જોતાં એમણે તરત જ નજીક જઈ કહ્યું કે, “ભાઈ, એક વાત પૂછું ? તમારી પાસે ચાલવા માટે બે પગ નથી છતાંય તમે કેમ હસી શકો છો ?” ત્યારે અપંગ વ્યક્તિએ કહ્યું કે, “મહેરબાન, પહેલાં તમે મને એ જણાવશો કે તમારી પાસે પગ હોવા છતાં આપ દુઃખી કેમ છો ?” ત્યારે એમણે કહ્યું કે, “ભાઈ, મારી પાસે બે પગ તો છે પણ પહેરવા ચંપલ નથી; એના દુઃખથી હું ગમગીન છું.” ત્યારે અપંગ ભાઈ હસતાં હસતાં કહે, “ભાઈ, પ્રભુએ મને પગ નથી આપ્યા એ હું નથી જોતો. પણ મને જોવા માટે બે આંખો તો આપી છે ને આ વિચારે હું આનંદમાં રહું છું. જે નથી એનું  મને દુઃખ નથી થતું.”

વસ્તુતાએ આમ જ છે. એક સવળા વિચારે કરીને આવી પડેલું દુઃખ પણ સુખમાં ફેરવાઈ જાય છે અને પછી હર્ષ કે શોક રહેતા નથી. અપંગ વ્યક્તિને તો બે આંખો મળી છે એના વિચારે પગ નથી એનું દુઃખ વિસરાઈ ગયું હતું;  જ્યારે આપણને તો આવા સર્વોપરી મહારાજ મળ્યા, આવો દિવ્ય કારણ સત્સંગનો યોગ થયો, ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી જેવા દિવ્ય સત્પુરુષ મળ્યા છે તો હવે શાનું દુઃખ ? હવે કોઈ દુઃખ નથી. છતાંય આપણને જે કંઈ દુઃખ લાગે છે એ આપણા નકારાત્મક વિચારની ફલશ્રુતિ છે.

અન્ય જીવો ઉપર તો કાળ, કર્મ, માયાનું બંધન રહેલું છે. એમના જીવનમાં જે કંઈ સુખ-દુઃખ આવે છે તે કાળ-કર્મનું પ્રેર્યું આવે છે; જ્યારે આપણને તો વર્તમાન ધરાવ્યા ત્યારથી નિર્ભય કરી દીધા છે. આપણા અનંત જન્મનાં ખોટનાં ખાતાં વાળી દીધાં છે. હવે આપણી ઉપર સુખ-દુઃખ જે કંઈ આવે છે એ શ્રીજીમહારાજની ઇચ્છાથી જ આવે છે.

ભગવાનના ભક્તને દુઃખ આવવાનું કારણ નિયમ-ધર્મ કે આજ્ઞાનો લોપ અથવા કોઈનો અભાવ-અવગુણ હોય છે અથવા તો કોઈ મોટું દુઃખ આવવાનું હોય તેના બદલે નાનું દુઃખ આવ્યું હોય તે છે. પણ ત્યાં તરત સવળો વિચાર કરવો.

એક વખત લીમડીના મૂળજી શેઠને ગામમાં અન્ય માણસો સાથે ધંધાની બાબતમાં થોડી તકરાર થઈ. દેવાદારોએ ભેગા મળી શેઠનું નિકંદન કાઢી નાંખવાનો વિચાર કર્યો. મૂળજી શેઠને દર પૂનમે ગઢડા દર્શન કરવા જવાનો નિયમ હતો. એટલે તેઓ કાયમ પૂનમની આગલી રાત્રે ઘેરથી એકલા ચાલતાં-ચાલતાં જતા. નજીકના દિવસમાં જ પૂનમ આવતી હોવાથી, વિરોધીઓએ ઠીક લાગ શોધી લીધો. અને શેઠને પૂનમની આગલી રાત્રે નીકળે ત્યારે રસ્તામાં મારી નાંખવાનું કાવત્રું ઘડ્યું. પરંતુ ધાર્યું તો બધું ધણીનું જ થાય છે એ ન્યાયે મૂળજી શેઠ આગલી રાત્રે ઘરેથી નીકળ્યા અને હજુ ગામ બહાર પહોંચે એ પહેલાં એક બાવળની મોટી શૂળ તેમના પગમાં પેસી ગઈ.

પગમાંથી ત્યાં ને ત્યાં જ લોહી વહેવા માંડ્યું. શેઠ એક ડગલું પણ આગળ ચાલી ન શક્યા અને ત્યાંથી જ કોઈના ગાડામાં બેસીને ઘેર પાછા આવ્યા. સવાર સુધી મૂળજી શેઠ ન આવતાં, મારવાવાળા માણસો ગભરાયા કે નક્કી સ્વામિનારાયણ ભગવાને એમના ભક્તને કહી દીધું હશે તો ગામમાં આપણી ફજેતી થશે, એવા વિચારે સવારમાં વહેલા આવી મૂળજી શેઠની માફી માંગી ને બધી હકીકત જણાવી. છતાંય મૂળજી શેઠે મહારાજની મરજી જાણી હતી તો એમને કોઈના વિષે આંટી ન બંધાઈ. ગામના બધા લોકો ખબર કાઢવા આવે ત્યારે શેઠને કહે કે,  “અરેરે...  શેઠ, તમે ભગવાનના મંદિરે જતા હતા તોય દુઃખ આવ્યું ?” શેઠ તો હસતાં-હસતાં એક જ હરફ ઉચ્ચારે કે,“જે કંઈ થયું છે એ મારા મહારાજની મરજીથી થયું છે. એમાં પણ મારું સારું કર્યું છે. શૂળીનું દુઃખ કાંટે સાર્યું છે. ભગવાન પોતાના ભક્તનું અહિત ન જ કરે.”

એટલે જ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં કહ્યું છે કે,

“દાસના દુશ્મન હરિ કદી હોય નહિ, જેમ કરશે તેમ સુખ જ થાશે.”

 મૂળજી શેઠને મહારાજનાં દર્શન કરવા જતાં પગમાં શૂળ વાગી છતાંય સવળો વિચાર જ કર્યો કે મહારાજ મારું સારું જ કરતા હશે. મૂળજી શેઠની જેમ સત્સંગમાં કે વ્યવહારમાં એક જ સવળો વિચાર કરવો કે જે કંઈ થયું છે ને થશે એ મારા મહારાજની મરજીથી જ થયું છે, એમાં મારું હિત જ સમાયેલું છે. વ્યતિરેકના સંબંધવાળા સૌ સંતો-હરિભક્તો દ્વારા મારા મહારાજ જ કાર્ય કરે છે. આ સમજાય તો કોઈને વિષે પૂર્વાગ્રહની આંટી બંધાય નહીં.

(4) આ સમજણની દૃઢતા એટલે આધ્યાત્મિક માર્ગની ચરમસીમા :

  “થયું છે ને થશે, મારા મહારાજની મરજીથી.”  આ સમજણની દૃઢતા એ આધ્યાત્મિક માર્ગની સિદ્ધિ છે. આ સમજણની દૃઢતા એટલે મહારાજના કર્તાપણાનો સંપૂર્ણ સ્વીકાર. ‘મહારાજ રાખે તેમ રહેવાની અને દેખાડે તે જોવાની’ તૈયારી. પ્રભુની પ્રસાદીને પ્રેમથી આરોગવાનો ઉત્સાહ. ત્યાં નહિ કોઈ પોતાની મરજી કે નહિ કોઈ ઠરાવ. એકમાત્ર મહારાજની જ મરજી. આવા ભક્તને શ્રીજીમહારાજે ગઢ઼ડા છેલ્લાના 28મા વચનામૃતમાં નિષ્કામ ભક્તથી બિરદાવતાં કહ્યું છે કે,

“અમારા ભક્તને શૂળીએ ચડાવ્યો હોય ને તે સમયે અમે પડખે ઊભા હોઈએ, અને દર્શન દેતા હોઈએ છતાં સંકલ્પ ન કરે કે મને આ દુઃખથી મુકાવો તો સારું. અને કદાચ અમે કહીએ તોપણ ન માંગે તેનું નામ જ નિષ્કામ ભક્ત.”